Sunday, February 2, 2014

પશ્વીમી સંસ્કૃતીની આલોચના–મુરજી ગડા


જ્યારે કોઈ અણછાજતી ઘટના બને છે, સન્તાનો સાથે મા–બાપના સમ્બન્ધ બગડે છે ત્યારે કેટલાંક વર્તમાનપત્રો અને સામયીકો એનો દોષ પશ્વીમી સંસ્કૃતી પર ઢોળે છે. આવું વાંચીને લોકો પણ એવું માનતા થાય છે. આમાં સત્ય સાથે અસત્યનો અંશ પણ ઘણો છે.

જ્યારેત્યારે વગોવાતી આ પશ્વીમી સંસ્કૃતી સાચે જ શું છે અને આપણી સામાજીક સમસ્યાઓ માટે કેટલી જવાબદાર છે એ સવાલ ઘણું વીશ્લેષણ માંગી લે છે.

બધી જ સંસ્કૃતીઓમાં સારાં–નરસાંનું મીશ્રણ છે. બે–ત્રણ હજાર વરસ પહેલાં કોઈએ ઘડેલા આદર્શોને સંસ્કૃતીનો સાચો અને પુર્ણ માપદંડ ન માની લેવાય. આજે આપણી નજર સામે જે દેખાય છે તે બધું આપણી સદીઓની સંસ્કૃતીનો નીચોડ છે. એ જ આપણી આજની સંસ્કૃતી છે. એ સ્થાનીક હોય કે બહારથી આવી હોય, આપણે અપનાવી એટલે આપણી થઈ ગઈ. ભારતીય સંસ્કૃતીમાં ગૌરવ લેવા જેવી ઘણી બાબતો છે. સાથે સાથે જાતીભેદ, અસ્પૃશ્યતા, અન્ધશ્રદ્ધા, ભ્રષ્ટાચાર, દમ્ભ, દહેજ, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે ઘણી આપણી સંસ્કૃતીની કાળી બાજુ પણ છે. એક સંસ્કૃતી કરતાં બીજી ચડીયાતી છે એમ બેધડક કહેવું વાજબી નથી. આનો અર્થ એમ પણ નથી કે પશ્વીમી સંસ્કૃતી દોષરહીત છે. એનાં ઘણાં પાસાં આપણને અનુકુળ આવે એવાં નથી.

આઝાદી પછીનાં થોડાં વરસ આપણે આપણા બધા પ્રશ્નો માટે અંગ્રેજોને દોષ આપતા હતા. હવે શબ્દપ્રયોગ બદલાઈને ‘પશ્વીમી સંસ્કૃતી’ વપરાય છે. જો કે એનો ખરો ઈશારો અમેરીકા (USA) તરફ હોય છે. પશ્વીમના અન્ય દેશોની સંસ્કૃતી વીશે ભારતના લોકોને ઝાઝો ખ્યાલ નથી.

આ અમેરીકન સંસ્કૃતી સમજવા માટે એનો ઈતીહાસ જાણવો જરુરી છે. અમેરીકાની ભુમી શોધાયાને 500 વર્ષ અને એક સ્વતન્ત્ર રાષ્ટ્ર બનવાને હજી 235 વર્ષ થયા છે. જ્યારે અંગ્રેજો ભારત પર પ્રભુત્વ જમાવવાની વેતરણમાં હતા ત્યારે અમેરીકા અંગ્રેજી શાસનથી મુક્ત થયું હતું.

અમેરીકા સમ્પુર્ણપણે બીજા દેશોમાંથી આવેલા વસાહતીઓનો દેશ છે. ત્યાંના મુળ વતનીઓ તો ગણતરીમાં ન લેવાય એટલા જુજ છે. શરુઆતમાં અંગ્રેજો ત્યાં ગયા એટલે ત્યાં અંગ્રેજી ભાષા અને સંસ્કૃતીનું પ્રભુત્વ રહ્યું છે. પાછળથી યુરોપના બીજા દેશોમાંથી પણ લોકો ત્યાં જવા લાગ્યા. બીજા વીશ્વયુદ્ધ પછી વળી નવો પ્રવાહ શરુ થયો અને દુનીયાના બધા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં જવા લાગ્યા.

પાંચસો વરસ પહેલા શરુ થયેલું આ એકતરફી માનવીય સ્થળાન્તર/ દેશાન્તર જરાય ધીમું નથી પડ્યું. આજે પણ દુનીયાના ઘણા દેશોમાંથી માન્યામાં ન આવે એટલા લોકો ત્યાં જવા ઉત્સુક છે. વીઝાનું નીયન્ત્રણ ન હોય તો પરીસ્થીતી બેકાબુ બની જાય. અત્યારે ત્યાં સવા કરોડ જેટલા ગેરકાયદે આવેલા વીદેશીઓ છે.

આ આકર્ષણ પાછળ સમ્પત્તી ઉપરાન્ત અન્ય કારણો પણ છે. વ્યક્તીગત વીકાસની ત્યાં ઘણી તકો છે. ત્યાં દુનીયાની શ્રેષ્ઠ શીક્ષણ સંસ્થાઓ છે જેમાં હડતાળો પડતી નથી. જાતી, રંગ વગેરે પર આધારીત ભેદભાવ હવે ઘણા ઓછા થઈ ગયા છે. શીસ્ત અને કાયદાપાલન ઘણું ઉંચું છે. સામાન્ય માણસને ભ્રષ્ટાચાર નડતો નથી, તેમ જ ન્યાય મળવાની શક્યતા ઘણી વધુ છે. સ્વચ્છતા છે, મોકળાશ છે અને દરેક વસ્તુની વીપુલતા છે.

આ એક એવો દેશ છે જ્યાં વસતી વધારો બે રીતે થાય છે. દેશમાં જન્મેલા તેમ જ બહારથી આવેલાને લીધે. આજે અમેરીકાની 15 ટકા વસતી દેશાન્તર કરીને આવેલી પ્રથમ પેઢીની છે. ત્રણ–ચાર પેઢી પાછળ જઈએ તો અડધી પ્રજાના પુર્વજો અન્ય કોઈ દેશમાંથી આવેલા જણાશે.

આમ તો ભારતના ભુતકાળમાં પણ બહારથી ઘણા આવ્યા છે. ફરક એટલો છે કે આર્યોથી માંડીને અંગ્રજો સુધીના આગન્તુકોમાંથી કેટલાક લુંટીને જતા રહ્યા અને બાકીના રાજ કરવા રોકાયા. જે થોડા ઘણા રહ્યા છે એ પણ મુખ્ય પ્રવાહમાં પુર્ણપણે ભળી શક્યા નથી. પારસીઓ જેવા અલ્પ અપવાદ છે.

દેશાન્તર કરનાર પ્રથમ પેઢી (First Generation Immigrants) બધા પોતાના બેગ–બીસ્તરા સાથે પોતાની સંસ્કૃતી પણ લાવે છે અને બને તેટલી જાળવી રાખવાની કોશીશ કરે છે. જ્યારે એમની બીજી પેઢી મુખ્ય પ્રવાહમાં ભળવા માંગે છે. તેઓને ઘરના અને બહારના સાંસ્કૃતીક વાતાવરણના ફરક વચ્ચે પોતાનો માર્ગ શોધવાના આત્મમંથનમાંથી પસાર થવું પડે છે. ભારતીયોની આ પેઢી ABCD તરીકે ઓળખાય છે. એમની યાતના સમજવાને બદલે બહુધા એમને હાંસીપાત્ર બનાવાય છે. એમના પછીની પેઢી સમ્પુર્ણપણે મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે. આ બધો બદલાવ કોઈપણ બાહ્ય દબાણ વગર સ્વેચ્છાએ થાય છે. એટલે જ અમેરીકાને Melting Pot કહેવાય છે.

અમેરીકન સંસ્કૃતી ત્યાં ગયેલા બધા દેશવાસીઓની સામુહીક સંસ્કૃતીનો નીચોડ છે. એ સદા ધબકતી અને સમય પ્રમાણે બદલાતી સંસ્કૃતી છે. યુરોપીયનો લાંબા સમયથી રહેતા હોવાથી સંસ્કૃતી પર એમનું પ્રભુત્વ હતું. હવે સમીકરણો બદલાઈ રહ્યાં છે. મધ્ય અને દક્ષીણ અમેરીકા તેમજ એશીયન સંસ્કૃતીની અસર વર્તાઈ રહી છે.

અમેરીકનોની એક ખાસીયત છે કે તેઓ જે પણ નવું હોય એને ખુલ્લા મને એક વખત અજમાવશે, અને ગમે તો અપનાવશે. એમને સંસ્કૃતીનો કે મોટાપણાનો મીથ્યા આડંબર નડતો નથી.

પશ્વીમી સંસ્કૃતી વીશેના આપણા ખ્યાલ મુખ્યત્વે એમના સીનેમા, ઈન્ટરનેટ, છુટાછેડાના ઉંચા દર વગેરે પરથી આવેલા છે. આ વાજબી નથી. (આમ તો 70ના દાયકા સુધી પશ્વીમના દેશોમાં ભારતની છાપ ભુખમરાના, મદારીઓના, રસ્તે રઝળતી ગાયોના અને ભીખારીઓના દેશ તરીકેની હતી. એ પણ વાજબી નહોતું.) ખાસ કરીને ત્યાંના યુવાવર્ગની જીવનપદ્ધતી બધાની ટીકાપાત્ર બને છે. એને વીસ્તારમાં સમજીએ.

એક હજાર વરસ જેટલો લાંબો ઈતીહાસનો મધ્યયુગ, આખી દુનીયાનો અન્ધકારયુગ કહેવાય છે. તે સમય દરમીયાન સત્ત્તાધીશો, ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સંસ્કૃતી ઘડતા હતા અથવા તો એને સ્વીકૃતી આપતા હતા. આ બધા સામાન્ય રીતે મોટી ઉમ્મરના પુરુષો હતા. પરમ્પરાના ઓઠા હેઠળ એમણે પ્રજાનું ખુબ શોષણ કર્યું છે અને સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા છે. ચારસો વરસ પહેલાં યુરોપ આ અન્ધારીયા યુગમાંથી બહાર આવવા લાગ્યું. બાકીની દુનીયા છેલ્લી અડધી સદીથી ધીરે ધીરે નવા યુગમાં પ્રવેશી રહી છે.

નવા યુગમાં સ્વતન્ત્ર રીતે વીચારવાની અને નવા અખતરા કરવાની શરુઆત થઈ છે. એની આગેવાની યુવા પેઢીએ લીધી છે. એનો પાયો વીચારોની મુક્ત અભીવ્યક્તી, વ્યક્તી સ્વાતંત્ર્ય અને સ્વાવલમ્બન પર આધારીત છે. આ સ્વતંત્રતા અને સ્વાવલમ્બનની શરુઆત, તેઓ પુખ્ત વયના થતાં મા–બાપથી અલગ રહેવાથી કરે છે. વીકસીત દેશોમાં આર્થીક રીતે આ શક્ય છે. આ પ્રથા ઘણાને જલદી જવાબદાર નાગરીક બનાવે છે, જ્યારે કેટલાકને આકરો સંઘર્ષ કરવો પડે છે.

સંસ્કૃતી પરની યુવા પેઢીની અસર સંગીત, નૃત્ય, મનોરંજન, રમતગમત વગેરેમાં ચોખ્ખી દેખાય છે. એટલું જ નહીં, સાહીત્ય અને ધંધામાં પણ એ પેઢીનો ઘણો ફાળો છે. અમેરીકાની અત્યારની ઘણી મોટી અને સફળ કમ્પનીઓ શરુ કરનાર, ત્યારે કૉલેજમાં જતા યુવાનો હતા.

અમેરીકાની સંસ્કૃતી, એ શીક્ષીત યુવા પેઢીની વીશ્વસંસ્કૃતી બની રહી છે. ત્યાંથી શરુ થતું આ સાંસ્કૃતીક પરીવર્તન ઘણું જોરદાર છે. આપણને ગમે કે ના ગમે; પણ તે આજનો પ્રવાહ છે. આખી દુનીયાનો શીક્ષીત વર્ગ એમાં જોડાવા ઈચ્છે છે. એમની સ્વતન્ત્રતા આપોઆપ જાહેર થઈ જાય છે અને શક્ય હોય તો સ્વાવલમ્બી (વીભક્ત કુટુમ્બ) પણ થઈ જાય છે.

અગત્યની વાત એ છે કે આ પરીવર્તન સ્વીકારવું કે નહીં એ યુવાનોના પોતાના હાથમાં છે. બન્ધનવાળી જુની સંસ્કૃતીમાં કોઈની પાસે આવો વીકલ્પ નહોતો. એનાં માઠાં પરીણામ જોયાં પછી નવી પેઢી આ સ્વતન્ત્રતાનો અખતરો કરવા અને એની કીમત ચુકવવા તૈયાર છે.

નાની ઉમ્મરે મળતી આ સ્વતન્ત્રતા, વધુ પડતી મહત્વાકાંક્ષા અને સીદ્ધી, ઘણી વખત અનીચ્છનીય પરીણામો પણ લાવે છે. ક્યારેક મા–બાપ પણ એનો ભોગ બને છે જે એક કમનસીબી છે. આદર્શ સમાજવ્યવસ્થા ક્યારે પણ જાળવી શકાતી નથી. લોલકની જેમ તે કોઈ એક બાજુ જતી રહે છે. જ્યારે અન્તીમે પહોંચે છે ત્યારે એની દીશા પલટાવા લાગે છે. સંસ્કૃતીનો આ દીશાપલટો ઘણો લાંબો સમય ચાલતો હોય છે. અત્યારે તો દોર યુવા પેઢીના હાથમાં છે.

આપણે ત્યાં જે માધ્યમો દ્વારા પશ્વીમી વીચારધારા આવે છે એમાંથી સૌથી પ્રભાવશાળી અને પ્રચલીત માધ્યમ છે સીનેમા, ટેલીવીઝન અને ઈન્ટરનેટ. એની સાથે સંકળાયેલા લોકોને કોઈ એક સંસ્કૃતીને બચાવવામાં કે ફેલાવવામાં રસ નથી. એમને ફક્ત પૈસા કમાવામાં રસ છે. એમનો જે માલ વધુ વેચાય છે એ જ તેઓ બનાવે છે. એટલે સંસ્કૃતી કે માધ્યમને દોષ દેવા કરતાં સપ્લાય/ડીમાંડના માર્કેટ–ફોર્સને સ્વીકારવું રહ્યું.

સીનેમા બે ત્રણ કલાકનું મનોરંજન પુરું પાડે છે. એના અન્તે ક્યારેક સારો સંદેશ પણ હોય છે. એની સરખામણીએ ટી.વી. પર આવતી કૌટુમ્બીક સીરીયલો વર્ષોનાં વર્ષો ચાલે છે. એમાં બતાવાતા અવાસ્તવીક કાવાદાવા ભોળા માનસને કલુષીત કરે છે. એનાથી આપણી સંસ્કૃતીને વધારે હાની પહોંચે છે. આવી સીરીયલો વીદેશી નહીં; પણ દેશી ઉપજ છે. એમની સામે ઉહાપોહ નથી સંભળાતો. ઉલટાનું લોકો એમને મોટાપાયે માણે છે. બાવા ચેનલો પણ લોકોને ધર્મનું અફીણ ખવડાવીને, ઘેનમાં રાખી, પલાયનવાદી બનાવી રહી છે.

ભારત અને અમેરીકા જેવા વીશાળ અને બહુરંગી પ્રજા ધરાવતા દેશની સંસ્કૃતી જટીલ હોઈ એને સરળતાથી સમજી કે વર્ણવી ન શકાય. બન્ને સંસ્કૃતીઓમાં ઘણાં જમા પાસાં છે; તેમ જ બન્નેમાં ઘણી અનીચ્છનીય બાબતો પણ છે. એના મુખ્ય મુદ્દા આવરી લેવાનો અહીં પ્રયાસ કર્યો છે. આપણી સંસ્કૃતીમાં જે ગર્વ લેવા જેવું છે તે ઈરાદાપુર્વક સામેલ નથી કર્યું; કારણ કે તે બધે ઠેકાણે ખુબ ચર્ચાય છે. પરન્તુ સામાન્ય રીતે જે નથી કહેવાતું કે ચર્ચાતું તે રજુ કરવાનો મારા આ લેખનો આશય છે.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.