Thursday, February 6, 2014

તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન…?-દીનેશ પાંચાલ


નાનપણમાં અમે મામાને ત્યાં ફરવા જતા. મામા મજાકમાં પુછતાં, ‘બોલો અક્કલ બડી કે ભેંસ… ?’ અમે બધા છોકરાઓ સમુહસ્વરમાં બોલી ઉઠતાં – ભેંસ… !’ અક્કલની ઉંચાઈ માપવા માટે બુદ્ધીની મેઝરટેપ જોઈએ; પણ તે વખતે અક્કલ દુધીયા દાંત જેવી કુમળી… આંખોની ફુટપટ્ટી વડે જે મોટું જણાતું તે અમને મોટું લાગતું. આજનાં બાળકો ખાસ્સાં પરીપકવ હોય છે. તેમની સામે ચોકલેટ અને સો રુપીયાની નોટ ધરવામાં આવે તો તેઓ ચોકલેટ નહીં; સોની નોટ લઈ લે છે. (ત્રીજા ધોરણમાં ભણતા વીદ્યાર્થીને પુછવામાં આવ્યું, ‘કુંભમેળો ઉપયોગી કે વીજ્ઞાનમેળો…’ તેણે જરા વીચારીને જવાબ આપ્યો : ‘વીજ્ઞાનમેળો’… સુંદર જવાબ)
એકવાર ટીવી પર બાળકો ટીવી સીરીયલ જોઈ રહ્યાં હતાં. બન્યું એવું કે નાયીકાને ઉલટી થવા લાગી. એ સમયે એક બાળકે બીજા બાળક તરફ જોઈને અર્થસુચક સ્મીત કર્યું. બીજાએ બન્ને હાથના આંગળા એકમેકમાં ભીડી પારણું ઝુલાવવાની એક્ટીંગ કરતાં ‘ઉંવા… ઉંવા’ એવો અવાજ કાઢ્યો. કશાય પદ્ધતીસરના શીક્ષણ વીના આજનાં બાળકો ઘણું જાતીય જ્ઞાન ધરાવતાં હોય છે. તેમને સતત પ્રશ્નો થતા રહે છે. તેમનામાં શ્રદ્ધાવાદ કરતાં બુદ્ધીવાદ વધુ ઝડપથી વીકસી રહ્યો છે. એ સારી નીશાની છે. અન્ધશ્રદ્ધા સામેની તેમની પ્રતીકારક શક્તી વીશેષ છે. પુજાની અગરબત્તી કરતાં કાચબાછાપ અગરબત્તીની ઉપયોગીતા તેમને વીશેષ જણાય છે. મન્દીરના ઘંટ કરતાં નીશાળના ઘંટ જોડે તેમને વધુ ઘરોબો છે. એક વાર આ સ્થળેથી લખ્યું હતું – ‘દેશની વસતી પ્રતી સેકન્ડે ટાઈમ–બૉમ્બના ટાઈમરની ગતીએ વધી રહી છે. એ સંજોગોમાં સમાજને નાળીયેર કરતાં નીરોધ વધુ ઉપયોગી છે.’ એક ચૌદ વર્ષના છોકરાએ એ ટાઈટલ લાયબ્રેરીમાં તેના બીજા મીત્રને બતાવીને કહેલું – ‘વાત સાચી છે.’ (સીત્તેર–એંશી વર્ષ પહેલાના કોઈ કીશોરને આ વાત સાચી ન લાગી હોત; બલકે નીરોધ એટલે શું એ પ્રશ્ન પર જ તે મુંઝાઈ ગયો હોત !)
આપણી મુળ વાત શ્રદ્ધાની સરખામણીમાં જીન્દગીની નક્કર જરુરીયાતો કેટલી મહત્ત્વની હોય છે તે અંગેની છે. અબીલ, ગુલાલ, કંકુ, લોબાન કે અગરબત્ત્તી એ શ્રદ્ધાનાં સાધનો છે; પરન્તુ શ્રદ્ધાપુર્તી એ પેટપુર્તી પછીના ક્રમે આવતી બાબત છે. માનવ–વસતીમાં શ્રદ્ધાવાદ કરતાં ભૌતીકવાદનાં મુળીયાં ઉંડાં છે. ઈશ્વરપુજા વીના જીવી શકાય; પેટપુજા વીના નહીં ! માણસને પ્રભુ વીના ચાલે; પંખા વીના નહીં. હમણાં એક મન્દીરમાં મેં ભગવાનની મુર્તીને માથે પંખો ફરતો જોયો. મુર્તીને પવનની જરુર હોય તો માણસને કેમ નહીં ? પણ અમે જે ધર્મશાળામાં ઉતર્યા હતા ત્યાં બધી રુમોમાં એક પણ પંખો નહોતો !
આજના વીજ્ઞાનયુગમાં બીલીપત્ર કરતાં બકનળી (ટેસ્ટટ્યુબ)નું મહત્ત્વ વીશેષ છે. આસ્તીક અને નાસ્તીકને સરખી ભુખ લાગે છે. આસ્થા એ આત્માનો ખોરાક છે. દાળરોટી એ પેટની જરુરીયાત છે. કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે કે માણસને શ્રદ્ધા કરતાં શીરામણની વધુ જરુર પડે છે. શ્રદ્ધાળુઓ એકાદ–બે ઉપવાસ કરી શકે; આખી જીન્દગી ભુખ્યા રહી શકતા નથી. ભગવાન વીના તેઓ જીવી શકે; પણ માણસ વીના એમનું કામ અટકી પડે. મન્દીર વીના ચાલી શકે; પણ સંડાસ વીના નહીં. સ્નેહ વીના જીવી જવાય; પણ શ્વાસ વીના નહીં. કોઈ પીઅક્કડને પુછજો. તે કહેશે, ‘મન્દીર વીના ચલાવી લઉં; પણ મદીરા વીના નહીં.’
મુળ વાત એટલી જ, માણસને શ્રદ્ધા કરતાં સાધનોની વધુ જરુર પડે છે. કોઈ કથાકારને ઑપરેશન કરાવવું જ પડે એવું હોય, ત્યારે તેણે મન્દીરનાં નહીં; હૉસ્પીટલમાં પગથીયાં ચઢવાં પડે છે. સંસાર છોડીને સાધુ બની ગયેલા લોકોને પણ જીવનજરુરીયાતનાં સાધનોની જરુર પડે છે. બસ–ગાડીમાં મુસાફરી કરવાને બદલે પગપાળા ભ્રમણ કરનારા સંતોનેય ચંપલ કે પાવડી વીના ચાલતું નથી. જૈન ધર્મના ઘણા વયોવૃદ્ધ સાધુ–મુનીઓ વ્હીલચેરમાં બેસી ભ્રમણ કરે છે. વીજ્ઞાનનો ઘોર વીરોધ કરતાં એ ગુરુઓ ધર્મપુસ્તકો વાચતાં પુર્વે આંખે ચશ્માં ચઢાવવામાં કશો છોછ અનુભવતા નથી. દાંતનું ચાડું પહેરવામાં પણ એમને વીજ્ઞાન પ્રત્યેનો તીરસ્કાર આડે આવતો નથી. સરદર્દ ઉપડે ત્યારે તેઓ પ્રભુને પ્રાર્થના કરતા નથી; પેરાસીટામોલ ટેબ્લેટ ગળી લે છે. એપેન્ડીક્સનું ઑપરેશન કરવાનું હોય ત્યારે તેઓ થોડાક સમય પુરતી વીજ્ઞાન પ્રત્યેની ઘૃણાને બાજુ પર રાખી હૉસ્પીટલમાં દાખલ થઈ જાય છે. ગંગાજળને જીવનજળ સમજતો સાધુ–સંત બીમાર પડે ત્યારે તેને ગંગાજળના નહીં; ગ્લુકોઝના બાટલા ચઢાવવા પડે છે. (જહાં કામ આવત સુઈ, વહાં ક્યા કરે તલવારી ?)
જે દીવસે ઈશ્વરની આરતી કરવાથી એઈડ્સ સાજો થઈ શકશે તે દીવસે નાસ્તીક લોકો પણ કાનની બુટ ઝાલીને શ્રદ્ધાળુ બની જશે. ઉનાળામાં પ્રસ્વેદની પીડા પંખાથી જ દુર થઈ શકે; પરમેશ્વરથી નહીં. (પરમેશ્વરને તો ખુદ મન્દીરમાં પંખો જોઈએ છે !) ક્યારેક થીજાવી દે એવી કાતીલ ઠંડી પડે છે ત્યારે ઈશ્વરના પ્રખર ભક્તને પણ શ્રદ્ધાનું આવરણ પુરું પડતું નથી. (શ્રદ્ધા સોલાપુરી ચારસાનો વીકલ્પ બની શકતી નથી) ભુખ લાગે ત્યારે ભગવાનની નહીં; ભાખરીની જરુર પડે છે. રોજ ગીતાના ચાર અધ્યાય વાંચવાનો તમારો પાકો ક્રમ હશે. તોય કેન્સર થયું હશે તો ગંગાજળ પીવાથી કે ચારધામની યાત્રા કરવાથી નહીં મટે. તે માટે કેન્સરની હૉસ્પીટલમાં દાખલ થવું જ પડે. શ્રી. હરીને રોજ ‘સાહેબજી’ કરી હોય તે ત્યાં કામ આવતી નથી.
જીવનમાં ડગલે ને પગલે શ્રદ્ધા કરતાં સાધનોનું આટલું મહત્ત્વ રહ્યું હોય ત્યારે સાધનોની જાળવણી જરુરી છે. જીવન એ જીવાત્માનું પ્લેટફોર્મ છે. જીવ મુસાફર છે. જીન્દગી એનો રસ્તો છે. એથી જીવ અને જીવનની પુરા આદરથી જાળવણી કરવી એ સૌનો જીવનધર્મ છે. ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવ્યા બાદ ઠેરઠેર માણસોને જીવતા જલાવી મુકવામાં આવ્યા. જીવ અને જીવન બન્ને સળગ્યાં. એમાં ન તો રામ રાજી થયા; ન અલ્લાને આનન્દ થયો. જીવતો જાગતો માણસ રહેંસાઈ જાય પછી સલામત રહેલી શ્રદ્ધા, બકરી કપાઈ ગયા પછી બાજુમાં પડેલા છરા જેવી હોય છે, એવી જીવલેણ શ્રદ્ધાને માથે આપણે કુરબાની કે શહીદીનું લેબલ લગાવી દઈએ છીએ. આગજનીને ધર્મયુદ્ધમાં ખપાવી દેવાય એનાથી મોટો ધાર્મીક દંભ બીજો એકે નથી. રામ–રહીમ માંહોમાહે કપાઈ મરે છે, ત્યારે ઈશ્વર અને અલ્લાનું અરણ્યરુદન માણસના કાન સુધી પહોંચતું નથી. કેટલા હીન્દુ મર્યા કે કેટલા મુસ્લીમ એવી ચર્ચા થાય છે. ખરો હીસાબ તો કેટલા માણસો મર્યા એનો કાઢવો જોઈએ. ડાબો હાથ કપાય કે જમણો; દેહને સરખી વેદના થાય છે. તમારી આંખો ફોડી નાખતાં પુર્વે કોઈ તમને પસંદગીની તક આપતા પુછે – ‘ડાબી ફોડું કે જમણી.. ?’ તો તેનો કોઈ આનન્દ થાય ખરો ?
આપણી કમનસીબી એ છે કે આપણે હીન્દુ કે મુસ્લીમને મરતાં જોઈએ છીએ પણ ઈશ્વર કે અલ્લાના આઘાતને જોઈ શકતા નથી. આ પૃથ્વીલોકમાં છાસવારે બુદ્ધીનાં ઉઠમણાં થતાં રહે છે અને માનવતાનાં મૈયત પર જીન્દગીઓ કુરબાન થતી રહે છે. બચુભાઈ એથી જ કહે છે – ‘ઈન્સાન અગર ઈન્સાન કો કરે કુરબાન; તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન… ?

http://govindmaru.wordpress.com/ માંથી સાભાર


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.