સાપ વીશે અન્ધશ્રદ્ધાઓ, માન્યતાઓ–ગેરસમજો પ્રવર્તે છે. એટલું જ નહીં, આવી માન્યતાઓ, ગેરસમજોને લઈને તેઓ સાપને મનુષ્યજાતીનો મોટો દુશ્મન માને છે અને તેને જોતાંવેંત મારી નાંખવાનું ઝનુન રાખે છે. સાપ વીશે લોકોને તમે ગમે તેટલું સમજાવો, છતાં તેઓ તમારી અમુક બાબતો સ્વીકારતા નથી.આપણે આપણા દેશ અને વીદેશમાં સાપ વીશેની કેવી માન્યતાઓ પ્રવર્તે છે તે જાણીશું
બધા જ સાપ ઝેરી છે :વાસ્તવમાં દુનીયાભરમાં જે 2900 જેટલી જાતીના સાપ નોંધાયા છે તે પૈકી લગભગ 400 જેટલા સાપ ઝેરી છે. આ પૈકી પણ ફક્ત 50 ટકા જેટલા સાપનું ઝેર જ આપણા મનુષ્યો માટે ઘાતક છે. ગુજરાતમાં 57 પૈકી ફક્ત 4 સાપનું ઝેર જ આપણા મનુષ્યો માટે ઘાતક છે.
સાપ હવામાંથી આવતા અવાજને સાંભળી નથી શકતા :આપણે જ્યારે મદારીની બીન ઉપર સાપને આમથી તેમ ડોલતો જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે, સાપ બીનના અવાજના તરંગોથી પ્રેરાઈને ડોલે છે; પરન્તુ હકીકતમાં સાપને બાહ્ય કાન છે જ નહીં. અરે, કાનની જગ્યાએ કાણું પણ નથી. એટલે હવામાંથી આવતા સીધા અવાજો, કાન મારફતે નથી સાંભળી શકતો. આના વીકલ્પમાં કુદરતે તેને વીશીષ્ટ શક્તી આપી છે. હવામાંથી આવતા અવાજના તરંગો, તેની લપકારા મારતી જીભ ઉપર સંગ્રહાય છે અને પછી આ જીભ તેના મોંની અંદર ઉપરના તાળવામાં આવેલા જેકબસન ઓર્ગનમાં સ્પર્શે છે. આ ઓર્ગનની વીશ્લેષક ગ્રંથીઓ અવાજનું વીશ્લેષણ કરે છે અને સંદેશો મગજમાં પહોંચાડે છે. એટલે સાપ હવામાંથી આવતા અવાજો સાંભળતો નથી; પણ અનુભવે છે, એમ કહેવું વધુ યોગ્ય છે. જ્યારે જમીન ઉપરથી આવતા અવાજને ખુબ જ સમ્વેદનશીલ રીતે તે અનુભવી શકે છે. જમીન ઉપરના અવાજો, પેટાળની ચામડીનાં ભીંગડાંઓ ઉપરથી અનુભવી શકે છે. વળી તેની નીચેના જડબાં ઉપર પણ હવામાંથી આવતા અવાજના તરંગો, ઝીલીને અંદરના કાનના હાડકાં સુધી પહોંચાડે છે અને સાંભળે છે .
- નાગ મદારીની બીન સાંભળી ડોલે છે :નાગને તો શું દુનીયાના કોઈ પણ સાપને કાન નથી હોતા. હકીકતમાં તમે નાગ સમક્ષ બીન નહીં; પણ બીનને બદલે લાકડી પણ આમથી તેમ કરો તો નાગ, લાકડી જે બાજુએ લઈ જાઓ તે બાજુએ સ્વરક્ષણ માટે ફર્યા કરે છે. એટલે જે બાજુ લાકડી જાય તે બાજુ નાગ ફરે છે. આજ પછી તમે જ્યારે પણ મદારીને બીન વગાડતા જુઓ ત્યારે એટલું જરુર નોંધજો કે મદારી સ્થીર રહીને બીન નહીં વગાડે, બીન વગાડતી વખતે તે બીનને આમથી તેમ ફેરવે છે.
- નાગના માથા પર મણી હોય છે :નાગના માથા પર મણી હોય તો દોસ્તો, મારા જેવા કૈંક લોકો કે જેઓ સાપ–નાગ પકડતા હોય છે, તેઓ અબજોપતી હોત અને ઈરુલા જાતીના આદીવાસીઓ કે જેઓનો ધંધો જ સાપ પકડવાનો છે, તેઓ પણ અબજોપતી હોત. ક્યાંક તો મણીવાળો નાગ મળે જ ને ? હકીકતમાં નાગને માથે કે અન્ય ક્યાંય મણી નથી હોતો. કુદરતે કોઈ પણ જીવને વધારાની વસ્તુ આપી નથી. નાગને મણીની ઉપયોગીતા શી હોઈ શકે ? ઘણા તો કહે છે, નાગ મણીના પ્રકાશમાં રાત્રીના શીકાર કરે છે. આવા સમયે માથા પરથી મણી ઉતારે છે અને શીકાર થયા બાદ પાછો મણી માથા પર મુકી દે છે ! જાણે નાગને માથા ઉપરથી મણી ઉતારવા અને પાછો મુકવા માટે બે હાથ ન હોય ? વળી, મણી માથા ઉપર ચોંટાડે શાનાથી ? ખરેખર તો નાગ કે અન્ય કોઈ પણ સાપને શીકાર કરવા માટે પ્રકાશની જરુરીયાત જ નથી હોતી. ગમે તેવા અન્ધકારમાં શીકારની ગરમીથી જ શીકારને પકડી શકે છે.
- સાપને મારી નાંખો તો, નરને મારતા માદા અને માદાને મારી નાંખતા નર, બદલો લે છે :આ માન્યતા ઘણા દાખલા દલીલો સાથે રજુ કરાય છે. હકીકતમાં સાપમાં કૌટુમ્બીક ભાવના જ નથી હોતી. હા, આવું એક જ સંજોગોમાં બની શકે છે. તે પણ કુટુમ્બ ભાવનાથી પ્રેરાઈને નહીં; પરન્તુ અકસ્માતથી જ બની શકે છે. જ્યારે સાપ સંવનન ઋતુમાં હોય છે, ત્યારે તેઓ એકબીજાને આકર્ષવા માટે પોતાના અવસારણી માર્ગમાંથી ખાસ પ્રકારની ગન્ધ–દુર્ગન્ધ મારતા પ્રવાહીનો સ્રાવ કરે છે. હવે આવા દીવસોમાં જો તમે સાપને મારો તો, મારતી વખતે આ પ્રવાહી તમારાં કપડાં, બુટ કે લાકડી ઉપર લાગે અને તમે એ પ્રવાહી લાગેલી વસ્તુ સાફ ન કરો તો નજીકમાં ફરતો એ જાતીનો બીજો સાપ એ ગન્ધથી આકર્ષાઈને આવે એટલું જ ! વળી તે સાપ ઝેરી અથવા બીનઝેરી પણ હોઈ શકે છે; પરન્તુ આવું પણ થવાની સંભાવના ખુબ જ જુજ રહે છે.
- સાપની કાંચળી તીજોરીમાં રાખવાથી લક્ષ્મી (પૈસો) ઘરમાં આવે છે :સાપની કાંચળી ઘરમાં સંગ્રહી રાખવાથી ઉલટાનું આવી કાંચળી ઉપર લાગેલા સ્રાવની ગન્ધથી આકર્ષાઈને બીજો સાપ આવી ચઢે તો, હસવામાંથી ખસવું થઈ જાય. આ તો તદ્દન કપોળકલ્પીત માન્યતા છે. માટે સાપની કાંચળી ઘરમાં સંગ્રહી રાખવી હીતાવહ નથી.
- સાપ ખજાનાની ચોકી કરે છે :સાપ આવી અનેક મનઘડન્ત માન્યતાઓથી ઘેરાયેલા છે. સાપ તેની રહેવાની ખાસીયતો મુજબ ઉંડા દરો, ઉધઈના રાફડાઓ, જુના અવાવરુ મન્દીરો તથા મકાનો વગેરેમાં રહે છે. જોગાનુજોગ કોઈક વાર આવી અવાવરુ જગ્યામાંથી કોઈને કાંઈક મળ્યું હોય કે જ્યાં સાપ રહેતો હોય. અગાઉના જમાનામાં લોકો જમીનની અન્દર કે મકાનની નીચે ભોંયરાઓમાં, પોતાની પાસેનું સોનું, ચાંદી, ઝવેરાત સાચવવા દાટતા હતા કે છુપાવતા હતા. ક્યારેક તેને દાટનાર આકસ્મીક મરી જાય ત્યારે તે વર્ષોવર્ષ દટાયેલું રહે છે. ઉપરોક્ત વાત મુજબ આવી જગ્યાના પોલાણમાં સાપે દર કર્યો હોય ને સાચે જ કોઈને તે ધન મળ્યું હોય તો એ તો ‘કાગનું બેસવું ને તાડનું પડવું’ જેવું બન્યું ગણાય. આ માન્યતા બંધાવા પાછળ આવું કારણ હોઈ શકે. ખરેખર તો વીચારો કે સાપને સોનું, ચાંદી કે રુપીયા શું કે પથ્થરો શું, બધું જ સરખું તથા બીનઉપયોગી છે. વળી તેનું મગજ પણ વીકસીત હોતું નથી, તો આ બધું સાચવવાની પ્રેરણા તેને કોણ આપે ? તેને સમજ કોણ આપે ? તે સાચવે તો પણ કોના માટે ? વળી, સાપ કેટલાં વર્ષો માટે સાચવે ? મહત્તમ 20 વર્ષ સુધી જ ને ? ત્યાર પછી શું ?
અક્ષરાંકન: Govind Maru
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર