Showing posts with label Article. Show all posts
Showing posts with label Article. Show all posts

Saturday, March 15, 2014

Food for Thought -Part 1

In last two to two and half months  we had 3 programmes of which one was organised by Yuvak Mandal and other two were organised by Samaj aka Motu Mandal.Response and involvement of the members of the Samaj , to say the least, was lukewarm and worrying. Those at the helm of the Society need some serious thinking about the poor attendance of the members. Let us one by one take up the 3 functions and try to understand the response of the members. First let us see what happened on 22-12-2013.

The programme was named Sneh- Samelan and was organised on a Sunday at 3:00 PM to be followed by Dinner at Raghu Leela Village at 6:30 PM. There were around 300 people who attended the function (if at all this could be termed as function) out of a population of around 8000 people . What could be the reasons of such a low turnout ? To our mind following were the causes :

1) The show was at 3:00 PM which was not a suitable time as on Sunday people take their lunch at around 1:00 PM . They also take siesta on Sunday. So to attend the show, they would have to miss their afternoon sleep.

2) No doubt, we have a very high presence in and around Borivali but those who stay in central suburbs would never  think to come all the way to Borivali as they will spend some 2 hours one way to reach the venue.

3) The card rate was kept at Rs 300 per person that means husband ,wife and two kids would spend 1200 rupees plus transport for one evening.

4) Dinner at a place like Village is tempting but who will go to dine at 6:30 PM ?

Now let us talk about costing of the function

The cost to Yuvak Mandal for Film and Dinner was about Rs 700/- per person or so of which Rs. 300 were contributed by the member. The difference between expenses and collection is generally to be bridged by collecting donations from charitable members of the community. For so many years this was the practice but this year yuvak mandal did not bother to collect the donations for the function and spent the amount from the funds of yuvak mandal. At Rs. 400 per person for 300 people yuvak mandal spent some 1,20,000.00. The donors give their hard earned money to yuvak mandal thinking that the funds and the income generated from those funds will be utilised efficiently and needy and helpless people would be benefited  but this does not seem to be happening . For this, we would blame the donors also to some extent because they do not keep a watch on what is happening to their charities. Time has now come to have check & balances over the members of the yuvak mandal and oversee the spending they make. This is needed to be stated as more and more   inexperienced members are coming in the working committee and because of lack of understanding and knowledge they misutilise the funds which now runs into crores. 

To stress the point just made, if you see the recent election of yuvak mandal there were 12 members required for working committee but only 8 came forward and they were elected unopposed irrespective of their social standing and knowledge. Against this, for trust board where some 5 members were to be elected, 10 people contested. What is the signal ? It is simple everybody wants chairs, photos and microphone to give speech but no body wants to work at root level.

What is the reason for diminished interest ? One very important reason seems to be lack of communication amongst the young. New generation is very poor in Gujarati and old horses are not interested in English so there is divide due to language. This must be addressed very fast to bring the yuvak mandal on track. Involvement of the next generation is a must and whatever needs to be done must be done.

Other 2 programmes will be discussed in days to come. Please keep visiting the site.

Wednesday, March 12, 2014

ભૂલો અને માફ કરો – તન્વી બુચ

ક્ષમા એ બે અક્ષરનો શબ્દ બોલવામાં જેટલો સરળ છે તેટલો જ વ્યવહારમાં મૂકવો કઠિન છે. કોઈ અંગત વ્યક્તિ આપણી પાસેથી આપણને ગમતી કોઈ વસ્તુ માંગી લે તો એ વસ્તુ આપવામાં આપણને કંઈ બહુ કષ્ટ ન પડે; પરંતુ જ્યારે એ અંગત વ્યક્તિને માફી આપવાની વાત આવે ત્યારે આપણને વધારે શ્રમ પડતો હોય છે. જેના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે તો એ વેદનાને પચાવવી ખૂબ અઘરી બની જાય છે. વિલિયમ બ્લૅક કહે છે કે ‘દુશ્મનને તો હજુ પણ માફ કરી શકાય પણ મિત્રોને માફ કરવા ખૂબ જ અઘરા છે.’ એ વ્યક્તિ આપણી સાથે આવું કરી જ કેમ શકે ? એ વાત આપણે ભૂલી શકતા નથી. કહેવાય છે કે ‘ભૂલો અને માફ કરો’ એમાં ભૂલવું તો હજુ સહેલું છે કારણ કે માનવ સ્વભાવ જ વિસ્મૃતિને વરેલો છે. કાળક્રમે અમુક વાતો સહજ રીતે વિસરાઈ જાય છે. કઠીન તો માફી આપવાનું કામ છે. માફી આપવી એટલે મનની કળવાશને દૂર કરી દેવી. જે વ્યક્તિને આપણે માફ કરી દીધી હોય તે આપણને વર્ષો પછી મળે તો પણ મનમાં એ જૂની વાતોનો કોઈ પડઘો પડતો નથી મન પર તેનો કોઈ બોજ હતો નથી.
ક્ષમા આપવી એ સરળ બાબત નથી. ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે. કોઈને માફ કરવાથી માફી આપનાર વ્યક્તિ અહંકારરહિત બની જાય છે કારણ કે ક્ષમા ન કરવામાં જો સૌથી મોટું કોઈ તત્વ આડું આવતું હોય તો તે અહંકાર છે. ક્ષમા તો હૃદય ઉદાર બને તો જ આપી શકાય ! માફી આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વ્યક્તિના મન પરનો બોજ હળવો થઈ જાય છે. વ્યક્તિ જેવો છે તેવો દોષસહિત સ્વીકારવાની તૈયારી તેને મૂઠીઉંચેરો બનાવે છે. એક સાયકોલોજી બુલેટિન પ્રમાણે, ‘માફી આપવાથી હકારાત્મક વિચારો વધે છે, તાણ ઘટે છે, બ્લડપ્રેશર ઘટે છે અને હૃદય પર સારી અસર થાય છે.’ ક્ષમા સંબંધોને મજબૂત બનાવે છે. જે લોકો કોઈ પણ વાતને જલ્દીથી ભૂલી શકતા હોય અને બીજાને માફ કરી શકતા હોય તેમની તંદુરસ્તી પણ સારી રહે છે.
એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અદ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું ! બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટાટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધા બટેટા સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું. વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે. નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.
ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. કોઈક વાર તો પેઢીઓ સુધી વિસ્તરે છે અને નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે. ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે. માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે.
સૌજન્ય :રીડ ગુજરાતી

Friday, February 28, 2014

જીવન જીવવાની કલા – તન્વી બુચ

બેફામ સાહેબની એક રચના છે :
અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

જીવન જીવવું અને જીવંત રહેવું એ બંને અલગ બાબત છે. હૃદય જ્યાં સુધી ધબકતું રહે ત્યાં સુધી આપણે ચોક્કસ જીવતા રહી શકીએ છીએ, પરંતુ એમાં જો જીવન ધબકતું રહે તો જ જીવંતતા ટકી રહે. જીવનને ધબકતું રાખવા માટે જીવનમાં શોખ હોવા ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને જુદા જુદા શોખ હોય છે. શોખ અને કલા એકબીજાના પૂરક છે. માણસને જે વસ્તુનો શોખ હોય તે જરૂર કલા બની શકે છે; પરંતુ શોખ તો ટીવી જોવાનો પણ હોઈ શકે ! શોખ પાણીપુરી ખાવાનો કે ગપસપ કરવાનો પણ હોઈ શકે. એ પ્રકારનાં શોખની આ વાત નથી. અહીં શોખ એટલે કાર્ય પ્રત્યેની અત્યંત એકાગ્રતા અને શુભનિષ્ઠા. આવો શોખ ક્યારેક કલામાં પરિવર્તિત થઈ શકે છે. તમને શું કરવાનો શોખ છે એ શોધી કાઢો. દરેક વ્યક્તિમાં એક કલાકાર વસેલો છે. ઈશ્વરે દરેકને કોઈને કોઈ કલાનું વરદાન આપ્યું છે પરંતુ એ વરદાનને ઓળખીને આપણે આપણામાં રહેલા કલાકારને જન્મ આપવાનો છે.
પોતાના શોખનો વિસ્તાર કરવાથી કે કોઈ કલામાં પારંગત બનવાથી માણસ જીવંત રહે છે. સતત નવું નવું શીખવાથી મગજનો પણ વિકાસ થાય છે. મનની ક્ષિતિજો વિસ્તરે છે. પોતાનો આત્મવિશ્વાસ વધે છે. નૃત્યનો શોખ હોય તો તે માટેની તાલિમ લઈને વ્યક્તિ એક સારો નૃત્યકાર બની શકે છે. ખૂબ ગાવાનો શોખ હોય તેવી વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન અને રિયાઝ વડે સારો ગાયક બની શકે છે. સતત કંઈક નવું વાંચવા-લખવાનો શોખ કેળવીને લેખનકલામાં પારંગત બની શકાય છે. અરે… રોજિંદુ ઘરકામ કરતાં રસોઈના ક્ષેત્રમાં નવી-નવી વાનગીઓ બનાવવાનો શોખ જાગે તો એ પણ ક્યારેક રસોઈકલામાં રૂપાંતરિત થઈ શકે છે. શોખ એ જ કલાની જન્મદાત્રી છે.
માણસને અલગ-અલગ પ્રકારનાં શોખ તો હોવા જ જોઈએ. એ બધાં શોખ ભલેને પછી કલામાં પરિવર્તિન ન પણ પામે; પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નવું નવું જાણવા કે શીખવાનું તો મળી રહેશે ! આપણે ભલે એક જ ક્ષેત્રમાં નિપુણ બનીએ પરંતુ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને એક નવી જ દુનિયાનો નીતનૂતન અનુભવ કરવો એ કંઈ ખોટની વાત નથી. માણસ અને જગત બધું જ પરિવર્તનશીલ છે. એકનું એક ક્યારેય કંઈ રહેવાનું નથી. પ્રત્યેક માનવી હરહંમેશ કંઈક નવું ઝંખે છે. એક જ પ્રકારના કાર્યથી વ્યક્તિ ઊબી જાય છે. માણસની આંખ અને હૃદયને હંમેશાં કંઈક વિસ્મયતા જોઈએ છે. કંઈક નવું જાણવાની તાલાવેલી કેળવીને જ માનવી આ પ્રકારની નવીનતાનો અનુભવ કરી શકે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે આપણી શેરીમાં સાપ નીકળે તો લોકો એને જોવા ટોળે વળે છે કારણ કે એ આપણને રોજ જોવા નથી મળતા, પરંતુ જો ગાય નીકળે તો લોકો જોવા ટોળે વળે ખરા ?
કંઈક અનોખું જાણવામાં જ માણસને રોમાંચનો અનુભવ થાય છે. વ્યક્તિ તેમાં આનંદ પ્રાપ્ત કરે છે. શોખ આપણે વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓને જીવનમાં એક નિશ્ચિત સ્થાન આપી શકીએ છીએ. શોખ કેળવવો એ સહજ બાબત છે. તે આપોઆપ પ્રગટે છે અને વિકસે છે. ‘આમ નહીં કરું તો હું મૂર્ખ દેખાઈશ’ એમ જબરજસ્તી કરીને કોઈ શોખ વિકસાવી શકતા નથી. એનાથી તો ઊલટું જીવનતત્વ ઓછું થઈ જાય છે. કોઈ પણ શોખને સહજ રીતે વિકસવાની અને પાંગરવાની મોકળાશ મળે ત્યારે તે કલામાં પરિવર્તિત થતો હોય છે. એક વિદ્યાર્થી એ એક ચિત્ર દોર્યું હતું. એ વિદ્યાર્થીને ચિત્ર થોડું બરાબર નહોતું લાગતું. એણે તે ચિત્ર પોતાના વર્ગશિક્ષકને બતાવ્યું. શિક્ષકે તે ચિત્રમાં બ્રશથી એક નાનકડો લસરકો માર્યો અને ચિત્ર ક્ષણાર્ધમાં અતિસુંદર બની ગયું ! વિદ્યાર્થીને હવે ખરેખર એ ચિત્ર જીવંત લાગ્યું. આથી તેણે શિક્ષકને પૂછ્યું : ‘સર, આપે તો ફક્ત એક સહેજ લસરકો જ માર્યો છે છતાં ચિત્ર આટલું સરસ કેવી રીતે બની ગયું ?’ શિક્ષકે જવાબ આપ્યો કે : ‘બેટા, એક લસરકો આટલો ફેરફાર કરી શકે ત્યાં જ કલા જન્મે છે.’
ખરેખર, કલાનો એક લસરકો માનવીને ક્યારેક જીવન જીવવાની કલા પણ શીખવી શકે છે. કલાનો સંગાથ માનવીને તાણમુક્ત રાખે છે. સદાય આનંદમાં રાખે છે. હંમેશા પ્રફુલ્લિત રહેવા માટે કંઈક નવું નવું શીખવું પડે તો માણસે સતત શીખતા રહેવું જોઈએ. પોતાના શોખને કેળવવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડે તો પણ લેવી જોઈએ પરંતુ સવાલ છે જીવનના વૈવિધ્યસભર આનંદને માણવાનો. આમ કરતાં જે કલાકો પસાર થાય છે એમાં કદાચ આપણને પૈસા ન મળતા હોય એમ બને; પરંતુ એકવાર વ્યક્તિનો શોખ કલામાં રૂપાંતરિત થાય છે એ પછી તેની પાછળ કામ અને દામ બેઉ દોડતા આવે છે. એ સમય ‘વેસ્ટ’ નથી થતો પરંતુ ‘ઈનવેસ્ટ’ થાય છે.
વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જુર્ગે હતાશાને આ યુગની સૌથી મોટી વ્યાધિ તરીકે ઓળખાવી છે. આ હતાશાને દૂર કરવી હશે અને જીવન જીવવાની કલા શીખવી હશે તો આપણે સાચા અર્થમાં કલાકાર બનવું પડશે.
સૌજન્ય : રીડ ગુજરાતી

Wednesday, February 26, 2014

સુખી થવાનો સીધો ઉપાય ! – હરેશ ધોળકિયા



સાંજ ઢળી રહી છે. ઓટલાઓ સામેના તળાવની ક્ષિતિજે લાલચોળ સૂર્ય અસ્ત પામવાની તૈયારી કરી રહ્યો છે. તળાવમાં જે થોડું ઘણું પાણી બચ્યું છે, તેના પર સૂર્ય કિરણોનો લાલ પટ્ટો પથરાયો છે અને પાણી, ગંદુ હોવા છતાં, અત્યંત ચળકી રહ્યું છે. તળાવ વચ્ચે આવેલ બાગમાંના વૃક્ષોનાં પાંદડાં સૂર્ય પ્રભાવે ઝગમગી રહ્યાં છે. ક્રમશ: પ્રકાશ ઘટે જાય છે અને વાતાવરણમાં ઝાંખાશ આવતી જાય છે. ઓટલા પર મંડળીઓ જામી છે. છૂટાંછવાયાં દંપતિઓ કે મિત્ર વર્તુળો બેઠાં છે. તળાવનું સૌંદર્ય આંખોથી પી રહ્યાં છે. બેસનારામાંથી મોટા ભાગના જીવન સંધ્યામાં છે. તેથી પ્રકૃતિની સંધ્યાને સમાનુભૂતિથી માણી રહ્યાં છે. યુવા દંપતિઓ માટે આ કેવળ સૌંદર્યદર્શન છે. તે તેમની ભાવિ સંધ્યાનો અહેસાસ નથી કરાવતી. તેમને તો આવનાર રાત્રીની મીઠાશની સ્મૃતિ કરાવે છે.
એક વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. અલબત્ત, સમય પસાર કરવા. પણ ચર્ચાનો વિષય રસપ્રદ છે. ડહાપણના પ્રતીક એવા રૂપેરી વાળ ધરાવતા એક વૃદ્ધ હસતાં હસતાં કહે છે : ‘આજે સર્વત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે. વિજ્ઞાને દરેક બાબતના ઉપાયો પણ શોધી કાઢ્યા છે. જુઓને, શરીરમાં તકલીફ કે પીડા થઈ નથી અને તરત ઈન્જેકશન મારી દે છે અને પળભરમાં દુ:ખ ગાયબ ! અથવા એન્ટિબાયોટિક દવા આપે છે. તો આ વિજ્ઞાન સુખનાં ઈન્જેકશન શોધતું હોય તો ? અથવા એન્ટિબાયોટિક દવા જેમ એન્ટિદુ:ખોટિક દવા બનાવતું હોય તો ? આ ઈન્જેકશન લીધું નથી અથવા ગોળી પેટમાં ગઈ નથી અને દુ:ખ ગાયબ !’
બીજા વૃદ્ધે ટેકો આપતાં કહ્યું : ‘સાચી વાત છે. કેટકેટલી ઉપાધિઓ હોય છે. સવાર પડી નથી અને ઉપાધિઓનો ઢગલો આવી પડે છે. દરેક ઉપાધિ તકલીફ ઊભી કરે છે. તેનું નિરાકરણ લાવતાં દમ નીકળી જાય છે. ઘરથી માંડી કેટકેટલાંને સાચવવાં ! કેટલા રિવાજો જાળવવા ! સંબંધો જાળવવા ! પોતાની માંગો પૂરી કરવી ! તે માટે કમાવું. દોડદોડમાં દિવસ જ નહીં, આખી જિંદગી નીકળી જાય છે. છતાં તકલીફો કે દુ:ખો ઘટવાનું નામ જ નથી લેતાં. આ ભાઈ કહે છે તેમ ગોળી કે ઈન્જેકશન આવતાં હોય તો દુ:ખ થકાવે કે તરત તે લઈ લેવાથી ફરી હળવા થઈ જવાય અને સુખમાં ડૂબી જવાય.’
આ વાત સાંભળતાં આલ્ડસ હકસ્લેની નવલકથા ‘આઈલેન્ડ’ યાદ આવી જાય. તેમાં પણ મોક્ષની ગોળીની કલ્પના કરી છે તેણે. જે લેવાથી વ્યક્તિ પળમાં સ્વમાં તલ્લીન થઈ જાય. આ કલ્પના હકસ્લેને ચરસ અને મેરીજુઆના લીધા પછી આવેલી. (તેનું વર્ણન તેણે પોતાનાં પુસ્તક ‘ડોર્સ ઑફ પરસેપ્સન’માં વિસ્તૃત કરેલ છે.) આ વાત પણ ગમે તેવી છે કે ગોળી કે ઈન્જેકશન આવતાં હોય તો સુખ સીધું જ મળી જાય. પળના છઠ્ઠા ભાગમાં ! આ તો રમૂજી વિચાર ગણાય, પણ હકીકતે સુખનો, સુખી થવાનો, કોઈ સીધો માર્ગ ખરો ? અથવા તેનો વિચાર થયો છે ખરો ? હકીકતે સુખ એ બહારની ઘટના નથી. તે માનવ-મનની સ્થિતિ છે. બહાર જે મળે છે, અથવા વિજ્ઞાન જે આપે છે, તે સગવડો છે. સગવડો પોતે સુખ નથી. હા, તેનાથી સુખ મળે છે તેમ વ્યક્તિ માની શકે છે ખરી ! વિજ્ઞાન તો સગવડો આપે ખરું, પણ સુખ તો માનવીના વિચારો પર આધારિત છે. સંપૂર્ણ સુખ વચ્ચે પણ વ્યક્તિ દુ:ખી હોઈ શકે અને ફૂટપાથ પર સૂતેલ પૂર્ણ અભાવગ્રસ્ત વ્યક્તિ પણ આનંદી હોઈ શકે.
પણ હા, આપણાં શાસ્ત્રોમાં આપેલ બે સૂચનો સુખ મેળવવાનો સીધો ઉપાય બની શકે. તેને જો મન ગળી જાય કે તે જો લોહીમાં ભેળવી દે, તો તે પળે જ વ્યક્તિ સુખી થઈ શકે છે. એક સૂચન છે ભગવદ ગીતામાં અને બીજું છે ઉપનિષદમાં. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે (5:3) ‘નિદ્વંદ્વો હિ સુખમ્ બંધાત્પ્રમુચ્યતે’ એટલે કે ‘નિદ્વંદ્વ વ્યક્તિ જ બંધનોમાંથી મુક્તિ મેળવી સુખી થઈ શકે છે.’ એટલે કે, સુખ મેળવવાનો સીધો ઉપાય છે નિદ્વંદ્વ થવું. દ્વંદ્વોથી મુક્ત થવું તે. કયો છે અગત્યનો દ્વંદ્વ ? તે છે ‘રાગ અને દ્વેષ.’ દુ:ખનો પાયો છે આ દ્વંદ્વ. માણસની સામે કશુંક પણ આવે – વ્યક્તિ કે વસ્તુ – તો તરત તે તેનાં સાથે રાગ ઊભો કરે છે. તેના તરફ તે આકર્ષાય છે અને આસક્તિ બાંધી લે છે. માનવ સંબંધો, માનવના વસ્તુ સાથેના સંબંધો-બધા પળભરમાં આ રાગ દ્વારા ખરડાઈ જાય છે. રાગ આસક્તિ જન્માવે છે. આસક્તિ મોહ જન્માવે છે. મોહ માલિકીભાવ ઊભો કરે છે. મોહ વ્યક્તિને બેહોશ બનાવે છે. આ બધાને પરિણામે તે તેને જોરથી પકડી બેસી જાય છે. જેવી રાગની પકડ વધે, તરત તે ગુમાવવાનો ડર ઊભો થાય. આ ડર અસલામતી જન્માવે. પરિણામે તે વ્યક્તિ કે વસ્તુ તરફ કોઈ નજર કરે, તો તે વ્યક્તિ દુશ્મન લાગે. પરિણામે તેના તરફ દ્વેષ ઉત્પન્ન થાય. તેને તે દૂર રાખવા પ્રયત્ન કરે અથવા અન્ય કારણોસર વ્યક્તિ કે વસ્તુ ચાલ્યાં જાય, તો શોક જન્મે અને વ્યક્તિ દુ:ખી થયા કરે. આમ જેવો રાગ પ્રગટ્યો કે મોહ અને શોક આવ્યાં જ ! અને તે વ્યક્તિ દુ:ખી રહેવાની જ.
તેનો ઉપાય છે તે બંનેનો ત્યાગ. સમગ્ર દ્વંદ્વથી મુક્તિ. હવે આનો આધાર બહારનાં વ્યક્તિ કે વસ્તુ નથી. તેઓ તો કેવળ સંયોગવશાત વ્યક્તિ પાસે આવેલ છે. તેને સ્વીકારવાનાં પણ છે અને તેને પ્રેમ પણ કરવાનો છે. પણ પ્રેમ કરવો અને રાગ કરવો એ બે અલગ બાબત છે. પ્રેમમાં આગમનનો સ્વીકાર છે, પણ ‘જશે તો’ – ગુમાવવાનો ડર નથી. પ્રેમને જ્ઞાન છે કે જે આવે છે તે જઈ પણ શકે છે અને એક સમયે જશે જ ! માટે હોય ત્યાં સુધી માણવું. જાય તો જવા દેવું. રાગ આ નથી સ્વીકારતો. તે માને છે કે જે આવે તે ટકવું જ જોઈએ. તેની માલિકી તેની જ હંમેશ માટે હોવી જોઈએ. આ હંમેશ શક્ય નથી. માટે ડર ઉત્પન્ન થાય છે જે મોહ ગાઢ બનાવે છે. વ્યક્તિ કે વસ્તુ જવાથી જે દુ:ખ થાય છે, તે આ મોહભંગનું પરિણામ છે, તે જવાનું નહીં. નિદ્વંદ્વ થવું એટલે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાં જ નહીં એવું નથી. જે જ્યારે આવે તેને પ્યારથી સ્વીકારવાનાં છે. તેનો યથાયોગ્ય ઉપયોગ પણ કરવાનો છે. તેને માણવાનાં પણ છે. પણ દરેક પળે, માણતી વખતે, ‘તે જઈ પણ શકે છે.’ તે જાગૃતિ રાખવાની છે. તેની ક્ષણભંગુરતાનો પણ સ્વીકાર કરવાનો છે. આ રીતે અનાસક્તિ આવી કે તરત દ્વંદ્વનો પ્રભાવ ચાલ્યો જશે. દ્વંદ્વો તો રહેશે જ, તે તો જગતનો સ્વભાવ છે, પણ તેનો પ્રભાવ ન સ્વીકારવો તે વ્યક્તિની પસંદગી છે. આવું થયું કે તે પળે સુખ જ સુખ છે. અને હકીકતે દુ:ખ છે જ નહીં, દુ:ખ તો દ્વંદ્વને સ્વીકારવાથી જ થાય છે. દુ:ખનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી અને દ્વંદ્વનો અભાવ તે જ સુખ !
ઈશ ઉપનિષદ આ વાત બીજી રીતે કહે છે. તે કહે છે કે, ‘ત્યાગીને ભોગવ’ ઘણા ગોટાળા આ વાક્ય સંદર્ભે થયા છે. હજારો વખત એમ કહેવાયું છે કે આમાં ત્યાગની મહત્તા બતાવી છે, પણ આ વાક્યમાં ક્રિયાપદ ‘ભોગવ’ છે, ‘ત્યાગ’ એમ નથી. વાત તો ભોગવવાની જ કરી છે. માત્ર તેની રીત ‘ત્યાગ’ બતાવી છે. ત્યાગ પદ્ધતિ છે, ક્રિયા નથી.
શેનો ત્યાગ ?
દ્વંદ્વનો જ ! આસક્તિનો જ ! માલિકીભાવનો જ !
ઉપનિષદ કહે છે કે જગત ભોગવવા માટે જ છે. જે કંઈ છે, તે માણવાનું છે. માત્ર ખ્યાલ એ રાખવાનો છે કે તેના પ્રત્યે આસક્તિ ઊભી ન થાય. તે ‘મારું’ છે તેમ નથી માનવાનું. ‘મને ભોગવવા મળ્યું છે’ એમ માનીને ‘છે’ ત્યાં સુધી માણવું. જાય તે સ્વસ્થતાથી જવા દેવું, પછી તે પોતાનું પ્રિયજન હોય કે પ્રિય વસ્તુ હોય કે ગમે તે. પણ હોય ત્યાં સુધી આનંદથી માણવું. વ્યક્તિ કે વસ્તુને નથી ત્યાગવાનાં, તેના પ્રત્યેના રાગ અને મોહને ત્યાગવાના છે. તેને ત્યાગીને ‘ભોગવ’ એમ કહે છે.

બસ ! આ ચાવી છે સુખની. હકીકતે સુખ મેળવવાનું જ નથી. વિશ્વમાં સુખ સિવાય બીજું કશું જ નથી. માત્ર જો ભૂલથી પણ દ્વંદ્વ સ્વીકાર્યું અને પકડ્યું, તો પછી દુ:ખ આવે જ છે. દુ:ખ એ સુખનો અભાવ નથી, પણ રાગી થવાથી ઊભી થતી પરિસ્થિતિ છે. જો રાગ-દ્વેષ છોડ્યાં, તો સુખ જ સુખ ! તે પકડ્યાં, તો દુ:ખ જ દુ:ખ ! અને દુ:ખ માટે ‘ઉપાધિ’ શબ્દ વપરાય છે. ઉપ અને આધિ. આધિ એટલે તકલીફ. ઉપ એટલે ગૌણ. બહાર જે વ્યક્તિ કે વસ્તુ છે તે ગૌણ છે. મુખ્ય આધિ નથી. મુખ્ય આધિ તો રાગ અને દ્વેષ છે. તે છોડ્યાં તો સુખ. આ જ ઈન્જેકશન છે; એન્ટિદુ:ખોટિક ગોળી છે.
શું સ્વીકારવું તે વ્યક્તિની પસંદગી છે. માટે જ ગીતા કહે છે : ‘યથેચ્છિસિ તથા કરુ’ – તું ઈચ્છે તેમ કરી શકે છે.
સૌજન્ય : રીડ ગુજરાતી

Monday, February 24, 2014

ધાર્મીક વીધીને નામે દુર્વ્યય..…ડૉ. જનક વ્યાસ


માણસ એકવીસમી સદીમાં જીવવાનો રોફ મારે છે. તેની વીજ્ઞાન તરફની દોડ અચમ્બો પમાડે તેવી છે; તેમ છતાં ધાર્મીકતાને નામે તેની અન્ધશ્રદ્ધાનો કોઈ પાર નથી. જીવન–મૃત્યુના અનેક પ્રસંગોમાં મોંઘી ચીજ, કે જેને માટે ગરીબ વર્ગ હવાતીયાં મારે છે તેનો, ધાર્મીકતાને નામે બહોળો દુર્વ્યય કરે તે છે અને તેમાંથી બહાર નીકળવાના કોઈ પ્રયાસો પણ થતા નથી. લગ્ન એ પવીત્ર વીધી છે, તેમાં વધુને ઓવારવા ચોખા ઉડાડાય છે. લાખોની સંખ્યામાં થતા લગ્નોમાં આવા અનેક ટનબંધી ચોખા ધુળમાં ભળી જાય છે. જ્યારે આ દેશમાં અસંખ્ય લોકો ભુખે મરે છે. આ વીધી અટકે તો કેટલા ભુખ્યાજનોની આંતરડી સન્તોષાય ! તે જ રીતે ધાર્મીકતાને નામે ગામે ગામ યજ્ઞો કરાવાય છે. લગ્નની વેદીમાં પણ યજ્ઞોની જેમ તે વેદીમાં ચોખ્ખું ઘી હોમાય છે અને આવા અસંખ્ય હોમહવનમાં કીંમતી ચોખ્ખું ઘી બાળી મુકવામાં આવે છે. હોળીમાં લાખ્ખો નારીયેળ ફુંકી મારવામાં આવે છે. આપણે કરોડો પોષણવીહીન મનુષ્યોના મુખેથી તે ઝુંટવી લઈએ છીએ એમ નથી લાગતું ? માણસ મૃત્યુ પામે ત્યારે હીન્દુઓ શબને સ્મશાનમાં બાળે છે. એક શબ 15-20 મણ લાકડાંથી બળે છે, આમ ત્રણ વ્યક્તીઓ માટે એક વૃક્ષનો નાશ થાય છે અને પર્યાવરણ ખોરવાયે જ જાય છે. જંગલોનો નાશ થતાં અનેક પ્રશ્નો ખડા થાય છે. હવે તો વીદ્યુત અને ગેસ સગડી ઉપલબ્ધ છે.

ગીધ પક્ષીઓનો નાશ થતાં પારસી સમાજે પણ કુવો–ભસ્તો છોડી ગેસ સગડી અપનાવી છે. છતાં ધાર્મીકતાને નામે હીન્દુવીધીમાં લાકડાંનો દુર્વ્યય કરાય છે. આવા તો બીજા અનેક પ્રસંગોએ દુર્વ્યય કરાય છે. જે અટકાવાય તો અનેક જરુરીયાતમન્દોને તે આપી આશીર્વાદ મેળવી શકાય.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 

­

Saturday, February 22, 2014

લગ્નમાં અક્ષત ચોખાનો હેતુ !…નાનાસાહેબ ઈન્ગળે

આઝાદી પહેલાં આપણો દેશ ખેતીપ્રધાન હતો અને નાનાં–નાનાં ગામડાંઓની સંખ્યા 80 ટકાથી વધુ હતી. લોકોમાં અન્ધશ્રદ્ધા હતી; પણ સાથે સાથે ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના હોવાથી લગ્નો પણ વસન્તપંચમી કે અખાત્રીજ પર વીશેષ થતાં. જાન એક ગામથી બીજે ગામ જતી ત્યારે ગામના સૌ નાનામોટા ફળીયાવાસીઓ જાનૈયાની આગતા–સ્વાગતા કરતા. તે જમાનામાં અઠવાડીયાં પહેલાં રાત્રે લગ્નનાં ગીતો ગવાતાં, તોરણો બન્ધાતાં. મહેમાનો માટે ઘેરઘેર ખાટલા–ઢોલીયા પથરાતા. સવારે દાતણ–પાણી, ચા–નાસ્તો વગેરે આડોશપડોશના અને ફળીયાના લોકો જ, આપસનાં વેરઝેર ભુલીને ‘ગામની દીકરી’ની ભાવનાથી બધો ભાર ઉપાડી લેતા હતા. બહારગામથી જાન આવે તો વરરાજાની ઓળખાણ પણ ‘ગામના જમાઈ’ તરીકે કરાવતા. તે જમાનામાં અનાજ એટલું બધું પાકતું કે આખા ગામને જમાડવાનો રીવાજ હતો. જેમાં જમીનદારથી માંડીને ખેતમજુરને પણ આગ્રહ કરીને જમાડવામાં આવતા. હવે જ્યારે ગામમાં વરઘોડો નીકળતો ત્યારે ગામની તથા ઘરની મહીલાઓ અક્ષત ચોખા, જુવાર અને બીજાં ધાન્યો મુઠ્ઠીમાં લઈને ગીતો ગાતીગાતી વરરાજાની પાછળ ‘રમણદીવા’ સાથે રાખી, વરરાજા પર નાંખતી. એની પાછળનો હેતુ ઘણો ઉમદા હતો. ગામડાંમાં ધુળમાટીના રસ્તા હતા અને આજુબાજુ ખેતરોને લીધે ફળીયામાં, પાદરમાં અને વાડામાં વૃક્ષો ઘણાં હતાં. તેના પર પક્ષીઓ માળા બાંધતાં. એ પક્ષીઓ સવારે જ્યારે આ દાણા ખાતા તેથી એમનું પેટ ભરાતું અને ખેતરના પાકને નુકસાન ઓછું કરતા. એટલું જ નહીં પણ ગામનો ગરીબવર્ગ મરઘાં–બકરાં પાળતો. તેમને પણ દાણા ખાવા મળતા હતા. એટલે એમાં ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના પણ હતી. હવે જમાનો બદલાયો છે. લોકોમાં પ્રેમ લાગણીને બદલે મારા–તારાની સ્વાર્થવૃત્તી પેસી ગઈ. નાનાં ગામડાંઓમાં ઉદ્યોગોને લીધે ખેતીની જમીન ધીરેધીરે નાશ પામતી રહી અને આપણો દેશ ખેતીપ્રધાન મટીને ઉદ્યોગપ્રધાન બની રહ્યો છે.
હવે લગ્નોમાં બુફે ડીનરે જમણવારનું સ્થાન લીધું છે. અનાજનો જેટલો બગાડ વરકન્યા પર અક્ષત નાંખવાનો થતો હતો, એનાથી દસ ગણો બગાડ બુફે ડીનરમાં થાય છે. કારણ કે ઘણાં મા–બાપો પોતાનાં બાળકોને પણ ડીશ ભરીને બધું જ ખાવાનું આપે છે. અને જમણવાર પણ કોન્ટ્રાકટ પદ્ધતીથી થતો હોવાથી કોઈ પણ જાતની રોકટોક થતી નથી. હવે તો અક્ષત એવા ચોખાને પણ કૅમીકલવાળા રંગથી રંગીન તથા સોનેરી રુપેરી બનાવવાથી એનો સાચા અર્થમાં બગાડ જ થાય છે. માટે હવે અક્ષત ચોખાનો થતો બગાડ અટકવો જરુરી છે. અક્ષતનો અર્થ થાય છે ક્ષતી વગરનું ‘અખંડીત’. તેથી વરકન્યાનું જીવન પણ આજીવન અખંડ રહે તેવી ભાવના તેમાં હોય. તેથી કન્યાને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવતા.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 

Monday, February 10, 2014

અતીધાર્મીકતા અને અતીહીંસા

‘દીકરા, તું ચેતન તરીકે ઓળખાતો હતો અને અનેક આસુરી તત્ત્વોને મારવાને બદલે, માતાજીના આ ભક્તોએ તને જ મારી નાંખ્યો…! અરેરેરે…!!’ કોઈ એક નામ માત્રથી ઓળખાવા બદલ, કોઈ પણ વાંકગુના વીના પાલરોડ, સુરતના એક કૉલેજ યુવાનનું ઢીમ ઢાળી દીધું. થોડા મહીના પહેલાં સીટીલાઈટ રોડ, સુરત પર અભણ, ગરીબ વૉચમેનનો,  શીક્ષીત-સંસ્કારી ગણાતા ઘોડદોડ રોડ, સુરતના નબીરાઓ કથીત અપમાન બદલ જીવ કાઢીને જ જંપ્યા ! શરમ, સંસ્કાર, પોલીસ અને કાયદા-વ્યવસ્થાની ઐસીકી તૈસી…!!

કોઈનો લાડકવાયો ચાલ્યો ગયો, કેટકેટલી આશા-અપેક્ષાએ ઉછેરેલાં સંતાનો !… આ સંસ્કારી-શીક્ષીત નગરી, જ્યાં મુલ્યો, વ્રતો, ઉપવાસો, વરઘોડા અને આધ્યાત્મીકતાની વાતો કરતા કોઈ થાકતું નથી. એક ખુબ મોટી યુનીવર્સીટી અને સેંકડો સ્કુલો-કૉલેજો, સંસ્કારભવનો અહીં છે; છતાં આ શું ?!

હમણાં જ તો શ્રાવણ-રમઝાન માસમાં ધાર્મીકતાનું પુર આવી ગયું. મળસ્કેથી જ અલ્લાહની સાથે ડાયરેક્ટ સંપર્ક કરતા અવાજોએ બધાની ઉંઘ હરામ કરી. ઉપવાસ કરવાના, વળી આત્મા અને મોક્ષ માટે અપાસરા ગમી દોડાદોડી અને પવીત્ર થવા ઉપવાસની, યાચનાના ફોટાઓ, દશેરાને દીવસે રામાયણના દૃશ્યો ભજવાયાં અને શૈતાન ગણાતા રાવણનું પુતળાદહન ટોળેટોળાંની હાજરીમાં જ થયું ! ‘અવેરે જ શમે વેર’ની રામાયણની શીખ તો પોથીમાંનાં રીંગણાં જ ને ! મારા, મારા મહોલ્લાના, મારી જ્ઞાતી-પેટા જ્ઞાતીના, મારા ધર્મના કહેવાતા અપમાન બદલ, ચામડાના પટ્ટા, દોરડાં, ચપ્પાં, દંડા અને તલવારો લઈને યુવકો બહાર નીકળી પડે અને કોઈને મોતથી જરા પણ ઓછી સજા તેઓ કરતા નથી ! ચપટી વગાડતાં જ બધા તૈયાર ! હીંસા આચરવામાં કોઈ પાછું વળીને જોતું નથી.

અરે, સુધારાવાદી વીર નર્મદના ઘરની નજીક જ, ચાર દીવસ પર, ગોપીપરા, સુરતમાં એક ટોળામાંથી પુરુષો પોતે આગળ આવી, કેડ પર દોરડા વીંઝાવી પોતાની બાધા મુકે છે !

સવાલ એ થાય છે કે અતીધાર્મીકતા અને અતીહીંસા આટલી બધી જોડાજોડ કેવી રીતે નભતી હશે ? આખા ગુજરાતની બધી બહેનો નવરાત્રી દરમીયાન ઉપવાસ કરીને માતાજીની ભક્તી કરવા હીલોળે ચડે છે, તો બીજી તરફ એ જ ગુજરાતમાં વધતા જતા બળત્કાર, સ્ત્રીઓનાં અગ્નીસ્નાન, આપઘાત, કૌટુંબીક હીંસા અને વીવીધ પ્રકારની અવમાનના ! આ અતીશક્તીમાન માતાજીના આટલા બધા ભક્તીભાવ પછી પણ હીંસા સામે સ્ત્રી સાવ ની:સહાય કેમ?

આપણા જાહેર અને સામાજીક જીવનમાં હીંસા રગેરગમાં પેસી ગયેલી જણાય છે. સંસ્કાર, નીતી, શીક્ષણ, મુલ્યો વગેરેની બધી વાતો બકવાસ પુરવાર થઈ રહી છે. માનવતાનો સહેજ પણ છાંટો હોત તો ચેતન ઉર્ફે દીનેશ કે પેલા વૉચમેનભાઈ કે પૈસા વાંકે પોલીસે ન છોડેલા પાંડેસરા, સુરતના રાજેશ પાટીલ જીવ ગુમાવત નહીં, અને આ સમાચાર વાંચી સાવ મુંગામંતર, ચુપ, નીષ્ઠુર અને સંવેદનશુન્ય શીક્ષીતોને અને કટારલેખકોને શું કહીશું ?!

-પ્રા. બાબુભાઈ ધી. દેસાઈ, સુરત

Thursday, February 6, 2014

તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન…?-દીનેશ પાંચાલ


નાનપણમાં અમે મામાને ત્યાં ફરવા જતા. મામા મજાકમાં પુછતાં, ‘બોલો અક્કલ બડી કે ભેંસ… ?’ અમે બધા છોકરાઓ સમુહસ્વરમાં બોલી ઉઠતાં – ભેંસ… !’ અક્કલની ઉંચાઈ માપવા માટે બુદ્ધીની મેઝરટેપ જોઈએ; પણ તે વખતે અક્કલ દુધીયા દાંત જેવી કુમળી… આંખોની ફુટપટ્ટી વડે જે મોટું જણાતું તે અમને મોટું લાગતું. આજનાં બાળકો ખાસ્સાં પરીપકવ હોય છે. તેમની સામે ચોકલેટ અને સો રુપીયાની નોટ ધરવામાં આવે તો તેઓ ચોકલેટ નહીં; સોની નોટ લઈ લે છે. (ત્રીજા ધોરણમાં ભણતા વીદ્યાર્થીને પુછવામાં આવ્યું, ‘કુંભમેળો ઉપયોગી કે વીજ્ઞાનમેળો…’ તેણે જરા વીચારીને જવાબ આપ્યો : ‘વીજ્ઞાનમેળો’… સુંદર જવાબ)
એકવાર ટીવી પર બાળકો ટીવી સીરીયલ જોઈ રહ્યાં હતાં. બન્યું એવું કે નાયીકાને ઉલટી થવા લાગી. એ સમયે એક બાળકે બીજા બાળક તરફ જોઈને અર્થસુચક સ્મીત કર્યું. બીજાએ બન્ને હાથના આંગળા એકમેકમાં ભીડી પારણું ઝુલાવવાની એક્ટીંગ કરતાં ‘ઉંવા… ઉંવા’ એવો અવાજ કાઢ્યો. કશાય પદ્ધતીસરના શીક્ષણ વીના આજનાં બાળકો ઘણું જાતીય જ્ઞાન ધરાવતાં હોય છે. તેમને સતત પ્રશ્નો થતા રહે છે. તેમનામાં શ્રદ્ધાવાદ કરતાં બુદ્ધીવાદ વધુ ઝડપથી વીકસી રહ્યો છે. એ સારી નીશાની છે. અન્ધશ્રદ્ધા સામેની તેમની પ્રતીકારક શક્તી વીશેષ છે. પુજાની અગરબત્તી કરતાં કાચબાછાપ અગરબત્તીની ઉપયોગીતા તેમને વીશેષ જણાય છે. મન્દીરના ઘંટ કરતાં નીશાળના ઘંટ જોડે તેમને વધુ ઘરોબો છે. એક વાર આ સ્થળેથી લખ્યું હતું – ‘દેશની વસતી પ્રતી સેકન્ડે ટાઈમ–બૉમ્બના ટાઈમરની ગતીએ વધી રહી છે. એ સંજોગોમાં સમાજને નાળીયેર કરતાં નીરોધ વધુ ઉપયોગી છે.’ એક ચૌદ વર્ષના છોકરાએ એ ટાઈટલ લાયબ્રેરીમાં તેના બીજા મીત્રને બતાવીને કહેલું – ‘વાત સાચી છે.’ (સીત્તેર–એંશી વર્ષ પહેલાના કોઈ કીશોરને આ વાત સાચી ન લાગી હોત; બલકે નીરોધ એટલે શું એ પ્રશ્ન પર જ તે મુંઝાઈ ગયો હોત !)
આપણી મુળ વાત શ્રદ્ધાની સરખામણીમાં જીન્દગીની નક્કર જરુરીયાતો કેટલી મહત્ત્વની હોય છે તે અંગેની છે. અબીલ, ગુલાલ, કંકુ, લોબાન કે અગરબત્ત્તી એ શ્રદ્ધાનાં સાધનો છે; પરન્તુ શ્રદ્ધાપુર્તી એ પેટપુર્તી પછીના ક્રમે આવતી બાબત છે. માનવ–વસતીમાં શ્રદ્ધાવાદ કરતાં ભૌતીકવાદનાં મુળીયાં ઉંડાં છે. ઈશ્વરપુજા વીના જીવી શકાય; પેટપુજા વીના નહીં ! માણસને પ્રભુ વીના ચાલે; પંખા વીના નહીં. હમણાં એક મન્દીરમાં મેં ભગવાનની મુર્તીને માથે પંખો ફરતો જોયો. મુર્તીને પવનની જરુર હોય તો માણસને કેમ નહીં ? પણ અમે જે ધર્મશાળામાં ઉતર્યા હતા ત્યાં બધી રુમોમાં એક પણ પંખો નહોતો !
આજના વીજ્ઞાનયુગમાં બીલીપત્ર કરતાં બકનળી (ટેસ્ટટ્યુબ)નું મહત્ત્વ વીશેષ છે. આસ્તીક અને નાસ્તીકને સરખી ભુખ લાગે છે. આસ્થા એ આત્માનો ખોરાક છે. દાળરોટી એ પેટની જરુરીયાત છે. કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે કે માણસને શ્રદ્ધા કરતાં શીરામણની વધુ જરુર પડે છે. શ્રદ્ધાળુઓ એકાદ–બે ઉપવાસ કરી શકે; આખી જીન્દગી ભુખ્યા રહી શકતા નથી. ભગવાન વીના તેઓ જીવી શકે; પણ માણસ વીના એમનું કામ અટકી પડે. મન્દીર વીના ચાલી શકે; પણ સંડાસ વીના નહીં. સ્નેહ વીના જીવી જવાય; પણ શ્વાસ વીના નહીં. કોઈ પીઅક્કડને પુછજો. તે કહેશે, ‘મન્દીર વીના ચલાવી લઉં; પણ મદીરા વીના નહીં.’
મુળ વાત એટલી જ, માણસને શ્રદ્ધા કરતાં સાધનોની વધુ જરુર પડે છે. કોઈ કથાકારને ઑપરેશન કરાવવું જ પડે એવું હોય, ત્યારે તેણે મન્દીરનાં નહીં; હૉસ્પીટલમાં પગથીયાં ચઢવાં પડે છે. સંસાર છોડીને સાધુ બની ગયેલા લોકોને પણ જીવનજરુરીયાતનાં સાધનોની જરુર પડે છે. બસ–ગાડીમાં મુસાફરી કરવાને બદલે પગપાળા ભ્રમણ કરનારા સંતોનેય ચંપલ કે પાવડી વીના ચાલતું નથી. જૈન ધર્મના ઘણા વયોવૃદ્ધ સાધુ–મુનીઓ વ્હીલચેરમાં બેસી ભ્રમણ કરે છે. વીજ્ઞાનનો ઘોર વીરોધ કરતાં એ ગુરુઓ ધર્મપુસ્તકો વાચતાં પુર્વે આંખે ચશ્માં ચઢાવવામાં કશો છોછ અનુભવતા નથી. દાંતનું ચાડું પહેરવામાં પણ એમને વીજ્ઞાન પ્રત્યેનો તીરસ્કાર આડે આવતો નથી. સરદર્દ ઉપડે ત્યારે તેઓ પ્રભુને પ્રાર્થના કરતા નથી; પેરાસીટામોલ ટેબ્લેટ ગળી લે છે. એપેન્ડીક્સનું ઑપરેશન કરવાનું હોય ત્યારે તેઓ થોડાક સમય પુરતી વીજ્ઞાન પ્રત્યેની ઘૃણાને બાજુ પર રાખી હૉસ્પીટલમાં દાખલ થઈ જાય છે. ગંગાજળને જીવનજળ સમજતો સાધુ–સંત બીમાર પડે ત્યારે તેને ગંગાજળના નહીં; ગ્લુકોઝના બાટલા ચઢાવવા પડે છે. (જહાં કામ આવત સુઈ, વહાં ક્યા કરે તલવારી ?)
જે દીવસે ઈશ્વરની આરતી કરવાથી એઈડ્સ સાજો થઈ શકશે તે દીવસે નાસ્તીક લોકો પણ કાનની બુટ ઝાલીને શ્રદ્ધાળુ બની જશે. ઉનાળામાં પ્રસ્વેદની પીડા પંખાથી જ દુર થઈ શકે; પરમેશ્વરથી નહીં. (પરમેશ્વરને તો ખુદ મન્દીરમાં પંખો જોઈએ છે !) ક્યારેક થીજાવી દે એવી કાતીલ ઠંડી પડે છે ત્યારે ઈશ્વરના પ્રખર ભક્તને પણ શ્રદ્ધાનું આવરણ પુરું પડતું નથી. (શ્રદ્ધા સોલાપુરી ચારસાનો વીકલ્પ બની શકતી નથી) ભુખ લાગે ત્યારે ભગવાનની નહીં; ભાખરીની જરુર પડે છે. રોજ ગીતાના ચાર અધ્યાય વાંચવાનો તમારો પાકો ક્રમ હશે. તોય કેન્સર થયું હશે તો ગંગાજળ પીવાથી કે ચારધામની યાત્રા કરવાથી નહીં મટે. તે માટે કેન્સરની હૉસ્પીટલમાં દાખલ થવું જ પડે. શ્રી. હરીને રોજ ‘સાહેબજી’ કરી હોય તે ત્યાં કામ આવતી નથી.
જીવનમાં ડગલે ને પગલે શ્રદ્ધા કરતાં સાધનોનું આટલું મહત્ત્વ રહ્યું હોય ત્યારે સાધનોની જાળવણી જરુરી છે. જીવન એ જીવાત્માનું પ્લેટફોર્મ છે. જીવ મુસાફર છે. જીન્દગી એનો રસ્તો છે. એથી જીવ અને જીવનની પુરા આદરથી જાળવણી કરવી એ સૌનો જીવનધર્મ છે. ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવ્યા બાદ ઠેરઠેર માણસોને જીવતા જલાવી મુકવામાં આવ્યા. જીવ અને જીવન બન્ને સળગ્યાં. એમાં ન તો રામ રાજી થયા; ન અલ્લાને આનન્દ થયો. જીવતો જાગતો માણસ રહેંસાઈ જાય પછી સલામત રહેલી શ્રદ્ધા, બકરી કપાઈ ગયા પછી બાજુમાં પડેલા છરા જેવી હોય છે, એવી જીવલેણ શ્રદ્ધાને માથે આપણે કુરબાની કે શહીદીનું લેબલ લગાવી દઈએ છીએ. આગજનીને ધર્મયુદ્ધમાં ખપાવી દેવાય એનાથી મોટો ધાર્મીક દંભ બીજો એકે નથી. રામ–રહીમ માંહોમાહે કપાઈ મરે છે, ત્યારે ઈશ્વર અને અલ્લાનું અરણ્યરુદન માણસના કાન સુધી પહોંચતું નથી. કેટલા હીન્દુ મર્યા કે કેટલા મુસ્લીમ એવી ચર્ચા થાય છે. ખરો હીસાબ તો કેટલા માણસો મર્યા એનો કાઢવો જોઈએ. ડાબો હાથ કપાય કે જમણો; દેહને સરખી વેદના થાય છે. તમારી આંખો ફોડી નાખતાં પુર્વે કોઈ તમને પસંદગીની તક આપતા પુછે – ‘ડાબી ફોડું કે જમણી.. ?’ તો તેનો કોઈ આનન્દ થાય ખરો ?
આપણી કમનસીબી એ છે કે આપણે હીન્દુ કે મુસ્લીમને મરતાં જોઈએ છીએ પણ ઈશ્વર કે અલ્લાના આઘાતને જોઈ શકતા નથી. આ પૃથ્વીલોકમાં છાસવારે બુદ્ધીનાં ઉઠમણાં થતાં રહે છે અને માનવતાનાં મૈયત પર જીન્દગીઓ કુરબાન થતી રહે છે. બચુભાઈ એથી જ કહે છે – ‘ઈન્સાન અગર ઈન્સાન કો કરે કુરબાન; તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન… ?

http://govindmaru.wordpress.com/ માંથી સાભાર


Tuesday, February 4, 2014

તમારા બાળકને સાવ ભગતડું ન બનાવશો –રોહીત શાહ

‘અમારો દીકરો આગમ બહુ ધાર્મીક છે. હજી તો તે માંડ દસ વર્ષનો છે; છતાં કાંદા–લસણ ખાતો નથી, ટી.વી.–ફીલ્મ જોતો નથી, રાત્રે કદી ખાતો–પીતો નથી.’
મમ્મી–પપ્પાની આવી ગૌરવવાણી સાંભળીને આપણો અહોભાવ તેમના દીકરા પર ઠલવાઈ જવા લાગે છે. ધર્મને આપણે સમજવાનો નહીં; અનુકરણનો વીષય બનાવી દીધો છે. કશું જ સમજ્યા વગર એક પરમ્પરાને પકડી લેવી એ ધાર્મીકતા છે શું ?
પરમ્પરાનાં જાળાં :
ધર્મ શ્રેષ્ઠ બાબત છે એની ના નથી;, કીન્તુ ધર્મ વીશેનું અજ્ઞાન સૌથી ભુંડી બાબત છે. રેડીમેડ ટ્રેડીશનને અનુસરવાથી ધાર્મીક હોવાનું લેબલ લાગી જાય છે. કેટલાંક પેરન્ટ્સને પોતાનાં બાળકને ધાર્મીક બનાવી દેવાનો એટલો બધો રઘવાટ હોય છે કે તેઓ બાળકનું બાળકપણું ઝુંટવી લેતાં હોય છે, બાળકને દરેક પ્રકારના આનન્દથી દુર રાખવાના ઉધામા કરે છે. આ ન ખવાય, આ ન જોવાય, આમ ન કરાય – ન કરવાની યાદીમાં બાળકને ગુંગળાવી દેવામાં આવે છે. નાનું બાળક પોતાની બુદ્ધીપ્રતીભા ડેવલપ કરે અને સામે કોઈ તાર્કીક પ્રશ્નો પુછતું થાય એ પહેલાં જ તેના દીમાગમાં પરમ્પરાનાં જાળાં ગુંથી દેવાય છે. રેડીમેડ ધર્મના ખ્યાલો તેના ફ્રેશ માઈન્ડમાં ઠાંસી–ઠાંસીને ભરી દઈને લૉક કરી દેવામાં આવે છે. બાળક એટલી હદે બંધીયાર અને નૅરો–માઈન્ડેડ બની જાય છે કે તેને ગોખાવી દીધેલી ધાર્મીકતાની બહાર ડોકીયું કરવામાં પણ તે પાપ સમજે છે.
ધર્મ કે સામ્પ્રદાયીકતા ?
બાળકને ધર્મ સમજાવવો એ જુદી વાત છે અને તેને માત્ર પરમ્પરાઓ પઢાવી દેવી એ જુદી વાત છે. કેટલાંક પેરન્ટ્સ તો પોતાનાં બાળકોને ફાલતું ધાર્મીક શીબીરોમાં મોકલતા હોય છે. આવી શીબીરોમાં ધર્મનું નહીં; સામ્પ્રદાયીકતાનું પ્રભુત્વ હોય છે. સુખ અને આનન્દ ભોગવવાં એ પાપ છે એનું જ રટણ ત્યાં થતું હોય છે. શીબીર ચલાવનાર ગુરુ બાળકોને ધર્મનું નહીં; એના ખુદના સમ્પ્રદાયનું ગોખણીયું જ્ઞાન પીરસે છે. વાહીયાત વીધીવીધાનો અને ક્રુર ક્રીયાકાંડો કરવા માટે જ જાણે કે મનુષ્ય–અવતાર મળ્યો હોય એવું શીક્ષણ આપવામાં આવે છે. બાળક પરાક્રમી અને પ્રામાણીક, ચારીત્ર્યવાન અને સ્પષ્ટવક્તા બને એ જરુરી છે કે ટીલાં–ટપકાં તાણનારું ભગતડું બને એ જરુરી છે ? ધર્મના નામે સામ્પ્રદાયીકતામાં બાળક ગુંગળાઈ ન જાય એ જોવાની જવાબદારી કોની ?
સામ્પ્રદાયીક શીબીરો શંકાસ્પદ :
બાળક ગમે તેનાં ચરણોમાં સાષ્ટાંગ કરીને આળોટતું થઈ જાય એટલે તે ધાર્મીક બની ગયું  ? ‘જય જીનેન્દ્ર’, ‘જય સ્વામીનારાયણ’, ‘જેશી ક્રષ્ન’, ‘ખુદા હાફીઝ’ બોલવાનું આવડી જાય એટલે બાળક શું ધાર્મીક બની ગયું ? આ બધાં સામ્પ્રદાયીક પ્રતીકો છે. ગળથુથીમાંથી જ જેને સામ્પ્રદાયીકતા પીવડાવવામાં આવતી હોય તે બાળક ભવીષ્યમાં ધર્મને સમજવા જેટલું ઉદાર અને નીખાલસ બની શકે ખરું ? ધર્મ કદી સંકુચીત નથી હોતો અને સામ્પ્રદાયીકતા કદી ઉદાર નથી હોતી. ધર્મ સમભાવ શીખવાડે છે, સહીષ્ણુતા આપે છે; જ્યારે સામ્પ્રદાયીકતા માત્ર સંકુચીતતા આપે છે. એ સંકુચીતતા આગળ જતાં વીસ્તરીને અન્ય ધર્મ–સમ્પ્રદાય પ્રત્યે ધીક્કાર અને ઘૃણા પ્રગટાવે છે. પોતાની જ પરમ્પરાઓ શ્રેષ્ઠ છે અને બીજાઓની પરમ્પરાઓ ખોટી કે નકામી છે એવાં ખોટાં ગણીત બાળકના મનમાં દૃઢ કરનારી શીબીરો યોજનારા ગુરુઓની દાનત ડાઉટફુલ છે. શીબીરમાં આવેલાં બાળકોમાંથી ભવીષ્યના પોતાના શીષ્યો શોધવાનો પ્રપંચ પણ તેની પાછળ હોય છે !
બાળકને જીજ્ઞાસુ બનાવો :
વીશ્વ આજે જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં બાળકને સામ્પ્રદાયીક સીમાડાઓમાં બાંધી રાખવું એ મહાપાપ ગણાશે. બાળકને  ગાયત્રીમંત્ર, નવકારમંત્ર કે કુરાનની આયાત નહીં આવડે તો તેનું કશું અટકી પડવાનું નથી; પણ તેને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં નહીં આવડે તો તે દુ:ખી–દુ:ખી થઈ જશે. બાળકને ગોખણીયું ન બનાવો, જીજ્ઞાસુ બનાવો. તેના દીમાગમાં જાતજાતના પ્રશ્નો ફુટતા રહેવા જોઈએ. બુદ્ધી જે વાત ન સ્વીકારી શકે એનો વીનમ્ર વીરોધ કરવાનું તેને આવડવું જ જોઈએ. મોટે ભાગે એમ કહેવાય છે કે ભક્તીના માર્ગમાં બુદ્ધીનું કોઈ જ કામ નથી. એનો અર્થ એ થાય કે ભક્તીના માર્ગમાં માત્ર મુર્ખાઓનાં ટોળાં જ જઈ શકે છે ! બુદ્ધી વગરની ભક્તી હંમેશાં જડતાનો જ પર્યાય બની રહેતી હોય છે.
બાળકને એ સમજાવો કે…
ભગતડું બાળક સાંસારીક બાબતોમાં ડગલે ને પગલે પાપ જોતું થઈ જશે. પેરન્ટ્સની એ જવાબદારી છે કે પાપ અને પુણ્યની સાચી અને તટસ્થ સમજ બાળકને આપવી. ટી.વી. જોવું હંમેશાં ખરાબ નથી. શું જોવું અને શું ન જોવું એનો વીવેક બાળકને સમજાવવો જરુરી છે. ટી.વી. પ્રત્યે ધીક્કાર કરવાથી કંઈ ધાર્મીક બની જવાતું નથી. બાળકને એ પણ સમજાવવું જરુરી છે કે સાંસારીક સમ્બન્ધો ભલે સ્વાર્થથી ભરેલા હોય; છતાં નકામા નથી. સ્વાર્થ ન હોય, તો જગતમાં ધર્મ કરવા પણ કોણ નવરું છે ? મોક્ષ અને વૈકુંઠ પામવાનો સ્વાર્થ ન હોય, તો કોણ ભક્તી કરવા બેસશે ? બાળકને એ સમજાવો કે પરાવલમ્બી બનવું એ સૌથી મોટું પાપ છે. હરામનું ખાવું એ પાપ છે. બાળકને એ પણ સમજાવો કે સૌથી મોટું પુણ્ય શક્તી અને સામર્થ્ય છે. જે શક્તી પરોપકાર કરે છે એ શક્તી જ પોતે ધર્મ છે.
સંતાનને ભુલશો નહીં :
ભુલો ભલે બીજું બધું મા–બાપને ભુલશો નહીં,
અગણીત છે ઉપકાર તેના એહ વીસરશો નહીં !
આ કવીતા આપણે ખુબ ગાઈ લીધી. એ કવીતાનો મર્મ જો કે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. છતાં આજે એક ‘અજાણ્યા કવી’ની કવીતા ગાવી છે. જુની કવીતા સન્તાનોએ  યાદ રાખવાની છે, તો આ નવી કવીતા પેરન્ટ્સે યાદ રાખવાની છે:
ભુલો ભલે જગમાં બધું સંતાનને ભુલશો નહીં !
અગણીત છે અરમાન તેનાં એહ વીસરશો નહીં !
પુજા કરી, બાધા કરી ત્યારે દીઠું છે મુખડું,
એ દેવના દીધેલને કદીયે દુભવશો નહીં !
ગુણમાં તમારાથી સવાયાં નામ એ તમ રાખશે,
ઘડપણ મહીં થાશે સહારો વાત એ ભુલશો નહીં !
શ્રદ્ધા ભરો, ક્ષમતા ભરો, સંસ્કાર તેના દીલમાં
સ્વપ્નો તેનાં સાકાર થાશે, બનશે માન એ વીશ્વમાં !

http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 

Sunday, February 2, 2014

પશ્વીમી સંસ્કૃતીની આલોચના–મુરજી ગડા


જ્યારે કોઈ અણછાજતી ઘટના બને છે, સન્તાનો સાથે મા–બાપના સમ્બન્ધ બગડે છે ત્યારે કેટલાંક વર્તમાનપત્રો અને સામયીકો એનો દોષ પશ્વીમી સંસ્કૃતી પર ઢોળે છે. આવું વાંચીને લોકો પણ એવું માનતા થાય છે. આમાં સત્ય સાથે અસત્યનો અંશ પણ ઘણો છે.

જ્યારેત્યારે વગોવાતી આ પશ્વીમી સંસ્કૃતી સાચે જ શું છે અને આપણી સામાજીક સમસ્યાઓ માટે કેટલી જવાબદાર છે એ સવાલ ઘણું વીશ્લેષણ માંગી લે છે.

બધી જ સંસ્કૃતીઓમાં સારાં–નરસાંનું મીશ્રણ છે. બે–ત્રણ હજાર વરસ પહેલાં કોઈએ ઘડેલા આદર્શોને સંસ્કૃતીનો સાચો અને પુર્ણ માપદંડ ન માની લેવાય. આજે આપણી નજર સામે જે દેખાય છે તે બધું આપણી સદીઓની સંસ્કૃતીનો નીચોડ છે. એ જ આપણી આજની સંસ્કૃતી છે. એ સ્થાનીક હોય કે બહારથી આવી હોય, આપણે અપનાવી એટલે આપણી થઈ ગઈ. ભારતીય સંસ્કૃતીમાં ગૌરવ લેવા જેવી ઘણી બાબતો છે. સાથે સાથે જાતીભેદ, અસ્પૃશ્યતા, અન્ધશ્રદ્ધા, ભ્રષ્ટાચાર, દમ્ભ, દહેજ, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે ઘણી આપણી સંસ્કૃતીની કાળી બાજુ પણ છે. એક સંસ્કૃતી કરતાં બીજી ચડીયાતી છે એમ બેધડક કહેવું વાજબી નથી. આનો અર્થ એમ પણ નથી કે પશ્વીમી સંસ્કૃતી દોષરહીત છે. એનાં ઘણાં પાસાં આપણને અનુકુળ આવે એવાં નથી.

આઝાદી પછીનાં થોડાં વરસ આપણે આપણા બધા પ્રશ્નો માટે અંગ્રેજોને દોષ આપતા હતા. હવે શબ્દપ્રયોગ બદલાઈને ‘પશ્વીમી સંસ્કૃતી’ વપરાય છે. જો કે એનો ખરો ઈશારો અમેરીકા (USA) તરફ હોય છે. પશ્વીમના અન્ય દેશોની સંસ્કૃતી વીશે ભારતના લોકોને ઝાઝો ખ્યાલ નથી.

આ અમેરીકન સંસ્કૃતી સમજવા માટે એનો ઈતીહાસ જાણવો જરુરી છે. અમેરીકાની ભુમી શોધાયાને 500 વર્ષ અને એક સ્વતન્ત્ર રાષ્ટ્ર બનવાને હજી 235 વર્ષ થયા છે. જ્યારે અંગ્રેજો ભારત પર પ્રભુત્વ જમાવવાની વેતરણમાં હતા ત્યારે અમેરીકા અંગ્રેજી શાસનથી મુક્ત થયું હતું.

અમેરીકા સમ્પુર્ણપણે બીજા દેશોમાંથી આવેલા વસાહતીઓનો દેશ છે. ત્યાંના મુળ વતનીઓ તો ગણતરીમાં ન લેવાય એટલા જુજ છે. શરુઆતમાં અંગ્રેજો ત્યાં ગયા એટલે ત્યાં અંગ્રેજી ભાષા અને સંસ્કૃતીનું પ્રભુત્વ રહ્યું છે. પાછળથી યુરોપના બીજા દેશોમાંથી પણ લોકો ત્યાં જવા લાગ્યા. બીજા વીશ્વયુદ્ધ પછી વળી નવો પ્રવાહ શરુ થયો અને દુનીયાના બધા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં જવા લાગ્યા.

પાંચસો વરસ પહેલા શરુ થયેલું આ એકતરફી માનવીય સ્થળાન્તર/ દેશાન્તર જરાય ધીમું નથી પડ્યું. આજે પણ દુનીયાના ઘણા દેશોમાંથી માન્યામાં ન આવે એટલા લોકો ત્યાં જવા ઉત્સુક છે. વીઝાનું નીયન્ત્રણ ન હોય તો પરીસ્થીતી બેકાબુ બની જાય. અત્યારે ત્યાં સવા કરોડ જેટલા ગેરકાયદે આવેલા વીદેશીઓ છે.

આ આકર્ષણ પાછળ સમ્પત્તી ઉપરાન્ત અન્ય કારણો પણ છે. વ્યક્તીગત વીકાસની ત્યાં ઘણી તકો છે. ત્યાં દુનીયાની શ્રેષ્ઠ શીક્ષણ સંસ્થાઓ છે જેમાં હડતાળો પડતી નથી. જાતી, રંગ વગેરે પર આધારીત ભેદભાવ હવે ઘણા ઓછા થઈ ગયા છે. શીસ્ત અને કાયદાપાલન ઘણું ઉંચું છે. સામાન્ય માણસને ભ્રષ્ટાચાર નડતો નથી, તેમ જ ન્યાય મળવાની શક્યતા ઘણી વધુ છે. સ્વચ્છતા છે, મોકળાશ છે અને દરેક વસ્તુની વીપુલતા છે.

આ એક એવો દેશ છે જ્યાં વસતી વધારો બે રીતે થાય છે. દેશમાં જન્મેલા તેમ જ બહારથી આવેલાને લીધે. આજે અમેરીકાની 15 ટકા વસતી દેશાન્તર કરીને આવેલી પ્રથમ પેઢીની છે. ત્રણ–ચાર પેઢી પાછળ જઈએ તો અડધી પ્રજાના પુર્વજો અન્ય કોઈ દેશમાંથી આવેલા જણાશે.

આમ તો ભારતના ભુતકાળમાં પણ બહારથી ઘણા આવ્યા છે. ફરક એટલો છે કે આર્યોથી માંડીને અંગ્રજો સુધીના આગન્તુકોમાંથી કેટલાક લુંટીને જતા રહ્યા અને બાકીના રાજ કરવા રોકાયા. જે થોડા ઘણા રહ્યા છે એ પણ મુખ્ય પ્રવાહમાં પુર્ણપણે ભળી શક્યા નથી. પારસીઓ જેવા અલ્પ અપવાદ છે.

દેશાન્તર કરનાર પ્રથમ પેઢી (First Generation Immigrants) બધા પોતાના બેગ–બીસ્તરા સાથે પોતાની સંસ્કૃતી પણ લાવે છે અને બને તેટલી જાળવી રાખવાની કોશીશ કરે છે. જ્યારે એમની બીજી પેઢી મુખ્ય પ્રવાહમાં ભળવા માંગે છે. તેઓને ઘરના અને બહારના સાંસ્કૃતીક વાતાવરણના ફરક વચ્ચે પોતાનો માર્ગ શોધવાના આત્મમંથનમાંથી પસાર થવું પડે છે. ભારતીયોની આ પેઢી ABCD તરીકે ઓળખાય છે. એમની યાતના સમજવાને બદલે બહુધા એમને હાંસીપાત્ર બનાવાય છે. એમના પછીની પેઢી સમ્પુર્ણપણે મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે. આ બધો બદલાવ કોઈપણ બાહ્ય દબાણ વગર સ્વેચ્છાએ થાય છે. એટલે જ અમેરીકાને Melting Pot કહેવાય છે.

અમેરીકન સંસ્કૃતી ત્યાં ગયેલા બધા દેશવાસીઓની સામુહીક સંસ્કૃતીનો નીચોડ છે. એ સદા ધબકતી અને સમય પ્રમાણે બદલાતી સંસ્કૃતી છે. યુરોપીયનો લાંબા સમયથી રહેતા હોવાથી સંસ્કૃતી પર એમનું પ્રભુત્વ હતું. હવે સમીકરણો બદલાઈ રહ્યાં છે. મધ્ય અને દક્ષીણ અમેરીકા તેમજ એશીયન સંસ્કૃતીની અસર વર્તાઈ રહી છે.

અમેરીકનોની એક ખાસીયત છે કે તેઓ જે પણ નવું હોય એને ખુલ્લા મને એક વખત અજમાવશે, અને ગમે તો અપનાવશે. એમને સંસ્કૃતીનો કે મોટાપણાનો મીથ્યા આડંબર નડતો નથી.

પશ્વીમી સંસ્કૃતી વીશેના આપણા ખ્યાલ મુખ્યત્વે એમના સીનેમા, ઈન્ટરનેટ, છુટાછેડાના ઉંચા દર વગેરે પરથી આવેલા છે. આ વાજબી નથી. (આમ તો 70ના દાયકા સુધી પશ્વીમના દેશોમાં ભારતની છાપ ભુખમરાના, મદારીઓના, રસ્તે રઝળતી ગાયોના અને ભીખારીઓના દેશ તરીકેની હતી. એ પણ વાજબી નહોતું.) ખાસ કરીને ત્યાંના યુવાવર્ગની જીવનપદ્ધતી બધાની ટીકાપાત્ર બને છે. એને વીસ્તારમાં સમજીએ.

એક હજાર વરસ જેટલો લાંબો ઈતીહાસનો મધ્યયુગ, આખી દુનીયાનો અન્ધકારયુગ કહેવાય છે. તે સમય દરમીયાન સત્ત્તાધીશો, ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સંસ્કૃતી ઘડતા હતા અથવા તો એને સ્વીકૃતી આપતા હતા. આ બધા સામાન્ય રીતે મોટી ઉમ્મરના પુરુષો હતા. પરમ્પરાના ઓઠા હેઠળ એમણે પ્રજાનું ખુબ શોષણ કર્યું છે અને સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા છે. ચારસો વરસ પહેલાં યુરોપ આ અન્ધારીયા યુગમાંથી બહાર આવવા લાગ્યું. બાકીની દુનીયા છેલ્લી અડધી સદીથી ધીરે ધીરે નવા યુગમાં પ્રવેશી રહી છે.

નવા યુગમાં સ્વતન્ત્ર રીતે વીચારવાની અને નવા અખતરા કરવાની શરુઆત થઈ છે. એની આગેવાની યુવા પેઢીએ લીધી છે. એનો પાયો વીચારોની મુક્ત અભીવ્યક્તી, વ્યક્તી સ્વાતંત્ર્ય અને સ્વાવલમ્બન પર આધારીત છે. આ સ્વતંત્રતા અને સ્વાવલમ્બનની શરુઆત, તેઓ પુખ્ત વયના થતાં મા–બાપથી અલગ રહેવાથી કરે છે. વીકસીત દેશોમાં આર્થીક રીતે આ શક્ય છે. આ પ્રથા ઘણાને જલદી જવાબદાર નાગરીક બનાવે છે, જ્યારે કેટલાકને આકરો સંઘર્ષ કરવો પડે છે.

સંસ્કૃતી પરની યુવા પેઢીની અસર સંગીત, નૃત્ય, મનોરંજન, રમતગમત વગેરેમાં ચોખ્ખી દેખાય છે. એટલું જ નહીં, સાહીત્ય અને ધંધામાં પણ એ પેઢીનો ઘણો ફાળો છે. અમેરીકાની અત્યારની ઘણી મોટી અને સફળ કમ્પનીઓ શરુ કરનાર, ત્યારે કૉલેજમાં જતા યુવાનો હતા.

અમેરીકાની સંસ્કૃતી, એ શીક્ષીત યુવા પેઢીની વીશ્વસંસ્કૃતી બની રહી છે. ત્યાંથી શરુ થતું આ સાંસ્કૃતીક પરીવર્તન ઘણું જોરદાર છે. આપણને ગમે કે ના ગમે; પણ તે આજનો પ્રવાહ છે. આખી દુનીયાનો શીક્ષીત વર્ગ એમાં જોડાવા ઈચ્છે છે. એમની સ્વતન્ત્રતા આપોઆપ જાહેર થઈ જાય છે અને શક્ય હોય તો સ્વાવલમ્બી (વીભક્ત કુટુમ્બ) પણ થઈ જાય છે.

અગત્યની વાત એ છે કે આ પરીવર્તન સ્વીકારવું કે નહીં એ યુવાનોના પોતાના હાથમાં છે. બન્ધનવાળી જુની સંસ્કૃતીમાં કોઈની પાસે આવો વીકલ્પ નહોતો. એનાં માઠાં પરીણામ જોયાં પછી નવી પેઢી આ સ્વતન્ત્રતાનો અખતરો કરવા અને એની કીમત ચુકવવા તૈયાર છે.

નાની ઉમ્મરે મળતી આ સ્વતન્ત્રતા, વધુ પડતી મહત્વાકાંક્ષા અને સીદ્ધી, ઘણી વખત અનીચ્છનીય પરીણામો પણ લાવે છે. ક્યારેક મા–બાપ પણ એનો ભોગ બને છે જે એક કમનસીબી છે. આદર્શ સમાજવ્યવસ્થા ક્યારે પણ જાળવી શકાતી નથી. લોલકની જેમ તે કોઈ એક બાજુ જતી રહે છે. જ્યારે અન્તીમે પહોંચે છે ત્યારે એની દીશા પલટાવા લાગે છે. સંસ્કૃતીનો આ દીશાપલટો ઘણો લાંબો સમય ચાલતો હોય છે. અત્યારે તો દોર યુવા પેઢીના હાથમાં છે.

આપણે ત્યાં જે માધ્યમો દ્વારા પશ્વીમી વીચારધારા આવે છે એમાંથી સૌથી પ્રભાવશાળી અને પ્રચલીત માધ્યમ છે સીનેમા, ટેલીવીઝન અને ઈન્ટરનેટ. એની સાથે સંકળાયેલા લોકોને કોઈ એક સંસ્કૃતીને બચાવવામાં કે ફેલાવવામાં રસ નથી. એમને ફક્ત પૈસા કમાવામાં રસ છે. એમનો જે માલ વધુ વેચાય છે એ જ તેઓ બનાવે છે. એટલે સંસ્કૃતી કે માધ્યમને દોષ દેવા કરતાં સપ્લાય/ડીમાંડના માર્કેટ–ફોર્સને સ્વીકારવું રહ્યું.

સીનેમા બે ત્રણ કલાકનું મનોરંજન પુરું પાડે છે. એના અન્તે ક્યારેક સારો સંદેશ પણ હોય છે. એની સરખામણીએ ટી.વી. પર આવતી કૌટુમ્બીક સીરીયલો વર્ષોનાં વર્ષો ચાલે છે. એમાં બતાવાતા અવાસ્તવીક કાવાદાવા ભોળા માનસને કલુષીત કરે છે. એનાથી આપણી સંસ્કૃતીને વધારે હાની પહોંચે છે. આવી સીરીયલો વીદેશી નહીં; પણ દેશી ઉપજ છે. એમની સામે ઉહાપોહ નથી સંભળાતો. ઉલટાનું લોકો એમને મોટાપાયે માણે છે. બાવા ચેનલો પણ લોકોને ધર્મનું અફીણ ખવડાવીને, ઘેનમાં રાખી, પલાયનવાદી બનાવી રહી છે.

ભારત અને અમેરીકા જેવા વીશાળ અને બહુરંગી પ્રજા ધરાવતા દેશની સંસ્કૃતી જટીલ હોઈ એને સરળતાથી સમજી કે વર્ણવી ન શકાય. બન્ને સંસ્કૃતીઓમાં ઘણાં જમા પાસાં છે; તેમ જ બન્નેમાં ઘણી અનીચ્છનીય બાબતો પણ છે. એના મુખ્ય મુદ્દા આવરી લેવાનો અહીં પ્રયાસ કર્યો છે. આપણી સંસ્કૃતીમાં જે ગર્વ લેવા જેવું છે તે ઈરાદાપુર્વક સામેલ નથી કર્યું; કારણ કે તે બધે ઠેકાણે ખુબ ચર્ચાય છે. પરન્તુ સામાન્ય રીતે જે નથી કહેવાતું કે ચર્ચાતું તે રજુ કરવાનો મારા આ લેખનો આશય છે.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર

Friday, January 31, 2014

વિમલ-વચનામૃત – સં. કાર્તિકેય ભટ્ટ (ભાગ 2/2)


[ ‘વિમલ-વચનામૃત’ પુસ્તકમાંથી પૂ. વિમલાતાઈના (વિમલા ઠકાર) કેટલાક ચૂંટેલા સુવાક્યો અત્રે સાભાર પ્રસ્તુત છે.]
[16] અધ્યાત્મ તો જીવન જીવવાનું વિજ્ઞાન છે….. અધ્યાત્મ તો જીવનનું પરમતત્વ શું છે એ બતાવે છે…. અધ્યાત્મમાં તમે કાંઈ મેળવતા નથી. તમે અહંચેતના ગુમાવો છો. અહંચેતના એના મૂળ સ્ત્રોતમાં ભળી જાય છે…. અધ્યાત્મમાં કાંઈ મેળવવાનું નથી, અધ્યાત્મ પ્રતીતિનો વિષય છે…. અધ્યાત્મ તો સત્ય સમજવાનું વિજ્ઞાન છે.[17] બધાં શાસ્ત્રોના શબ્દોમાં જેટલી ઊર્જા છે, સર્જકતા છે, એના કરતાં અનેકગણી વધારે ઊર્જા અને સર્જકતા મૌનમાં છે.
[18] જ્યારે તમે શરીરને યમ, નિયમ, આસન, પ્રાણાયામથી અથવા પરિશ્રમથી શુદ્ધ રાખો છો ત્યારે તેમાં એક પ્રકારની નિરામયતા આવે છે.
[19] જીવન અનાદિ અનંત છે…. આ અનાદિત્વ અને અનંતતાની વચ્ચે આપણને જન્મ અને મૃત્યુ એ બે બિંદુ વચ્ચેનો સમય મળ્યો છે. એમાં સમજપૂર્વક જીવીએ, અનાદિતા અને અનંતતાને તર્કનો વિષય ન બનાવીએ, અનાદિતા અને અનંતતાના રહસ્ય સાથે જીવીએ.
[20] મરણિયા થઈને પ્રયત્ન કરવો હોય તો રોજિંદા જીવનમાં, આપણા વ્યવહારમાં, આપણા ચિંતનમાં, આપણી વાતોમાં જ્યાં જ્યાં વિસંગતિ અને વિરોધ નજરે પડે ત્યાંથી વિસંગતિ અને આંતરવિરોધનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરો.
[21] તમે જેટલા પ્રશ્નો હૈયાઉકેલથી અને કોઠાસૂઝથી ઉકેલી શકો છો એટલા બુદ્ધિ-તત્વથી અને સિદ્ધાંતથી ઉકેલી શકતા નથી. સમજણની શક્તિ પરમાત્માની વિભૂતિરૂપે તમારા અને મારા હૈયામાં છે.
[22] મને ખબર પડતી કે શો અવરોધ, કયો અંતરાય આવે છે કે મનુષ્ય સમજેલું જીવી શકતો નથી ? અમારા જીવનમાં તો અમને જે ક્ષણે સમજાયું તે જ ક્ષણે એ આચરણમાં ઊતર્યું.
[23] તમારી બાહ્ય ઈન્દ્રિયોને સ્પર્શ કરનારી, તમારી ઈન્દ્રિયોને આમંત્રિત કરનારી જે કુદરત છે તે અને તમે સગાં છો ! લોહીના સંબંધ કરતાં પણ વધારે ઊંડો અને ગહન સંબંધ આ કુદરત સાથે આપણો છે અને સ્વયંસિદ્ધ સ્વયંભૂ એવી જે કુદરત છે તે જ પરમાત્માનું રૂપ છે.
[24] મનુષ્ય કેવળ પશુ નથી અને જે કુદરત તમને દેખાય છે તે કેવળ જડસૃષ્ટિ નથી. એ તો ચિન્મયી ઊર્જાઓનો મહારાસ છે !
[25] હૃદયની શુદ્ધિ, શુચિતા કે મંગલતા ઉપર કંઈ ઝાંખપ નથી લાગતી એનું નામ શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોય ત્યાં ચિંતા રહેતી નથી.
[26] મનુષ્યમાં આત્મભાન અને આત્મચેતનાની શક્તિ છે. એટલે મનુષ્યની મોટી જવાબદારી થઈ જાય છે કે એ સત્યને શોધે અને પ્રગટ કરે. જે સત્ય સમજાય તેને જીવનમાં જીવે.
[27] ચિંતામાંથી ભય અને ભયમાંથી અસંતુલન પેદા થાય છે. પળભરની બીક વ્યવહારને બદલી નાખે છે, બદલાવી જ નાખે છે.
[28] દુઃખ લાગવું એ પણ સ્વાભાવિક છે. દુઃખ લાગે અને દુઃખ નથી લાગ્યું એવું કહેવું એ નકરું પાખંડ છે. દુઃખ લાગ્યું હોય તો એ પણ જીવી લેવું. એને કારણે આત્મદયા કે અવસાદમાં જવું, એના માટે પ્રતિશોધનો ભાવ સેવવો એ દ્વેષ છે.
[29] સંયમાગ્નિમાંથી તમારા વાસનાવિકારોને બાળીને ભસ્મસાઅત કરો ત્યારે સમતા, સંતુલન પ્રગટ થાય છે. ત્યારે જીવન સંતુલિત બને છે. પછી કોઈ પણ પરિસ્થિતિમાં જીવનના કોઈ પણ ઉતાર ચઢાવમાં પલ્લું ઊતરતું ચઢતું નથી.
[30] આંસુ તો જીવનનો-હૃદયનો વૈભવ છે. એ વૈભવને તમે ગમે તેમ વેડફો એમાં તો શક્તિનો વ્યય થાય.
સૌજન્ય : રીડ ગુજરાતી

Wednesday, January 29, 2014

વિમલ-વચનામૃત – સં. કાર્તિકેય ભટ્ટ (ભાગ 1/2)


[ ‘વિમલ-વચનામૃત’ પુસ્તકમાંથી પૂ. વિમલાતાઈના (વિમલા ઠકાર) કેટલાક ચૂંટેલા સુવાક્યો અત્રે સાભાર પ્રસ્તુત છે.]
[1] પદાર્થવિજ્ઞાન અને આત્મવિજ્ઞાન એક જ વસ્તુને જોવાના બે રસ્તા છે. આત્મવિજ્ઞાન સમગ્રતાને લઈને ચાલે છે અને પદાર્થવિજ્ઞાન અણુમાં અણુ જોવાની કોશિશ કરે છે.
[2] ન આત્મા પ્રાપ્ત કરવાનો છે ન પરમાત્મા પ્રાપ્ત કરવાનો છે. એ તો સિદ્ધ છે જ, સ્વયંભૂ છે, એ ભીતર છે, બહાર છે. સકલ નિરંતર છે. સમગ્ર રીતે આપણા હોવાપણાનું શુદ્ધીકરણ જરૂરી છે.
[3] જીવનનું સત્વ તો પારસ્પરિક સંબંધોમાં છે. અને તે વળી એવા સંબંધો હોય કે પ્રત્યેક સંબંધમાં બિનશરતી સ્વતંત્રતાની ખુશ્બૂ મહેકતી હોય.
[4] જીવનનું જે હોવાપણું છે ‘The isness of life’ એને કૃપા કહે છે, અનુગ્રહ કહે છે. દિવ્યતાની કૃપાનો આશય તે જીવનનું હોવાપણું છે.
[5] વિશ્રાંત અવસ્થામાં આપણે બેસીએ તો ઘણીવાર એ શાંતિમાં અંતઃકરણની ઊર્જા આપણને માર્ગ બતાવે છે : કોઈ એને ‘અંતઃજ્ઞાન દર્શન’ તો કોઈ એને ‘સહજાભૂત દર્શન’ કહે છે.

[6] પ્રારબ્ધ એક તથ્ય છે. એની સાથે ઝઘડો કે ઈન્કાર કરી શકાતો નથી. તમે કદી કહી શકો નહીં કે ‘મારે એ નથી જોઈતું’. એની સાથે સુમેળ સાધો, પ્રારબ્ધને ઓળખીને પુરુષાર્થનો પ્રારંભ કરો.
[7] સંયમ સમજની સાથે જાય છે અને એમાં કલેશ થતો નથી. દમનમાં કલેશ છે કારણ કે અંદરથી એ જોઈએ છે અને બહારથી તમે એને રોકી રહ્યા છો.
[8] અધ્યાત્મથી માણસ પથ્થર બનતો નથી, બલ્કે એની સંવેદનશીલતા વધારે તીવ્ર, તરલ, તત્પર બને છે. અનુકૂળ પ્રતિકૂળ સંવેદન થાય છે, પરંતુ એમાંથી પ્રિયતા કે અપ્રિયતા ઊભી કરતો નથી.
[9] જીવનની સમગ્રતામાં તો મનુષ્ય પણ એક મામૂલી પ્રાણી માત્ર છે. એવી જ રીતે આ નાનકડો ગ્રહ અને તેજસ્વી સૂર્યમંડળ પણ એની આગળ સાવ નગણ્ય છે. એની સમગ્રતાના આપણે અંશ છીએ. એ જાણ્યા પછી ભય ન રહેવો જોઈએ.
[10] ધ્યાન માટે સાધના આવશ્યક નથી. આપણા શરીર, મન, પ્રાણ, બુદ્ધિ વગેરેની શુદ્ધિ માટે સાધના આવશ્યક છે. એ બધામાં એક વ્યવસ્થા, એ બધાંનો પરસ્પર સંવાદ પૂર્ણ સુંદર સંબંધ પેદા કરવો, એની ગતિઓમાં લય પેદા કરવો- એના માટે જે વૈજ્ઞાનિક કર્મ કરાય છે એને સાધના કહે છે.
[11] નાની ઉંમરમાં તમે તમારાં બાળકોના કોમળ મગજ પર મહાપુરુષોના લખાણ લાદશો નહીં. જો એ એમને બરાબર રીતે પકડી શકશે નહીં તો ઊલટો અર્થ કરીને કેટલીક વિકૃતિઓ પેદા કરશે.
[12] સૂર્યના કિરણોમાં જેટલી શક્તિ છે એટલી જ અથવા તેનાથી વધારે શક્તિ શુદ્ધ શબ્દમાં, શુદ્ધ નાદમાં અને શુદ્ધ સ્વરમાં છે.
[13] વિચારોનું, વૃત્તિઓનું ઊઠવાનું જ્યારે શાંત થઈ જાય છે, ત્યારે તમે મૌનગૃહના આંગણામાં પ્રવેશ કરો છો.
[14] જ્યારે આનંદની તરફ તમારી યાત્રા થશે ત્યારે સુખ અને દુઃખ દેનારાં વિષય-સાધન અથવા માધ્યમનું આકર્ષણ શાંત થઈ જશે.
[15] તન અને મનને શુદ્ધ વાતાવરણ અને શુદ્ધ આહાર-વિહાર આપવા માંડશો, એને નિરામય-નિરોગી બનાવશો તો અશુદ્ધિ તરફનું એનું આકર્ષણ આપોઆપ હટી જશે.
સૌજન્ય : રીડ ગુજરાતી

Monday, January 27, 2014

લગ્નસંબંધનું ગણિત– બંસીધર શુક્લ

આપણા સમાજમાં લગ્ન એક સંસ્કાર છે. પ્રાચીનકાળથી લગ્નપ્રથા અને તેના શાસ્ત્રીય નિયમોનું પાલન થતું આવ્યું છે. શ્વેતકેતુ નામના ઋષિએ લગ્નસંસ્કારની પ્રતિષ્ઠા કરી. ઘણા ઋષિઓએ તેના વિષયમાં નીતિનિયમો આપ્યા. એવો એક નિયમ છે : સપિંડો વચ્ચે વિવાહસંબંધ થઈ શકે નહીં. સપિંડ એટલે સમાન પિંડ, સમાન દેહ. જે બે જણના દેહમાં પારિવારિક સંબંધની રીતે બીજાં પરિવારજનનો અંશ ઊતરતો હોય તો તે બે જણ સપિંડ ગણાય. તેઓ લગ્ન કરી શકે નહીં. અહીં બે પ્રશ્નો ઉદ્દભવે છે. એક, સપિંડ વચ્ચે નિષેધ શા માટે ? બે, સાત પેઢી પછી સપિંડતા રહેતી નથી, તેથી સાત પેઢી પછીનાં માટે નિષેધ નથી. અહીં સાત જ કેમ ? પાંચ કે દસ કેમ નહીં ?
પહેલા પ્રશ્નનો ઉત્તર સરળ છે. સ્ત્રી પુરુષ સાથે સમાગમથી એટલે કે પુરુષનો શુક્રકોશ પોતાના શરીરમાં પ્રવેશે તે પછી જ સગર્ભા બને છે. આમ, માતાપિતા સપિંડ બને છે. ગર્ભનું શિશુ માતાના શરીરમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. શિશુમાં માતાના પિંડનો અંશ આવવાથી શિશુ પિતા ઉપરાંત માતા સાથે પણ સપિંડતાથી જોડાય છે. પ્રાચીનકાળથી વિજ્ઞાનીઓ-ઋષિઓ એ જાણતા આવ્યા છે કે નિકટના સગાંમાં લગ્નથી માઠાં લક્ષણો, આનુવંશિક રોગો, વિકૃતિઓ તથા અપ્રતિકારિતા સંતાનોમાં ઊતરે છે. આથી તેમણે નિકટના- સપિંડ વચ્ચે વિવાહ વર્જિત ઠરાવ્યો.
બીજા પ્રશ્નમાં સરળ ગણિત લાગુ પડે છે. તેને એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ. એક મોટો ચોરસ કે લંબચોરસ કાગળ લો. શક્ય એટલો મોટો અને લંબચોરસ હોય તો સારું. છાપાનો કાગળ ચાલે. તેની લાંબી બાજુને બરાબર વચ્ચેથી વાળીને ગડી કરો. ગડીના સળને વચ્ચેથી કાટખૂણે વાળીને બીજી ગડી બનાવો. કાગળ ચોથા ભાગનો થઈ જશે. આ પ્રમાણે બંને બાજુ વચ્ચેથી વાળીને ગડી કરતા જાઓ. કેટલી વાર વાળો છો, તેની નોંધ રાખો. કાગળ ગમે તેટલો મોટો લીધો હોય, તમે આઠેક વારથી વધારે વાર તેને નહીં વાળી શકો. કારણ કે વાળવાની પ્રક્રિયા અડધાનું અડધું…એ ઝડપે ભૌમિતિક શ્રેણીમાં તીવ્રતાથી ગતિ કરે છે. આઠમા વળે તે એટલો જાડો અને નાનો થઈ જાય છે કે તેને પકડીને આગળ વાળવાનું અશક્ય બને છે. હવે આ જ પદ્ધતિએ સંતાનોમાં માતાપિતાનો વારસો કેવી રીતે ઊતરે છે અને કેવી રીતે ક્ષીણ થતો લગભગ નહીંવત બની જાય છે, તે જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક સંતાન માતાપિતાનો અડધો-અડધો વારસો લઈને જન્મે છે. આ વારસો જેમ એક-એક ચરણ આગળ ઊતરે તેમ તે ફરી અડધો-અડધો થતો જાય છે. આ રીતે….
100-0 ચરણ (વર્તમાન પેઢી)
50-પહેલું ચરણ (તે પછીની પહેલી પેઢી)
25-બીજું ચરણ (બીજી પેઢી)
12.5-ત્રીજું ચરણ (ત્રીજી પેઢી)
6.25-ચોથું ચરણ (ચોથી પેઢી)
3.125-પાંચમું ચરણ (પાંચમી પેઢી)
1.56-છઠ્ઠું ચરણ (છઠ્ઠી પેઢી)
0.78-સાતમું ચરણ (સાતમી પેઢી)

આમ, 7મી પેઢીથી પહેલી પેઢીનો વારસો ઘટતો જઈ એક ટકાની અંદર-આશરે 0.78 ટકા થાય છે. આટલો પ્રભાવ એટલે નહિવત- શૂન્યવત પ્રભાવ. એટલે 7 પેઢીએ સપિંડતા સમાપ્ત થયા પછી જો બે વ્યક્તિ લગ્ન કરે, તો તેમને આનુવંશિક વિકૃતિ, રોગ, અપ્રતિકારિતા આદિનો ભય નડે નહીં.
સૌજન્ય : રીડ ગુજરાતી

Saturday, January 25, 2014

સૂત્રો : પોથીમાંનાં રીંગણાં ? – રોહિત શાહ

[‘અખંડ આનંદ’ સામાયિક માંથી સાભાર.] દુનિયાની દરેક ભાષા પાસે કેટલાંક ચોટદાર સૂત્રો હોય છે. સૂત્રની ખૂબી એ છે કે એ ટૂંકું હોય છે અને વળી મર્મવેધક હોય છે. પ્રત્યેક સૂત્ર આપણને કોઈ ને કોઈ ‘પોઝિટિવ થૉટ’- હકારાત્મક વિચાર આપે છે. એ દષ્ટિએ જોઈએ તો આવાં સૂત્રો માણસ માટે ‘માઈલસ્ટોન’ જેવાં બની રહે છે.
આજે એક તરફ માતૃભાષા ગુજરાતીને બચાવવા માટે આપણે સૌ ચિંતિત છીએ ત્યારે મારી વાત આપણી માતૃભાષાની જનેતા સંસ્કૃત ભાષાનાં સૂત્રોની વાત- કદાચ તમને વિચિત્ર લાગશે. પરંતુ તમને જાણીને આનંદ થશે કે આપણી અનેક સંસ્થાઓ આજે પણ સંસ્કૃત ભાષાનાં સૂત્રોને પોતાનો આદર્શ માને છે. અલબત્ત, ક્યારેક એવું જોવા મળે છે કે એ સૂત્ર, માત્ર ‘શોભાના ગાંઠિયા’ જેવું કે ‘પોથીમાંનાં રીંગણાં’ જેવું બની ગયું હોય છે. ઉદાહરણો સાથે આગળ વધીએ.
સત્યમેવ જયતે
તમને ખબર છે ખરી કે ભારત સરકારનું આ મૂળ સૂત્ર છે : ‘સત્યમેવ જયતે’ ? સરકારમાં બેઠેલા લોકોને વિશ્વાસ છે કે સત્યનો જ સદા વિજય થાય છે. અથવા એવું એ આપણને કહેવા માગે છે. જે હોય તે, ભારત સરકારનો મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’ છે, એ કોઈ જોક નથી- ફેક્ટ છે.

સત્યં શિવં સુન્દરમ
ટેલિવિઝનનું સૂત્ર ‘સત્યં શિવં સુન્દરમ’ છે. જ્યારે પણ દૂરદર્શન કેન્દ્રનું સિમ્બોલ ટી.વી. સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવે છે ત્યારે આ સૂત્ર વાંચવા મળે છે. દૂરદર્શન એના દર્શકોને કેટલું સત્ય, કેટલું શિવમ-કલ્યાણકારી અને કેટલું સુંદર બતાવે છે એ પ્રશ્ન પૂછવામાં મજા નથી.

અહર્નિશ સેવામહે
આપણા તાર-ટપાલ ખાતાનું સૂત્ર છે ‘અહર્નિશ સેવામહે’ એટલે કે હું સતત તમારી સેવા કરું છું. ટપાલખાતાની સેવાઓથી આપણે પરિચિત છીએ. આજકાલ હવે આંગડિયા-કુરિયર સર્વિસને કારણે ટપાલ-ખાતા પાસે ખાસ કામ બચ્યું નથી. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ફેસબૂકને કારણે હવે પત્રવ્યવહાર ખૂબ ઘટી ગયો છે. છતાં આપણું ટપાલ ખાતું આપણી કેવી અહર્નિશ સેવા કરે છે એની આપણને સૌને ખબર છે.

યોગક્ષેમ વહામ્યહં
લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (ભારતીય જીવનવીમા નિગમ)નું સૂત્ર ‘યોગક્ષેમ વહામ્યહં’ છે. એનો અર્થ છે હું યોગ-ક્ષેમનું વહન કરું છું. અલબત્ત, આ કોઈ સેવાભાવી કે સદાવ્રતી પેઢી નથી એટલે ગ્રાહકે પોતાનું યોગક્ષેમ આ સંસ્થા દ્વારા વહન કરાવવું હોય તો એનાં પ્રિમિયમ્સ ભરતા રહેવું પડે છે.

ધર્મચક્રાપ્રવર્તનાય
ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું આ સૂત્ર કોનું છે એ જાણશો તો કદાચ તમને હસવું આવી જશે ! લોકસભા (સંસદ)- નવી દિલ્હીનું કાર્ય ભારતમાં ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું છે. સંસદસભ્યોને ગાળાગાળી કરતા અને ખુલ્લા હાથની મારામારી કરતા જોયા પછી આ સંસદ કેવા ધર્મચક્રનું પ્રવર્તન કરશે એવી દહેશત જાગશે.

યતો ધર્મસ્તતો જયઃ
જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થશે- આવું સૂત્ર આપણી સુપ્રીમ કોર્ટનું છે. એ વાત જુદી છે કે આપણે સાચા હોઈએ તોય ન્યાય મેળવવામાં એક ભવ ટૂંકો પડે છે. ન્યાયતંત્ર ઉપર જેને ભરોસો હોય એ સૌ પોતપોતાની આંગળી ઊંચી કરે, એવું પૂછવામાં જોખમ છે. ન્યાય મળવામાં વિલંબ થાય એ જ અન્યાય નથી શું ?

કોષ મૂલો દંડ :
ઈન્કમટેક્સ વિભાગનું આ સૂત્ર જ કેવું કાંટાળું છે ! કોષ (ભંડાર અથવા સમૃદ્ધિ)નું મૂળ દંડ (પનિશમેન્ટ) છે. જો દંડની જોગવાઈ ન હોય તો પછી ઈન્કમટેક્સ ભરવા કોણ જવાનું હતું ?

નાદ બ્રહ્માણે નમઃ
નાદ એટલે કે સ્વરના બ્રહ્મને નમન કરવાની ભાવના ધરાવતું આ સૂત્ર ‘બૃહદ ગુજરાત સંગીત સમિતિ’નું છે. સંગીતને તમામ લલિત કલાઓમાં શુદ્ધ કલા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એનું સાધન સ્વર છે. સ્વર હંમેશાં નિષ્કપટ હોય છે. નાદ બ્રહ્મને પ્રણામ કરવાથી સ્વરને સમજવાની પાત્રતા આવે છે.

પાકા નઃ સરસ્વતી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)નું સૂત્ર છે ‘પાકા નઃ સરસ્વતી’ એટલે કે સરસ્વતી (વિદ્યા) આપણને સૌને પાવન કરે !

યોગઃ કર્મસુ કૌશલમ
ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)નું સૂત્ર ‘યોગઃ કર્મસુ કૌશલમ’ એટલે કે યોગ અને કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવાનું છે.

સ્વાધ્યાયઃ પરમં તપઃ
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (અમદાવાદ)નું સૂત્ર કેવું અર્થપૂર્ણ છે, ‘સ્વાધ્યાયઃ પરમં તપઃ’ અર્થાત સ્વાધ્યાય એ જ પરમ તપ છે. સ્વાધ્યાય દ્વારા જ માણસ પરફેક્ટ બને છે.

સેવા અસ્માકં ધર્મ
ભારતીય ભૂમિદળનું સૂત્ર છે : ‘સેવા અસ્માકં ધર્મ’ અર્થાત સેવા અમારો ધર્મ છે.

નભઃ સ્પૃશં દીપ્તમ
વાયુસેના (એરફોર્સ)નું સૂત્ર છે : ‘નભઃ સ્પૃશં દીપ્તમ’ એટલે કે આભને આંબતું અને વ્યોમમાં શોભતું. જોકે ભારતીય વાયુસેના (મેન્ટેનન્સ કમાન્ડ) નાગપુરનું સૂત્ર છે : ‘સર્વદા ગગને ચરેત’ એટલે કે હંમેશાં ગગનમાં વિહરતું.

શં નો વરુણઃ
નૌસેના (નેવી)નું સૂત્ર છે : ‘શં નો વરુણઃ’ એટલે કે વરુણદેવ આપણું રક્ષણ કરો !

એકાદ સૂત્ર અપનાવીએ
અહીં રજૂ કરેલાં તમામ સૂત્રો સંસ્કૃત ભાષામાં રચાયેલાં છે. આપણી સંસ્કૃત ભાષા કેટલી સમૃદ્ધ છે અને આપણને સંસ્કૃત ભાષા પ્રત્યે કેટલો બધો આદર છે એ આ સૂત્રો દ્વારા અને વિવિધ સંસ્થાઓમાં થતા તેના ઉપયોગ દ્વારા પુરવાર થાય છે. દરેક માણસે પોતાની લાઈફમાં આવાં કેટલાંક સૂત્રો અપનાવી લેવાં જોઈએ. આવાં સૂત્રો આપણને નૈતિક અધઃપતનમાંથી બચાવી શકે છે. યાદ રહે કે આ સૂત્રો ‘પોથીમાંનાં રીંગણાં’ ન બની રહેવાં જોઈએ. એનો સભાનપણે અને આદરપૂર્વક અમલ પણ થવો જોઈએ. સૂત્ર એ છે કે જેમાં કશોક પોઝિટિવ થૉટ હોય અને આપણું તો હિત હોય પરંતુ કોઈનુંય અહિત ન હોય. તમને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં તમારું અંગત સૂત્ર અપનાવવાની તમને છૂટ છે.

સૌજન્ય : રીડ ગુજરાતી

Thursday, January 23, 2014

જીવનધર્મ તો શોધવો જ જોઇએ -ભૂપતભાઇ વડોદરિયા

વા હનના ટાયર ઉપર ‘ગુડઇયર’ નામ આપણે વાંચીએ છીએ. એમ થાય કે કોણ હશે એ ‘ગુડઇયર’? આજથી એકસો નેવુ વર્ષ પહેલાં એ જન્મ્યો હતો. અમેરિકામાં જન્મેલા આ માણસનું આપણી ઉપર એક ઋણ છે. રબ્બરનો ઉપયોગ શક્ય બન્યો તે ગુડઇયરને કારણે. રબ્બરની ચીજો પહેલાં પણ અનેક બનતી, પણ રબ્બર તાપમાં ગરમીમાં ઓગળી જાય છે, ગંધાઇ ઊઠે છે. એની ગંધ નાકને એટલી તો અસહ્ય લાગે છે કે અમેરિકામાં તાપમાં ઓગળીને ગંધાઇ ઊઠેલા આવા રબ્બરને જમીનમાં શબની જેમ દાટી દેવું પડતું હતું. ચાર્લ્સ ગુડઇયરે કંગાળ ગરીબી અને દેવાના ડુંર્રિીૂબેલી હાલતમાં મરી ગયો, પણ તે ‘કંઇક’ આપતો ગયો.
મહાત્મા ગાંધી બધું જ છોડીને ભારતની પ્રજાની જાગૃતિમાં પોતાની જીવનશક્તિ હોમી દે, મોતીલાલ નહેરુ ધીકતી વકીલાત છોડીને આઝાદીના જંગમાં ઝંપલાવે કે મહર્ષિ અરવિંદ ઉજ્જવળ કારકિર્દીનાં સ્વપ્ન જોવાનું છોડીને આત્મજ્ઞાનનો પંથ પકડે ત્યારે તેમાં તેમના જીવનધર્મનો નાદ સાંભળી શકાય છે. આપણા જીવનમાં રૂપિયા અને માનસત્તાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે આપણે આજીવિકાને આપણી તમામ શક્તિઓના લિલામનું બહાનું બનાવી દીધું છે. આઇન્સ્ટાઇને પોતાની શોધોનો વેપાર કરવાની ના પાડી હતી અને વેપાર માટે કોઇ શોધ કરવાની ના પાડી હતી. તેમાં તેમના જીવનધર્મની સચ્ચાઇ બોલતી હતી. અગાઉ જેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું તે યહૂદી લેખક સિંગર એક છાપાના પ્રૂફરીડર છે. પ્રૂફ વાંચનારા સિંગર, તેની વાર્તાઓને લીધે, તેની નવલકથાઓને લીધે, ઘણાં બધાં વર્ષો લગી જીવશે. પ્રૂફરીડરની નોકરી એ તો આજીવિકાનું સાધન. માણસ આજીવિકા માટે ગમે તે સાધન મેળવે એનું બહુ મહત્ત્વ નથી. અગત્યનો સવાલ એનો જીવનધર્મ શું છે એ છે. આવો જીવનધર્મ બધા માણસોની બાબતમાં અમર કીર્તિ, નામના કે વેપારી લાભની ગુંજાશવાળો હોઇ ના શકે, પણ જીવનધર્મ એ માણસની પોતાની ખુશબો છે. આપણે આજીવિકાને કારકિર્દીના મોટા ચોકઠામાં વધુ ને વધુ ગોઠવવા માંડી છે ને આમ કરીને આપણે આજીવિકાની મર્યાદિત જરૂરિયાતને ભિક્ષુકની સદા અસંતુષ્ટ યાચનામાં ફેરવી નાખી છે.

જેમ વધુ ધન મળે, વધુ નામ મળે, વધુ માન મળે, વધુ પ્રભાવ કે સત્તા મળે તેમ આપણું કામ ઊંચું! નાટકમાં એક માણસ બરાબર રાજા બને છે, પણ તે ખરેખર રાજા નથી હોતો. નાટકમાં એેક માણસ ભિખારી બને છે, પણ તે ખરેખર ભિખારી હોતો નથી. ખરી ખૂબી ત્યાં જ છે કે તે ખરેખર શું કરે છે અને તેની નજર આગળ કે પાછળ કેટલી પહોંચ છે! કેટલીક વાર એવું બને કે માણસનો જીવનધર્મ જ એવો હોય છે કે તેણે અપ્રસિદ્ધિનો અંધકાર જ ઓઢી રાખવો પડે. મૃત્યુ મેળવવું સારું, પણ પારકો ધર્મ બજાવવામાં જબરું જોખમ છે. આજીવિકાનું સાધન જે હોય તે, આપણો કોઇ જીવનધર્મ તો શોધવો જ જોઇએ.


સૌજન્ય : શબ્દ પ્રીત

Tuesday, January 21, 2014

તક બાય ચાન્સ- સ્નેહા પટેલ

“સરી ગયેલી તક જીવનમાં ફરી નથી મળતી.પણ હા, નવી તકો જરુર મળે છે”
‘તક’ આ બે અક્ષરોનો નાનકડો શબ્દ બહુ લપસણો અને સરકણો હોય છે. વળી મનમૌજીલો પણ ખરો. જીવનના કયા વળાંકે ક્યારે એ સામે ભટકાઈ જશે એનો કોઇ જ સમય કે ધારાધોરણો પહેલેથી નક્કી નથી હોતા. આપણે બસ આપણી સમજદારીના આંખ અને કાન ખુલ્લા રાખી સતત આપણી આજુ-બાજુ એની હાજરીની એંધાણીઓ શોધતા રહેવું પડે. સજાગ સાબદા રહેવું પડે છે અને જરાક પણ અણસાર આવે એટલે ચીલઝડપથી એનું પગેરું ચાંપીને ફટાક દેતાંક્ને એનો ‘થપ્પો’ કરી દેવો પડે છે. જરાક પણ ગફલત રહેવાનું ના પોસાય એમાં. જોકે સાચી તકો સમયસર સમજવી અને ઝડપવી એ સરળ નથી. અમુક સમયે તક જતી રહે ને આપણે બીજા જ જ રસ્તે તક્ને શોધતા ફરતા હોઇએ..
એક અમેરિકન લેખક હતા હોર્થોન. એમને પોતાની ગવર્નમેન્ટની સલામત નોકરીમાંથી એકાએક જ બરતરફી મળી. એ નિરાશાની ખાઇમાં ગર્ત થઈ ગયા. જીવનની કટોકટી ભરેલી આ પળોએ એમની વ્હારે આવ્યા એમના મિત્રતુલ્ય પત્ની. નિરાશાના વાદળોમાંથી આશાની રોશની શોધી કાઢી અને પતિના ટેબલ પર એક પણ અક્ષ્રરનો વાદ્-વિવાદ કર્યા વગર શાહીનો ખડીયો અને કલમ મૂકીને કહ્યું,
“ ઘણા વખતથી તમારા મગજમાં નવલકથા લખવાનો વિચાર રમતો હતો તો ઇશ્વરે હવે એ વિચારને પૂર્ણ કરવાની તક આપી છે. તો ઝડપી લો હવે.જે થયું સારા માટે જ થયું. “
હોર્થોને એ તક ઝડપી લીધી અને એમને પોતાની યાદગાર ક્રુતિ ‘ધી સ્કાર્લેટ લેટરનું’ સર્જન કર્યું અને એ પુસ્તક પોતાની પત્નીને સપ્રેમ અર્પણ કર્યું. આના જેવું સુંદર ઉદાહરણ બીજું કયું હોઇ શકે નિરાશામાંથી તક શોધીને એ તકનો યોગ્ય ઉપયોગ કરવાનું..!
તક અને મહેનત એ બેય ‘નસીબ’ નામના સિક્કાની બે બાજુ જેવી છે. દરેક માનવીના જીવનમાં અમુક તબકકે આ વાક્ય મોઢામાંથી સરી પડતું જ હશે કે,’અરે યાર…આટ-આટલી મહેનત કરીએ છીએ પણ શું થાય, નસીબ છે કે સાથ જ નથી આપતું. જીવનમાં આગળ વધવા એક જ ‘ચાન્સ-તક’ જોઈએ છે પણ એ હાથમાં આવતી જ નથી. મહેનત કરવામાં ક્યારેય પાછા નથી પડતા પણ તક હંમેશા ટપલીદાવ કરીને છટકી જ જાય છે શું કરવું આની અવળચંડાઇને હવે? ઘણા વ્યક્તિઓ બહુ જ પ્રેકટીકલ હોય છે.’અમે નસીબ બસીબમાં કંઇ નથી માનતા. મહેનત કરો મહેનત..તમને તમારા ભાગની મજૂરી મળી જ રહેશે. મહેનતના ફળ મીઠા જ હોય છે. તક બક તો આવે ને જાય..એવી ચિંતા નહી કરવાની’ જેવા સ્વસ્તિવચનો બોલ્યા કરતાં હોય છે. પણ એક વાર-બે વાર- ત્રણ વાર..બસ..મહેનતના ફળ પાક્યા વગર ટપ-ટપ જમીન પર પડવા માંડે અને નજર સામે જ ધૂળમાં રગદોળાઈને વેડફાતા લાગે ત્યારે જાત પરનો કાબૂ ગુમાવી, ધીરજ ખોઇને એ લોકો પણ રાતો રાત નસીબમાં માનતા થઈ જાય છે. ‘સાલ્લુ…નસીબ જ સાથ નથી આપતું..એક તક જોઇએ છે બસ..પછી જુઓ મારો સૂરજ કેવો મધ્યાન્હે તપે છે.’ પ્રારબ્ધ નામનો દેવ આવા લોકો પર સમય આવે રીઝે અને અણધારી રીતે જ કોઇ સોનેરી તક એમના જીવનમાં ધકેલી પણ આપે છે.પણ ત્યારે મુશ્કેલી એ આવે છે કે માણસો એ તકને સમજવા માટે અજાણ હોય છે.
આના સંદર્ભમાં એક જાણીતી વાત યાદ આવી. એક માણસને ભગવાન પર બહુ જ વિશ્વાસ હતો.એક વાર એ નદી પાર કરી હોડીમાં બેસીને શહેરમાં જતો હતો.રસ્તામાં ભયંકર વાવાઝોડું ફુંકાયું અને હોડી હાલક ડોલક થવા લાગી. એ માનવીને રસ્તામાં એક તૂટેલી હોડીનું લાકડું દેખાયું તો એણે વિચાર્યુ કે મારી રક્ષા કરનારો તો હજારહાથ વાળો બેઠો છે. મારે શું કામ આવા લાકડાની મદદ લેવી. મને મારા પ્રભુમાં અનહદ વિશ્વાસ છે. એમ કરીને એણે એ લાકડું જવા દીધું. તોફાન તો બંધ જ નહોતું થતું.ત્યાં પેલા માણસને એક તણખલું દેખાય છે તો પણ એ વ્યક્તિ ભગવાન જાતે આવીને એને બચાવશેની માળા જપતો બેસી રહે છે. છેલ્લે હોડી ડૂબી જાય છે અને પેલો માણસ ઉપર ભગવાન સમક્ષ ફરિયાદ કરે છે.’મેં તારી પર આટલો વિશ્વાસ રાખ્યો ને તું મારી મદદે ના આવ્યો. મેં તારી જોડે આવી અપેક્ષા તો નહોતી જ રાખી.’ ત્યાં પ્રભુએ કહ્યું,’હું બે વાર તારી મદદે આવ્યો..એક વાર તૂટેલ લાકડાના સ્વરુપે અને બીજીવાર તણખલાના સ્વરુપે. પણ તું સમજી ના શક્યો ને ફક્ત નસીબ અને શ્રધ્ધાના સહારે હાથ પર હાથ ધરીને બેસી રહ્યો. મળેલ તક સમજી ના શક્યો, ઝડપી ના શક્યો તો હું શું કરું? આમાં મારો વાંક ક્યાં?
આમ માનવી પોતાને કયા સ્વરુપે અને કયા સમયે તક રસ્તામાં ભટકાણી અને પોતે ક્યાં ચૂક્યા એ વાતોનું ધ્યાન આવે ત્યારે તો બહુ મોડું થઇ ગયું હોય છે. વધારામાં આ વેળા તો સાંપડેલી તક પોતે સમજી શક્યો નહીંનો વસવસો એને હેરાન પરેશાન કરીનાંખે છે.ચારેકોર જાણે ઘોર નિરાશાના વાદળો છવાઇ જાય છે. હતાશાની પળો એના દિલોદિમાગ પર કબ્જો જમાવી દે છે. અંદરોઅંદર તૂટતો જાય છે.
પણ એક વાત હંમેશા યાદ રાખો મિત્રો, આ દુનિયા એ ઉપરવાળાએ ગોઠવેલી એક ‘ઝીગ શો’ પઝલ ( નાના બાળકોની પૂંઠાના ટુકડાં જોડીને પિકચર બનાવવાની એક ગેમ)જ છે. એણે દરેકે દરેક પીસ એની યથાયોગ્ય જગ્યાએ ગોઠવીને જ આપણી આ જીદગી નામની ગેમ બનાવી છે. એક તસુભાર જેટલી ખોટ પણ ના હોય એની ગણત્રીમાં. બહુ અદભુત કલાકાર છે એ પણ. તમે બસ એની પર વિશ્વાસ રાખો. અખૂટ શ્રધ્ધા રાખો. આ તક ગઈ તો જાણે જીવન પતી ગયું કે અટકી ગયું જેવી નકારાત્મક લાગણીઓથી દૂર રહો. અરે આપણું જીવન તો જાત જાતની ભાત ભાતની તકોથી ભરપૂર છે. એક ગઈ તો બીજી નહી મળે એવું ક્યારેય ના વિચારો. બની શકે કે બીજીવાર કદાચ એનાથી પણ વધુ સારી તક તમારા નસીબના સિક્કામાં છપાયેલી હોય. માટે ફરીથી એક વાર સાબદા થઈ આંખકાન અને સમજશક્તિના દ્વાર ખુલ્લાં રાખીને મહેનત કરવાની લગન જીવંત રાખો.આ સડસડાટ સરકતી તકોની શું વિસાત કે તમારા હાથમાંથી ફરીથી છટકે? બસ તમારી મહેનત અને ઉપરવાળાના ન્યાયમાં શ્રધ્ધા અને થોડી ધીરજની જરુરત હોય છે.એ છેડા ભેગા થાય એ ક્ષિતીજની સીમાએ કેંઈ કેટલીય જાતની તકો હાથ ફેલાવીને તમારી રાહ જોતી’કને ઊભી જ છે. તો ઊઠો મિત્રો..રાહ કોની જુવો છો..મહેનત,,તક અને નસીબના ત્રિભેટે સફળતાનો સંગમ અચૂક થાય જ છે.જે તમારો બધો થાક ઉતારી કાઢશે. આખરે સફળતાનો, એમાંય રાહ જોઈ જોઈને, દિવસ-રાત એક કરીને મહેનત કરીને, તકોને સમજીને સદઉપયોગ કરીને મેળવેલ સફળતા તો જીવનની ગાડીમાં એકસ્ટ્રા માઈલેજ વધારી કાઢે છે.
- સ્નેહા પટેલ – અક્ષિતારક
સૌજન્ય : ધર્મધ્યાન