Thursday, December 12, 2013

જોક્સ જંકશન (2) – મન્નુ શેખચલ્લી

[ પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ-2’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.]
મુન્નાએ સ્કૂલમાંથી ગુલ્લી મારી હતી. રસ્તામાં એ દાદાજી સાથે જતો હતો ત્યાં સામેથી સ્કૂલની ટીચર આવતી દેખાઈ.
દાદાજી : ‘મુન્ના, સંતાઈ જા. તારી ટીચર આવી રહી છે !’
મુન્નો : ‘દાદાજી, તમે પણ સંતાઈ જાઓ ! કારણ કે તમે મરી ગયા છો એમ કહીને જ મેં ગુલ્લી મારી છે !’
*********
સન્તા-બન્તા અને બીજા એના જેવા હજારો બન્દા જ્યાં રહેતા હતા એ ગામમાં એક જેલ હતી. જેલરે એ જેલની દીવાલ ડબલ ઊંચી કરાવી દીધી. આ જોઈને બહારગામથી આવેલા એક સાહેબે જેલરને પૂછ્યું :
‘આ દીવાલ કેમ ઊંચી કરાવી ? શું કેદીઓ ભાગી જાય છે ?’
‘ના ! જમવાના ટાઈમે ગામવાળા અંદર ઘૂસી આવે છે !’
*********
પરીક્ષાઓ બદલાઈ રહી છે.
1999 : વિદ્યાર્થીઓ, બધા સવાલના જવાબ આપો….
2009 : વિદ્યાર્થીઓ, કોઈ પણ બે સવાલના જવાબ આપો…
2015 : વિદ્યાર્થીઓ, આખું પ્રશ્નપત્ર વાંચી જાઓ….
2020 : પરીક્ષામાં આવવા બદલ આભાર !
*********
ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર ઓમ પુરીનું એક દિવસ અચાનક અપહરણ થઈ ગયું !
પણ ખબર છે, પોલીસે ઓમ પુરીને બચાવવા માટે જે ઑપરેશન ઘડી કાઢેલું એનું નામ શું હતું ?
-‘સેવ’પુરી !!
*********
એક મંદિરના પૂજારીજી નવું ડીવીડી પ્લેયર લઈ આવ્યા.
સારું મહુરત, સારું ચોઘડિયું અને સારો સમય જોઈને એમણે વિધિપૂર્વક ડીવીડી ચાલુ કર્યું, પણ ચાલુ કરતાં જ બગડી ગયું !
કેમ ? કારણ કે પ્લેયર પર નાળિયેર ફોડેલું !
*********
ભક્તે સંતને પૂછ્યું : ‘પ્રભુ, એવી પત્નીને શું કહેવાય, જે સુંદર હોય, બુદ્ધિશાળી હોય, સમજદાર હોય, કદી ઈર્ષ્યા ન કરે અને રસોઈ પણ સ્વાદિષ્ટ બનાવતી હોય ?’
સંત આંખો બંધ કરીને એક જ શબ્દ બોલ્યા : ‘અફવા….’
*********
કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો. બ્રાહ્મણે કહ્યું : ‘હવે નવ જાતનાં ધાન મંગાવો…..’
કનુ કડકો કહે : ‘એટલાં બધાં ધાન હોત તો બાપા જીવતા ન હોત ?’
*********
ઈન્ટરવ્યૂ લેનાર : ‘તારું ક્વૉલિફિકેશન શું છે ?’
બન્તા : ‘હું પી.એચ.ડી. છું.’
ઈન્ટરવ્યૂ લેનાર : ‘પીએચડી ?’
બન્તા : ‘હા, પાસ્ડ હાઈસ્કૂલ વિથ ડિફિકલ્ટી !’
*********
છોકરી (છોકરાને) : ‘મેરા બચ્ચા, મેરા જાનુ, મેરા શોના, મેરા સ્વીટુ, મેરા ગુડ્ડુ, મેરા ચુન્નુ મુન્નુ છુન્નુ…. ક્યા તુમ મુજ સે શાદી કરોગે ?’
છોકરો : ‘આ તું મને પ્રપોઝ કરે છે કે દત્તક લે છે ?’
*********
છગનબાપુને અકસ્માત થયો. હૉસ્પિટલમાં લઈ ગયા. ઘા તપાસીને ડૉક્ટરે કહ્યું :
‘ટાંકા લેવા પડશે.’
બાપુએ પૂછ્યું : ‘કેટલા રૂપિયા થાશે ?’
ડોક્ટર કહે : ‘7000 તો મિનિમમ થાશે.’
બાપુ બગડ્યા : ‘અલ્યા, ટાંકા લેવાના છે. કાંઈ ઍમ્બ્રૉઈડરી નથી કરવાની !’
*********
સવાલ : શું કાંગારું એફિલ ટાવર કરતાં વધારે ઊંચું કૂદી શકે ?
જવાબ : હા ! કારણ કે એફિલ ટાવર તો કૂદી જ શકે નહીં ને !
*********
એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :
‘જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે !’
*********
અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું લાગેલું હતું :
‘પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું !’
*********
મથુરકાકાની યાદશક્તિ બહુ નબળી થતી જતી હતી. એમને મળવા એમના જૂના મિત્ર મનુકાકા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં મથુરકાકા કહે :
‘અરે હા, આ અમારી 50મી લગ્નતિથિ હતી. ને, એ રાતના અમે બન્ને જણા એક નવી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ! અરે, બહુ સરસ ખાવાનું હતું !’
‘એમ ? શું નામ હતું એ રેસ્ટોરન્ટનું ?’
‘નામ….’ ઘરડા મથુરકાકા માથું ખંજવાળવા લાગ્યા, ‘પેલું ફૂલ હોય છે ને… પેલું સુગંધીદાર ફૂલ…’
‘ગુલાબ ?’
‘ગુલાબ નહીં યાર, આ…… પેલું સફેદ કલરનું હોય છે ને ?’
‘જૂઈ ?’
‘ના, ના, જૂઈ નહીં.’
‘ચમેલી ?’
‘અરે ચમેલી નહીં યાર…. આ તો મોટું સફેદ ફૂલ થાય છે અને પાછું મોટા ઝાડ પર ઊગતું હોય છે.’
‘ચંપો ?’
‘હા, હા…. એ જ !’ મથુરકાકા તરત જ સોફામાંથી ઊંચા થઈને રસોડા તરફ મોં કરી ઊંચા અવાજે કહેવા લાગ્યા : ‘અરે ચંપા…. ? આ રવિવારે આપણે કઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ?’
**********

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.