Monday, February 10, 2014

અતીધાર્મીકતા અને અતીહીંસા

‘દીકરા, તું ચેતન તરીકે ઓળખાતો હતો અને અનેક આસુરી તત્ત્વોને મારવાને બદલે, માતાજીના આ ભક્તોએ તને જ મારી નાંખ્યો…! અરેરેરે…!!’ કોઈ એક નામ માત્રથી ઓળખાવા બદલ, કોઈ પણ વાંકગુના વીના પાલરોડ, સુરતના એક કૉલેજ યુવાનનું ઢીમ ઢાળી દીધું. થોડા મહીના પહેલાં સીટીલાઈટ રોડ, સુરત પર અભણ, ગરીબ વૉચમેનનો,  શીક્ષીત-સંસ્કારી ગણાતા ઘોડદોડ રોડ, સુરતના નબીરાઓ કથીત અપમાન બદલ જીવ કાઢીને જ જંપ્યા ! શરમ, સંસ્કાર, પોલીસ અને કાયદા-વ્યવસ્થાની ઐસીકી તૈસી…!!

કોઈનો લાડકવાયો ચાલ્યો ગયો, કેટકેટલી આશા-અપેક્ષાએ ઉછેરેલાં સંતાનો !… આ સંસ્કારી-શીક્ષીત નગરી, જ્યાં મુલ્યો, વ્રતો, ઉપવાસો, વરઘોડા અને આધ્યાત્મીકતાની વાતો કરતા કોઈ થાકતું નથી. એક ખુબ મોટી યુનીવર્સીટી અને સેંકડો સ્કુલો-કૉલેજો, સંસ્કારભવનો અહીં છે; છતાં આ શું ?!

હમણાં જ તો શ્રાવણ-રમઝાન માસમાં ધાર્મીકતાનું પુર આવી ગયું. મળસ્કેથી જ અલ્લાહની સાથે ડાયરેક્ટ સંપર્ક કરતા અવાજોએ બધાની ઉંઘ હરામ કરી. ઉપવાસ કરવાના, વળી આત્મા અને મોક્ષ માટે અપાસરા ગમી દોડાદોડી અને પવીત્ર થવા ઉપવાસની, યાચનાના ફોટાઓ, દશેરાને દીવસે રામાયણના દૃશ્યો ભજવાયાં અને શૈતાન ગણાતા રાવણનું પુતળાદહન ટોળેટોળાંની હાજરીમાં જ થયું ! ‘અવેરે જ શમે વેર’ની રામાયણની શીખ તો પોથીમાંનાં રીંગણાં જ ને ! મારા, મારા મહોલ્લાના, મારી જ્ઞાતી-પેટા જ્ઞાતીના, મારા ધર્મના કહેવાતા અપમાન બદલ, ચામડાના પટ્ટા, દોરડાં, ચપ્પાં, દંડા અને તલવારો લઈને યુવકો બહાર નીકળી પડે અને કોઈને મોતથી જરા પણ ઓછી સજા તેઓ કરતા નથી ! ચપટી વગાડતાં જ બધા તૈયાર ! હીંસા આચરવામાં કોઈ પાછું વળીને જોતું નથી.

અરે, સુધારાવાદી વીર નર્મદના ઘરની નજીક જ, ચાર દીવસ પર, ગોપીપરા, સુરતમાં એક ટોળામાંથી પુરુષો પોતે આગળ આવી, કેડ પર દોરડા વીંઝાવી પોતાની બાધા મુકે છે !

સવાલ એ થાય છે કે અતીધાર્મીકતા અને અતીહીંસા આટલી બધી જોડાજોડ કેવી રીતે નભતી હશે ? આખા ગુજરાતની બધી બહેનો નવરાત્રી દરમીયાન ઉપવાસ કરીને માતાજીની ભક્તી કરવા હીલોળે ચડે છે, તો બીજી તરફ એ જ ગુજરાતમાં વધતા જતા બળત્કાર, સ્ત્રીઓનાં અગ્નીસ્નાન, આપઘાત, કૌટુંબીક હીંસા અને વીવીધ પ્રકારની અવમાનના ! આ અતીશક્તીમાન માતાજીના આટલા બધા ભક્તીભાવ પછી પણ હીંસા સામે સ્ત્રી સાવ ની:સહાય કેમ?

આપણા જાહેર અને સામાજીક જીવનમાં હીંસા રગેરગમાં પેસી ગયેલી જણાય છે. સંસ્કાર, નીતી, શીક્ષણ, મુલ્યો વગેરેની બધી વાતો બકવાસ પુરવાર થઈ રહી છે. માનવતાનો સહેજ પણ છાંટો હોત તો ચેતન ઉર્ફે દીનેશ કે પેલા વૉચમેનભાઈ કે પૈસા વાંકે પોલીસે ન છોડેલા પાંડેસરા, સુરતના રાજેશ પાટીલ જીવ ગુમાવત નહીં, અને આ સમાચાર વાંચી સાવ મુંગામંતર, ચુપ, નીષ્ઠુર અને સંવેદનશુન્ય શીક્ષીતોને અને કટારલેખકોને શું કહીશું ?!

-પ્રા. બાબુભાઈ ધી. દેસાઈ, સુરત

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.