Showing posts with label Vastu. Show all posts
Showing posts with label Vastu. Show all posts

Monday, August 20, 2012

વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ? –વલ્લભભાઈ ઈટાલીયા

વાસ્તુશાસ્ત્ર એ છેલ્લા બે દાયકામાં અને ખાસ કરીને શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલું સામાજીક દુષણ છે. જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ જેવા કહેવાતા શાસ્ત્રો ભોળા, લાચાર અને નબળાં મનવાળા લોકોને અવળે માર્ગે દોરે છે. સમસ્યાગ્રસ્ત, ગરજવાન અને અંધશ્રદ્ધાળુ માણસનું મગજ ભાગ્યે જ ઠેકાણે હોય અને તેનો ગેરલાભ ઉઠાવવામાં ધતીંગશાસ્ત્રીઓ નીષ્ણાત હોય છે ! લોકો પણ છેતરાવા માટે હંમેશાં ખડેપગે રહેતા હોય ત્યાં, લેભાગુઓને પોતાનો છેતરપીંડીનો વ્યવસાય વીકસાવવામાં ખાસ કશી તકલીફ નથી પડતી !

 

વાસ્તુશાસ્ત્રના નીષ્ણાતો આપણી આફતો, મુશ્કેલીઓ અને ઉપાધીઓ દુર કરવા માટે મકાનોમાં તોડફોડ અને ફેરફારો કરાવે છે. તેનાથી લાભ તો કશો થતો નથી, ઉપરથી વધારાની એક આર્થીક આફત આવી પડે છે ! વાસ્તુશાસ્ત્ર મુળે તો સ્થાપત્યશાસ્ત્ર છે. એમાં રહેલી શીલ્પકલા સામે કોઈને કશો વાંધો ન હોઈ શકે; પરંતુ કેટલાક લેભાગુ વાસ્તુશાસ્ત્રીઓ પોતાનું પેટ ભરવા ભોળા-અજ્ઞાની લોકોને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવાનો ધંધો કરે છે. વાસ્તુશાસ્ત્ર માણસને નીષ્ક્રીય, પુરુષાર્થહીન અને આળસુ બનવામાં મદદ કરે છે ! અને વળી, આપણી નીર્ણયશક્તી, આત્મવીશ્વાસ અને બુદ્ધીપ્રતીભાને પાંગળી બનાવવા બદલ આપણી પાસેથી ફી પણ વસુલે !

 

વાસ્તુશાસ્ત્રનો મુખ્ય આધાર જ દીશાઓ છે. દીશાઓ તો કલ્પીત અને સ્થળસાપેક્ષ છે. બ્રહ્માંડમાં કોઈ દીશા જ નથી. પૃથ્વી ગોળ છે, એટલે ક્ષીતીજ પણ ગોળ જ છે. માત્ર સુર્યોદય અને સુર્યાસ્તને કારણે જ માણસને દીશાની કલ્પના આવી. માણસે ચાર દીશા કલ્પી,  એટલે ચાર ખુણા પણ થયા. વીજળીની શોધ પહેલાં માનવીને રાત ભયાનક લાગતી; સુર્યોદય સારો લાગતો. માટે માણસે પુર્વ દીશાને શુભ કલ્પી હશે. દક્ષીણમાં દ્રવીડો-અનાર્યો વસતા એટલે દક્ષીણ દીશા યમની-અશુભ કલ્પવામાં આવી.

 

શુભ-અશુભ ‘ઉર્જા’, કીરણો અને ‘વાયબ્રેશન્સ’ અંગેની વાસ્તુશાસ્ત્રીઓની વાતો પણ અવૈજ્ઞાનીક છે. માણસના ધનદોલત, કૌટુંબીક કે સ્વાસ્થ્ય જેવા પ્રશ્નોમાં ‘ઉર્જા’ શું કરે ? આરોગ્ય માટે ખાસ હાનીકર કે  લાભકારક એવાં કોઈ કીરણો કે ઉર્જા હજી શોધ્યાં જ નથી. અલ્ટ્રાવાયોલેટ જેવાં કીરણો પૃથ્વી સુધી પહોંચતા નથી અને ચુંબકીય ઉર્જા સાથે તો પ્રાણીદેહનું અનુકુલન સધાયેલું જ છે. ‘ગુઢ ઉર્જા’ની વાસ્તુશાસ્ત્રની કલ્પના સાવ બોગસ છે. વીજ્ઞાને પૃથ્વી સાથે સમ્બન્ધ ધરાવતી તમામ ઉર્જાઓ શોધી કાઢી છે. ઉપરાંત વીજ્ઞાને અવકાશ પણ ફંફોસ્યું છે; ક્યાંય કોઈ ગુઢ  ઉર્જાઓ વૈજ્ઞાનીકોને દેખાઈ નથી, એ વાસ્તુશાસ્ત્રીઓને કેવી રીતે દેખાઈ ?

 

માણસના સારા-ખરાબની વ્યાખ્યા સાથે કુદરત (પ્રકૃતી)ને કશી લેવાદેવા જ કેવી રીતે હોય ? સંડાસ ખરાબ અને પુજાનો ઓરડો સારો એ બધું તો માણસની લાગણી, ગમા-અણગમાનું જ વીભાગીકરણ છે. ઉર્જા જેવી કુદરતી શક્તી શું સંડાસ પર થઈને  આવે, એટલે અશુભ થઈ જાય ? અને આજકાલ તો સારા ઘરનાં સંડાસ પુજાના ઓરડા જેટલાં જ ચોખ્ખાં હોઈ શકે છે !

 

દરવાજો ફક્ત આવ–જાનો માર્ગ છે, એની ઘરના સભ્યો પર શુભ-અશુભ અસરો કેવી રીતે થાય  ? અને સુર્યકીરણો ફક્ત દરવાજામાંથી જ ઘરમાં પ્રવેશે એવું કોણે કહ્યું ? હવે તો મકાનની ચારે દીશાએ કાચની બારીઓ હોય છે, ત્યારે મુખ્ય દરવાજાની વીશેષતા જ ક્યાં રહી ?

 

વાસ્તુશાસ્ત્રનો મુળ આધાર દીશાઓ  ઉપરાંત ગ્રહો પર પણ છે. વાસ્તવમાં ગ્રહોની કોઈ અસર માણસજાત પર પડતી જ નથી, એમ વીજ્ઞાને સીદ્ધ કર્યુ છે. માત્ર ભારતના જ નહીં; પરન્તુ વીશ્વના અગ્રગણ્ય ખગોળશાસ્ત્રીઓમાં જેમની ગણના થાય છે, એવા નહેરુ પ્લેનેટોરીયમના ડીરેક્ટર ડૉ. જે. જે. રાવલે લખ્યું છે:જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈ એ કોઈ વીજ્ઞાન નથી, પણ સમાજને ગેરમાર્ગે દોરતા લુંટારાઓએ ઉપજાવી કાઢેલું ફરેબી વીજ્ઞાન (સ્યુડો-સાયન્સ) છે.’ જે પ્રજાને ‘વીજ્ઞાન’ કરતાં ‘વાસ્તુ’માં વધારે શ્રદ્ધા હોય એ પ્રજાને પીડાવાનો હક છે ! ‘ખગોળશાસ્ત્રી’ કરતાં ‘વાસ્તુશાસ્ત્રી’ પર વધારે શ્રદ્ધા એટલે જ ‘અંધશ્રદ્ધા’ !

 

વાસ્તુશાસ્ત્રના કહ્યા મુજબ, પતી-પત્નીને સંતાનપ્રાપ્તી ન થતી હોય તો તેનું કારણ ઘરમાં બેડરુમ અયોગ્ય દીશામાં હોઈ શકે અથવા શયનખંડમાં દંપતી અયોગ્ય દીશામાં માથું અને પગ રાખીને સુતાં હોઈ શકે !  છે ને તંદુરસ્ત ડૉક્ટરને પણ ચક્કર આવી જાય એવી વાત ?

 

મુંબઈના અમારા વીદ્વાન મીત્ર શ્રી લક્ષ્મીદાસભાઈ ખટાઉએ સુંદર પુસ્તક લખ્યું છે, ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર ?’ તેઓ લખે છે: ‘પતી-પત્ની કઈ દીશામાં માથું રાખીને શયન કરે છે, તેને ગર્ભધારણ સાથે સમ્બન્ધ હોય તો એ જગતની અદ્ ભુત શોધ ગણાય ! વીશ્વમાં વસ્તીનીયંત્રણ માટે વાપરવા પડતાં નીરોધ, પીલ્સ કે પરેશનોના ખર્ચા જ બંધ થઈ જાય ! આ શોધ સાચી નીકળે તો વાસ્તુશાસ્ત્રીને નોબલ પ્રાઈઝ આપવું જોઈએ !’ વાસ્તુશાસ્ત્રીઓ આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ !

  

વાસ્તુશાસ્ત્રની કેટલીક માન્યતાઓ સ્વીકારવા માટે આપણે મગજને ગીરવે મુકવું પડે એમ છે: 

- બેડરુમ અગ્નીખુણે હોય તો પતી-પત્ની વચ્ચે ઝગડા થાય ! 

- ઘરનું પ્રવેશદ્વાર પશ્વીમ-નૈર્ઋત્ય હોય તો મનની શાંતી ન મળે !          અકસ્માતનો સંભવ !

- સામુદાયીક કુવો ઘરથી પશ્વીમ દીશાએ હોય તો દોષ, તે ઈશાન કે ઉત્તરમાં જ હોવો જોઈએ ! (આમ હોય તો કુવાની એક જ બાજુએ વસાહત વીકસે !)

- તમારા ઘરના દરવાજા પર તમારા નામની તકતી નહી હોય તો ‘ઉર્જા’ તમારા ઘરમાં પ્રવેશ નહી કરે ! (ગામડાઓમાં તો કોઈના ઘર બહાર તક્તી નથી હોતી. શું ગામડામાં કોઈ સુખી જ નથી ?)

- એક નીષ્ણાત વાસ્તુશાસ્ત્રીએ નોંધ્યું છે કે, ‘ભારતનું સંસદભવન વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ બંધાયું નથી એટલે દેશમાં વારંવાર આટલી બધી વીકટ સમસ્યાઓ સર્જાય છે ! (છે ને ગાંધીબાપુના હાથમાંથી પણ લાકડી હેઠી પડી જાય એવી વાત !)

- ઘરની મધ્યમાં કુવો બાંધવામાં આવે, તો તે ઘરની તમામ સંપત્તીનો વીનાશ થાય છે ! (પણ કુવો તેલનો હોય તો ? !)

- તમારા ઘરમાં ચોક્કસ જગ્યાએ માછલીઘર હોય તો એ વધારે શુભ ગણાય. માછલીઘર પોસાય તેમ ન હોય તો પાણીમાં તરતી માછલીનું ચીત્ર ભીંત પર ટીંગાડવાથી પણ ચાલે ! (આ તો સંતાનો ન હોય તો બાળકોના ફોટાથી ચલાવી લેવા જેવી વાત થઈને !)

મીત્રો, આવા અસંખ્ય નોન્સેન્સ નીયમોથી સમૃદ્ધ છે- વાસ્તુશાસ્ત્ર ! તમે તમારી કોઈ પણ સમસ્યા માટે જ્યોતીષીને મળશો એટલે તમારા ગ્રહોની નડતર કાઢશે; કોઈ તાંત્રીકને મળશો તો મેલી વીદ્યાનું નડતર કાઢશે અને કોઈ વાસ્તુશાસ્ત્રીને મળશો તો મકાન કે તેની અંદરની ચીજ-વસ્તુઓના સ્થાનનું નડતર કાઢશે ! વાસ્તુશાસ્ત્રીની બુદ્ધીમત્તા એટલી તો પ્રગાઢ કે રેલ, અકસ્માત, વીમાન દુર્ઘટના કે સ્પેસશટલ તુટે ત્યારે પણ વાસ્તુની ખામી પકડી પાડે !

વાસ્તુશાસ્ત્રી માત્ર સમસ્યાઓનું કારણ જ ન પકડે; સચોટ ઉપાય પણ બતાવે ! વાસ્તુદોષ નીવારવા માટે પીરામીડ, લાફીંગ બુદ્ધ, ક્રીસ્ટલ અને સ્વસ્તીક જેવાં સાધનો વેચે  ! આ સાધનો ઘરમાં ઘટતી ‘ગુઢ ઉર્જા’ પેદા કરે અને માણસની મુશ્કેલીઓ ટાળે !

હમણાં હમણાં હીરાઉદ્યોગમાં વેપારીઓનાં ‘ઉઠમણાં’ વધી રહ્યાં છે. નથી લાગતું કે, વેપારીઓએ ‘ઉઠતાં’ પહેલાં વાસ્તુશાસ્ત્રીને મળી તીજોરી યોગ્ય ખુણામાં જ મુકાવી દેવી જોઈએ કે જેથી, ધનલાભ થવા માંડે અને ઉઠમણાં ટળે ! મીત્રો, વાસ્તુશાસ્ત્રની મદદથી આપણી સંપત્તીમાં વધારો થતો હોત તો આજે દુનીયાનો સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સ નહી; કોઈ વાસ્તુશાસ્ત્રી જ હોત ! બીલ ગેટ્સ પાસે 500 કરોડ રુપીયાનું રહેવાનું મકાન છે ! છે કોઈ વાસ્તુશાસ્ત્રી પાસે પાંચ કરોડનું પણ ? માણસની સમૃદ્ધીનો આધાર તેની તીજોરી કઈ દીશામાં છે તેના પર નહી; તેનો ધંધો કઈ ‘દશા’માં છે, તેના પર નીર્ભર હોય છે !

અમુક દીશામાં મોઢું રાખીને બેસવાથી સુખ-સંપત્તી વધી જાય, ચીંતામુક્ત થઈ જવાય કે રોગમુક્ત થઈ જવાય એવા ગપગોળા સાચા લાગવા માંડે ત્યારે સમજવું, આદીમાનવ પણ આપણા જેટલો જ બુદ્ધીવાન હતો ! પાણીનું માટલું, ચુલો કે મકાનનો દરવાજો કઈ દીશામાં છે, એની સાથે માણસનાં સુખ-શાંતી, સમૃદ્ધી અને આરોગ્યને શો સમ્બન્ધ હોઈ શકે, એ તો વાસ્તુશસ્ત્રી જ જાણે ! ઘરમાં સંડાસ કઈ દીશામાં છે અને આપણે કઈ દીશામાં મોઢું રાખીને બેસીએ છીએ એની સાથે માણસના આરોગ્યને કોઈ સમ્બન્ધ હોઈ શકે ખરો ? કબજીયાત થાય ત્યારે કોઈ ડૉક્ટરે કદી કોઈ દરદીને પુછ્યું છે ખરું કે તમે કયા મોઢે (સંડાસમાં) બેસો છો ?

ધરતીકંપ, પુર, હોનારત કે વાવાઝોડાં જેવી કુદરતી આફતો વાસ્તુશાસ્ત્રીઓના પોતાના ઘરને પણ છોડતી નથી. પુર આવે ત્યારે નીચાણવાળા તમામ વીસ્તારમાં એક સરખું પાણી ભરાય એ પ્રકૃતીનો નીયમ છે. વાસ્તુશાસ્ત્રીના ઘરના દરવાજા બહાર નેઈમ પ્લેટ વાંચીને પાણી દરવાજે અટકી જાય ખરું ? પ્રકૃતીને આવા અપવાદમાં રસ નથી હોતો.

વાસ્તુશાસ્ત્રથી થતા ફાયદાઓ એ માત્ર કાલ્પનીક વાર્તા છે; કહેવાતા અનુભવો એ માત્ર ભ્રમણા છે અને થતા ફાયદાની સાંભળેલી વાતો એ માત્ર ધંધાની જાહેરાત માટેની માયાજાળ જેવું ષડ્યંત્ર છે ! બે સત્ય અને  મુળભુત નક્કર વાસ્તવીકતાઓ નોંધી રાખવા જેવી છે:

(1) આપણું ભાવી પહેલેથી જ નીર્ધારીત થયેલું હોતું નથી. આપણા સાચી દીશાના પુરુષાર્થ પર આપણું ભાવી નીર્ભર છે.

(2) કોઈ જ્યોતીષશાસ્ત્રી કે વાસ્તુશાસ્ત્રી વીધી કે મંત્ર-તંત્ર દ્વારા આપણને  સુખ, સમૃદ્ધી કે આરોગ્ય પ્રદાન કરી શકે જ નહી.

માણસ પોતાની મુશ્કેલીમાં ગ્રહદોષ કે વાસ્તુદોષ શોધવાને બદલે ‘સ્વદોષ’ શોધતો થાય તો તેને મુશ્કેલીનો ઉપાય ઝટ મળે. સત્ય અને જ્ઞાન એવાં તત્ત્વબીજો છે જે આજે નહીં તો આવતીકાલે, દાયકાઓ-સદીઓ પછી પણ સ્વીકાર્યા વગર કોઈનો છુટકો નથી. આપણા બંધારણમાં પ્રજાજનોએ ‘વૈજ્ઞાનીક અભીગમ કેળવવો’ એવી ભલામણ કરવામાં આવી છે. માણસની ‘વીચારયાત્રા’ની દીશા, ‘વીજ્ઞાનયાત્રા’થી વીરુદ્ધની દીશામાં ફંટાય ત્યારે સર્જાય છે.. ‘વીનાશયાત્રા’ !

પ્રસાદ



‘‘જીવનશાસ્ત્રમાં નીપુણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વીના પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની બુદ્ધીનાં બારણાં ખુલ્લાં હોય તો ઘરના બારણાં ગમે તે દીશામાં ખુલતાં હોય, કશો ફરક પડતો નથી !”

- પ્રસાદ - લેખક, વીચારક મીત્ર શ્રી દીનેશભાઈ પાંચાલના સૌજન્યથી

 -શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

ગોવીન્દ મારુ ના બ્લોગ ઉપરથી સાભાર