Sunday, January 5, 2014

ભાર વગરનો ભગવાન – મોરારિબાપુ

ઘણીવાર એવું લાગે કે વિજ્ઞાન માનવીનાં જીવનમાં ગતિ પેદા કરી શક્યું પરંતુ ગીત પેદા કરવામાં નિષ્ફળ ગયું અને પરિણામે માનવજીવનમાં સુવિધા પ્રગટી પરંતુ સુવાસ ન પ્રગટી શકી. માનવજીવન કિંમતી થઈ શક્યું પરંતુ મૂલ્યવાન ન થઈ શક્યું. મને ઘણીવાર વિચાર આવે કે માણસનાં જીવનમાં સુવાસ અને મૂલ્ય બંન્નેનું પ્રાગટ્ય થાય તે માટે શું કરવું જોઈએ ?
સુવાસ અને મૂલ્ય બન્ને અલગ વસ્તુ છે અને ઈન્સાનનાં જીવનમાં ઘણીવાર એવું પણ બને છે કે આ બેમાંથી કોઈ એક તત્વ હોય અને બીજું ગેરહાજર હોય. દાખલા તરીકે, અત્તરનો વેપારી સુગંધ વેચે છે. અનેક પ્રકારની સુગંધ વચ્ચે સતત રહેતા વેપારીને અમુક સમય બાદ સુગંધ આવતી નથી. જે રીતે ચામડામાંથી પગરખાં બનાવનાર ચર્મકારને ચામડાની વાસ આવતી નથી, અત્તરનાં વેપારી પાસે સુગંધનાં તફાવતની સમજણ નથી એટલે એ ગ્રાહકનાં હાથ ઉપર અત્તર લગાડીને સુંઘાડે છે, પરંતુ વેપારીને અત્તરનાં મૂલ્યની બરાબર ખબર છે. વિવિધ પ્રકારનાં અત્તરનાં મૂલ્યો વચ્ચેના તફાવતની પણ એને બરાબર ખબર છે અને આ દુકાને ગ્રાહક આવે છે એને ગંધનું જ્ઞાન છે પણ મૂલ્યની જાણ નથી. એકને ગંધની સમજ નથી અને બીજાને મૂલ્યની પરખ નથી. આપણે એવા સમાજનું નિર્માણ કરવું છે જેને માનવજીવનની સુવાસની ખબર છે અને મૂલ્ય પણ જાણે છે. એવા સમાજનાં સર્જન માટે જે તે સમાજ કે વ્યક્તિમાં કેવા પ્રકારનાં ગુણો આવશ્યક છે એની ચર્ચા આજે કરવી છે.
પ્રામાણિકતા, પવિત્રતા, પૃથ્થકરણ, પ્રયોગ અને પ્રેમ મળીને કુલ પાંચ ‘પ’ જે પ્રાણીમાં હશે તે છઠ્ઠો ‘પ’ એટલે કે પ્રસન્નતાને પામી શકશે અને પ્રસન્નતાની નૌકામાં બેસીને સાતમો અને છેલ્લો ‘પ’ પરમાનંદ સુધી પહોંચી શકે. જગતગુરુ આદી શંકરાચાર્યજીએ પોતાના મહાન ગ્રંથ ‘વિવેકચૂડામણિ’માં લખ્યું છે કે પ્રસન્નતા એ પ્રભુને પામવાનું પ્રવેશદ્વાર છે. જ્યાં પ્રામાણિકતાનો છેદ ઉડે છે ત્યાં મૂલ્યોનો છેદ ઉડે છે. આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાત કરીએ છીએ તો પ્રામાણિકતા એ મૂલ્યનિષ્ઠ શિક્ષણનું ગણેશસ્થાપન છે, પ્રથમ કદમ છે. આચાર્ય વિનોબાજી કહેતા કે જે શિક્ષણમાં યોગ, ઉદ્યોગ અને સૌનો સહયોગ હોય તે શ્રેષ્ઠ શિક્ષણ. હું એવું માનું છું કે આપણી તમામ પ્રવૃત્તિ જ્યાં સુધી આપણી જાગૃતિ હોય ત્યાં સુધી પ્રામાણિક હોવી જોઈએ. એક શિક્ષક પાસેથી કોઈ વિદ્યાર્થી પોતાના પિતાની માંદગીનું કારણ આપીને ઘેર ગયો. એ ગયો પછી એના વર્ગખંડના થોડા સહપાઠીઓએ પેલા શિક્ષકને કહ્યું કે એ વિદ્યાર્થી જુઠ્ઠો છે. એના પિતાજી સ્વસ્થ છે અને એ આપને છેતરીને જતો રહ્યો છે. ત્યારે પેલા શિક્ષકે કહ્યું કે એણે મને છેતર્યો એનું મને દુઃખ નથી પરંતુ મેં એને છેતર્યો નથી એનો મને આનંદ છે. ઘણાં લોકો પ્રામાણિક હોય છે, એ કોઈને છેતરતા નથી પરંતુ પોતે છેતરાઈ ગયા છે એની જાણ થાય તો દુઃખી થઈ જતાં હોય છે અથવા ગુસ્સે થતાં હોય છે. મારી દષ્ટિએ સાચો પ્રામાણિક માણસ એ છે જે છેતરાયા પછી પણ પોતે છેતરાયો છે એનું દુઃખ મનમાં લાવ્યા વગર પોતે એને છેતર્યો નથી એનાં આનંદની મઝા લઈ શકે.
પ્રામાણિકતા બાદ બીજી જરૂરિયાત પવિત્રતાની રહે છે. અહીં તન અને મન બન્ને રીતે પવિત્ર રહેવાની વાત છે. પરંતુ કદાચ તમે તનથી પવિત્ર ન રહી શકો તો બહુ વાંધો નથી પરંતુ મનથી ક્યારેય મલીન ન થવું જોઈએ. નાહ્યા-ધોયા વગરનો તથા મેલાં-ફાટેલા કપડાં પહેરેલો માણસ મનથી કોઈ સંત કરતાં પણ વધુ પવિત્ર હોય તો એ વંદન કરવાને યોગ્ય છે. માણસ વહેવારમાં પ્રામાણિક અને વૃત્તિથી પવિત્ર રહે તો સમાજની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ આવી જાય. અત્યારે માણસો વાતવાતમાં બોલે છે કે દુનિયામાં ક્યાંય શાંતિ નથી, ઘરમાં અશાંતિ, મનમાં અશાંતિ, રાજ્યમાં અશાંતિ, રાષ્ટ્રમાં અશાંતિ તથા વિશ્વમાં અશાંતિ – આવી તમામ પ્રકારની અશાંતિનું ઉથાપન થાય અને તમામ પ્રકારે શાંતિનું સ્થાપન થાય તે માટે જગતભરનાં ચિંતકો, સેવકો, રાજકારણીઓ, સંતો તથા સાહિત્યકારોએ પોતપોતાની રીતે ઉકેલો બતાવ્યા છે. મારો વિચાર એવો છે કે જગતભરનાં અલગ-અલગ માણસોને અલગમાંથી લગોલગ લાવી શકે, વિશ્વરભરનાં નોખા-નોખા ઈન્સાનોને નોખામાંથી અનોખા બનાવી શકે એવું એકમાત્ર તત્વ પ્રેમ છે. જો મારું ચાલે તો હું ન્યુયોર્કમાં યુનોનું જે બિલ્ડીંગ છે તેના ઉપર આંધળાને પણ દેખાય એવા મોટા અક્ષરે ‘પ્રેમ દેવો ભવઃ’ લખાવું.
માણસ જ્યાં સુધી સ્નેહનો ઉપયોગ શરૂ ન કરે અને શસ્ત્રનો ઉપયોગ બંધ ન કરે ત્યાં સુધી શાંતિની અપેક્ષા રાખવી અસ્થાને છે, જો સદનમાં શાંતિની સ્થાપના કરવી હશે તો કટુવાણીનાં શસ્ત્રનો ઉપયોગ બંધ કરવો પડશે, જો મનમાં શાંતિ સ્થાપવી હશે તો માનસિક ઉપદ્રવ કરે તેવા તમામ હથિયારોને હેઠા મૂકવા પડશે, જો તનમાં શાંતિ સ્થાપવી હશે તો તનને પ્રતિકૂળ હોય તેવી જીવનશૈલીનાં શસ્ત્રોને છોડીને શરીર પાસે આત્મસમર્પણ કરવું પડશે, શસ્ત્રોની વાત છોડો, હું તો ત્યાં સુધી માનું છું કે જો શાસ્ત્રો વડે શાંતિનો ભંગ થતો હોય તો તેવા શાસ્ત્રો પણ બંધ કરી દેવા જોઈએ. જો આખી દુનિયા એક સાથે નિર્ણય કરે કે દસ વરસ સુધી શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં, તો મને લાગે છે કે શાંતિમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. દસ વરસ બાદ એમ લાગે કે આ દવા બરાબર નથી તો બીજી દવા વિશે વિચારીશું પણ જ્યાં સુધી દવાનો એક પણ ડોઝ લેશું નહીં ત્યાં સુધી અશાંતિની બિમારી દૂર થવાની નથી.
જો પ્રામાણિકતા બોજ બની જાય તો માણસને ગંભીર બનાવી દે માટે પ્રામાણિકતા પણ ભાર ન બને તે જરૂરી છે, અને પવિત્રતા વર્ણભેદ ઊભા ન કરે એવી હોવી જોઈએ. ભગવાન બુદ્ધે એક દિવસ કૂવાનાં કાંઠે ઊભેલી દીકરી પાસે પાણી માગ્યું. દીકરી હરિજન હતી. એને થયું કે આ સાધુ છે. વળી કોઈ ઉચ્ચ કૂળનું શરીર હોય એવી તેજસ્વિતા છે. એટલે દીકરીએ બુદ્ધને કહ્યું કે હું હરિજન છું. અને ત્યારે બુદ્ધ બોલ્યા કે મેં તારી પાસે પાણી માગ્યું છે. તારી જાતિ માગી નથી. વૃત્તિમાં પવિત્રતા કોને કહેવાય તે સમજવા માટે એક ઉદાહરણ આપું. હું એક દિવસ તલગાજરડાથી મહુવા જતો હતો. મેં જોયું કે એક દેવીપૂજક લાગતી સ્ત્રીએ હાથ ઊંચો કરીને બસ ઊભી રખાવી. ગુજરાતમાં પ્રવાસી હાથ ઊંચો કરે અને બસ ઊભી રહે એવી સુવિધા શરૂ થઈ એ જાણીને મને પચાસ ટકા આનંદ થયો છે. મને સો ટકા આનંદ ત્યારે થશે જ્યારે લોકો હાથ ઊંચો કરે અને મંત્રીની મોટર ઊભી રહેશે. પેલી સ્ત્રી સાથે બે બાળકો હતા. મને જોયો એટલે પગે લાગી. ત્યારબાદ મને કહ્યું કે મારો વર પંદર દિવસથી બિમાર છે. મારા સાસુ એની સાથે ભાવનગર દવાખાને છે. આ છોકરા પંદર દિવસથી કહેતા હતા કે અમારે અમારા બાપા પાસે જવું છે એટલે છોકરાને લઈને ભાવનગર જઉં છું. મેં એ જરૂરિયાતમંદ સ્ત્રીને સંકોચ સાથે પૂછ્યું કે બહેન, હું તને મદદરૂપ થઈ શકું ? ત્યારે બસમાં ચડતાં ચડતાં બોલી કે ના બાપુ, મારો ધણી ઝટ સાજો થઈ જાય એ માટે પ્રાર્થના કરજો. એ સ્ત્રી તનથી સ્વચ્છ હોય કે ન હોય પણ મનથી સ્વચ્છ હતી એમાં શંકા નથી. અને એની વૃત્તિ પવિત્ર હતી.
પવિત્રતા બાદ પૃથ્થકરણ ત્રીજું મહત્વનું લક્ષણ છે. ભગવાન બુદ્ધ એમ કહેતાં કે પૂર્વાશ્રમમાં હું રાજકુમાર હતો. ત્યારબાદ રાજા થયો અને અત્યારે સંન્યાસી છું. મારી આવી કોઈ લાયકાતને ધ્યાનમાં લઈને મારી વાત સ્વીકારશો નહીં પરંતુ તમારી મતિ-બુદ્ધિથી એનું પૃથ્થકરણ કરજો અને ત્યારબાદ તમને યોગ્ય લાગે તો મારા વિચારોને અનુસરજો. હું એવું માનું છું કે કોઈની પાસે ઉચ્ચકક્ષાનો અભ્યાસ હોય, આદરપાત્ર હોદ્દો હોય અથવા વંદનીય પહેરવેશ હોય એટલે એની વાત વિચાર્યા વગર સ્વીકારી લેવી તે બરાબર નથી. હું છેલ્લા પચાસ વરસથી પોથી લઈને દેશ અને દુનિયામાં ફરું છું. છેલ્લી અડધી સદીથી લોકોની સામે સતત બોલતો રહ્યો છું. છતાં મારા શ્રોતાઓને કરબદ્ધ વિનંતી છે કે મારા વિચારોને આંધળુકીયા થઈને સ્વીકારી લેવાની જરૂર નથી. પ્રથમ એનું પૃથ્થકરણ કરો, ત્યારબાદ જરૂરી જણાય તો એને ગ્રહણ કરજો.
ચોથું કદમ પ્રયોગ છે. ગાંધીજીએ પોતાની પ્રમાણિકતા, પવિત્રતા અને પૃથ્થકરણનાં સતત પ્રયોગો કર્યા. એમણે પોતાની આત્મકથાનું શીર્ષક પણ ‘સત્યનાં પ્રયોગો’ રાખ્યું. શાળામાં રહેલી જીવ, રસાયણ અને ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ પ્રયોગ કરે છે. પ્રયોગથી સત્ય, સિદ્ધાંત અને શોધ સુધી પહોંચી શકાય છે અને સત્ય, સિદ્ધાંત અને શોધ માણસને નવી દિશા આપે છે. પ્રગતિશીલ જીવનનું પથદર્શન કરાવે છે. માટે પ્રયોગશીલ રહેવું.
પાંચમું અને છેલ્લું અનિવાર્ય લક્ષણ પ્રેમ છે. માણસ જ્યારે પ્રેમપૂર્ણ બને છે ત્યારે એ સાચા અર્થમાં ભરાય છે. માતા પોતાના પુત્રને ઉપાડે કે પિતા પોતાની પુત્રીને ઉપાડે ત્યારે બોજ લાગતો નથી, એનું કારણ પ્રેમ છે. એક પ્રૌઢ પોતાની દીકરીને ઊંચકીને પહાડ ચડતો હતો. સ્વામી રામતીર્થે કહ્યું કે લાવો આ દીકરીને થોડીવાર હું ઉપાડી લઉં. તમને ભાર લાગ્યો હશે. ત્યારે બાપ બોલ્યો કે એ મારી દીકરી છે અને જગતનાં કોઈ બાપને દીકરીનો ભાર ન લાગે. પિતાનાં આ જવાબમાં પ્રેમ છલકે છે. આપણે ત્યાં ‘ભાર વગરનું ભણતર’ એવું સૂત્ર છે. પરંતુ મારે તો ભગવાન પણ ભાર વગરનો જ જોઈએ. ભાર વગરનો ભગવાન એટલે એવો ભગવાન જે દોરા, ધાગા, ભોગ અને ચમત્કારનાં ભારથી મુક્ત હોય અને જેની આંખમાં પ્રેમનાં આંસુ હોય, જેની જીભ ઉપર સત્યનો વાસ હોય અને જેના હૈયામાં કરુણાની ધડકન હોય તે આવા ભાર વગરનાં ભગવાનને પામી શકે.
જે માણસનાં જીવનમાં પ્રામાણિકતા, પવિત્રતા, પૃથ્થકરણ, પ્રયોગ અને પ્રેમ નામનાં પાંચ પ્રકારનાં ‘પ’ હશે તે ચોક્કસ પ્રસન્ન હશે, અને જે પ્રસન્ન હશે તે આદિ શંકરાચાર્યજીનાં મત મુજબ પરમાનંદને પામી શકશે.
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.