Monday, September 9, 2013

મારો ધર્મ કયો કહેવાય…?-દીનેશ પાંચાલ

ડૉ. ડેવિડ ફૉલી હીન્દુસ્તાનના ઈતીહાસના અભ્યાસુ–નીષ્ણાત છે. તેમણે કહ્યું છે- ‘અમેરીકા અને જાપાન એટલા માટે સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સંપ્રદાયના કોઈ વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે. મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સંપત્ત્તી છે. પણ એ દેશો ગરીબ રહ્યાં; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ  ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મપરીવર્તન કરનારને દેહાંતદંડની સજા થાય છે. એ સમ્બન્ધે  એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1998માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટીકાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ આટલી બાબતનો ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કૉર્ટે બેવફા જાહેર કરીને તેને દેહાંતદંડની સજા ફરમાવી ! (આજ પર્યંત લીના જૉયે જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે.)’


મને કદી સમજાયું નથી ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ ? માણસે કષ્ટ સહન કરવા કે દુ:ખી થવા ધર્મ પાળવો જોઈએ એવું કયા ધર્મગ્રંથમાં લખ્યું છે ? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે. અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. તરસ લાગે તો કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.


ચર્ચા ચાલતી હતી ત્યાં એક મીત્રે કહ્યું- ‘હું કયો ધર્મ પાળું છું તેની મને ખબર નથી. હું મંદીર, મસ્જીદ કે ગીરજાઘરમાં જતો નથી. ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉ છું; કોઈનું લોહી પીતો નથી. મંદીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મંદીરમાં ગવાતાં ભજનોમાં બેસવા કરતાં સાહીત્ય ગોષ્ઠીમાં બેસવાનું મને ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડાં માબાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મંદીરીયુ છે. તેમાં કયા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું.’ (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં ‘પગલાં’ ન પડે તેનું ધ્યાન રાખું છું) એથી અમારી વચ્ચે ઝઘડા થતા નથી. એને કંટોલાંનું શાક બહુ ભાવે છે. મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ ભાવે  છે. તેને ભાવતું નથી. હું કદી તેને આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતા છે. પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે; છતાં થોડીક સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં પણ અનુકુલન વધુ જરુરી છે !


‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી, મંદીર વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ નથી કરતા. રોજ ગીતાના અધ્યાયોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો નથી વાંચતા. રામાયણ ભક્તીભાવે વાંચે છે; પણ રોજ દશ કલાક ધંધામાં પાપનાં પારાયણમાં બેસી લુંટાલુંટ ચલાવે છે. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોંકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાય જાય એવું હું માનતો નથી. મંદીરને બદલે લાયબ્રેરી જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોના જીવનચરીત્ર વાંચુ છું. આજ પર્યન્ત ઘરમાં એક પણ વાર કથાકીર્તન, ભજન, યજ્ઞો કે પુજાપાઠ… કશું જ કરાવ્યું નથી. પણ મરણ બાદ દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાની ખાસ ટેવ છે. સાધુ, સંતો કે બાબા-ગુરુઓનાં ચરણોમાં પડતો નથી; પણ મોટા કવી, લેખકો, સાહીત્યકારો કે ચીન્તકો જોડે મૈત્રી કેળવી છે. સાધુ સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગવૉક) કરું છું. કુંભમેળામાં કદી ગયો નથી અને જવાની ઈચ્છા પણ નથી. પણ વીજ્ઞાનમેળો કે પુસ્તક્મેળો એક પણ છોડતો નથી. ગંગાનાં ગંદાં પાણીમાં નહાવાને બદલે બાથરુમમાં સ્વચ્છ પાણીના શાવર વડે સ્નાન કરવાની વાતને હું વધુ પવીત્ર ગણું છું.  આવું બધું કરનારાઓનો ઘર્મ કયો કહેવાય તેની મને ખબર નથી. પણ હજી સુધી એક પણ વાર એવો વીચાર આવ્યો નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મંદીરમાં નથી જતો, દાન નથી કરતો, તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે કે કહેવાતો મોક્ષ ન મળશે તો મારું શું થશે..!’


મીત્રની આ લાંબી વાતમાં એક વાત મને ખાસ ગમી. મને એ મારા જ જીવનની વાત લાગી. હું લખતાં લખતાં બેધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તરત શબ્દો સંભળાય- ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં !’ જોવા જઈએ તો આ ‘પગલાં’  શબ્દમાં સઘળા ધર્મો અને ગીતા-ઉપનીષદનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે પણ કોઈને માટે લપ ન બની રહીએ તે જરુરી છે. દુનીયાના સઘળા મનુષ્યો સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે, પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખે તો સઘળાં ધર્મપુસ્તકો અપ્રસ્તુત બની જાય. રાવણ બનવાથી બચી જાઓ તો રામાયણ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન, શકુની કે ધૃતરાષ્ટ્ર બની રહો, પછી રોજ મહાભારત વાંચો તોય શો ફાયદો ? યાદ રહે, તમને તમારા જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલાં સત્યો ગીતા–કુરાનનું જ ફળકથન ન હોય છે. શ્રી શાયર દેવદાસ અમીરે કહ્યું છે- ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પાઠ તો એ છે જે જમાનો શીખવે છે !’


પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. એ આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ શું નુકસાન છે ? તરસની જેમ દુ:ખ  સર્વવ્યાપી  સ્થીતી છે. આપણે મંદીર ન બંધાવી શકીએ પણ મંદીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તો ઘણું. રોડ અકસ્માતમાં માણસો ઘવાયા હોય ત્યારે આજ પર્યન્ત એક પણ વાર (રીપીટ એક પણ વાર…) એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનારા માણસોએ તેમને  એમ પુછ્યું હોય કે- ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ… ?’ હીન્દુ મુસ્લીમ યુવક યુવતીની આંખ મળી જાય અને બન્નેનાં હૈયામાં ઉર્મીના અવર્ણનીય હીલ્લોળ જાગે  છે એને હીન્દુ પ્રેમ અને મુસ્લીમ પ્રેમમાં વહેંચી શકાશે ખરો ? યાદ રાખજો, સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર   પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે. સૌનાં આંસુ સરખાં છે. સૌનાં આનંદ સરખા છે. સૌની દેહરચના કે જન્મ અને મૃત્યુ સરખાં છે. ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (ઈસ્લામી રંગ કે હીન્દુ રંગમાં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત-જાત અને ધર્મ-કોમની મૅનમેઈડ દીવાલ શા માટે હોવી જોઈએ ?


દરેક માણસને પોતાનો (ગેટ–પાસ જેવો) ધર્મ હોય છે. આખી જીન્દગી એ માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે. પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્ત્તા નથી. મંદીર બહાર બુટ ઉતારી દેવા પડે તે રીતે, ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો કાઢી નાખવો પડે છે. મૃત્યુ આગળ હીન્દુ, મુસ્લીમ કે ધર્મ કોમના ભેદ ભુંસાઈ જાય છે. આટલું સમજાઈ ગયા પછી સમજાશે કે વીશ્વમાં માનવ ધર્મથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી.


ધુપછાંવ

રોજ અલ્લાહ કો યાદ કર….. પર કીસીકો બરબાદ ના કર
તેરી કબર ભી તૈયાર હૈ ઈસ બાત કો નજરઅંદાઝ ના કર
-દીનેશ પાંચાલ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.