Friday, December 6, 2013

સત્યમેવ જયતે’નું સાતત્ય –મુરજી ગડા

ભારત સરકારે એને રાષ્ટ્રનો મુદ્રાલેખ બનાવ્યો છે. અવારનવાર સાંભળવા કે વાંચવા મળતી આ ઉક્તી સાચે જ કેટલી યથાર્થ છે ? શું સત્યનો વીજય હમ્મેશાં નીશ્વીત છે ?
સત્યપાલન એ સાચું બોલવા ઉપરાન્ત ઘણું વધારે છે. એમાં પ્રામાણીકતા, વચનપાલન, ન્યાયપરસ્તી વગેરે બીજું ઘણું આવી જાય છે.
અનુભવે ઘણી વખત સત્યને હારતાં જોયું છે. રોજીન્દા બનાવોમાં સત્ય કે અસત્ય ગમે તેનો વીજય થતો દેખાય છે. ચોરી કરનારો ક્યારેક પકડાય છે; પણ મોટે ભાગે છટકી જાય છે. એ સામાન્ય વ્યાખ્યા પ્રમાણેનો ઘરફોડ ચોર હોય, હાથચાલાકીવાળો હોય, પરીક્ષામાં ચોરી કરતો વીદ્યાર્થી હોય કે પછી ધંધા વ્યવસાયમાં કરવામાં આવતી અપ્રામાણીકતા હોય. એનો વીજય થયો એટલા માટે કહેવાય કે થોડા સમયમાં એ બનાવ ભુલાઈ જાય છે અને ગુનેગાર કાયદાના હાથમાંથી હમ્મેશ માટે છટકી જાય છે. ક્યારેક પકડાય, તો એ નીયમ નહીં; પણ અપવાદ હોય છે.
જુઠ બોલીને છટકી જવું એ સાવ સહેલું અને સલામત લાગે છે. સાચી વાત જાણવા છતાં; જુઠ આગળ આપણે નીરુપાય હોઈએ છીએ. ઉપકાર પર અપકાર કરનારા, વાયદો આપીને ન નીભાવનારા, કામ પતી ગયા પછી મોઢું ફેરવનારાઓનો અનુભવ ઘણાને હશે. આ બધામાં સત્યની હાર ઉપરાન્ત લાચારી પણ છે.
આ બધી નાની અને સામાન્ય વાતો થઈ. થોડી ગમ્ભીર બાબત જોઈએ. આપણી કાયદા અને ન્યાયની વ્યવસ્થા સત્યના વીજય, નીર્દોષના રક્ષણ અને ગુનેગારને સજા કરવા માટે બનાવવામાં આવી છે. જ્યારે કોર્ટના ચુકાદા હમ્મેશાં સત્યની તરફેણમાં નથી આવતા. ત્યાં વીજય થાય છે પુરાવાઓ અને રજુઆતનો. કમનસીબે આજની પરીભાષામાં લાંચરુશ્વત, ધાકધમકી વગેરે રજુઆતનાં પાસાં બની ગયાં છે. સાધનસમ્પન્ન, શક્તીશાળી અને ચાલાક લોકો જીતી જાય છે. પરીણામે સત્ય કે અસત્ય ગમે તે વીજયી બની શકે છે.
નૈતીકતાની અદાલતમાં આ બધા હમ્મેશ માટે ગુનેગાર રહે છે. એમનો ન્યાય કોણ અને ક્યારે કરે છે તે એક કોયડો છે.
જ્યારે મોટા ભાગનો જનસમુદાય ગમે તે રસ્તે વીજય મેળવવાની કોશીશ કરતો હોય એનો મતલબ ચોખ્ખો છે કે એમને સત્યના વીજય પર વીશ્વાસ નથી. પછી ભલેને આપણે રાષ્ટ્રનો મુદ્રાલેખ બનાવીને જાહેરમાં એનો પ્રચાર કરીએ કે ધાર્મીક આદર્શોમાં એને આગવું સ્થાન આપીએ !
વીકસીત દેશો જ્યાં કાયદા પાલનનું પ્રમાણ વધારે છે, ત્યાં ઘણા ગુનેગારો પકડાય છે. એમને સ્વબચાવની તક મળે છે અને ગુનો સાબીત થતાં વાજબી સજા પણ થાય છે. મોટા ભાગના કીસ્સાઓમાં સત્યનો વીજય થતો હોય છે. આનો યશ એમનાં ન્યાય અને વ્યવસ્થાતંત્રના ફાળે જાય છે. જો તાત્ત્વીક રીતે સત્યનો વીજય થતો હોય તો એનાં પરીણામ બધે જ સરખાં હોત. એમાં આવો સ્થળભેદ જોવા ન મળત. કાયદાની જેટલી વધારે સ્થાપના એટલી વધારે નીતીમત્તા અને સાથે સાથે એટલું વધુ સત્યપાલન પણ. જ્યાં સુધી કાયદાનું પાલન સર્વસ્વીકૃત ન થાય ત્યાં સુધી આપણો મુદ્રાલેખ કાગળ પર જ રહેવાનો છે.
સૌથી મોટી અને ગમ્ભીર ઘટના છે યુદ્ધ. એમાં ઘણાની જીન્દગી પુરી થઈ જાય છે અને એનાથી કેટલાયે વધારેની હમ્મેશ માટે બદલાઈ જાય છે. જો યુદ્ધમાં સત્યનો જ વીજય થવાનો હોત તો આક્રાન્તા–આક્રમણખોર હમ્મેશાં હારતો હોત અને પોતાના દેશની રક્ષા કરનારા હમ્મેશાં જીતતા હોત. પણ વાસ્તવીકતા ઘણી જુદી છે. આક્રમણખોર જીત્યા હોય એવા દાખલાઓથી ઈતીહાસ છલકાય છે.
યુદ્ધમાં વીજય માટે ધર્મયુદ્ધ કે રક્ષણાત્મક પક્ષે હોવું પુરતું નથી. વીજય થાય છે કાબેલ અને શક્તીશાળીનો. જેની વ્યુહરચના સારી હોય, સૈનીકો તાલીમબદ્ધ હોય, શસ્રો વધુ અસરકારક હોય તે જીતે છે. બે ધાર્મીક વીચારધારાઓ વચ્ચે ઘણાં સશસ્ત્ર યુદ્ધો થયાં છે. બન્ને પક્ષે ધર્મયુદ્ધનો દાવો હોય; છતાંયે હારજીત બદલાતી રહી છે. અહીં પણ વીજય સત્ય–અસત્યથી પર રહ્યો છે.
પ્રાણી જગત કુદરતી નીયમો પ્રમાણે ચાલે છે. એમના પોતાના કોઈ આદર્શો હોતા નથી. એમાં શક્તીશાળી અને ચાલાકની જીત થાય છે. શીકારી પ્રાણી એના શીકાર કરતાં વધારે શક્તીશાળી હોય છે. શીકાર જ્યારે ચાલાકી અને ચપળતા દેખાડે છે, ત્યારે તે બચી જાય છે અને જ્યારે ગાફેલ રહે છે, ત્યારે એનું મોત થાય છે અને શીકારીનું ભોજન બને છે.
આપણે પણ જ્યારે આપણા ઉપરીપણાનો, શક્તીનો કે ચાલાકીનો ઉપયોગ કરીને બીજા પર વીજય મેળવીએ છીએ, એ આપણી અન્દર રહેલા પાશવીપણાની જીત છે. પ્રામાણીકપણે કે ન્યાયીપણે કંઈ મેળવીએ છીએ, તે આપણા સંસ્કારોની અને સાથે સત્યની પણ જીત છે.
આ બધી રજુઆત જુઠની તરફેણમાં નથી કરવામાં આવી. આના દ્વારા ‘સત્યમેવ જયતે’ની મર્યાદા તરફ ધ્યાન દોર્યું છે.
દુનીયાના બધા જ તત્ત્વચીન્તકોએ સત્યની ઉપાસના કરી છે, હીમાયત કરી છે અને માનવીય આદર્શોમાં ‘સત્ય’ને આગવું સ્થાન આપ્યું છે. બીજા કોઈ પણ આદર્શ માટે આટલી એકમતતા નથી.
દુનીયાની બધી જ ધાર્મીક અને આધ્યાત્મીક  વીચારધારાઓ એમના સામુહીક તત્ત્વજ્ઞાન પર રચાયેલી છે. એમાંથી જ બધી સંસ્કૃતીઓ ઉભી થઈ છે. સમય અને સ્થળની મર્યાદાથી પર એવા આટલા બધા વીશ્વમાનવોએ જે એક અવાજે કહ્યું છે તે ખોટું ન હોઈ શકે.
તો પછી આ બધી જ વીચારધારાઓમાં અને આગળ જણાવેલી, રોજેરોજ નજર સામે બનતી અને અનુભવાતી વાસ્તવીકતામાં આટલો વીરોધાભાસ કેમ છે ? એના કેટલાક ચીલાચાલુ ખુલાસા અને પ્રત્યુત્ત્તર આ પ્રમાણે છે.
અ)   પહેલો ખુલાસો છે; ‘આ કળીયુગ છે’
અન્યાય, અત્યાચાર અને જુઠ તો સદાકાળથી ચાલ્યાં આવે છે. કેટલીક ધાર્મીક કથાઓ પ્રમાણે અત્યાચારીઓનો નાશ કરવા માટે, કહેવાતા સતયુગમાં ઈશ્વરને પોતાને આવવું પડ્યું હતું. અત્યારે કોઈ આવતું નથી; કારણ એની જરુર જણાતી નથી. હકીકતમાં સ્વાસ્થ્ય, આવરદા, સમ્પત્ત્તી, શાન્તી, સ્વતન્ત્રતા વગેરે બધી રીતે વીચારીએ તો અત્યારે આપણે શ્રેષ્ઠ સમયકાળમાં જીવી રહ્યા છીએ. ભલે એને બીજા ગમે તે નામ આપે. યુગોની કલ્પના ને માન્યતા ભુતકાળને વટાવનારાઓની લોકોને છેતરવાની એક તરકીબ છે. માનવસંસ્કૃતી દસ હજાર વરસથી વધુ પુરાણી હોવાના કોઈ પુરાવા નથી અને જે પુરાવા છે એના પરથી વધુ પુરાણી હોવાની શક્યતા થતી નથી.
બ)    બીજો ખુલાસો છે; ‘અન્તે સત્યનો વીજય થાય છે’
અહીં ઉમેરેલો ‘અન્તે’ શબ્દ મહત્વનો છે. એના લીધે કોઈ સમયમર્યાદા ન રહેતાં એના અર્થઘટનમાં ઘણી મોકળાશ મળે છે. કોઈ ચોખવટ ન કરવાથી એ બનાવને અન્તે, આપણા જીવનના અન્તે, કે પછી વીશ્વના અંતે પણ બની શકે.
ઘણી જ વજુદવાળી અને યથાર્થ એવી એક અંગ્રેજી કહેવત છે. ‘Justice delayed is justice denied.’ ‘ન્યાયનો વીલમ્બ એ ન્યાયનો ઈન્કાર છે.’ ‘અન્તે’ થતા સત્યના વીજયનો આ કહેવત સાથે મેળ ખાતો નથી. ‘અન્તે’ સ્વીકારીએ તો પણ હમ્મેશાં સત્ય બહાર આવે જ છે એવું દેખાતું નથી. ભુતકાળના કેટલાયે કોયડા સદીઓથી વણઉકલ્યા પડ્યા છે.
જો લાંબા સમય પછી જ સત્યનો વીજય થવાનો હોય તો એ દરમીયાન ભોગ બનતા નીર્દોષ લોકોની યાતનાનો ઉકેલ શો ? વીલમ્બની આવી વીચારસરણી લોકોને નીષ્ક્રીય બનાવવાનું કામ કરે છે.
ક)    ત્રીજો ખુલાસો છે: કર્મના સીદ્ધાન્તનો
આ માન્યતા આગલા ખુલાસાથી પણ બે ડગલાં આગળ જાય છે. પુર્વજન્મ અને પુનર્જન્મને સ્વીકારવાથી બધા જ પ્રશ્નોના ઉત્ત્તર આપી શકાય છે. આનાથી સમય મર્યાદાનો સદન્તર છેદ ઉડી જાય છે. દુર્ભાગ્યે આવી માન્યતાની વાસ્તવીકતાના કોઈ સચોટ પુરાવા નથી. એની તરફેણ કે વીરુદ્ધમાં કંઈ સાબીત કરી શકાતું નથી. એ વ્યક્તીગત વીચારસરણીનો મુદ્દો બની જાય છે.
જે લોકો પુનર્જન્મમાં ન માનતા હોય એમના માટે સત્યની વેળાસર ન થયેલી જીત એ હાર સમાન છે. એમના માટે કર્મનો સીદ્ધાન્ત એ અઘરા સવાલોના સાચા જવાબ ટાળવા માટે શોધી કે ઉપજાવી કાઢેલો એક ચાલાક રસ્તો માત્ર છે. વૈશ્વીક સ્તરે પુનર્જન્મમાં ન માનનારા લોકોની બહુમતી છે.
જ્યારે ધર્મના નામે કે સત્ત્તા માટે લાખો લોકોની સામુહીક કતલ કરવામાં આવે છે, કોઈ એક જાતીનું નીકન્દન કાઢી નાંખવામાં આવે છે, ત્યારે કર્મનો સીદ્ધાન્ત પાંગળો લાગે છે. એને સ્વીકારવું બુદ્ધીગમ્ય નથી લાગતું. આવા સીદ્ધાન્ત હોત તો સમસ્ત માનવજાતને લાગુ પડત. કોઈ ચોક્કસ વીચારધારા અનુસરનારાઓ માટે ન હોત. કેટલાકને મતે કર્મનો સીદ્ધાન્ત એ પોતાની ભુલોની જવાબદારી ન સ્વીકારવાનો ચોખ્ખો પલાયનવાદ છે. બધો ન્યાય અહીં, આ જન્મમાં અને સમયસર મળે તો જ સત્યનો વીજય થયો ગણાય.
‘સત્યમેવ જયતે’નો આદર્શ અને રોજરોજ જોવાતી કે અનુભવાતી વાસ્તવીકતા વચ્ચે જે વીરોધાભાસ છે એના ત્રણ ચીલાચાલુ ખુલાસા અને એમનું ખંડન આગળ વર્ણવ્યું છે. વાચકો તરફથી બીજા નવા ખુલાસા કે પછી આ ખુલાસાઓની તરફેણમાં ‘શાસ્ત્રોમાં લખ્યું છે’ સીવાયની કોઈ તાર્કીક દલીલો હોય તે આવકાર્ય છે.
વાસ્તવીકતા એ છે કે, ‘સત્યનો હમ્મેશાં વીજય થાય છે’ એ એક વીશફુલ થીંકીંગ છે. આના બદલે ‘સત્યનો વીજય થજો’ એને આપણો આદર્શ બનાવી શકાય. તેમ જ ‘વહેલું મોડું સત્ય પ્રકટ થાય છે’ એવું આશ્વાસન લઈ શકાય.
હકીકતમાં જેનો વીજય થાય છે એના દૃષ્ટીકોણને જ સત્ય હોવાનું ઠસાવવામાં આવે છે. આનું કારણ જોઈ શકાય છે. ઈતીહાસ વીજયીના હાથે લખાય છે. જેમાં હારનારનો દૃષ્ટીકોણ દબાઈ જાય છે. સાચો નીષ્પક્ષ ઈતીહાસ પણ સત્યની જેમ જ એક વીશફુલ થીંકીંગ છે.
સત્યનો વીજય થાય જ એ કુદરતનો નીયમ નથી; કારણ કે કુદરતી નીયમોમાં સત્ય–અસત્ય જેવું કશું નથી. સત્ય–અસત્ય જે તે સમાજના નીયમો આધારીત અર્થઘટન છે. એટલે સત્યનો વીજય થાય એ આડકતરી રીતે સમાજના નીયમોનું પાલન થાય એવી અપેક્ષા છે, એવો આગ્રહ છે.
આનો અર્થ એ થાય છે કે સત્ય–અસત્યના આધારે કોઈ દૈવી શક્તી પાસેથી કૃપા કે દંડની અપેક્ષા ન રખાય. આપણા આચરણના જે પણ ફાયદા – ગેરફાયદા થાય તે સમાજના પ્રત્યાઘાત રુપે ભોગવવાના આવે છે. ખોટું કરનાર કાયદામાંથી છટકી જાય તો પણ; આડકતરી રીતે તે સમાજ પાસેથી કોઈ પ્રકારની સજા પામતો હોય છે. ગમે તેટલું ખોટું કરનાર ‘મોટાં માથાં’ છટકી જાય છે, જ્યારે સામાન્ય માણસ ફસાઈ જાય છે એ વાસ્તવીકતા એ સમાજની મનોભાવના અને બેવડી નીતી છતી કરે છે. (અહીં ‘સમાજ’ શબ્દમાં રાજ્યવ્યવસ્થા, ધર્મ તેમ જ જ્ઞાતી–વર્ણ બધાનો સમાવેશ થાય છે.)
સત્યના વીજયની બીજી બાજુ પણ છે. દરેકના જીવનમાં અત્યન્ત ખાનગી કહેવાય એવી થોડી ઘણી બાબતો હોય છે. ખાનગી એટલા માટે કે સમ્બન્ધી વ્યક્તી તે જાહેર ન થાય એવું ઈચ્છે છે. ભુતકાળમાં બનેલ કોઈ અનીચ્છનીય બનાવ કે પછી છાનાંછપનાં લગ્નેતર સમ્બન્ધ આના દાખલા છે. ઘણા Victimless Crime છે. આવાં સત્ય જ્યારે પ્રકાશમાં આવે છે, ત્યારે લાગતા– વળગતા બધાને ગુમાવવાનું હોય છે. એમાં બધાની હાર છે, જીત કોઈની નથી.
રાષ્ટ્રીય કે આન્તરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો દરેક સરકાર પાસે અને સરકાર વીશે કેટલીય ગુપ્ત બાબતો હોય છે. જો એ બધી તેમ જ એમના ગુપ્તચરખાતાનાં કારસ્તાન બહાર આવે તો એનાં અતીગમ્ભીર પરીણામ આવી શકે છે. આવાં ગમ્ભીર પરીણામોના ભોગે પણ બધાં જ સત્યોનું પ્રગટ થવું અને સત્યનો વીજય ઈચ્છવો કેટલું વાજબી છે ? એવું કહી શકાય કે માત્ર બહુજન હીતાય, બહુજન કલ્યાણકારી સત્ય પ્રગટે અને એનો વીજય થાય. જો એ શક્ય હોય તો કોણ નક્કી કરે શું ‘બહુજન હીતાય’ કે ‘બહુજન કલ્યાણકારી’ છે ? બહુમતી પણ હમ્મેશાં સાચી નથી હોતી.
અન્તે એટલું જ ફલીત થાય છે કે સત્યનો વીજય ઈચ્છનીય ખરો; છતાં એ એક આદર્શ છે, વાસ્તવીકતા નથી. આપણે સાચા હોઈએ એટલે સત્યની જીતની આશામાં બેસી ના રહેતાં, જીત માટે જરુરી બધા જ પ્રયત્નો કરી છુટવા જોઈએ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.