અતિ લોભ તે પાપનું મૂળ છે. લોભને પાપનો બાપ કહેવાયો છે.
લોભ સ્વભાવે ખાઉધરો છે. વધુ ને વધુ લાલસા એટલે લોભ. લોભ હજાર સદગુણોનેય ગળી જાય છે. લોભનો સ્વભાવ જ ગળવાનો છે. લોભ નાનું-મોટું, શક્તિ-અશક્તિ, યોગ્ય-અયોગ્ય, ખપ-નાખપનું વિચારતો નથી. તેનું લક્ષ્ય કેવળ પ્રાપ્તવ્ય અને સંગ્રહ હોય છે. લોભના પ્રવેશની સાથે જ વિવેક ઘર-ઉંબરો છોડે છે. વિવેક અને લોભ સાથે રહી શકતા નથી. લોભ અને સંતોષ સાથે જીવી શકતા નથી. એકની હાજરી એ બીજાની ગેરહાજરીનું કારણ અવશ્ય બને છે. અસંતોષ અને તીવ્ર લાલસાની લાય લોભના ઈંધણમાંથી ભભૂકતી હોય છે અને એક વાર આગ પેટાઈ જાય છે પછી તે બીજાને પણ પોતાની ઝપટમાં લેતી જાય છે.
લોભવૃત્તિ જીવ માત્રને લાંબા ગાળે ગુલામ બનાવતી હોય છે. દાસત્વ એ લોભનું ફરજંદ છે. લોભી માણસ ક્યારેય બાદશાહ હોતો નથી. એ સદાય સેવક બનીને રહેતો હોય છે. સામ્રાજ્યોની લાલસા અને લોભ વ્યક્તિને બાદશાહમાંથી વાસ્તવમાં ગુલામ બનાવતી હોય છે અને નિર્લોભી ફકીર બાદશાહનો પણ બાદશાહ બનતો હોય છે. એ સ્વતંત્ર હોય છે. પોતે જ પોતાનો માલિક હોય છે, કારણ કે તે સંતોષી હોય છે.
આપણાથી બે પેઢી જ માત્ર પાછળ જોઈએ તો જણાશે કે ત્યારે માણસ પાસે આજના જેટલી વિપુલ અને અદ્યતન સાધનસામગ્રી નહોતાં. છતાં આજના કરતાં વ્યતીત પેઢી આપણાથી વધુ સુખી હતી. આ સત્ય તો આજે સહુ કોઈ સ્વીકારે છે. આ સત્યનું બીજ છે સંતોષ. જરૂરિયાતો અલ્પ, કોઈ મહત્વકાંક્ષા નહીં, પ્રભુપરાયણ જીવન અને સંતોષને કારણ આપણી પુરોગામી પેઢી સુખી હતી. જીવનમાં ક્યાંય દોટ નહીં. રોજ ચાલવાનો જ પ્રામાણિક પુરુષાર્થ. પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે. આજે દોટ એ જ જીવનની ઓળખ બની ગઈ છે. વધુ ને વધુ મેળવવું એ જ જીવનનું લક્ષ્ય બન્યું છે. રાતોરાત લખપતિ થઈ જવું છે અને માટે જીવનમૂલ્યોને છેહ દેવો પડે તો છેહ દેવા સુધીની આપણી માનસિક તૈયારી છે. પરિણામે વસ્તુ-પદાર્થ-પૈસો, પ્રતિષ્ઠા, પદ વગેરે તો તાણી લાવી શકીએ છીએ, પણ સુખ સરી જાય છે. માણસ ધન-દોલતના ઢગ વચ્ચેય ભિખારી બની જાય છે. જે સંતોષની મૂડી પર ત્રણે લોકનો સ્વામી હતો તે લોભની વૃત્તિથી માખી-મચ્છર જેવું શુદ્ર જંતુ બની જતો હોય છે. દાસત્વ તેને પછી કોઠે પડી જાય છે. લોભને રવાડે ચડતાં જ મનુષ્ય આંધળો થઈ જાય છે. લોભ સૌથી પહેલું કામ વ્યક્તિની આંખ આંચકી લેવાનું કરે છે. અર્થાત માણસની ક્ષીર-નીર ભેદ પારખવાની દષ્ટિને આંચકી લે છે – એટલે કે માણસને વિવેકશૂન્ય બનાવે છે. પોતાના અલ્પ સુખ ખાતર માણસ લોભવશ અન્યનાં સુખ-ચેન હડપ કરવા સુધી લલચાય છે. ભૌતિક ચીજોની ભૂખ વિવેકનો કોળિયો કરી જાય છે. લોભી માણસનો આહાર જ અન્ય અસ્તિત્વ હોય છે. પણ લોભીજન એ ભૂલી જાય છે કે જેનો એ કોળિયો કરી ગળી જવા ઈચ્છે છે એ ચીજ-જણસ જ આગળ જતાં લોભીજનનો કોળિયો કરી જતી હોય છે. જગત પરની પ્રવર્તમાન પ્રાયઃ સઘળી હિંસાનું કારણ લોભ છે. લોભ એ કેવળ ચીજવસ્તુ મેળવવા માટેની આંધળી દોટ જ નથી, બલ્કે એ બદલાની ભાવનાનું અંગ, વેરની વસૂલાત માટેની યોજના અને ગુલામીની જનેતાપણ છે.
એક સમય એવો હતો કે મનુષ્યો-પશુઓ એક જ જંગલમાં નિર્ભયપણે આનંદપૂર્વક સાથે જીવતાં હતાં. પશુ આદિ જનાવરો જ એમના રોજિંદા મિત્રો હતા. એક વખત સાબરની સાથે લડતા એક ઘોડાને સાબરનું શિંગડું વાગી ગયું. ઘોડો જખમી થયો. ઘોડો વેરની વસૂલાત કરવા મનુષ્ય પાસે ગયો અને મદદ માગી. મનુષ્યે કહ્યું : ‘ઠીક છે, હું તને મદદ કરી તારા દુશ્મનોનો નાશ કરીશ.’ મનુષ્ય ઘોડા પર બેઠો. સાથે તીર-કામઠાં પણ રાખ્યા અને સાબરને વીંધી પાછો ફર્યો. હવે ઘોડો બોલ્યો : ‘ભાઈ, તમે મારા પર મહેરબાની કરી છે. મારા લાયક સેવા બતાવજો. હવે હું જાઉં છું.’ મનુષ્યે કહ્યું : ‘હવે તું ક્યાં જઈશ ? મને હવે જ ખબર પડી કે તું બેસવામાં ઉપયોગી છે.’ ઘોડો વિવશ બન્યો અને મનુષ્યે તેને બંધનમાં નાખી બેસવાનું સાધન બનાવી દીધું. વેર લેવાના લોભે ઘોડાને બંદીવાન બનાવ્યો.