Showing posts with label મોરારિબાપુ. Show all posts
Showing posts with label મોરારિબાપુ. Show all posts

Wednesday, January 15, 2014

સુખી થવાનો સરળ ઉપાય – મોરારિબાપુ

માણસ હોય કે પશુ-પક્ષી હોય, દરેક જીવને સુખી થવું ગમે છે. દરેક માણસ પોતાના ધર્મસ્થાનમાં, ધર્મગુરુ પાસે કે વડીલો પાસેથી સુખનાં આશીર્વાદ ઈચ્છે છે. કબીર અને કુંતી જેવા બહુ ઓછા છે જે સુખ ઉપર પથ્થર પડે તેવું ઈચ્છે છે અને ઈશ્વર પાસે દુઃખ માગે છે. માનવીનાં હૃદયમાંથી પ્રેમ જન્મે છે અને મગજમાંથી બુદ્ધિ જન્મે છે. પ્રેમ હંમેશા સારો જ હોય છે જ્યારે બુદ્ધિ બે પ્રકારની હોય છે : (1) સદબુદ્ધિ (2) કુબુદ્ધિ. જેને સુમતિ અને કુમતિ પણ કહી શકાય. જ્યાં સુમતિ હશે ત્યાં સુખ હશે અને જ્યાં કુમતિ હશે ત્યાં દુઃખ હશે. આજે સૌને સુખનાં પ્રદેશમાં જવું છે. જે ચોરી અને લૂંટફાટ કરે છે એમનો ઈરાદો આ રીતે સુખી થવાનો હોય છે પણ એ કુમતિથી અપનાવેલો કુમાર્ગ છે અને એકપણ કુમાર્ગ સુખ સુધી જતો નથી. ઘણાં લોકો સુખ સુખી પહોંચવા માટે સંપત્તિનો વાહન તરીકે ઉપયોગ કરે છે પરંતુ પાયાની વાત એ છે કે સંપત્તિથી સત્તા, સાધનો અને સગવડ ખરીદી શકાય પરંતુ સુખની ખરીદી શક્ય નથી. સંપત્તિથી અદ્યતન શયનખંડ બનાવી શકાય પણ અદ્યતન શયનખંડનાં માલિક હોવું એ સુખ નથી. પરંતુ પથારીમાં પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘ આવી જાય તે સુખ છે. સંપત્તિથી મોંઘામાં મોંઘી દવાઓ ખરીદી શકાય પરંતુ દવાઓ દ્વારા નિરોગી થઈ શકાય તો સુખ મળે. સુખ ઈલાજમાં નથી પરંતુ નિરોગી થવામાં છે. સંપત્તિથી કિંમતી પુસ્તકો ખરીદી શકાય પરંતુ સુખ પુસ્તકો ખરીદવામાં નથી પરંતુ એને વાંચીને-સમજીને રાજી થવામાં છે. માટે સુખી થવું હોય તો સંપત્તિ કરતાં સુમતિ વધુ ઉપયોગી છે.
શ્રીમદ ભગવદગીતામાં જે સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણની વાત છે તે ત્રણે ગુણો રામાયણમાં પ્રસંગ સ્વરૂપે જોવા મળે છે. ભગવાન રામ વાલીપુત્ર અંગદને રાજદૂત બનાવીને રાવણની સભામાં સમાધાનની વાત કરવા મોકલે છે અને સૂચના આપે છે કે રાવણનું કલ્યાણ થાય અને આપણું કામ થાય તે રીતે ગોષ્ઠી કરજે. અહીં ભગવાન પહેલા લંકેશનાં કલ્યાણની વાત કરે છે અને ત્યારબાદ પોતાના કામની ઈચ્છા રાખે છે. અહીં અંગદ સુમતિ છે. રાવણની સભામાં વિભિષણ સત્વગુણી છે, લંકા રજોગુણી છે અને રાવણ તમોગુણી છે. દ્વાપરમાં કુરુક્ષેત્રનાં મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપે છે ત્યારે જે ત્રણ ગુણોની ચર્ચા કરે છે તે ત્રેતાયુગમાં પ્રસંગ બનીને ભજવાય છે. ગીતામાં યોગ છે તેનો રામાયણમાં પ્રયોગ છે. મહાભારતનું યુદ્ધ જમીન એટલે જડ તત્વ માટે છે જ્યારે રામાયણનું યુદ્ધ જાનકી એટલે જીવંત તત્વ માટે છે, અત્યારે જડ તત્વ માટેનાં યુદ્ધ વધી ગયા છે. રજોગુણી લંકામાં તમોગુણી રાવણ પાસે સત્વગુણી વિભિષણની સાક્ષીએ સુમતિ અંગદ રાજદૂત બનીને આવે છે. વિભિષણમાં સત્વગુણ હોવાથી એનાં વચનમાં પાંચ શુભ તત્વો જોવા મળે છે : (1) વિચાર (2) વિશ્વાસ (3) વિવેક (4) વિરાગ (5) વિશ્રામ. આ પ્રસંગ બાદ વિભિષણ ઉર્ધ્વગતિ કરે છે. લંકા ત્યાંની ત્યાં રહે છે અને રાવણની અધોગતિ થાય છે. આવી એક સભા મહાભારત વખતે પણ જોવા મળે છે જ્યાં હસ્તિનાપુર રજોગુણી છે, પાંડવો સત્વગુણી છે અને કૌરવો તમોગુણી છે.
રામાયણમાં કેવટ, વિભિષણ અને સુગ્રિવને રામનાં મિત્ર માનવામાં આવ્યા છે જેમાં કેવટ અને વિભિષણ મિત્ર ઓછા અને સેવક વધુ છે, જ્યારે સુગ્રિવ સાચા અર્થમાં સખા છે. પરિણામે કેવટ રામનાં ચરણ સુધી પહોંચી શક્યો, વિભિષણ રામનાં કાન સુધી પહોંચી શક્યા અને સુગ્રિવનું માથું રામનાં ખોળામાં હોવાથી કહી શકાય કે સુગ્રિવ રામની ગોદ સુધી પહોંચી શક્યો. પરંતુ એક વાત ચોક્કસ છે કે ત્રણે પાસે સુમતિ હતી તો રામનાં હૃદય સુધી પહોંચી શક્યા, માટે ઈશ્વર સુધી પહોંચવા માટે સુમતિનું હોવું ફરજિયાત છે. આજનો માણસ સુખ સુધી પહોંચવા માટે સંપત્તિનો આશ્રય કરે છે અને શિવ સુધી પહોંચવા માટે શુષ્ક કર્મકાંડનો આશ્રય કરે છે, જ્યારે બન્નેનો ઉપાય સુમતિ છે, તો સવાલ થાય કે સુમતિ મેળવવા માટે શું કરવું જોઈએ ? તો એનાં પાંચ રસ્તા છે.
(1) હરિનામ : ઈશ્વરનું નામ સાધકની કુમતિ દૂર કરીને સુમતિ આપશે. ઘણીવાર માણસો માળાની ટીકા કરતાં હોય છે. જો માળા ફેરવીએ તો એમ કહે કે ભગવાનનું નામ લેવામાં ગણતરીની જરૂર નથી અને ન ફેરવીએ તો એમ કહે કે દેખાવ માટે માળા રાખી છે, પરંતુ ફેરવતા નથી. જ્યારે હું એમ કહું છું કે જો માળા ફેરવી શકાય તો સારી વાત છે બાકી ફેરવી ન શકાય તો પણ માળા રાખવી. આપણાં ખિસ્સામાં પંદરસો રૂપિયા હોય અને બસ કે ટ્રેનમાં મહુવાથી ભાવનગર જવાનું હોય તો માનસિક શાંતિ રહેશે કે વાહન ચૂકી જઈશું તો ટેક્સી કરીને પણ ભાવનગર પહોંચી જઈશું. કારણ ખિસ્સામાં દોઢ હજાર રૂપિયા છે, જો માત્ર દોઢ હજાર રૂપિયા યાત્રાને નિર્ભય બનાવી શકે તો અમૂલ્ય એવી માળા અનંતની યાત્રાને જરૂર નિર્ભય બનાવી શકે છે, માટે માળા જરૂર રાખવી અને કદાચ ન રાખી શકો તો જે રાખે છે એમની ટીકા ન કરો તો પણ સુમતિ આવી ગણાશે.
(2) સત્સંગ : સત્સંગનો સંકીર્ણ અર્થ કરશો નહીં. કોઈ ધાર્મિક સ્થાનમાં, ધાર્મિક દેખાતા માણસ પાસેથી ધર્મની ચર્ચા સાંભળો તો જ સત્સંગ થયો ગણાય એવું નથી. કોઈ પણ જ્ઞાતિનાં અને કોઈપણ ક્ષેત્રનાં સજ્જન માણસ પાસે કોઈપણ સ્થળે થયેલી કોઈપણ વિષયની સારી ચર્ચા સત્સંગ છે. ઉદાહરણ તરીકે કોઈ વાલ્મિકી કે દેવીપૂજક સમાજનો માણસ જે રીક્ષાચાલક છે, તેની રીક્ષામાં બેસીને ચાલુ પ્રવાસે કોઈ સારા વિષય ઉપર ચર્ચા થઈ શકે તો એ સત્સંગ છે. બાકી ધર્મનાં માંડવા નીચે સત્સંગનાં નામે કોઈ સાત્વિક ચર્ચા ન થાય તો એ સત્સંગ નથી પરંતુ કુસંગ છે.
(3) ભગવતકથા : કોઈપણ પ્રકારની કથા જો સરળ હોય, સબળ હોય અને સજળ હોય તો તે સાંભળવાથી સુમતિનું કેન્દ્ર સક્રીય બનશે – આ કથા કદાચ ધાર્મિક ન હોય પરંતુ પ્રેરણાદાયી હોય તો પૂરતું છે.
(4) સુસાહિત્યસંગ : સાહિત્ય-સંગીત-નાટક વગેરે અલગ-અલગ પ્રકારની આર્ટ છે અને આર્ટ હંમેશા હાર્ટમાંથી આવે છે, હૃદયમાંથી જન્મે તે કળા છે અને મગજમાંથી જન્મે તે વેપાર છે. પરંતુ સાહિત્ય સુસાહિત્ય હોવું જોઈએ. દરેક કલાકાર અન્ય કલાકારની કળાને વધાવી વખાણી શકશે તો સુમતિ સક્રીય થશે બાકી ઈર્ષ્યાની આગમાં સળગશે તો એ આગમાં એની સુમતિ સળગી જશે જે બીજાની સુમતિને જગાડી શકશે નહીં માટે કળાકાર-સાહિત્યકાર સુમતિ મેળવે અને પોતાને મળેલી ઈશ્વરદત્ત ભેટ દ્વારા બીજાની સુમતિને સક્રીય કરે તે ઈચ્છનીય છે.
(5) ઈશકૃપા : ઈશ્વરની કૃપા એ સુમતિ પામવાનું પાંચમું અને અંતિમ દ્વાર છે. આપણે હરીનામ લઈએ, સત્સંગ કરીએ, ભગવતકથા સાંભળીએ, સુસાહિત્યનો સંગ કરીએ પણ ઈશ્વરકૃપા ન હોય તો સુમતિ મળતી નથી.
આપણી મતિ ચાલાકી અને હોશિયારીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા હરિનામ, સત્સંગ, કથાશ્રવણ, સુસાહિત્યસંગ દ્વારા દિક્ષીત થાય અને એના ઉપર ઈશકૃપા અવતરે અને મતિ સુમતિ બને તે જરૂરી છે અને સુમતિ માણસને સુખ સુધી લઈ જશે, સુમતિ જીવને શિવ સુધી લઈ જશે.

સૌજન્ય :રીડ ગુજરાતી

Sunday, January 5, 2014

ભાર વગરનો ભગવાન – મોરારિબાપુ

ઘણીવાર એવું લાગે કે વિજ્ઞાન માનવીનાં જીવનમાં ગતિ પેદા કરી શક્યું પરંતુ ગીત પેદા કરવામાં નિષ્ફળ ગયું અને પરિણામે માનવજીવનમાં સુવિધા પ્રગટી પરંતુ સુવાસ ન પ્રગટી શકી. માનવજીવન કિંમતી થઈ શક્યું પરંતુ મૂલ્યવાન ન થઈ શક્યું. મને ઘણીવાર વિચાર આવે કે માણસનાં જીવનમાં સુવાસ અને મૂલ્ય બંન્નેનું પ્રાગટ્ય થાય તે માટે શું કરવું જોઈએ ?
સુવાસ અને મૂલ્ય બન્ને અલગ વસ્તુ છે અને ઈન્સાનનાં જીવનમાં ઘણીવાર એવું પણ બને છે કે આ બેમાંથી કોઈ એક તત્વ હોય અને બીજું ગેરહાજર હોય. દાખલા તરીકે, અત્તરનો વેપારી સુગંધ વેચે છે. અનેક પ્રકારની સુગંધ વચ્ચે સતત રહેતા વેપારીને અમુક સમય બાદ સુગંધ આવતી નથી. જે રીતે ચામડામાંથી પગરખાં બનાવનાર ચર્મકારને ચામડાની વાસ આવતી નથી, અત્તરનાં વેપારી પાસે સુગંધનાં તફાવતની સમજણ નથી એટલે એ ગ્રાહકનાં હાથ ઉપર અત્તર લગાડીને સુંઘાડે છે, પરંતુ વેપારીને અત્તરનાં મૂલ્યની બરાબર ખબર છે. વિવિધ પ્રકારનાં અત્તરનાં મૂલ્યો વચ્ચેના તફાવતની પણ એને બરાબર ખબર છે અને આ દુકાને ગ્રાહક આવે છે એને ગંધનું જ્ઞાન છે પણ મૂલ્યની જાણ નથી. એકને ગંધની સમજ નથી અને બીજાને મૂલ્યની પરખ નથી. આપણે એવા સમાજનું નિર્માણ કરવું છે જેને માનવજીવનની સુવાસની ખબર છે અને મૂલ્ય પણ જાણે છે. એવા સમાજનાં સર્જન માટે જે તે સમાજ કે વ્યક્તિમાં કેવા પ્રકારનાં ગુણો આવશ્યક છે એની ચર્ચા આજે કરવી છે.
પ્રામાણિકતા, પવિત્રતા, પૃથ્થકરણ, પ્રયોગ અને પ્રેમ મળીને કુલ પાંચ ‘પ’ જે પ્રાણીમાં હશે તે છઠ્ઠો ‘પ’ એટલે કે પ્રસન્નતાને પામી શકશે અને પ્રસન્નતાની નૌકામાં બેસીને સાતમો અને છેલ્લો ‘પ’ પરમાનંદ સુધી પહોંચી શકે. જગતગુરુ આદી શંકરાચાર્યજીએ પોતાના મહાન ગ્રંથ ‘વિવેકચૂડામણિ’માં લખ્યું છે કે પ્રસન્નતા એ પ્રભુને પામવાનું પ્રવેશદ્વાર છે. જ્યાં પ્રામાણિકતાનો છેદ ઉડે છે ત્યાં મૂલ્યોનો છેદ ઉડે છે. આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાત કરીએ છીએ તો પ્રામાણિકતા એ મૂલ્યનિષ્ઠ શિક્ષણનું ગણેશસ્થાપન છે, પ્રથમ કદમ છે. આચાર્ય વિનોબાજી કહેતા કે જે શિક્ષણમાં યોગ, ઉદ્યોગ અને સૌનો સહયોગ હોય તે શ્રેષ્ઠ શિક્ષણ. હું એવું માનું છું કે આપણી તમામ પ્રવૃત્તિ જ્યાં સુધી આપણી જાગૃતિ હોય ત્યાં સુધી પ્રામાણિક હોવી જોઈએ. એક શિક્ષક પાસેથી કોઈ વિદ્યાર્થી પોતાના પિતાની માંદગીનું કારણ આપીને ઘેર ગયો. એ ગયો પછી એના વર્ગખંડના થોડા સહપાઠીઓએ પેલા શિક્ષકને કહ્યું કે એ વિદ્યાર્થી જુઠ્ઠો છે. એના પિતાજી સ્વસ્થ છે અને એ આપને છેતરીને જતો રહ્યો છે. ત્યારે પેલા શિક્ષકે કહ્યું કે એણે મને છેતર્યો એનું મને દુઃખ નથી પરંતુ મેં એને છેતર્યો નથી એનો મને આનંદ છે. ઘણાં લોકો પ્રામાણિક હોય છે, એ કોઈને છેતરતા નથી પરંતુ પોતે છેતરાઈ ગયા છે એની જાણ થાય તો દુઃખી થઈ જતાં હોય છે અથવા ગુસ્સે થતાં હોય છે. મારી દષ્ટિએ સાચો પ્રામાણિક માણસ એ છે જે છેતરાયા પછી પણ પોતે છેતરાયો છે એનું દુઃખ મનમાં લાવ્યા વગર પોતે એને છેતર્યો નથી એનાં આનંદની મઝા લઈ શકે.
પ્રામાણિકતા બાદ બીજી જરૂરિયાત પવિત્રતાની રહે છે. અહીં તન અને મન બન્ને રીતે પવિત્ર રહેવાની વાત છે. પરંતુ કદાચ તમે તનથી પવિત્ર ન રહી શકો તો બહુ વાંધો નથી પરંતુ મનથી ક્યારેય મલીન ન થવું જોઈએ. નાહ્યા-ધોયા વગરનો તથા મેલાં-ફાટેલા કપડાં પહેરેલો માણસ મનથી કોઈ સંત કરતાં પણ વધુ પવિત્ર હોય તો એ વંદન કરવાને યોગ્ય છે. માણસ વહેવારમાં પ્રામાણિક અને વૃત્તિથી પવિત્ર રહે તો સમાજની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ આવી જાય. અત્યારે માણસો વાતવાતમાં બોલે છે કે દુનિયામાં ક્યાંય શાંતિ નથી, ઘરમાં અશાંતિ, મનમાં અશાંતિ, રાજ્યમાં અશાંતિ, રાષ્ટ્રમાં અશાંતિ તથા વિશ્વમાં અશાંતિ – આવી તમામ પ્રકારની અશાંતિનું ઉથાપન થાય અને તમામ પ્રકારે શાંતિનું સ્થાપન થાય તે માટે જગતભરનાં ચિંતકો, સેવકો, રાજકારણીઓ, સંતો તથા સાહિત્યકારોએ પોતપોતાની રીતે ઉકેલો બતાવ્યા છે. મારો વિચાર એવો છે કે જગતભરનાં અલગ-અલગ માણસોને અલગમાંથી લગોલગ લાવી શકે, વિશ્વરભરનાં નોખા-નોખા ઈન્સાનોને નોખામાંથી અનોખા બનાવી શકે એવું એકમાત્ર તત્વ પ્રેમ છે. જો મારું ચાલે તો હું ન્યુયોર્કમાં યુનોનું જે બિલ્ડીંગ છે તેના ઉપર આંધળાને પણ દેખાય એવા મોટા અક્ષરે ‘પ્રેમ દેવો ભવઃ’ લખાવું.
માણસ જ્યાં સુધી સ્નેહનો ઉપયોગ શરૂ ન કરે અને શસ્ત્રનો ઉપયોગ બંધ ન કરે ત્યાં સુધી શાંતિની અપેક્ષા રાખવી અસ્થાને છે, જો સદનમાં શાંતિની સ્થાપના કરવી હશે તો કટુવાણીનાં શસ્ત્રનો ઉપયોગ બંધ કરવો પડશે, જો મનમાં શાંતિ સ્થાપવી હશે તો માનસિક ઉપદ્રવ કરે તેવા તમામ હથિયારોને હેઠા મૂકવા પડશે, જો તનમાં શાંતિ સ્થાપવી હશે તો તનને પ્રતિકૂળ હોય તેવી જીવનશૈલીનાં શસ્ત્રોને છોડીને શરીર પાસે આત્મસમર્પણ કરવું પડશે, શસ્ત્રોની વાત છોડો, હું તો ત્યાં સુધી માનું છું કે જો શાસ્ત્રો વડે શાંતિનો ભંગ થતો હોય તો તેવા શાસ્ત્રો પણ બંધ કરી દેવા જોઈએ. જો આખી દુનિયા એક સાથે નિર્ણય કરે કે દસ વરસ સુધી શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં, તો મને લાગે છે કે શાંતિમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. દસ વરસ બાદ એમ લાગે કે આ દવા બરાબર નથી તો બીજી દવા વિશે વિચારીશું પણ જ્યાં સુધી દવાનો એક પણ ડોઝ લેશું નહીં ત્યાં સુધી અશાંતિની બિમારી દૂર થવાની નથી.
જો પ્રામાણિકતા બોજ બની જાય તો માણસને ગંભીર બનાવી દે માટે પ્રામાણિકતા પણ ભાર ન બને તે જરૂરી છે, અને પવિત્રતા વર્ણભેદ ઊભા ન કરે એવી હોવી જોઈએ. ભગવાન બુદ્ધે એક દિવસ કૂવાનાં કાંઠે ઊભેલી દીકરી પાસે પાણી માગ્યું. દીકરી હરિજન હતી. એને થયું કે આ સાધુ છે. વળી કોઈ ઉચ્ચ કૂળનું શરીર હોય એવી તેજસ્વિતા છે. એટલે દીકરીએ બુદ્ધને કહ્યું કે હું હરિજન છું. અને ત્યારે બુદ્ધ બોલ્યા કે મેં તારી પાસે પાણી માગ્યું છે. તારી જાતિ માગી નથી. વૃત્તિમાં પવિત્રતા કોને કહેવાય તે સમજવા માટે એક ઉદાહરણ આપું. હું એક દિવસ તલગાજરડાથી મહુવા જતો હતો. મેં જોયું કે એક દેવીપૂજક લાગતી સ્ત્રીએ હાથ ઊંચો કરીને બસ ઊભી રખાવી. ગુજરાતમાં પ્રવાસી હાથ ઊંચો કરે અને બસ ઊભી રહે એવી સુવિધા શરૂ થઈ એ જાણીને મને પચાસ ટકા આનંદ થયો છે. મને સો ટકા આનંદ ત્યારે થશે જ્યારે લોકો હાથ ઊંચો કરે અને મંત્રીની મોટર ઊભી રહેશે. પેલી સ્ત્રી સાથે બે બાળકો હતા. મને જોયો એટલે પગે લાગી. ત્યારબાદ મને કહ્યું કે મારો વર પંદર દિવસથી બિમાર છે. મારા સાસુ એની સાથે ભાવનગર દવાખાને છે. આ છોકરા પંદર દિવસથી કહેતા હતા કે અમારે અમારા બાપા પાસે જવું છે એટલે છોકરાને લઈને ભાવનગર જઉં છું. મેં એ જરૂરિયાતમંદ સ્ત્રીને સંકોચ સાથે પૂછ્યું કે બહેન, હું તને મદદરૂપ થઈ શકું ? ત્યારે બસમાં ચડતાં ચડતાં બોલી કે ના બાપુ, મારો ધણી ઝટ સાજો થઈ જાય એ માટે પ્રાર્થના કરજો. એ સ્ત્રી તનથી સ્વચ્છ હોય કે ન હોય પણ મનથી સ્વચ્છ હતી એમાં શંકા નથી. અને એની વૃત્તિ પવિત્ર હતી.
પવિત્રતા બાદ પૃથ્થકરણ ત્રીજું મહત્વનું લક્ષણ છે. ભગવાન બુદ્ધ એમ કહેતાં કે પૂર્વાશ્રમમાં હું રાજકુમાર હતો. ત્યારબાદ રાજા થયો અને અત્યારે સંન્યાસી છું. મારી આવી કોઈ લાયકાતને ધ્યાનમાં લઈને મારી વાત સ્વીકારશો નહીં પરંતુ તમારી મતિ-બુદ્ધિથી એનું પૃથ્થકરણ કરજો અને ત્યારબાદ તમને યોગ્ય લાગે તો મારા વિચારોને અનુસરજો. હું એવું માનું છું કે કોઈની પાસે ઉચ્ચકક્ષાનો અભ્યાસ હોય, આદરપાત્ર હોદ્દો હોય અથવા વંદનીય પહેરવેશ હોય એટલે એની વાત વિચાર્યા વગર સ્વીકારી લેવી તે બરાબર નથી. હું છેલ્લા પચાસ વરસથી પોથી લઈને દેશ અને દુનિયામાં ફરું છું. છેલ્લી અડધી સદીથી લોકોની સામે સતત બોલતો રહ્યો છું. છતાં મારા શ્રોતાઓને કરબદ્ધ વિનંતી છે કે મારા વિચારોને આંધળુકીયા થઈને સ્વીકારી લેવાની જરૂર નથી. પ્રથમ એનું પૃથ્થકરણ કરો, ત્યારબાદ જરૂરી જણાય તો એને ગ્રહણ કરજો.
ચોથું કદમ પ્રયોગ છે. ગાંધીજીએ પોતાની પ્રમાણિકતા, પવિત્રતા અને પૃથ્થકરણનાં સતત પ્રયોગો કર્યા. એમણે પોતાની આત્મકથાનું શીર્ષક પણ ‘સત્યનાં પ્રયોગો’ રાખ્યું. શાળામાં રહેલી જીવ, રસાયણ અને ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ પ્રયોગ કરે છે. પ્રયોગથી સત્ય, સિદ્ધાંત અને શોધ સુધી પહોંચી શકાય છે અને સત્ય, સિદ્ધાંત અને શોધ માણસને નવી દિશા આપે છે. પ્રગતિશીલ જીવનનું પથદર્શન કરાવે છે. માટે પ્રયોગશીલ રહેવું.
પાંચમું અને છેલ્લું અનિવાર્ય લક્ષણ પ્રેમ છે. માણસ જ્યારે પ્રેમપૂર્ણ બને છે ત્યારે એ સાચા અર્થમાં ભરાય છે. માતા પોતાના પુત્રને ઉપાડે કે પિતા પોતાની પુત્રીને ઉપાડે ત્યારે બોજ લાગતો નથી, એનું કારણ પ્રેમ છે. એક પ્રૌઢ પોતાની દીકરીને ઊંચકીને પહાડ ચડતો હતો. સ્વામી રામતીર્થે કહ્યું કે લાવો આ દીકરીને થોડીવાર હું ઉપાડી લઉં. તમને ભાર લાગ્યો હશે. ત્યારે બાપ બોલ્યો કે એ મારી દીકરી છે અને જગતનાં કોઈ બાપને દીકરીનો ભાર ન લાગે. પિતાનાં આ જવાબમાં પ્રેમ છલકે છે. આપણે ત્યાં ‘ભાર વગરનું ભણતર’ એવું સૂત્ર છે. પરંતુ મારે તો ભગવાન પણ ભાર વગરનો જ જોઈએ. ભાર વગરનો ભગવાન એટલે એવો ભગવાન જે દોરા, ધાગા, ભોગ અને ચમત્કારનાં ભારથી મુક્ત હોય અને જેની આંખમાં પ્રેમનાં આંસુ હોય, જેની જીભ ઉપર સત્યનો વાસ હોય અને જેના હૈયામાં કરુણાની ધડકન હોય તે આવા ભાર વગરનાં ભગવાનને પામી શકે.
જે માણસનાં જીવનમાં પ્રામાણિકતા, પવિત્રતા, પૃથ્થકરણ, પ્રયોગ અને પ્રેમ નામનાં પાંચ પ્રકારનાં ‘પ’ હશે તે ચોક્કસ પ્રસન્ન હશે, અને જે પ્રસન્ન હશે તે આદિ શંકરાચાર્યજીનાં મત મુજબ પરમાનંદને પામી શકશે.
સૌજન્ય : રીડ ગુજરાતી

Tuesday, December 10, 2013

સદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે ? – મોરારિબાપુ


[‘સદભાવના ફોરમ’ સામાયિકમાંથી સાભાર.]
મને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય ? સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે ? જ્યારે આવા પ્રકારનાં પ્રશ્નો મારી પાસે આવે ત્યારે હું કહ્યા કરું છું કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મારું ગજું નથી. તેમ છતાં હું સદગુરુની કૃપા અને ઘણા મહાપુરુષોને સાંભળ્યા પછી એ અનુભવના આધારે જવાબ આપવાની કોશિશ કરું છું. પણ તમારા પ્રશ્નના જવાબમાં હું જે કહું એ તમારે સ્વીકારી લેવું એવું મારું કોઈ દબાણ હોતું નથી. સદભાવના વિશે મારે બોલવાનું હોય તો હું એટલું જ કહીશ કે સદભાવનાનો જન્મ શ્રદ્ધામાંથી થાય છે. સ્પર્ધામાંથી થતો નથી. શ્રદ્ધાની વાત આવી એટલે વચ્ચે એક ચોખવટ કરી લઉં કે શ્રદ્ધા શબ્દને તમે પાછા ધર્મની સાથે જોડતા નહીં, કારણ કે ધર્મ વિશે મને એટલું જ સમજાયું છે કે જ્યાં સત્ય, પ્રેમ અને કરુણા હોય એને ધર્મ કહી શકાય છે. આપણે આપણા જીવનમાં પૂર્વગ્રહ, હઠાગ્રહ છોડી દઈને પ્રેમમય જીવન જીવીએ એને પણ ધર્મ કહી શકાય. તો સૌથી પહેલા સદભાવના માટે આપણી અંદર શ્રદ્ધા હોવી જોઈએ. જીવનમાં થોડી પણ અંધશ્રદ્ધા હશે તો સદભાવનાનો જન્મ થશે નહીં. જો શ્રદ્ધા હશે તો સદભાવના પ્રગટે છે.
સદભાવનાનું બીજું ઉદ્દગમ સ્થાન પ્રેમ છે. જ્યાં પ્રેમ હશે ત્યાં સદભાવના હશે. જીવનમાં પ્રેમપક્ષ રાખીશું, પ્રેમનું વિસ્તરણ કરીશું તો પરતંત્રતાને સ્થાન મળશે નહીં. જ્યાં પ્રેમની ધારા ચાલતી હશે ત્યાં ઘેટાંવાદ, સંકીર્ણતા હશે નહીં. પ્રેમ કોને કહેવાય ? જે આપણને જેલમાં પણ રાખી ન શકે અને આપણે એને છોડી પણ ન શકીએ. ગાંધીબાપુ માટે કંઈક આવું જ થયેલું કે ગાંધીબાપુ કોઈને બાંધતા ન હતા અને ગાંધીને છોડીને કોઈ છટકી શકતું ન હતું. એ જ વાત વિનોબા, રવિશંકરદાદા બધામાં ઊતરી હતી. સદભાવનાની વાત ચાલે છે ત્યારે ભૂલી જાઉં તે પહેલા વચ્ચે એક વાત કરી દઉં કે સદભાવનાના યજ્ઞના મૂળમાં આધ્યાત્મિક ભૂમિકા રહેવી જ જોઈએ. તમે ઉપર ઉપરથી સદભાવનાનું કાર્ય કરશો તો કાર્ય સિદ્ધ થશે નહીં. મારા માટે અધ્યાત્મની વાત એ ભજન છે. કોઈપણ પ્રવૃત્તિના મૂળમાં આધ્યાત્મિકતા હોવી જોઈએ.
ભગવદગીતાના ન્યાયે શ્રદ્ધામાંથી જ્ઞાન જન્મે છે. હું ઘણીવાર કહ્યા કરું છું કે જ્ઞાનને હવે બહુ અઘરા અર્થમાં લઈ જવાની જરૂર નથી. કારણ કે સદભાવના વ્યક્તિગત સમજમાંથી જન્મે છે. સદભાવના શ્રદ્ધા અને પ્રેમમાંથી જન્મે છે. સદભાવનારૂપી બાળકનો જન્મ થાય ત્યારે એ બાળકને રમાડવું વધારે ગમશે. એનાં હાલરડાં ગાવાં પણ ગમશે. સદભાવના રૂપી બાળક જ્યારે તોતડી ભાષામાં વાત કરશે ત્યારે આપણી પંડિતાઈ પણ ભુલાઈ જશે. ત્રીજું, પરસ્પર ભાવ પ્રગટ થશે ત્યારે સદભાવના પ્રગટ થશે. પરસ્પરનો બોધ આપણને સદભાવના તરફ પ્રેરિત કરે છે. મારી તો દરેકને પ્રાર્થના છે કે ધર્મ, કોમ, ઊંચ, નીચ આ બધું જ એક બાજુ રાખી દઈને ઈમાનદારીપૂર્વક પરસ્પર મળતું રહેવું જોઈએ. હું અહીંયા ઈમાનદારી શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કે આજે માણસ પોતાના સ્વાર્થ માટે થઈને ક્યારેક ઈમાનદારી છોડી દેતો હોય છે. આવું ન બને એ અર્થમાં ઈમાનદારી હોવી ખૂબ જ જરૂરી છે. સમાજમાં જ્યારે પરસ્પર ભાવ પ્રગટ થશે ત્યારે સદભાવના જરૂર પ્રગટ થશે. આજે વિશ્વમાં સદભાવનાની ખૂબ જ જરૂર છે.
હવે સદભાવનાના ત્રણ વિધ્નો પણ છે. સદભાવનાની જ્યોતને ત્રણ પરિબળો ઓલવી શકે છે, તેમાં છલ, બલ અને કલ રૂપી પવન આવીને સદભાવનાને અટકાવી શકે છે. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે :
કલ બલ છલકરિ જાહિ સમીપા | અંચલ બાત બુઝવહિ દીપા ||
છલનો પવન અંદરથી આવે છે માટે સદભાવનાને ટકાવવા કદાચ આપણે સંગઠિત બનવું જોઈએ. પણ એવું બની શકે છે કે આમાં સભ્ય સંખ્યા ન પણ વધે. કારણ કે અપ્રમાણિક વ્યક્તિ તરત જ હટી જશે. જ્યારે પ્રામાણિક સદભાવનાની જ્યોતમાં પતંગિયાની જેમ ખાબકશે. આજે સમાજ બદલાયો છે. દીવો ઓલવવાના પ્રયાસો થતા જ રહે છે. પણ પ્રામાણિકતા અને વિવેકની ઓથ સદભાવનાની જ્યોતને ટકાવી શકે છે. બીજું વિધ્ન પરિબળ બલ છે. બળનો અર્થ સત્તા, ધર્મ, જ્ઞાન એવો થાય છે. આજે બીજાને તોડવા માટે થઈને સમાજમાં નેટવર્ક ઊભાં કરવામાં આવે છે. નેટવર્ક ઊભાં કરી બળનો ઉપયોગ થાય છે. આમ તો વ્યક્તિગત વાતો કરવાનો કોઈ અર્થ નથી પણ મેં ક્યારેય રામકથાને વેચી નથી. કોઈની પાસેથી કથાનો પૈસો લેતો નથી છતાંય મારી વ્યાસપીઠને કેટલીય મુશ્કેલીઓ આવી પડે છે. પણ હું સમજું છું કે ઘણાને બળનો ઉપયોગ કરીને દીવો ઓલવી નાખવો છે.
ત્રીજું કલરૂપી પવન સદભાવનાની જ્યોતને ઓલવી નાખે છે. કલનો અર્થ હોશિયારી થાય છે. સમાજમાં ઘણા હોશિયાર માણસો બુદ્ધિનો ઉપયોગ કરીને દીવો ઓલવતા હોય છે. પોતે બધાની સામે ફૂંક મારીને દીવો ન ઓલવી શકે એટલે છીંક ખાઈને પણ દીવો ઓલવી નાખે છે. આ એની હોશિયારી છે. હું પુસ્તકો ઓછાં વાંચુ છું પણ મસ્તકો બહુ વાંચુ છું. કેવાં કેવાં છળ થતાં હોય છે. પણ એની સામે એક જ વસ્તુ રાખું છું કે મને એણે છેતર્યો છે. મેં તો એને છેતર્યો નથી ને આનો પણ મને આનંદ હોય છે. જ્યારે આપણી સામે કોઈ હોશિયારીથી દીવો ઓલવવાનો પ્રયાસ કરે ત્યારે ક્રોધ ન કરવો. આપણે બોધને જાળવી રાખવો જોઈએ. આ સમયે ધીરજ રાખજો. કોઈ છળ કરે ત્યારે ભલે કોઈ આપણને ભોળો કહે. એ સમયે ભોળવાઈ જજો. ગાંધીજી, વિનોબા બહુ ભોળવાયા છે. ભોળવાવું એટલે સમજીને છેતરાવું. જેણે છળકપટ કર્યું હોય એને ક્ષમા કરી દો. આપણે મૂળ સ્વભાવનો ઉપયોગ ન કરીએ તો તો આપણા જીવનમાં ધૂળ પડી કહેવાય. કારણ કે આપણે ક્ષમામાંથી જન્મ્યા છીએ. ક્ષમા એટલે પૃથ્વી અને પૃથ્વીમાંથી જન્મ્યા હોઈએ તો પૃથ્વીનું ક્ષમાનું લક્ષણ આપણામાં હોવું જોઈએ. તો સદભાવનાના મૂળમાં કંઈક પ્રગટ સ્થાન અને વિધ્નસ્થાન પણ છે. જેની પાસે વિવેક અને પ્રામાણિકતા હશે એ જીવનમાં સદભાવના પ્રગટાવી શકશે.
સૌજન્ય : રીડ ગુજરાતી