Wednesday, September 4, 2013

ઉત્સવોની ઉજવણી – પ્રજાની પજવણી-દીનેશ પાંચાલ

ચોમાસાનો ભવ્ય આકાશી શૉ પુર્ણતાને આરે છે. જળ એ જીવન છે એવું પ્રથમ વાર ક્યારે સાંભળેલું તે યાદ નથી; પણ પુર વેળા જળને મૃત્યુનો પર્યાય બની જતાં જોયું છે. જળ વીના ધરતી ધાન પકવતી નથી અને ધાન વીના ભુખનું કોઈ સમાધાન નથી. ભુખ એવી સ્થીતી છે જ્યાં સીંહ અને શીયાળ સરખા લાચાર બની રહે છે. વીચારકો કહે છે ભુખ્યાનો ભગવાન રોટલી હોય છે. ભુખ માણસનો સૌથી જુનો પરાજય છે. યાદ રાખી લેવા જેવી બાબત એ છે કે ભગવાનને એવા નૈવેદ્ય મંજુર નથી હોતાં, જે ગરીબોની ભુખ ઠેલીને તેના મોં સુધી પહોંચ્યાં હોય.
આ દેશમાં શ્રદ્ધાની આડમાં અનેક અનીષ્ટો નભી જાય છે. ધર્મના નામે અધર્મ જાહેર માર્ગો પર રાસડા લે છે. દેશના રાજકારણીઓને હું નસીબદાર ગણું છું. અહીંના લોકોનું સ્થાયી વલણ છે –  ‘મારે કેટલા ટકા ?’ એવી પ્રજાકીય ની:સ્પૃહતાને કારણે નેતાઓ માટે અહીં અભ્યારણ્ય રચાયું છે. લોકો ધરમ–કરમ, ટીલાં–ટપકાં ને ટીવી–સીરીયલોમાંથી ઉંચા આવતા નથી, તેથી નેતાઓનાં નગ્ન–નર્તન બેરોટકટોક ચાલુ રહ્યાં છે. (‘પાર્લામેન્ટ નગ્ન–નર્તકોની ડાન્સક્લબ છે’ – એવું બકુલ ત્રીપાઠી કહેતા.)
પ્રત્યેક ગણેશોત્સવવેળા અમારા બચુભાઈ બળાપો કાઢે છે, ‘આપણા ધાર્મીક ઉત્સવો આટલા તણાવયુક્ત શા માટે હોય છે ? શ્રી પાંડુરંગજી પ્રેરીત સ્વાધ્યાય પ્રવૃત્તીમાં લાખો માણસો ભેગા થાય છે, ત્યારે અનુયાયીઓ એવું સ્વયંશીસ્ત પાળે છે કે પોલીસની જરુર નથી પડતી. આપણું એક પણ ગણેશવીસર્જન પોલીસના પહેરા વીના પાર પડે છે ખરું ? ધર્મમાં શ્રદ્ધાની સીતાર વાગવી જોઈએ, પોલીસની સાયરન નહીં. વીસર્જનના દીને તો સવારથી જ શહેરમાં એક અદૃશ્ય આતંક છવાયેલો રહે છે. એ દીવસે મને સવારથી જ રાજેશ રેડ્ડીની પંક્તીનું સ્મરણ થવા માંડે છે : ‘સારે શહર મેં દહેશત સી ક્યું હૈ… યકીનન આજ કોઈ ત્યૌહાર હોગા!’
દુર્ભાગ્ય એ છે કે અહીં શ્રદ્ધાળુઓ કરતાં અન્ધશ્રદ્ધાળુઓ બહુમતીમાં છે. તેઓ ભગવાનને સુખ દેનારી જડીબુટ્ટી સમજે છે. ધર્મગુરુઓને પાપમાંથી ઉગારી લેતા વકીલો સમજે છે અને મન્દીરોને ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્ટર સમજે છે. તેઓ જ્યાંથી જેવા મળે તેવા ભગવાન હોલસેલના ભાવમાં ખરીદે છે. ચમત્કારનું તેમને ભારે આકર્ષણ. કોઈ મોટો ચમત્કાર કરી બતાવે તો તેઓ સત્યશોધક સભાના સભ્યોને પણ ભગવાન માની લેતાં અચકાય નહીં. તેમની શ્રદ્ધાના શૅરમાર્કેટમાં ભગવાનના ભાવ હજી ગગડ્યા નથી.
એક પરીચીત વ્યક્તી એના પીતાની જરાય કાળજી લેતી ન હતી. પીતા બીમાર પડ્યા ત્યારે તેમને હૉસ્પીટલમાં દાખલ કરવામાં તેમણે જીવલેણ વીલમ્બ કરેલો. પછી પીતાના મર્યા બાદ કાશી, મથુરા, દ્વારકા, હરીદ્વાર વગેરે સ્થળોએ સહકુટુમ્બ જઈને પીતાનું શ્રાદ્ધ કરાવ્યું. પાંત્રીસ હજારથીય વધુ ખર્ચો થયો.  જોયું ? પ્રેમની પડતર કીમત પાવલી… અને અન્ધશ્રદ્ધાની કોસ્ટ ઓફ પ્રોડક્શન પુરા પાંત્રીસ હજાર !’ (એક કથાકારે કહ્યું છે : ‘બીમાર બાપનો હાથ પકડી સંડાસ સુધી લઈ જાઓ તો શ્રીનાથજી સુધી જવાની જરુર રહેતી નથી.’)
મુળ વાત પર આવીએ. દેશનો પ્રત્યેક બૌદ્ધીક એવું અનુભવે છે કે આપણા ઉત્સવો એટલે બીજું કાંઈ નહીં : ‘મુઠી આનન્દ; પણ મણ બગાડ અને ક્વીન્ટલ મોકાણ…!’ આપણે બહુ ભુંડી રીતે તહેવારો ઉજવીએ છીએ. લોકો દીવાળીમાં ફટાકડાથી દાઝે, ઉત્તરાણમાં ધાબા પરથી લપસે, હોળીમાં એક આખેઆખા જંગલ જેટલાં લાકડાં ફુંકી મારે, ધુળેટીમાં રંગ ભેગી લોહીની ધાર ઉડે અને નવરાત્રીમાં તો માતાને નામે મધરાત સુધી માઈકનો માતમ વેઠવો પડે. પોલીસને કોઈ ગાંઠે નહીં. લોકો હજયાત્રામાં મરે અને અમરનાથયાત્રામાં પણ મરે. કુમ્ભમેળામાં મરે અને રથયાત્રામાં કચડાઈ મરે… ! અજ્ઞાનનો અતીરેક તો ત્યારે થાય જ્યારે એ રીતે મરેલાને વળી લોકો એમ કહીને બીરદાવે – ‘કેટલો ભાગ્યશાળી… ! ભગવાનના દરબારમાં મર્યો એટલે સીધો સ્વર્ગમાં જશે… !’ શ્રદ્ધાળુઓને કોણ સમજાવે કે સ્વર્ગની વાત તો દુર રહી; એવી ઘાતકી રીતે ધર્મ પાળવો એ સ્વયં એક નર્ક બની જાય છે. એવી ભક્તીથી દુનીયાનો કોઈ ભગવાન રાજી થતો નથી… !
આપણા લગભગ પ્રત્યેક ઉત્સવમાં ગાંડપણ પ્રવેશ્યું છે. દીવાળીમાં કે લગ્નમાં જ નહીં; હવે તો તહેવારોમાં પણ બેફામ ફટાકડા ફોડવામાં આવે છે. પોથીયાત્રા નીકળે એમાંય ફટાકડા. ચુંટણીમાં જીત થાય કે ક્રીકેટમાં જીત્યા તો કહે ફોડો ફટાકડા… ! એવું લાગે છે જાણે પ્રજા જાહેરમાર્ગો પર ફટાકડા ફોડી પોતાના ‘વીસ્ફોટ સ્વાતંત્ર્ય’ની ઉજવણી કરે છે.  ત્રણેક વર્ષ પર દીવાળી ટાણે એક સજ્જને રસ્તા પર સળગાવેલા એટમબૉમ્બને કારણે મારી પત્નીના પગની એક આંગળી ફાટી ગઈ હતી. ફટાકડાથી આનન્દ મળે તેની ના નહીં; પણ જીવનના કોઈ પણ આનન્દનું મુલ્ય જીવનથી અધીક ના હોય શકે એ વાત ભુલવી ના જોઈએ. સત્ય એ છે કે જેઓ ઝવેરી નથી હોતા એમને હીરાનું નકલીપણું ખટકતું નથી અને જેમની ખોપરીમાં સમજદારીનો શુન્યાવકાશ હોય છે તેમને તહેવારોમાં થતી સામાજીક પજવણીનો ખ્યાલ આવતો નથી. સુરતમાં ગણેશોત્સવ ટાણે ચારે કોર બેફામ નગારાં વગાડવામાં આવે છે. તેને એક પણ એંગલથી વાજબી ગણાવી ન શકાય.
નવસારીમાં નગારાં નહીં ને માઈકનો માથાભારે ત્રાસ છે. છતાં નવસારી પ્રત્યે મને માન છે. ‘નાગાની વસતીમાં લંગોટીવાળો ઈજ્જતદાર’ ગણાય તે રીતે હું નવસારીને સુરત કરતાં કંઈક અંશે ઈજજતદાર ગણું છું. સુરત એટલે સમસ્યાઓથી છલકાતું શહેર… ! ને વસતીવીસ્ફોટથી બન્યું એ અળસીયામાંથી અજગર… !
સમાજમાં ચારે કોર ધર્મના નામે અધર્મનાં નગારાં વાગતાં હોય ત્યાં બે–પાંચ બૌદ્ધીકોની બાંગ કોણ સાંભળે? ચોમેર અજ્ઞાનનો ઘોર અન્ધકાર પ્રવર્તે છે. બુદ્ધીનાં તો અહીં થોડાંક જ ટમટમીયાં જલે છે. એમ કહો કે અન્ધકારનું ક્ષેત્રફળ આકાશ જેવડું વીશાળ છે અને દીવડાનું કદ મુઠી જેવડું ! દેશમાં માત્ર એક સમસ્યા નથી; સમસ્યાનો આખો મધપુડો છે. એમાં લોકો પાછા કોમવાદ, ધર્મવાદ, પ્રાન્તવાદ કે ભાષાવાદનો કાંકરીચાળો કરે છે. જાહેર શાન્તી છીન્નભીન્ન થઈ જાય છે. સવારે અખબાર પર નજર ફેરવી લીધા પછી એક નીસાસા સહીત મુખમાંથી શબ્દો સરી પડે છે : ‘સહસ્ર સમસ્યાઓની બાણશૈયા પર લોહીલુહાણ મારો દેશ !’ રાજકારણીઓ અને દેશવાસીઓ ભેગા મળી આ દેશની હજીય ન જાણે કેવી વલે કરશે…!
-દીનેશ પાંચાલ
અક્ષરાંકન:ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.