Saturday, January 11, 2014

નિદ્રા – જ્યોતિ થાનકી



[ મહર્ષિ અરવિંદ તેમજ શ્રી માતાજીના વિચારો પર આધારિત ‘ચલો જીવનને મધુર બનાવીએ’ પુસ્તકમાંથી સાભાર. ]
ઘણીવાર એવું બને છે કે આખી રાત આપણે પથારીમાં સૂતાં હોઈએ છતાં સવારે ઊઠીએ ત્યારે સાવ થાકેલા લાગીએ છીએ. શરીર હળવું થવાને બદલે ભારે થયેલું લાગે છે ને આપણને પથારીમાંથી ઊઠવાની મરજી જ થતી નથી. ઊંઘ આપણને સ્ફૂર્તિ, આરામ અને શક્તિ આપવાને બદલે જાણે જડતા, તમસ અને થાકથી ઘેરી લેતી હોય એવો અનુભવ ત્યારે કેમ થતો હશે ? ઘણીવાર આપણે ઊંઘવા જઈએ અને ઊંઘવા માટેનો પ્રયત્ન કરીએ તોય ઊંઘ આપણાથી જોજન દૂર નાસી જાય છે. અને પછી આપણને કેમેય ઊંઘ આવતી નથી. અને આપણે આખી રાત પથારીમાં તરફડતા હોઈએ છીએ. આમ લાખ પ્રયત્ન કરવા છતાં પણ ઊંઘ કેમ આવતી નહીં હોય ? ઘણીવાર એવું પણ બને છે કે ઊંઘમાં આપણા પર કોઈ ઓથાર ચઢી આવે છે. જાતજાતના બિહામણા સ્વપ્નાંઓ અને ખાઉં ખાઉં કરતી ભૂતાવળોથી આપણે ઘેરાઈ જઈએ છીએ. આમ તો આપણે પથારીમાં સૂતાં જ હોઈએ છીએ, છતાં ન જાણે આપણે આખી રાત ક્યાંના ક્યાં ભટકતા હોઈએ છીએ. તો એમ કેમ થતું હશે ? કેટલાક માણસો તો ઊંઘમાં જ ચાલતા હોય છે. અને ઊંઘમાં ને ઊંઘમાં અનેક કામો પણ કરી લેતા હોય છે. પણ એ વખતે એમને જો કોઈ જગાડી દે ને પૂછે કે તેઓ શું કરે છે, તો એની એમને ખબર જ નથી હોતી. ઊંઘમાં જ માણસ આટલો ચંચળ કેમ બની જતો હશે ? ઊંઘ વિષે આવા અનેક પ્રશ્નો આપણા મનમાં સ્વાભાવિક રીતે જ ઊઠે છે.
માણસની જિંદગીના સમયનો અર્ધો ભાગ રોકી લેતી આ નિદ્રા સાચે જ આપણા જીવનની એક રહસ્યમય ઘટના છે. નિદ્રાના આ રહસ્યમય પ્રદેશને શ્રી માતાજીએ પોતાની સાધના ને અનુભવો દ્વારા ખોલ્યો અને નિદ્રા દરમિયાન ઉદ્દભવતી સઘળી સમસ્યાઓનો ઉકેલ પણ તેમણે આપણને આપ્યો છે કે જેથી આપણે અભાનપણે ગમે તેમ નહીં પણ સભાન રીતે નિદ્રા લઈ તે દ્વારા આપણો ઝડપી વિકાસ સાધી શકીએ. કેટલાક લોકો તેમની પાસે ફરિયાદ લઈને આવતા કે ખૂબ પ્રયત્ન કરવા છતાં અમને ઊંઘ બિલકુલ આવતી નથી અને તેનો થાક જ અમને વધુ થકવી નાંખે છે. ત્યારે શ્રી માતાજી તેમને કહેતાં : ‘તો પણ તમે ધ્યાન કરવા માંડો, તમે તુરત જ ઊંઘી જશો.’ પોતાની ચેતના વિખરાયેલી હોય, ચિત્ત અશુદ્ધ હોય, મનમાં અસંખ્ય વિચારોની ગડમથલ હોય, પ્રાણમાં આવેગ અને ઉશ્કેરાટ હોય, અનેક પ્રકારની લાગણીઓ હૃદયમાં ઉછળતી કૂદતી હોય, અને માણસ પોતે ક્યાં છે, એની પણ ખબર ન હોય તો પછી એ સ્થિતિમાં એને ઊંઘ આવે ક્યાંથી ?

મોટે ભાગે માણસ પથારીમાં સૂવા જાય ત્યાર પછી તે જેમ બને તેમ જલ્દી ઊંઘી જવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તે તેના મનની, પ્રાણની, ચેતનાની જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાંથી જ સીધો ઊંઘમાં ઘસી જાય છે. પણ એ રીત બરાબર નથી. શ્રી માતાજી કહે છે, ‘કેમ ઊંઘવું તેનું માણસને જ્ઞાન નથી. તેના પરિણામે માણસ ઊંઘવા જાય ત્યારે સારો હોય અને ઊઠે ત્યારે માંદો અને થાકેલો હોય. એનો અર્થ એ કે તે ઊંઘમાં અચેતનાના આક્રમણોનો ભોગ બને છે. એટલે જો સાચી રીતે ઊંઘવા માટે માણસ થોડોક પણ નિયમિત પ્રયત્ન કરે તો ઊંઘ એને સાચો આરામ અને અખૂટ શક્તિ પૂરી પાડી શકશે.
તેઓ કહે છે : ‘તમે ખૂબ થાકી ગયા હો ત્યારે થાકેલા શરીરે તમારે ઊંઘવું નહીં. કેમ કે એથી તમે અચેતનામાં સરી પડો છો. પણ તમારે પથારીમાં લાંબા થઈને પડ્યા રહેવું. હળવા થવું. શરીરના સઘળા અવયવોને એકદમ શિથિલ કરી દેવા. જાણે એમાં હાડકાં કે માંસપેશીઓ છે જ નહીં એવું ઢીલું શરીર લાગવું જોઈએ. નરમ નરમ રજાઈના જેવું ઢીલું શરીર કરીને પથારીમાં થોડો વખત પડ્યા રહેવું. બિલકુલ હલનચલન કરવું નહીં કે શરીર કોઈ થડકાટ અનુભવે નહીં, પછી મનને શાંત અને નિષ્ક્રિય બનાવી દેવું. મનમાં કોઈ જ વિચાર ન લેવો. કોઈ સમસ્યા કે ગૂંચનો વિચાર ન કરવો. દિવસ દરમિયાન કરેલાં કાર્યો વાગોળવા નહિ, વિચારોને સક્રિય રીતે અનુસરવા નહીં. કોઈ પણ જાતનો માનસિક પ્રયત્ન ન કરવો. મસ્તક પર મહાન શાંતિ અને મૌનનું બળ મૂકવું. પછી તમારા પ્રાણમય સ્વરૂપને અને લાગણીઓને શાંત કરી દેવી. આ બધું થઈ જાય પછી તમારા સ્વભાવ પ્રમાણે પ્રાર્થના અને અભીપ્સા કરવી. એકાગ્રતા કરવી. નિદ્રા દરમિયાન સર્વ વિરોધી બળોથી રક્ષા કરવા માટે ભગવાનની કૃપાને વિનંતી કરો કે, ‘હે ભગવાન મારી નિદ્રા પર તમે ચાંપતી નજર રાખજો.’ અને પછી ધીમે ધીમે ઊંઘમાં ચાલ્યા જાઓ. આ પ્રકારની ઊંઘવાની પદ્ધતિ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. જો દરેક રાત્રિએ તમે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખશો તો થોડા જ સમયમાં તમારી નિદ્રા ખૂબ સચેતન બની જશે. અને તમે અનુભવશો કે એક પ્રકાશ રહેલો છે, જે તમને ધીમે ધીમે દિવ્ય જીવન પ્રત્યે લઈ જઈ રહ્યો છે. અને તે સમયે તમને નિદ્રા આવી જાય તે ઊંઘ સારામાં સારી હશે. અંધારા ગર્તમાં ઊતરી પડવાને બદલે પછી તમે પ્રકાશના ધામમાં નિદ્રા લેશો. પછી સવારમાં જ્યારે તમે જાગૃત થશો ત્યારે અત્યંત તાજગીભર્યા, ચૂસ્ત અને સંતુષ્ટ હશો.’
ઊંઘમાં જો તમે જાગૃત હો, સભાન અને સચેતન હો તો મન અને પ્રાણ શાંત થયા પછી તમે તમારી શારીરિક ચેતનામાંથી બહાર નીકળવા પ્રયત્ન કરો છો અને વધારે સૂક્ષ્મ એવી ચેતનામાં પ્રવેશ કરો છો. એ સમયે તમારે તમારા પ્રાણમય સ્વરૂપને ઊંઘમાં મૂકી દેવું અને કહેવું, ‘હવે આરામ કરો.’ શાંત થઈ જાઓ, અને પછી માનસિક જગતમાં પ્રવેશ કરી મનોમય જગતને કહેવું ‘હવે તું આરામ કર, શાંત થઈ જા.’ અને ત્યાંથી એનાથી આગળના પ્રદેશમાં નીકળી જવું. ત્યાં પણ બધાંને શાંત રહેવા કહેવું. આમ બધાંને શાંત કરતા જઈને આગળ ને આગળ ચાલ્યા જાઓ ત્યાં સુધી કે જ્યાં સુધી તમે એવી સ્થિતિમાં ન પહોંચો કે જ્યાં નામરૂપથી પર સચ્ચિદાનંદ રહેલું છે, જ્યાં બધું જ બંધ પડી જાય છે. ત્યાં સુધી આગળ વધતા રહો. અને એ સ્થિતિમાં તમે ફક્ત ત્રણ જ મિનિટ રહેશો તો પણ જ્યારે તમે પાછા તમારી શારીરિક ચેતનામાં આવશો ત્યારે સંપૂર્ણ રીતે આરામમય, તાજગીભર્યા અને એવા રક્ષિત હશો કે જાણે તમે કલાકો સુધી ઊંઘ્યા ન હો ! આ વસ્તુ એવી છે કે જે કરવા માટે અભ્યાસ હોવો જોઈએ. કોઈ એક જ રાત્રિમાં આ બની શકે નહીં. થોડી મહેનત માગી લે તેવી આ પ્રક્રિયા છે. અને થોડી ખંત પણ હોવી જોઈએ. તેમ છતાં આ વસ્તુ દરેકે શીખવી જોઈએ.’
સામાન્ય રીતે આપણે કેટલા કલાક ઊંઘવું જોઈએ એ પ્રશ્ન પણ આપણા મનમાં ઊઠે છે. એના ઉત્તરમાં શ્રી માતાજી કહે છે : ‘જો માણસ રાત્રિમાં સચેતન હોય, સભાન હોય અને જાગૃતપણે તે પોતાના ચૈત્ય કેન્દ્રમાં જઈ શકતો હોય અને ત્યાં આરામ લઈ શકતો હોય, તો તે પોતાની ઊંઘ થોડી મિનિટોમાં જ પૂરી કરી શકે છે. થોડીક જ મિનિટોમાં એ પોતાની ઊંઘની સઘળી અવસ્થાઓ પસાર કરી શકે છે પણ એ માટે નિદ્રામાં પૂરી સભાનતા હોવી જરૂરી છે.’ પરંતુ ઘણું કરીને સામાન્ય માણસને છ થી સાત કલાકના આરામની અને ઊંઘની જરૂર રહે છે. નાના બાળકોને વધારે ઊંઘની જરૂર રહે છે પણ તેઓ તેમની ચેતનાની સહજ અવસ્થામાં રહેતા હોવાને પરિણામે એમને જ્યારે જ્યારે ઊંઘની જરૂર પડતી હોય છે ત્યારે ત્યારે તેઓ સહજ રીતે ઊંઘી જ જતા હોય છે.
આજના સતત પ્રવૃત્તિમય જીવનમાં આપણે મોડે સુધી જાગતા હોઈએ છીએ. રેડિયો, ટેલિવિઝન, સિનેમા, નાટક, મહેફિલો વગેરે પ્રવૃત્તિઓમાં અત્યંત વ્યસ્ત રહેતા માણસોને રાત્રે બાર વાગ્યા પછી જ ઊંઘવાનો સમય મળતો હોય છે. મોડી રાત્રે પછી તંગ મનોદશામાં જ સૂવાનો તેઓ પ્રયત્ન કરતા હોય છે. મોડે સુધી જાગતા હોય એટલે સ્વાભાવિક છે કે ઊઠવાનું પણ મોડું જ થતું હોય છે. આ સંદર્ભમાં શ્રી માતાજી કહે છે કે જો તમારે પ્રકૃતિમાંથી શાંતિ અને શક્તિ મેળવવી હોય તો વહેલા સૂઈને વહેલા ઊઠવાની આપણી પ્રાચીન પરંપરાને અનુસરો. તેમણે બાળકોને વાર્તાલાપમાં કહ્યું હતું, ‘પૃથ્વી રસાયણશાસ્ત્રમાં રસ ધરાવનારા વૈજ્ઞાનિકો પાસેથી મેં સાંભળ્યું હતું કે અમુક પ્રકારના સૂર્યકિરણો મધ્યરાત્રિ સુધી સક્રિય હોય છે. અને મધ્યરાત્રિ પછી બીજા કિરણો સક્રિય બને છે. પ્રથમ પ્રકારના કિરણો તમને શક્તિ આપે છે અને બીજા પ્રકારના કિરણો તમારી શક્તિને હરી લે છે. એ સમુદ્રમાં સ્નાન કરવા જેવી પ્રક્રિયા છે. જો સમુદ્રમાં તમે થોડો સમય સ્નાન કરો તો તમને શક્તિ મળશે પણ જો તમે વધુ વખત સમુદ્રમાં રહેશો તો તમને ખૂબ થાક લાગશે. વળી પ્રતીકાત્મક રીતે જોતાં આ વાત સાચી લાગે છે કે મધ્યરાત્રિ સુધી સૂર્ય આથમતો જતો હોય છે અને જ્યારે સૂર્ય આથમે છે, ત્યારે પૃથ્વી પર શાંતિનું અવતરણ થાય છે અને આ શાંતિ ઊંઘ માટે ખૂબ સહાયક હોય છે. મધ્યરાત્રિ પછીના પહેલા કલાકથી જ સૂર્ય ઊગતો જાય છે અને જ્યારે સૂર્ય ઊગે ત્યારે પૃથ્વી ઉપર જોરદાર શક્તિ ઊતરી આવે છે અને એ શક્તિ કામ કરવા માટે સહાય કરે છે. તમે જ્યારે મોડા સૂઈને મોડા ઊઠો ત્યારે કુદરતની વિરુદ્ધ વર્તન કરો છો. અને એ સ્થિતિ ડહાપણ ભરેલી ન ગણાય.’ આમ મોડા સૂઈને મોડા ઊઠવાથી નથી આપણે પૃથ્વી પર ઊતરી રહેલી શાંતિનો લાભ મેળવી શકતા કે નથી આપણે શક્તિ પ્રાપ્ત કરી શકતા. ઊંઘ દ્વારા પ્રકૃતિ આપણને જે શાંતિ અને શક્તિની ભેટ રોજ રોજ આપે છે, એ આપણે આમ માત્ર બેદરકારીને લીધે જ ગુમાવી દઈએ છીએ.
ઘણી વખત કેટલાક માણસો ઊંઘમાં બોલબોલ કરતા હોય છે કે ચાલવા લાગતા હોય છે કે કંઈક કામ કરવા લાગતા હોય છે, પણ જો એમને જગાડીને પૂછીએ કે તેઓ શું કહે છે કે કરે છે તો તેની તેમને ખબર હોતી નથી. આશ્રમના બાળકોએ શ્રી માતાજીને પ્રશ્ન પૂછ્યો હતો કે માણસ શા માટે ઊંઘમાં આવી બધી પ્રવૃત્તિઓ કરતો હશે ? શ્રી માતાજીએ પ્રશ્નના ઉત્તરમાં સમજાવ્યું હતું : ‘તમે અત્યંત થાકીને લોથપોથ થઈને સૂઈ જાઓ ત્યારે તમારા ભૌતિક શરીરને આરામની જરૂર હોય છે એટલે ભૌતિક શરીર ઊંઘી જાય છે. શરીરની જે ભૌતિક સ્થૂળ ચેતના છે તે ઊંઘી જશે, પણ તમારા સૂક્ષ્મ ભૌતિક શરીરની ચેતના, પ્રાણમય ચેતના અને મનોમય ચેતના ઊંઘતી નથી. એની સઘળી ક્રિયાઓ ચાલુ જ રહે છે. જે ભાગ ઊંઘતો નથી એ સક્રિય રહે છે. તે શરીરની ભૌતિક ચેતના કે જે ઊંઘી ગઈ છે, એને સાધન બનાવ્યા વિના શરીરનો જ સીધો ઉપયોગ કરે છે અને તે શરીર પાસે સીધેસીધું કામ કરાવે છે. અને તેના પરિણામે લોકો નિદ્રાચારી બને છે. આંતરચેતના જે જાગૃત છે, તેની પાછળ પાછળ શરીર ચાલી નીકળે છે. આ નિદ્રાચરણ દરમિયાન વ્યક્તિ અનેક અદ્દભૂત વસ્તુઓનું સર્જન પણ કરે છે. પણ એ ભયાનક સ્થિતિ છે. એમાં ઘણી અપેક્ષિત વસ્તુઓ પણ બને છે. જેવી કે પ્રાણમય સ્વરૂપને દુર્ઘટના નડવી વગેરે. જો આજુબાજુ બીજા લોકો હોય અને નિદ્રાચારી વ્યક્તિને ઢંઢોળે તો પરિસ્થિતિ અત્યંત વિકટ બની જાય છે.’ આમાંથી ઉગરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે : સૂતા પહેલાં એકાગ્રતા કરવી, ધ્યાન કરવું અને શરીર પર સંકલ્પ મૂકવો. તો ધીમે ધીમે શરીરની નિદ્રાચરણની ટેવમાંથી મુક્ત થઈ જવાશે.
માણસની ઊંઘમાં બનતી જો કોઈ સહુથી વધુ રહસ્યમય અને રોમાંચકારી ઘટના હોય તો તે સ્વપ્નાંઓ છે. જાતજાતના અને ભાતભાતના સ્વપ્નાંઓમાં માણસ ભ્રમણ કરતો હોય છે. આ સ્વપ્નાંઓને પરિણામે માણસની ઊંઘ શાંત અને સ્વસ્થ બનતી નથી. અને ઘણીવાર બિહામણા સ્વપ્નાંઓથી તે એટલો તો ભયભીત બની જતો હોય છે કે તેની જાગૃત અવસ્થામાં પણ તેને ભય લાગવા માંડે છે. સ્વપ્નાઓ વિશે શ્રી માતાજીને ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા હતા અને તે બધાંના તેમણે આપેલા ઉત્તરોમાંથી આપણને સ્વપ્નમાં જગતનું રહસ્ય જાણવા મળે છે. એક બાળકે પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વપ્નાંઓનો આધાર માણસની દિવસની પ્રવૃત્તિઓ ઉપર હોય છે ખરો ?’ આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી માતાજીએ જણાવેલું કે રાત્રે ઊંઘ દરમિયાન આવતાં સ્વપ્નાંઓનો આધાર દિવસે માણસ કેવો હતો એના ઉપર બિલકુલ નથી હોતો, કારણ કે માણસે દિવસે કેવું આચરણ કર્યું હતું તેની અસર હંમેશાં તેની ઊંઘમાં થતી પ્રક્રિયાઓ પર પડતી નથી પરંતુ તે જ્યારે નિદ્રામાં ગયો ત્યારે કઈ સ્થિતિમાં હતો તેના ઉપર મોટે ભાગે રહે છે. એટલે જો સ્વપ્નાંઓના ઓથારમાંથી અને બિહામણા સ્વપ્ન દ્રશ્યોમાંથી બચવું હોય તો શ્રી માતાજી રસ્તો બતાવે છે તેમ ઊંઘમાં જવાની ક્ષણે આપણે એવી અભીપ્સા સેવવી જોઈએ કે આપણી નિદ્રા ચેતનાને અંધકારમય બનાવવાને બદલે પ્રકાશમય બનાવે. આટલી અભીપ્સા કરીને પછી સૂવા જઈશું તો ભલે કદાચ તાત્કાલિક પરિણામ ન આવે પણ આપણને રાત્રે ઊંઘમાં પ્રકાશનો અનુભવ થવાની તક તો જરૂર ઊભી થાય છે.
માણસને આવતાં મોટાભાગનાં સ્વપ્નાંઓ તદ્દન સામાન્ય, નકામા અને કંટાળાજનક હોય છે. માણસ જો સારી રીતે ઊંઘ લે તો તે આવા સ્વપ્નાંઓને જરૂર અટકાવી શકે છે. એટલું જ નહીં પણ આવા નકામા સ્વપ્નાંઓથી તે મુક્ત પણ થઈ શકે છે, ઘણીવાર સ્વપ્નાંઓ અમુક સૂચન રૂપે પણ આવતાં હોય છે ને તેમાંથી ભવિષ્યમાં બનનાર ઘટનાઓનો પૂર્વસંકેત મળી જાય છે. ઘણી વખત જાગૃત ચેતનામાં માણસ પોતાના સ્વભાવની અમુક ક્ષતિઓ સ્પષ્ટપણે જાણી શકતો ન હોય, પરંતુ એના વિકાસ માટે એ અત્યંત અવરોધરૂપ હોય, તો તેને કોઈ પ્રતીકાત્મક રીતે તે સ્વપ્નમાં દેખાય છે અને પરિણામે માણસ પોતાના સ્વભાવમાં રહેલી નબળાઈને જોઈ શકે છે અને સભાન રીતે તેને દૂર કરવાનો પ્રયત્ન પણ કરી શકે છે.
માણસ ઊંઘ દરમિયાન ચાલતી રહેતી પ્રક્રિયાઓને હંમેશા યાદ રાખી શકતો નથી. પણ તેણે ઊંઘમાં થતી ક્રિયાઓને યાદ રાખવા માટે અભ્યાસ કરવો જોઈએ. શ્રી માતાજી એ વિષે કહે છે : ‘ઊંઘમાંથી તાત્કાલિક ઊભા થવા કરતાં તમે ધીમે ધીમે, જરાપણ હલનચલન કર્યા વગર સ્થિર અને શાંત પડ્યા રહો ત્યારે તમને કંઈક અસ્પષ્ટ ખ્યાલ આવે છે કે રાત્રિ દરમિયાન કશુંક એવું બન્યું છે કે જેનો તમારી ચેતના ઉપર કંઈક પ્રભાવ પડ્યો છે. એકદમ શાંત અને સ્થિર રહો. તે પછી થોડી વારે સ્મૃતિના પડદા પાછળથી કંઈક યાદ ઝબકશે અને સ્વપ્નાંની એક કડી તમને દેખાશે અને પછી ધીમે ધીમે આખું સ્વપ્ન યાદ આવી જશે. સ્વપ્નની આવી ઘટનાઓ ઘણી જ બોધપ્રદ હોય છે. પરંતુ મોટેભાગે માણસ જે કંઈ ઊંઘમાં કરતો હોય છે તેનું તેને ભાન હોતું નથી. પણ જ્યારે તે જાગૃત બને છે અને આ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે ત્યારે તે ઊંઘમાં ચાલતી પ્રવૃત્તિઓ ઉપર કાબૂ પણ રાખી શકે છે. જો રાત્રિમાં ચાલતી આ પ્રવૃત્તિઓ ઉપર તમે કાબૂ રાખી શકો તો તમે બધુ બંધ કરી શકો છો અને તે માટે તમારે ફક્ત આટલું જ નિયમિત રીતે કરતા રહેવાનું છે : ઊંઘવા જતા પહેલાં તમારી જાતને શાંત, નિષ્તરંગ સમુદ્ર જેવી વિશાળ બનાવી દો, તમારા મનને શાંત અને નિષ્કંપ બનાવી દો, તમને ખૂબ સરસ ઊંઘ આવી જશે
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.