Saturday, December 28, 2013

લાખનાં બાર હજાર– જગદીશ ત્રિવેદી


એક દિવસ ભોગીલાલને પોક મૂકીને રડતો જોઈને ગભરાટમાં મારાથી પૂછાઈ ગયું કે ‘મારા ભાભી સ્વધામ ગયા લાગે છે.’ આ સાંભળી ભોગીલાલ રડતાં રડતાં બોલ્યો કે, ‘મારા જેવા બાળોતિયાનાં બળેલાનાં એવા સારા નસીબ ન હોય, હું તો કલકત્તામાં મારા કાકા ગુજરી ગયા એટલે રડું છું.’ મેં દુઃખી થવાનો અભિનય કરીને આગળ પૂછ્યું કે , ‘કાકા કેવી રીતે ગુજરી ગયા ?’
ભોગી બોલ્યો, ‘આમ તો કાકા કડેઘડે હતાં. એક પછી એક એમ ત્રણ કાકી ચાલ્યા ગયા પણ કાકા જવાનું નામ લેતાં નહોતા. એક દિવસ બિચારા દૂધ પીતાં પીતાં પતી ગયા.’ મેં આશ્ચર્યથી પૂછ્યું કે ‘કોઈ દૂધ પીતાં પીતાં કેવી રીતે મરી જાય ?’ ત્યારે એણે ખુલાસો કર્યો કે, ‘અચાનક ભેંસ બેસી ગઈ, એમાં ઉકલી ગયા. ત્રણ પત્ની કરવામાં સફળ થયેલા કાકા સંતાન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા હતા એટલે એમનો એક કરોડનો વારસો મને મળ્યો.’
આ સાંભળી મેં તાળી પાડતાં કહ્યું કે ‘આ તો પાર્ટી આપવા જેવા સમાચાર છે છતાં તું શા માટે રડે છે ?’
એટલે ભોગીલાલે ચોખવટ કરી કે ‘કાકા તો ત્રણ વરસ પહેલા જતાં રહ્યા છે પરંતુ મારા સગામાં હજુ બે-ત્રણ વ્યક્તિ નિર્વંશ જાય એવું છે. છેલ્લા ત્રણ વરસથી એમાંથી કોઈ મરતું નથી એટલે રડવું આવે છે.’

ભોગીલાલને એક કરોડની અણધારી લોટરી લાગી એટલે વધારે લોભ જાગ્યો. કરોડનાં બે કરોડ કરવા માટે એણે કંડક્ટરની નોકરી છોડીને ઉદ્યોગમાં ઝંપલાવ્યું. પચીસ લાખ રૂપિયાનું રોકાણ કરીને વોટરપ્રુફ ટુવાલનું પ્રોડક્શન શરૂ કર્યું. એવા ટુવાલ બનાવ્યા કે પાણીમાં પાંચ કલાક પલાળી રાખો તો પણ પલળે નહીં. પરંતુ ટુવાલનું કામ પાણી લૂછવાનું હોવાથી પચીસ લાખ પાણીમાં ગયા ! ત્યારબાદ એણે નવતર ધંધા માટે ફરી દિમાગ દોડાવ્યું. એક વરસનાં ઊંડા અધ્યયન બાદ એવી આઈટમ બનાવી કે ચીન કે જાપાન તો શું પણ દુનિયામાં કોઈ બનાવતું નથી. એણે પેડલવાળી વ્હીલચેર બનાવી. ભોગીલાલનો આશય એવો કે સગાંવહાલાં હાજર ન હોય તો દર્દી જાતે પેડલ મારીને હરીફરી શકે. પરંતુ ઉતાવળમાં એક નાનકડી વાત વિચારવાની રહી ગઈ કે જેનામાં પેડલ મારવાની પહોંચ હોય તે વ્હીલચેરમાં બેસે જ નહીં. બીજા પચીસ લાખ પેડલમાં ગયા. ત્યારબાદ એને થયું કે અત્યારે ગાડીનો જમાનો છે. અત્યારે લાડી પણ ગાડી હોય તો જાડી બુદ્ધિ સાથે પરણવા રાજી થઈ જાય છે. ત્રીજી આઈટમમાં એણે એવી હેડલાઈટ બનાવી જે સૂર્યપ્રકાશથી સળગે. પણ નાનકડી શરત એટલી કે સૌરઊર્જાનો સંગ્રહ થતો નહોતો એટલે જ્યાં સુધી તડકો હોય ત્યાં સુધી સળગે. કારની હેડલાઈટની દિવસે ખાસ જરૂર ન હોવાથી ત્રીજા પચીસ લાખ અંધારામાં ગયા.
હવે છેલ્લા પચીસ લાખ હોવાથી બુદ્ધિ ચલાવવી ફરજિયાત હતી. એમાં આપણાં મુખ્યમંત્રીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કર્યું અને ભોગીલાલને પ્રોડક્ટ મળી ગઈ. એણે વિચાર્યું કે જે લોકોને વાંચતા આવડે છે એ તો વાંચતા થઈ જશે પણ જે લોકો અભણ છે એમને વાંચતા કરવા માટે શું કરવું જોઈએ ? નિરક્ષર લોકોને વાંચનનાં અભાવે શું શું ગુમાવ્યું એની હૃદયસ્પર્શી વાતોનું પુસ્તક અત્યારે છાપી રહ્યો છે. માત્ર નિરક્ષરો માટેનાં પુસ્તકનું શીર્ષક છે : ‘અભણ રહીને તમે આટલું ગુમાવ્યું.’ ભોગીલાલને આશા છે કે આ પુસ્તકનું વિશ્વની ઘણી ભાષાઓમાં ભાષાંતર થશે જેથી વિશ્વનાં તમામ અભણ એ પુસ્તક વાંચી શકે. આ પુસ્તક વર્લ્ડની બેસ્ટ સેલ બુક બનીને ગુમાવેલા પંચોતેર લાખ પાછા અપાવશે. કદાચ એવું ન થાય તો ભોગીલાલ વધુ એક સગાંનાં મૃત્યુની રાહ જોશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.