Thursday, November 28, 2013

બદલાવ– નવનીત શાહ

જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ ? બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું ? બદલાવું એટલે પ્રગતિ કરવી ? બદલાવું એટલે ખોટે માર્ગે જવું ? જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે બધું સારું હતું તે આજે નજરે પડતું નથી અને નવી પેઢી તે અપનાવતી નથી. માણસ પોતાની મર્યાદામાં રહી પોતાની દષ્ટિથી બધું માપે છે. જૂની પેઢીને આપણે છાશવારે બોલતા સાંભળીએ છીએ : ‘અમે યુવાન હતા ત્યારે’, ‘અમારા જમાનામાં’, પણ એવું વારંવાર રટણ કરવાનો શો અર્થ ? બદલાવવું એ સમાજનો સ્વભાવ છે. પરિવર્તન સ્વાભાવિક છે અને તે જરૂરી પણ છે.
આજની જૂની પેઢી એકવાર નવી પેઢી હતી. જૂની પેઢી નવી પેઢી હતી ત્યારે તે જૂની પેઢીનું બધું જ અપનાવતી નહોતી. સમય અને વાતાવરણ બદલાય છે એટલે જરૂરિયાતો પણ આપોઆપ બદલાઈ જાય છે. આજે વીજળી આપણે માટે અનિવાર્ય છે. એ વેરણ થાય ત્યારે દીવો સળગાવીએ છીએ પણ વીજળી હોય ત્યારે વીજળી બંધ રાખી આપણે દીવાનો ઉપયોગ નથી કરતા. એ તો જેવો જમાનો અને જેવી સુવિધાઓ. નવા જમાનાને કોઈ નીતિનિયમ કે આદર્શ નથી એમ એની ખોટી ખણખોદ કરીએ એ ઉચિત નથી. દરેક વસ્તુને બે પાસાં હોય છે. જૂનું બધું ખરાબ નથી એમ નવું બધું સારું નથી એનો આપણને અનુભવ થાય છે. જૂનું જો ખપનું હશે, આજના સંદર્ભમાં જો તે પ્રસ્તુત હશે તો માણસ, આજનો માણસ, તેને જરૂર અપનાવશે. નવાને પણ આપણે આવકાર આપવો પડશે. તેનાથી જ આપણે બીજા પ્રગતિશીલ દેશોની હરોળમાં બેસી શકીશું.
અમારા વખતમાં જે સુખ અને શાંતિ હતાં તે આજે નજરે ચઢતાં નથી એમ કહેનાર દેશની પ્રગતિને જોઈ શકતા નથી. પરંપરાને પકડી રાખીએ તો આપણે આગળ દોડી શકીશું નહિ. આપણે આગળ દોડી શકીશું નહિ તો આપણે દુનિયાના અનેક દેશોથી પાછળ પડી જશું. તેમાં આપણને જ ગેરલાભ થશે. આપણી નવી પેઢી તેનાથી પાંગળી બની જશે, આગળ વધી નહિ શકે. પ્રાચીનતાની પીપૂડી વારંવાર વગાડ્યા કરવાનો શો અર્થ ? અને એને સાંભળશે પણ કોણ ? આ દોડતો જમાનો આ પ્રાચીનતાની પીપૂડીનો અવાજ રોકી સાંભળશે નહિ. હા, આ દોટ આંધળી ન હોવી જોઈએ, ઠેસ વાગે, અહિત જેવું લાગે, તો અટકી જવું જોઈએ. કેટલાક લોકો પોતાની જાતને આધુનિકતામાં ખપાવવા માટે સ્વચ્છંદી બની જાય છે. આ કોઈપણ રીતે યોગ્ય નથી. જમાનો જૂનો હોય કે નવો હોય, પ્રાચીન હોય કે અર્વાચીન હોય, જીવનમાં જે સનાતન મૂલ્યો છે તેની તો જાળવણી કરવી જ રહી. જમાનો બદલાય ત્યારે આપણે પણ ઉચિત રીતે બદલાવું જોઈએ.
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.