Thursday, September 26, 2013

અમૃતબિંદુ તો આપણી અંદર છે ! – ભૂપત વડોદરિયા


[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.]
એક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું ! એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી તદ્દન નાની, નજીવી વાતોમાં ગુસ્સે થઈ જવાનો, ચિઢાઈ જવાનો મારો સ્વભાવ બદલી નાખીશ ! આવો નિર્ણય તો કરી નાખું છું પણ જેવું કંઈક નાનકડું કારણ મળે કે તરત હું ચિઢાઈ જાઉં છું. પત્નીએ સવારે આપેલાં કપડાંમાં ખમીસનું એકાદ બટન તૂટેલું હોય કે ચાના કપમાં કંઈક સહેજ તરી રહેલું લાગે તો તરત મિજાજનો પ્યાલો ફાટે ! હું જાણું છું બટન તૂટી ગયું તેમાં પત્નીનો કોઈ દોષ નથી. બટન તૂટેલું હોય તો તે ખમીસ પાછું મૂકી દઈને બીજું ખમીસ લઈ શકાય છે. ચાના કપમાં જે તરે છે તે ચાની પત્તી સિવાય કંઈ નથી તે પણ હું જાણું છું, છતાં નાની નાની બાબતમાં મારો મિજાજ કેમ છટકી જતો હશે ?
એક માણસ આવો પ્રશ્ન કરે – ઘણાબધા માણસો તો આવા કોઈ પ્રશ્નો કરે – બીજાને કે ખુદ પોતાને પણ પૂછતા નથી. આ જ મારો મિજાજ છે અને આ જ મારો રુઆબ છે. તેને બદલી શકાય નહીં અને તેને બદલવાની જરૂર જ શું ? વાતવાતમાં આ રીતે પોતાનો મિજાજ ગુમાવનારા આ બાબતને ખાસ ગંભીર ગણતા નથી. કોઈ તેમને તેમના આવા તડતડિયા સ્વભાવ વિષે ટકોર કરે તો તેઓ કહેશે કે શું કરીએ ! આ તો સ્વભાવ છે. સ્વભાવમાં થોડીક ‘ગરમી’ ના રાખીએ તો કોઈ દાદ જ ના દે. પત્ની પણ દાદ ના આપે અને સંતાન પણ બિલકુલ ગાંઠે જ નહીં. બીજા લોકો પણ આપણી સાથેના વહેવારમાં આપણને લલ્લુભાઈ ગણી કાઢે !
માણસ આ રીતે પોતાના સ્વભાવના આ વારંવારના નાના ભડકાને સમજાવવાની કે ગેરવાજબી ગણાવવાની કોશિશ કરે છે, પણ આવો માણસ ક્યારેય શાંતિથી વિચારે તો તેને કેટલીક વાર એક આંચકા સાથે એવું ભાન થાય છે કે આ બધી નાની બાબત પાછળ કોઈ કોઈવાર મોટી ગરબડ છુપાઈ હોય છે. કોઈક મોટા રોગના એક નાનકડા પ્રગટ લક્ષણ જેવું જ આ પણ એક લક્ષણ હોઈ શકે છે. શરીરના જે ભાગમાં લોહી પહોંચતું ના હોય ત્યાં ખાલી ચઢી જાય છે કે ઝણઝણાટી થાય છે એવું જ કાંઈક આમાં પણ હોય છે. આપણા સ્વજનો અને પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓ, પરિચિતો અને અપરિચિતો સાથેના આપણા વહેવારમાં જ્યાં જ્યાં આપણા સ્વભાવના આ કાંટા એકદમ બહાર આવી જાય છે ત્યાં ત્યાં આપણી અંદર વહી રહેલા જીવનરસના અને લાગણીના નીરોગી પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ પડેલો હોય છે, કંઈક ગરબડ હોય છે.
 આપણે આંખ પર પાણી છાંટીએ છીએ, કાનમાં મેલ ના હોય તેની કાળજી રાખીએ છીએ, દાંત સાફ કરીએ છીએ, મોંને સુવાસિત રાખવાની દરકાર કરીએ છીએ, પણ મનમાં જમા થયા કરતા ક્ષારો દૂર કરવાનું ખાસ વિચારતા નથી, પાણીની જેમ જ જ્યાં લાગણી છે ત્યાં ક્ષાર જમા થઈ જાય છે. તેને દૂર કરવો પડે છે, આની સાફસૂફી થતી જ રહે તેવાં દ્રાવણો આપણી અંદર જ છે, પણ તેને આપણે કાં તો સૂકવી નાખીએ છીએ કે પછી દૂષિત કરી દઈએ છીએ.
એક માણસ બીજા માણસ સાથે સ્નેહ અને સદભાવથી વર્તે, તેની સાથે ઉદારતા અને ક્ષમાવૃત્તિથી વર્તે તો સામી વ્યક્તિને જ તેનો લાભ મળે છે એવું નથી. સ્નેહ અને સદભાવથી વર્તતી વ્યક્તિને પોતાને જ તેનાથી સૌથી મોટો લાભ થાય છે. માણસની પોતાની જ માનસિક તંદુરસ્તી માટે આ આવશ્યક બની રહે છે. માણસ પોતાના જ સાચા હિતનો વિચાર કરતો નથી અને પોતાના માની લીધેલા હિતનો ખ્યાલ કરીને બધાની સામે બદલાના હિસાબે વહેવાર કરે છે. આ માણસ આપણી સાથે સારું રાખે છે, તેની સાથે સારો વહેવાર કરો. આ માણસ આપણી સાથે બરાબર વર્તન કરતો નથી – આપણા માની લીધેલા સ્વાર્થને ધક્કો પહોંચે તે રીતે વર્તે છે, માટે તેની સાથે સારી રીતે વર્તાય જ નહીં. તેની પ્રત્યે કોઈ સદભાવ સંભવી શકે નહીં. લાગ મળે ત્યારે તેને ખબર પાડી જ દેવી જોઈએ. હવે આ ખબર પાડવાની વાત એવી છે કે માણસને બીજા પ્રતિકૂળ લાગતા માણસો પર રીતસર હુમલા કરવાની ઝાઝી ફુરસદ કે લાંબી ત્રેવડ હોતી નથી. એટલે એ પોતાની જીભ ચાબુકની જેમ ચલાવે છે. માણસ જ્યારે પોતાની જીભને ચાબુકની જેમ વાપરે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તેનો એક કઠોર શબ્દ બીજા માણસને કેટલો ઊંડો જખ્મ આપી દે છે. કોઈકનો કઠોર શબ્દ સાંભળીને તે માણસ પોતે છંછેડાઈ જાય છે, પણ પ્રસંગ આવ્યે તે પોતે બીજાને કઠોર શબ્દો કહેતી વખતે જરાય ખચકાતો નથી. આવો વિચાર કરતો નથી કે બીજાના કઠોર શબ્દોથી મને પીડા થયા વગર નહીં જ રહે.
એક તૂટેલા બટન માટે પત્નીની ઉપર રોષ કરનાર કે તેનું અપમાન કરનારને ખ્યાલ નથી રહેતો કે તે જે વહેવાર કરી રહ્યો છે તે સારા પતિને છાજે તેવો નથી. એક સારો શેઠ તેના નોકર સાથે પણ એવો વહેવાર ન કરે. વાણીની શુદ્ધિ ઉપર દરેક કાર્યમાં કેટકેટલું કહેવામાં આવ્યું છે ! આ બાબતને આટલું બધું મહત્વ આપનારા પ્રાચીનો જાણતા હતા કે આ વસ્તુ માણસની એકંદર સ્વસ્થતા અને સુખાકારી માટે કેટલી મહત્વની છે. માણસ તો આખરે માણસ છે. તે કાંઈ ચાવી દીધેલું પૂતળું નથી કે રેકર્ડ કરેલી કેસેટ નથી. તે સાચી વાત છે કે તેને ક્યારેક ગુસ્સો ચઢે, ચીડ ચઢે, અણગમો પેદા થાય, પણ આવું બને ત્યારે તેણે તરત સમતુલા પ્રાપ્ત કરવાની ત્રેવડ કેળવવી જોઈએ. પોતાનો સ્વભાવ આ રીતે વારંવાર લથડિયાં ના ખાય તેટલી ‘સ્થિરતા’ સંપન્ન કરવી જોઈએ. સ્વભાવના આ નાના વિસ્ફોટની પાછળ ખરેખર કોઈ પ્રાણઘાતક દારૂગોળો છુપાયેલો પડ્યો તો નથી ને ? – તેની તપાસ કરવી જોઈએ. આ વિસ્ફોટની પાછળ પડેલાં – દટાયેલાં કોઈ કારણોની જાંચ-તપાસ કરવી જોઈએ અને તેને ત્યાંથી દૂર કરવાની કામગીરી તુરત હાથ ધરવી જોઈએ.
આજે આપણે જોઈએ છીએ કે માણસ બીજા કોઈનો મિત્ર તો બને કે ના બને પણ પોતે પોતાનો મિત્ર પણ બનતો નથી. પોતાની જાતને પોતાનો પરમ હિતેચ્છુ ગણે છે પણ કામ કરે છે પોતાના કટ્ટર હિતશત્રુનું ! તે પહેલાં ઊંઘની ટીકડીઓ લે છે, દરેક માણસ ખાસ કોઈ કારણો વગર, કોઈને પૂછ્યા કર્યા વગર, જાત જાતની દવાઓનું સેવન કર્યા જ કરે છે. એ દવાઓથી થતા લાભ કે ગેરલાભની વાત બાજુએ રાખીએ, તેને એટલું સમજાતું નથી કે કુદરતે મનુષ્યના શરીરને, મનને નાના-મોટા આંચકા ખમી ખાવાની એક ત્રેવડ આપેલી જ છે. કોઈ વજૂદવાળા કારણ વગર દરેક ‘ફરિયાદ’નો ઈલાજ દવા નથી. પોતાના શરીરને અને મનને પોતાની પીઠ પરનો બોજો ગણવાની જરૂર નથી. શરીરને આરામ અને મનને શાંતિ આપવાની જ્યાં જરૂર હોય ત્યાં ઉધામા અને અશાંતિ ચાલુ રાખીને દવાઓ લેવાનો અર્થ શું ? માણસોને આજે આપણે ‘સક્રિયતા’ ને નામે ‘કર્માંધ’ અને ‘કામકાજના વ્યસની’ બની જતાં જોઈએ છીએ. માણસને કામ તો કરવું જ પડે, ઉદ્યમ કરવો પડે, પણ આમાં પણ બિનજરૂરી શ્રમ અને કર્મનો અતિરેક તેના પોતાના શરીર અને મનની સ્વસ્થતાને નુકશાન જ પહોંચાડે છે. ચોક્ક્સ લક્ષ્ય નક્કી કરીને માણસ ગમે તેટલું કરે, ગમે તેટલા શારીરિક-માનસિક શ્રમ કરે તેને વાંધો આવતો નથી, પણ અત્યારે આપણે કામના નામે જે ઉધામા હાથ ધરીએ છીએ તેમાં તો કશું ચોક્કસ લક્ષ્ય હોતું નથી. કોઈ ધ્યેય કે હેતુ વગર માત્ર સક્રિયતાનું સેવન માત્ર એક વ્યસનની જેમ કરવામાં આવે છે. ધર્મના નામે ‘ધર્માંધતા’ ફાલીફૂલી રહી છે, તેમ ‘કર્મ’ને નામે ‘કર્માંધતા’ ફાલીફૂલી છે. તેમાંથી કશું જ પ્રાપ્ત કરવા જેવું પ્રાપ્ત થતું નથી.
આપણું બધું જ ધ્યાન બહારની સગવડો ઊભી કરવામાં, બહારનાં સુખ-સાહ્યબીની પ્રાપ્તિ કરવામાં કેન્દ્રિત થયેલું છે, પણ સાચી હકીકત એ છે કે આપણી અંદર જ્યાં સુધી ‘સગવડ’ અને ‘સુખ’ ઊભાં નહીં કરીએ ત્યાં સુધી બહારની ચીજો આપણને કશું આપી નહીં શકે.  કંઈ ને કંઈ આપત્તિ આપણી ઉપર તૂટી પડવાનો ભય આપણા શંકાગ્રસ્ત મનમાં અડાબીડ ઊગી નીકળ્યો છે અને એ ભયથી વિહવળ બનીને આપણે ગમે તે આપત્તિની સામે દોડીને તેને ભેટી પડવા માટે આંધળી દોટ મૂકીએ છીએ. ખરેખર કોઈ આપત્તિ તો હજુ આવી જ નથી. તે આવશે એવી શંકાથી, એવા ભયથી આપણે આપત્તિને સામે પગલે મળવા ઊપડી જઈએ છીએ. ધરતીકંપનો ભય છે, પણ ખરેખર ધરતીકંપ થાય તે પહેલાં ડરથી બહાર દોડી જઈએ છીએ અને ક્યારેક તો મોતને ઘરની બહાર જ ભેટી પડીએ છીએ.
દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. વિજ્ઞાન ખૂબ જ આગળ નીકળી ગયું છે. માહિતીના ઢગલેઢગલા રચાતા જાય છે. આપણને આ માહિતીનો અપચો થયો છે. આ માહિતીનું ‘મારણ’ તો જ્ઞાનનું એક જ બિંદુ બની શકે પણ તે અમૃતબિંદુ આપણી પાસે નથી. તે બિંદુ આપણને આપણી પોતાની અંદરથી પ્રાપ્ત થઈ શકે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.