Monday, November 4, 2013

સૌથી વધુ છેતરામણા શબ્દો : આશીર્વાદ અને શુભેચ્છા–રોહીત શાહ


ગુજરાતી ડીક્શનરીમાં ‘આશીર્વાદ’ અને ‘શુભેચ્છા’ આ બે શબ્દો ખુબ–ખુબ છેતરામણા છે. આશીર્વાદ હોય કે શુભેચ્છા – આપનાર કશું પામતો નથી અને લેનારને કંઈ મળતું નથી, તોય બન્ને પક્ષે સન્તોષ અને આનન્દ છવાઈ જાય છે.
લગ્નની મોસમ હોય કે નુતન વર્ષની આબોહવા હોય, ત્યારે ચારે તરફ આશીર્વાદો અને શુભેચ્છાઓની ભરતી આવેલી દેખાય છે. કોઈનો બર્થ–ડે છે તો આપો શુભેચ્છા ! કોઈની એક્ઝામ છે તો ઠાલવી દો આશીર્વાદ ! કોઈ લાંબો પ્રવાસ કરવા જાય છે તો પાઠવો તેને શુભેચ્છાઓ ! કોઈ પોતાનો નવો વ્યવસાય કે નવી જ જૉબનો પ્રારમ્ભ કરી રહ્યું છે તો વહાવી દો તેના તરફ આશીર્વાદની ગંગા !
આશીર્વાદ મારે મન લૉલીપોપ જેવા છે અને શુભેચ્છાઓને હું ક્રૉસ્ડ ચેક જેવી સમજું છું. લૉલીપોપ ચગળ્યા કરો ત્યાં સુધી બધું ગળચટ્ટું ને મીઠુંમીઠું લાગે. તમને એમ લાગે કે હવે કંઈક વધારે સારું રીઝલ્ટ મળશે, મારું પેટ ભરાઈ જશે, સ્વાદીષ્ટ વાનગીથી મારી ભુખ તૃપ્ત થઈ જશે. પણ ત્યાં જ લૉલીપૉપ પુરી થઈ જાય. તમારી ભ્રાંતીનો ભુક્કો થઈ જાય. તમે હતા ત્યાં જ ઉભેલા હો અને હતા તેવા જ હો !
શુભેચ્છાઓ રુપી ચેક આપણને મળે એટલામાત્રથી જ કાંઈ આપણી પાસે રકમ આવી જતી નથી. એ માટે સૌ પ્રથમ તો આપણી પાસે બેન્ક એકાઉન્ટ (પાત્રતા) હોવું જોઈએ. પછી આપણને મળેલો ચેક સ્લીપબુકમાં વીગતો ભરીને નીયત સમયમાં બૅન્કમાં જમા કરાવવો પડે (પુરુષાર્થ). પાત્રતા ન હોય અને પુરુષાર્થ કરવાની દાનત ન હોય તો હજારો આશીર્વાદો અને લાખો શુભેચ્છો મળે તોય આપણું કશું કલ્યાણ ન થાય.
અગાઉ કહ્યું તેમ આ બન્ને શબ્દો છેતરામણા છે. આપનારે કશુંય ખોવું પડતું નથી, મેળવારે કશું ભેગું કરવું કે ઉંચકવું પડતું નથી. કશું જ આપ્યા–લીધા વગર સઘળું  આપ્યા–લીધાનો આનન્દ અને સન્તોષ બન્ને પક્ષે જોવા મળે છે.
તમે વીચાર કરો, માત્ર આશીર્વાદથી જ સુખ મળી જતું હોત અને આશીર્વાદથી જ જીવનનો માર્ગ સરળ થઈ જતો હોત તો આજે એકેય દમ્પતી દુ:ખી હોત ખરું ? આજે એકેય સન્તાનને કશી સમસ્યા હોત ખરી ? દરેક લગ્નપ્રસંગે વરકન્યાને વડીલો કેટલા બધા આશીર્વાદથી તરબોળ કરે છે ! જે યુવતીને ‘અખંડ સૌભાગ્યવતી’ના આશીર્વાદ મળ્યા હોય તે જ યુવતીનો પતી હનીમુન વખતે એક્સીડન્ટમાં મૃત્યુ પામે છે, એવું કેમ ? ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ પામેલી યુવતી લાઈફટાઈમ સન્તાન વગરની કેમ રહે છે ? કદાચ તેને સન્તાન થાય તો તે જ સન્તાન તેના માટે સન્તાપ કેમ બની રહે છે ? શું આવા સન્તાપ આપનારાં સન્તાનો માટે તેને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવે છે ? દરેક બર્થ–ડે વખતે, દરેક એક્ઝામ વખતે પેરન્ટ્સ અને વડીલોના આશીર્વાદ મળ્યા પછીય કેમ ધાર્યું સુખદ રીઝલ્ટ નથી મળતું ?
નુતન વર્ષ આવે એટલે જાતજાતની શુભેચ્છાઓ મળે છે. રંગીન અને સુગંધીત–સુશોભીત મોંઘેરા કાર્ડ્ઝ દ્વારા શુભેચ્છાઓને બદલે હવે તે ઈ–મેલ દ્વારા પાઠવવામાં આવે છે. રુબરુ શુભેચ્છાઓનો વાડકી–વ્યવહાર થાય છે. ‘નવું વર્ષ તમને સુખ–સમૃદ્ધી, યશ અને સફળતા આપનારું નીવડે’ એવી હજારો શુભેચ્છાઓ મળ્યા પછીય આપણી લાઈફમાં લેશમાત્ર ફરક પડે છે ખરો ? આપણા સન્તાનો માટે લાઈફ–પાર્ટનરની જરુર છે અને યોગ્ય પાત્ર નથી મળતું. આપણને ઘુંટણનો દુખાવો છે અને પગમાં વાઢીયા પડ્યા છે. હજારો ઉપચારો બેકાર પુરવાર થાય છે. શુભેચ્છાઓ આપવામાં અને મેળવવામાં આપણે ખુબ ઉદાર રહીએ છીએ; છતાં એનો કોઈ નક્કર પ્રભાવ આપણી લાઈફમાં કેમ દેખાતો નથી ?
પછી અન્તે તો મન મનાવવાની વાત કરીએ છીએ. નસીબની વાત કરીને, કર્મફળની વાત કરીને, ગ્રહદશાનું બહાનું કાઢીને આપણે કૉમ્પ્રોમાઈઝ કરી લઈએ છીએ. જો આ બધી બાબતો જ મહત્ત્વની હોય તો પછી શા માટે શુભેચ્છાઓ અને આશીર્વાદની ફૉર્માલીટીઝ પાછળ સમય અને સમ્પત્તીને આપણે વેડફતા રહીએ છીએ ?

સંસારનો કોઈ ડાહ્યો માણસ પોતાનો રસ્તો ખોટો જ છે એ જાણ્યા પછી આગળ ને આગળ ચાલ્યા કરે ખરો?
તમે કદાચ માર્ક કર્યું જ હશે કે કોઈ વીદ્યાર્થીને મહત્ત્વની એક્ઝામ આવી રહી હોય ત્યારે સ્વજનો–મીત્રો એને શુભેચ્છાઓ પાઠવવા ઉમટી પડે છે. કાં તો ફોન કરશે, કાં તો ઈ–મેલ કરશે. અરે યાર, જરાક તો વીચાર કરો : તેને એક્ઝામ આપવા જવાનું છે, તેણે તૈયારીઓ કરવાની છે. આવા તબક્કે જો આપણે તેને ડીસ્ટર્બ કરીએ તો આશીર્વાદ પોતે જ અભીશાપ બની જાય ! શુભેચ્છાઓ બદદુવાઓ બની જાય. તેને નીરાંતે તૈયારી કરવા દો. એકાગ્રતા અને ચોકસાઈથી તેને ભણવા દો. સારું રીઝલ્ટ આવે પછી અભીનન્દન આપવા જરુર જજો, પણ શુભેચ્છાઓને બહાને તેને અભ્યાસમાં ડીસ્ટર્બ કરવા ન જશો.
શુકન–અપશુકન, શુભ–અશુભ મુહુર્તો, સારાં–ખરાબ ચોઘડીયાં, શુભ–અશુભ દીવસો, આશીર્વાદ, શુભેચ્છા, અભીશાપ, બદદુવા, મુઠ મારવી, મેલી વીદ્યા કરવી, મન્ત્રતન્ત્રથી સીદ્ધીઓ મેળવી લેવી, કોઈ એક ખાસ દીવસે ખાસ દેવ–દેવીની પત્તર ઠોકવી – આ બધું કરવાથી કાંઈ જ વળતું નથી. બધું સાવ હમ્બગ છે. વાસ્તુશાસ્ત્રની વાહીયાત વાતો પાછળ ઘણા લોકો ખુવાર થઈ ચુક્યા છે. તે ભોટ–ડફોળ લોકોને એટલુંય ભાન નથી પડતું કે રસોડાનો દરવાજો જુદી દીશામાં કરવાથી રસોઈ સ્વાદીષ્ટ બનતી નથી. સંડાસ–બાથરુમની દીશા મહત્ત્વની નથી; કબજીયાત ન હોવી મહત્ત્વની છે. ફ્રીજ હોય એટલું ઈનફ છે; પછી એ ઘરના કયા ખુણામાં મુકેલું છે એની મહત્તા નથી. આપણી અનુકુળતા જ જોવાની હોય. વહેમ અને અન્ધશ્રદ્ધા તો અનલીમીટેડ કંપનીઓ છે. એના રવાડે ચડ્યા તો ફેંકાયા જ સમજો ! જે છે તેનો સન્તોષ માનો અને વધારે સુખ માટે પ્રામાણીક પુરુષાર્થ કરતા રહો. ફળ ન મળે તોય નીરાશ ન થાઓ. ગ્રહોનું તમે શું બગાડ્યું છે કે એ તમને નડવા આવે ? તમને નડવાથી ગ્રહોને વળી શો ફાયદો ? સ્વસ્થ–તટસ્થ રહો અને જે સંજોગો સહજ મળ્યા હોય એનો સ્વીકાર કરો. સુખી થશો જ.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
http://govindmaru.wordpress.com/ માંથી  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.