Thursday, January 9, 2014

અર્જુન-સુભદ્રાની કથા – સ્વામી સચ્ચિદાનંદ


[ મહાભારતની કથાઓનો વર્તમાન સમયને અનુલક્ષીને જીવનબોધ આપતા તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘મહાભારતની જીવનકથાઓ’માંથી સાભાર.]
જીવનની મધુરતા પ્રેમ છે. પ્રેમ વિનાનું જીવન કડવું ન હોય તોપણ નીરસ-શુષ્ક તો જરૂર હોય છે. શુષ્કતા પાંગરતી નથી. પલ્લવિત નથી હોતી. સૂકું લાકડું બળતણના કામમાં આવે. જે લોકો પ્રેમ વિનાનું જીવન જીવે છે, સૂકા લાકડા જેવું જીવન જીવે છે તે દયાને પાત્ર છે. જે જીવનદર્શન પ્રેમવિરોધી હોય તે કદાચ મૃત્યુ પછી પરલોકમાં તો મોક્ષ અપાવી શકતું હશે, પણ આ લોકમાં તો નિર્જળ રણમાં તરસાવી મારનારું જ હશે. જેના મોક્ષમાં પણ એકાકી જ પ્રેમહીન થઈને રહેવાનું હોય તે મોક્ષ ધૂળના ભાવે મળતો હોય તોપણ તેને લાત મારી દેવી જોઈએ. તેવા મોક્ષ કરતાં આ લોકનાં કષ્ટો ઉઠાવવાં સારાં. હા, કષ્ટોમાં પણ જો પ્રેમ હોય તો. આમ તો મહાભારત શૌર્યગાથાઓથી ભરપૂર છે પણ તેમાં પ્રેમગાથા પણ છે. ખરેખર તો પ્રેમગાથા વિનાની શૌર્યગાથા એકાકી થઈ જતી હોય છે. આમ જુઓ તો શૌર્ય વિનાનો પ્રેમ હોતો જ નથી. પરાક્રમી પુરુષો શૌર્ય કરી શકતા હોય છે અને તે જ પ્રેમને પણ પામી શકતા હોય છે. ભક્તકવિ પ્રીતમે (પ્રીતમ સ્વામી હતા, સંસારી ન હતા) કહ્યું છે કે :
‘પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જો ને,
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જો ને…..’
હરિનો મારગ….

જે લોકો અર્થપ્રધાન કે વાસનાપ્રધાન જીવન જીવતા હોય છે તે પ્રેમપંથ વિનાના હોય છે. તેમના પંથમાં દાઝવાનું નથી હોતું, કદાચ તેથી જ તે પ્રેમીઓને દઝાડતા રહે છે. કારણ કે દાઝયાનો અનુભવ જ તેમને નથી હોતો. આવી જ એક વિચિત્ર પ્રેમગાથા મહાભારતમાં આવી છે.

દ્વારિકા પાસે રૈવતક પર્વત છે. આ પર્વત ઉપર વૃષ્ણિવંશીઓ તથા અંધકવંશીઓનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. દ્વારકાનાં ઘણાં નર-નારી-બાળકો વગેરે સૌ કોઈ પર્વત ઉપર પહોંચી ગયાં હતાં. સૌનાં મન હિલોળે ચઢ્યાં હતાં. પત્ની રેવતીની સાથે બલરામ પણ હર્ષોન્મત થઈને ઉત્સવ ઊજવી રહ્યા હતા. સ્ત્રીઓને આવા ઉત્સવો બહુ ગમતા હોય છે; કારણ કે તેમને ‘આઉટલુકિંગ’ મળતું હોય છે. બાળકોને નાચવાકૂદવાનું અને વાજાં વગાડવાનું મળતું હોય છે. મહારાજા ઉગ્રસેન પણ ઉત્સવમાં પધાર્યા હતા. અક્રૂર જેવા અનેક વિદ્વાનો પણ ઉત્સવની શોભા વધારી રહ્યા હતા. આ ઉત્સવમાં શ્રીકૃષ્ણ અને અર્જુન પણ મિત્રો થઈને સાથે ફરી રહ્યા હતા. અર્જુન હજી શ્રીકૃષ્ણને મિત્ર જ માનતો હતો કારણ કે તેણે હજી તેમનું આધ્યાત્મિક રૂપ જોયું ન હતું. આધ્યાત્મિકતા પ્રદર્શનની વસ્તુ નથી. તે પ્રસંગે જ આપોઆપ પ્રગટ થતી હોય છે. વગરપ્રસંગે પણ જે લોકો આધ્યાત્મિકતાનું પ્રદર્શન કરતા ફરે છે તે નાટકિયા વિદૂષક હોય છે. તેમના બાહ્યપ્રદર્શનથી મોહિત થનારા મૂરખના જામ જ હોય છે. હાં, તો બન્ને મિત્રો મેળામાં ફરી રહ્યા હતા. તેવામાં અર્જુનની દષ્ટિ શ્રીકૃષ્ણની બહેન અને વસુદેવજીની પુત્રી સુભદ્રા ઉપર પડી. સુભદ્રા પણ આજે સોળ શણગાર સજીને સખીઓ સાથે ઉત્સવમાં આવી હતી. સુભદ્રાને જોતાં જ અર્જુનને થયું કે ખરેખર આ સ્ત્રી મારી રાણી થાય તો હું સુખી થાઉં.
પ્રત્યેક પુરુષ કુમારાવસ્થા પાર કર્યા પછી યુવાવસ્થામાં પ્રવેશતાં જ યુવતીને શોધવા માંડે છે. આવું જ સ્ત્રીઓનું પણ હોય છે. પરસ્પરનું આકર્ષણ કુદરતે મૂકેલું છે. ઉંમરલાયક થયેલા કુંવારાં સ્ત્રી-પુરુષો એકબીજાને લગ્ન માટે શોધે તો તે પાપ નથી. તે સહજ પ્રક્રિયા છે. ઉંમરલાયક થતાં પહેલાં જ જેમની સગાઈ થઈ ગઈ હોય તેમને આવી શોધ કરવાની હોતી નથી. તે તો તૈયાર ભાણે જમનારાં હોય છે. પણ આ પ્રક્રિયામાં ઘણી વાર લગ્ન તો થાય છે, પણ પ્રેમ પાંગરતો નથી, કારણ કે લાકડે-માંકડું વળગાડી દેવાયું હોય છે. આવાં કજોડાં જીવનભર શેકાતાં રહેતાં હોય છે. તે છૂટી નથી શકતાં તેમ સાથે રહી પણ નથી શકતાં. કારણ કે લગ્નબંધન કરતાં પણ તેમને સમાજબંધન પ્રબળ હોય છે. આવાં કજોડાં સંતાનો તો ઢગલાબંધ પેદા કરે છે પણ સ્વયં વાંઝિયાં રહી જતાં હોય છે. સંતાનવાંઝિયા થવું તેના કરતાં પ્રેમવાંઝિયા થવું વધુ સંતાપ દેનારું છે. તેમની પીડાને કોઈ સમજી શકતું નથી. ખાસ કરીને સ્ત્રીવર્ગની દશા તો મહાકપરી થઈ જતી હોય છે. આવાં કજોડાં કોઈ વાર તક મળતાં ન ઈચ્છવા છતાં આડાં ફંટાઈ પણ જતાં હોય છે. લોકો તેમને પાપી કહીને ધુતકારે છે પણ કજોડાં કરનારને કોઈ ધુતકારતું નથી. લોકદષ્ટિ જ આવી હોય છે.
અર્જુનને સુભદ્રા ગમી ગઈ છે તે અંતર્યામી શ્રીકૃષ્ણ જાણી ગયા. જેમને ચહેરો વાંચતાં આવડે અને પછી છેક હૃદય સુધી પહોંચી જાય તે અભણ હોય તોપણ વિદ્વાન છે અને માત્ર પોથાં જ વાંચ વાંચ કરે પણ ચહેરો ન વાંચી શકે તે માત્ર વેદિયા જ છે. શ્રીકૃષ્ણે અર્જુનને પૂછ્યું : ‘અર્જુન, તારે મારી બહેન સુભદ્રા સાથે પરણવું છે ?’ બે મિત્રો વચ્ચે જ્યારે બધા ભેદ ઓગળી જાય ત્યારે આત્મિક સંબંધ બંધાતો હોય છે. જેમાં એકબીજા એકબીજાથી કશું ગુપ્ત ન રાખે. ને આત્મીયસંબંધ થતો હોય છે. આવો સંબંધ દુર્લભ હોય છે. શ્રીકૃષ્ણનો પ્રશ્ન સાંભળીને પ્રથમ તો અર્જુન પકડાઈ ગયો તેવા ભાવથી ઝાંખો પડી ગયો. પણ પછી સ્વસ્થ થઈ ગયો. આ તો મારો પરમ મિત્ર છે. તેનાથી શું છુપાવવું ? તેણે હા પાડી દીધી. પણ હવે પરણવું કેવી રીતે ? શ્રીકૃષ્ણે કહ્યું : ‘તું ચિંતા ન કર. હું પિતા વસુદેવજીને તારી વાત કરીશ. ‘વાડ વિના વેલો ન ચઢે’ તેમ કોઈ મધ્યસ્થી ન હોય તો લગ્ન ગોઠવાય નહિ પણ પછી થોડી વાર વિચાર કરીને શ્રીકૃષ્ણ બોલ્યા, કદાચ પિતાજી આ વાત ન માને તો ? અર્જુન કુરુવંશીય છે અને સુભદ્રા યદુવંશી છે. કદાચ વંશ આડો આવે તો પછી સ્વયંવર રચાવીએ. પણ સ્વયંવરમાં સ્ત્રીઓના મનની નિશ્ચિતતાનો ભરોસો નહિ. કદાચ તે બીજા કોઈને પસંદ કરી લે તો ? સ્ત્રીઓ જલ્દી નિશ્ચય નથી કરી શકતી. કદાચ કરે તો ટકી નથી શકતી. બંધન જ તેમને દઢભાવ આપે છે. એટલે અર્જુન તું એમ કર કે મારી બહેનનું અપહરણ કરી જા. હું તારી સાથે છું. અર્જુને યુધિષ્ઠિરને પણ પૂછી જોયું તો ધર્મરાજે પણ સંમતિ આપી.
લાગ જોઈને અર્જુને સુભદ્રાનો હાથ પકડીને પોતાના રથ તરફ ખેંચી લીધી અને રથ દોડાવી દીધો. પૂરા ઉત્સવમાં હોહા થઈ ગઈ. એ જાય એ જાય…કરતાં લોકો જોતાં જ રહી ગયાં. જ્યારે આ સમાચાર બલરામને મળ્યા ત્યારે તે લાલઘૂમ થઈ ગયા. ‘એની આ હિંમત ?’ તેમણે યાદવી સેનાને તૈયાર થવાનો હુકમ કર્યો. આજ અર્જુનને મજા ચખાડી દઈએ. યુદ્ધનાં નગારાં જોરજોરથી વાગી રહ્યાં હતાં. ચારે તરફથી યાદવો શસ્ત્રો લઈ લઈને દોડતા આવી રહ્યા હતા. તેવામાં બલરામની નજર શ્રીકૃષ્ણ પર પડી. તે શાંત-ચૂપચાપ ધીરગંભીર થઈને બેઠા હતા. બલરામે શ્રીકૃષ્ણની સલાહ લેવા માટે પૂછ્યું તો શ્રીકૃષ્ણે સ્પષ્ટ રીતે અર્જુનનો પક્ષ લીધો. મિત્રની ગેરહાજરીમાં પણ જે મિત્રનો પક્ષ લે તે જ સાચો મિત્ર કહેવાય. હાજરીમાં જુદું બોલે અને ગેરહાજરીમાં જુદું બોલે તે પથારીમાં છુપાયેલા સર્પ જેવો હોય છે. તે ક્યારે ડંખ દઈ બેસશે તે કહી ન શકાય. તેવા મિત્રનો ત્યાગ કરનારો કદાચ મિત્રથી વંચિત થઈ જાય પણ તે ડંખથી પણ બચી જાય.
શ્રીકૃષ્ણે બધાને ઠંડા પાડ્યા અને સમજાવ્યા કે જે થયું તે ઠીક જ થયું છે. હવે આપણે ખૂનામરકી કરવાની નથી. સુભદ્રા અને અર્જુનને સ્વીકારી લેવાનાં છે. જો સમજાવનારો મળે તો મહાઅનર્થોને પણ ટાળી શકાય છે. અંતે બધા યાદવો શ્રીકૃષ્ણની વાતને માની ગયા. સૌએ મળીને અર્જુન-સુભદ્રાને પાછાં દ્વારિકા બોલાવ્યાં. વિધિવત તેમનાં ભવ્ય લગ્ન કર્યાં. એક વર્ષ સુધી અર્જુન સુભદ્રા સાથે દ્વારિકામાં રહ્યો. ત્યાંથી અર્જુન પુષ્કરમાં ગયો અને વનવાસનો બાકીનો સમય પુષ્કરમાં વિતાવી બાસ વર્ષનો વનવાસ પૂરો કરીને પછી ખાંડવવનમાં ધૌમ્યઋષિને ત્યાં માતા કુંતાજીને મળ્યો. પછી બધા ભાઈઓને મળ્યો. સૌએ તેને વધાવી લીધો. પછી તે પોતાની પ્રથમ પત્ની દ્રોપદી પાસે ગયો. સુભદ્રા સાથેનાં લગ્નની વાત જાણીને દ્રૌપદી ધૂંવાંપૂવાં થઈ રહી હતી. શૉક અને શોક બરાબર છે. કોઈ સ્ત્રીને શૉક ના ગમે. બધો ભાગ પડાવે તે સહન થાય, પણ પ્રેમમાં કોઈ ભાગ પડાવે તે કેમે કરીને સહન ન થાય. ત્યારે બહુ પત્નીત્વનો રિવાજ હતો. તે ગૌરવ અને શોભાની વાત હતી. તેથી લગભગ બધા જ ઊંચા માણસોને અનેક પત્નીઓ રહેતી હતી. સ્ત્રીઓને આ કાયમી ગૂમડું સહન કરવું જ પડતું. એ પછી યુગો વીત્યા ને એ પ્રથા બંધ થઈ, અમુક જગ્યાએ ચાલુ રહી. છંછેડાયેલી દ્રૌપદીને સમજાવવા અર્જુને બહુ પ્રયત્નો કર્યા. પછી સુભદ્રા પોતે આવી અને દ્રૌપદીને પગે લાગી, કુંતીને અને બધા વડીલોને પગે લાગી. નમસ્કારથી મન જીતી શકાય છે. સુભદ્રાએ દ્રૌપદીને કહ્યું કે, ‘હું તો તમારી દાસી છું.’ બસ વાત બની ગઈ. મેળ પાડતાં આવડે તો શત્રુ સાથે પણ મેળ પાડી શકાય છે. સંયુક્ત પરિવાર મેળ વિના ચાલે નહિ. તેમાં એક તો મેળ પાડનાર હોવો જ જોઈએ. કાળાન્તરે સુભદ્રાને એક પુત્ર થયો જેને સૌભદ્રેય કહેવાય છે.
આ કથા ઉપરથી બોધપાઠ લેવો જોઈએ કે કદાચ પરિવારમાં કોઈ છોકરો છોકરી પ્રેમલગ્ન કરવાનું સાહસ કરે તો જો તેમનો સાચો પ્રેમ હોય તો ઉદારતાથી તેને સ્વીકારી લેવો. બને ત્યાં સુધી કોઈને પ્રેમભંગ ન કરવું. પણ હા, જો તે સાચો પ્રેમ હોય તો જ. જો કન્યાને ફસાવવામાં આવી હોય કે છેતરવામાં આવી હોય તો તેને જરૂર મુક્ત કરાવવી.
સૌજન્ય :  રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.