Monday, January 13, 2014

ક્ષમા, સહનશીલતા કે ન્યાય–મુરજી ગડા

‘ક્ષમા’ અને ‘સહનશીલતા’ વીશે એક આદર્શ તરીકે ઘણું લખાયું અને કહેવાયું છે. ધાર્મીક વીચારધારામાં તો એમનું આગવું મહત્ત્વ છે. જો કે એમની વ્યાવહારીક મર્યાદાઓ વીશે સાવ ઓછું ચર્ચાય છે.
ન્યાયતંત્રમાં ક્ષમાના વીરોધી શબ્દો ‘દંડ’ અથવા ‘સજા’ છે. જ્યારે વ્યવહારમાં ક્ષમાનો વીકલ્પ ‘બદલો’ અથવા ‘સમજુતીથી પ્રામાણીક વ્યવહાર’ થાય છે.
અજાણતા થયેલી નાની ભુલની ક્ષમા હોઈ શકે; પણ જાણતા હોવા છતાં નીયમોનું પાલન ન કરવું, કાયદાનું ઉલ્લંઘન કરવું એ સજાને પાત્ર બને છે. એ માટે કાયદો, વ્યવસ્થાતંત્ર અને ન્યાયતંત્રનું માળખું રચાયું છે.
ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓમાં ક્ષમાનો મહીમા બતાવવા, રીઢા ગુનેગારોને ક્ષમા કરવાથી એનું હૃદયપરીવર્તન થયાની ઘણી વાર્તાઓ છે. વાસ્તવમાં એવું ક્યારે પણ જોવા મળતું નથી.
જાહેર જીવનમાં ગુનાની ક્ષમા ન હોઈ શકે. ગુનેગાર પ્રત્યે ઉદારતા દાખવવા જતાં એના શીકાર બનેલા સાથે અન્યાય થાય છે. તેમ જ ભવીષ્યમાં બીજા નીર્દોષ પણ એનો શીકાર બની શકે છે.
ન્યાયતંત્રનું માળખું દરેક ભુલ કે ગુનાને અનુરુપ સજા થાય એવા પાયા પર રચાયેલું છે. જ્યારે એનું પાલન નથી થતું ત્યારે જાહેરજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. દેશમાં વધતી ગુનાખોરી પાછળ આપણા વ્યવસ્થાતંત્ર અને ન્યાયતંત્રની નબળાઈ રહેલી છે. જાહેર શીસ્ત માટે જાણીતી પ્રજાના વર્તન પાછળ એમના દેશના કાયદા અને ન્યાયતંત્રની સફળતા રહેલી છે.
દરેક સમાજનો મોટો વર્ગ એવો છે જે માત્ર સજાના ડરથી ગુનો કરતો અટકે છે. સજાનો ડર ન હોય તો કાયદાને અવગણે છે. પછી એ ગમ્ભીર ગુનો હોય કે વાહનવ્યવહારના સામાન્ય નીયમનો ભંગ હોય; વૃત્તી સરખી જ છે. (આ લેખમાં ‘સમાજ’ શબ્દ દેશ, પ્રાંત, જાતી વગેરે બધાને આવરી લે છે.)
આ બધી વાતો જાહેર જીવનને લગતી બાબતોની થઈ. આમાં કંઈ નવું નથી કહ્યું. અહીં સાચું–ખોટું જાણવું પ્રમાણમાં સહેલું છે. કાયદામાં ગુના પ્રમાણેની સજા સ્પષ્ટ આલેખાયેલી છે. ‘ક્ષમા વીરસ્ય ભુષણમ્’ એ સુત્ર જાહેર જીવનને લાગુ પડતું નથી.
તો પછી બધી ધાર્મીક વીચારધારાઓમાં ક્ષમાને આટલું મહત્ત્વ શા માટે આપવામાં આવ્યું છે ?
એક કારણ એ છે કે જ્યારે ધાર્મીક વીચારધારાઓ અસ્તીત્વમાં આવી ત્યારે ન્યાય તોળવાની આટલી વીસ્તૃત પદ્ધતી વીકસી નહોતી. કાયદાઓ સ્પષ્ટ નહોતા. રાજાઓ, ધર્મગુરુઓ, સમાજના આગેવાનો વગેરે મરજી પ્રમાણે ફેંસલો સંભળાવી દેતા હતા. જેમાં ન્યાય સાથે અન્યાયની શક્યતા પણ એટલી જ હતી. એના વીકલ્પરુપે ક્ષમા કરવાનો માર્ગ સુચવાયો. એનાથી દોષીત ક્યારેક છુટી જાય; પણ નીર્દોષને ખોટી સજામાંથી બચાવી લેવું વધારે અગત્યનું હતું. આધુનીક ન્યાયપદ્ધતી નવી દુનીયાની શોધ અને દેન છે.
બીજા કારણમાં અંગત સમ્બન્ધોની નાજુકતા જાળવવા અને આત્મશાન્તી માટે ક્ષમા જરુરી ઔષધ છે.
અંગત સમ્બન્ધોમાં બધું ખુબ ગુંચવાયેલું હોય છે. ત્યાં ખાસ ગુના નહીં; પણ ગેરવાજબી અપેક્ષાઓ, અણઆવડત, જરુરી ખુલાસાઓનો અભાવ વગેરેને લીધે ગેરસમજ ઉભી થઈ સમ્બન્ધ બગડતા હોય છે. આવા પ્રશ્નોના ઉકેલ માટે ન્યાય તોળવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ક્ષમાનો માર્ગ અપનાવાયો છે.
જૈન વીચારધારા કદાચ એક જ એવી છે જ્યાં વાર્ષીક ધોરણે સામુહીક ‘ક્ષમાપના’ મંગાય છે અને અપાય છે. જો કે આ ઉમદા પ્રથા એક સામાજીક પ્રસંગ માત્ર બની ગઈ છે. એનો મુળ હેતુ સરતો જણાતો નથી.
નાની અમથી વાતમાં ‘સોરી’ (કે ‘થેંક યુ’) કહેતી પ્રજાના શીષ્ટાચારની આપણે હળવી મજાક પણ કરી લઈએ છીએ.
જ્યાં સાચે જ જરુરી હોય ત્યાં પણ ક્ષમા ન માંગવા કે આભાર વ્યક્ત ન કરવા માટે આપણે ‘ખોટો શીષ્ટાચાર’ કહી આપણી ખામીનો પાંગળો બચાવ કરીએ છીએ.
સાચા અર્થમાં ક્ષમા માંગવી અને આપવી બન્ને કામ અઘરાં છે. ક્ષમા માંગવામાં અહમ્ આડો આવે છે, જ્યારે ક્ષમા આપવામાં ન્યાય ન થયાનો અફસોસ રહે છે. સાચી ક્ષમા માંગવી હોય તો પોતાના સાચાપણાનો આગ્રહને જતો કરવો પડે છે. સાચી ક્ષમા આપવામાં માંગનારની શરણાગતી નહીં; પણ નમ્રતા જોવાની છે.
ક્ષમા માંગવી ત્રણ પગલાંની ક્રીયા છે. સૌ પ્રથમ સામી વ્યક્તીને ખાસ એ જ હેતુસર મળી, આડી અવળી વાત કરવાને બદલે, નજર મેળવી આપણાથી થયેલ ભુલનો એકરાર કરવાનો છે. બીજું પગલું એવી ભુલ ફરી ન થાય એની ખાતરી આપવાની છે. ત્રીજું પગલું આપણા લીધે એમને થયેલી હાની કઈ રીતે સમારી શકાય એ પુછીને તે પ્રમાણે કરવાનું છે. આટલું ન કરીએ ત્યાં સુધી સાચી ક્ષમા માંગી ન કહેવાય.
વાસ્તવીકતા એ છે કે આપણે ત્યાં માત્ર બે મીનીટ લેતા આ ત્રણ પગલાં ભરાતાં ક્યાંય જાણ્યાં નથી. (અમેરીકામાં પ્રત્યક્ષ જોયા છે.) હા, નુકસાન ભરપાઈ કરવાની સજા કાયદો સંભળાવે છે. આપણા આદર્શથી વાસ્તવીકતા કેટલી દુર છે એનો આ એક વધુ દાખલો છે. વ્યવહારમાં જેનું આચરણ કરાય છે તે મજબુરીથી કે ફાયદા માટે કરેલી બાંધછોડ છે, સાચા અર્થની ક્ષમા નથી. વીખવાદનાં મુળ કારણોનો ઉકેલ ન શોધાય ત્યાં સુધી સમાધાન શક્ય નથી. ત્યાં ક્ષમા એક ઔપચારીકતા માત્ર છે.
સાચી રીતે મંગાતી હોય તો ક્ષમા આપવાની સામે પક્ષે ફરજ બની જાય છે. ક્ષમા આપ્યા પછી એ બાબત  કે પ્રસંગનો ઉલ્લેખ ફરી ક્યારેય ન કરાય. એ બાબત મનમાં કડવાશ પણ ન રખાય. ભુતકાળમાં બનેલો કડવો પ્રસંગ સદન્તર ભુલી જવો શક્ય નથી; પણ એને પરાણે યાદ ન કરવું આપણા હાથમાં છે. મનમાં આવતા વીચાર પર કાબુ ન રખાય; પણ એ વીચારોને શબ્દો દ્વારા વ્યક્ત કરવાનો કે ન   કરવાનો નીર્ણય આપણો છે.
જાહેર સ્થળે કોઈને આવકારવાથી કે સામાજીક પ્રસંગે આમન્ત્રણ આપવાથી ક્ષમાયાચના નથી થઈ જતી. આવા આડકતરા સંકેત પાછળ નમ્રતા અને ઉદારતા કરતાં સ્વાર્થ વધુ હોય છે. સામા પક્ષે તે સ્વીકારાઈ જાય એવી અપેક્ષા રાખવી વધુ પડતી કહેવાય.
એક રીતે જોઈએ તો ક્ષમા માંગવી અને આપવી સામી વ્યક્તી કરતાં આપણા માટે વધુ જરુરી છે. સાચા કે માની લીધેલા અન્યાયને  ભુલવું ખુબ અઘરું છે. તેમ જ દરેક અન્યાયનો ન્યાય થવો પણ શક્ય નથી. જીવનભર બદલાની આગમાં બળતા લોકોની મનોદશા અને એના પરીણામ બતાવવા માટે તો વેદવ્યાસે મહાભારત રચ્યું છે. સામાન્ય રીતે મહાભારતની કથાને ધર્મયુદ્ધની કથા ગણવામાં આવે છે. આ લેખકને મહાભારતનો મુખ્ય સંદેશ, દરેક પાત્રની બદલાની ભાવના સર્વનાશમાં પરીણમતી બતાવવાનો છે. આવા સંજોગોમાં સર્વનાશ નીવારવા સાચા અર્થની સામુહીક ક્ષમાપના યુદ્ધનો વીકલ્પ બની શકી હોત.
માંગ્યા વગર સામેથી અપાતી ક્ષમાનો હેતુ સમજવો વધારે અઘરો છે. ક્યારેક જ તે આત્મશાન્તી માટે હોય છે. મોટેભાગે એમાં ઉદારતા કરતા ઘમંડ(arrogance) વધારે હોય છે. એમાં પોતાની ભુલનો એકરાર નહીં; પણ બધો દોષ સામા પક્ષે હોવાના આગ્રહ સાથે પોતાના મોટાપણાનો આડંબર રહેલો છે. વ્યવસાયમાં ઉપરીના હાથ નીચેના લોકો સાથેના વર્તનમાં આવું ખાસ જોવા મળે છે. જેવી રીતે બાળકની દરેક જીદ પુરી કરવાથી કે એની બધી ભુલો માફ કરવાથી એ બગડી શકે છે, એ જ રીતે દરેક વાતમાં મોટાઓનો અહમ્ પોષવાથી નકારાત્મક પરીણામ આવી શકે છે. આપણામાં ઉમ્મરને અપાતા વધુ પડતા મહત્ત્વના કેટલાક ગેરફાયદા પણ છે. સભ્ય વર્તનની જવાબદારી નાનામોટા બધાની હોય છે. આનો અર્થ વડીલોને અવગણવાનો નથી; પણ સત્ય અને સભ્યતાને નમ્રતા કરતાં આગળ મુકવાની – વધુ મહત્ત્વ આપવાની વાત છે. કહેવાતા જનરેશન ગેપ પાછળ આ એક મોટું કારણ છે.
કેટલાક લોકોને વાતવાતમાં વણમાગી સલાહ આપવાની ટેવ હોય છે. ઘણાને તે ગમતી નથી; છતાં સભ્યતાની રુએ ચુપચાપ સાંભળી લે છે. એ જ રીતે વાતવાતમાં આપવડાઈ કરનાર તેમ જ સતત બીજાની નીન્દા કરનારને, ગમતું ન હોવા છતાં ઘણા લોકો સહન કરી લે છે. રોજબરોજના વ્યવહારમાં બતાવાતી આવી સહનશીલતા કેટલી વાજબી અને જરુરી છે ?
સહનશીલતા આપણો ખાસ ગુણ ગણાય છે. અછતમાં નીભાવી લેવું યોગ્ય છે. કુદરતનાં પરીબળોને સહન કરવાં જરુરી છે; પણ કોઈની ઉદ્ધતાઈ સતત સહેવી જરુરી નથી. ‘સહનશીલતા’ અને ‘કાયરતા’ વચ્ચેની પાતળી ભેદરેખા ક્યારે ઓળંગાઈ જાય છે એનો ઘણાને ખ્યાલ રહેતો નથી.
સહનશીલતાનો વીકલ્પ એકમાત્ર સંઘર્ષ નથી; અસહકાર અને અવગણના પણ છે. જેમને વણમાગી સલાહ જોઈતી હોય, પરનીન્દામાં કુતુહલ સાથે રમુજ જણાતી હોય એમના માટે કોઈ પ્રશ્ન નથી. જેમને આવું બધું વાજબી ન લાગે એમણે આવા પ્રસંગ અને વ્યક્તીઓથી દુર રહેવું જરુરી છે અને પુરતું છે.
જે સમાજમાં આ પ્રકારના અભદ્ર લોકોની સંખ્યા ઓછી હોય તેમ જ જાહેરમાં શીસ્ત અને સ્વચ્છતા જાળવનારા વધુ હોય એ સમાજ વધુ સભ્ય અને સંસ્કારી ગણાય છે. કેટલાક સમાજોમાં ક્ષમા અને સહનશીલતાનાં ધોરણ, સ્ત્રી અને પુરુષ માટે અલગ હોય છે. ત્યાં પુરુષોના મનઘડંત કાયદા પ્રમાણે બધો ન્યાય કરવામાં આવે છે. બાકીની દુનીયા એમને અન્તીમવાદી ગણે છે.
આમની સરખામણીએ ભારત જેવા દેશમાં ન્યાયનું માળખું યોગ્ય છે; પણ ન્યાયપાલન સાવ પાંગળું છે. ‘હોતા હૈ, ચલતા હૈ, જાને દો’ જેવી મનોવૃત્ત્તી, સહનશીલતાને નામે કાયરતાને નભાવે છે, અરાજકતાને પોષે છે. ક્ષમા અને સહનશીલતા,  ગુણને બદલે નબળાઈ બની જાય છે. સદીઓની ગુલામીને લીધે આપણામાં વધુ પડતી સહનશીલતા આવી છે કે પછી વધુ પડતી સહનશીલતાએ ગુલામીને પોષી છે તે એક સંશોધનનો વીષય છે. વ્યક્તી સ્વાતન્ત્ર્યના અભાવે પણ એમાં ઘણો ભાગ ભજવ્યો છે.
‘ક્ષમા’ અને ‘બદલો’, એ બન્ને કરતાં યોગ્ય ન્યાય થવો વધારે અગત્યનું અને જરુરી છે. એમાં જ સંસ્કૃતીનો વીકાસ છે. ભારત જેવો વીશાળ, વીભીન્ન સમસ્યાઓથી ઘેરાયેલો દેશ આ બધાં જ ક્ષેત્રોમાં ઝડપી સુધારા ન કરી શકે. દરેક સમાજ પોતાના સામાજીક પ્રશ્નોનો ઉકેલ જાતે શોધે તે જરુરી છે. આપણો સમાજ દેશવીદેશના ઘણા સમાજોના સમ્પર્કમાં આવ્યો છે. એમનું સારું જણાય તે અપનાવવું આપણા હીતમાં છે.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.