Wednesday, October 2, 2013

શુકન-અપશુકન વિષે જુદા જુદા મંતવ્યો

1)ગોવીન્દ મારુ : માનવ સમાજ માટે હાનીકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રદ્ધાનું વ્યાપક સ્વરુપ પકડ્યું છે. ગાય, કુંવારી કન્યા વગેરે સામે મળે તો શુકન ગણાય; જ્યારે બીલાડી, વીધવા સ્ત્રી કે પછી કુદરતી હાજતેથી પાછી ફરતી કોઈ વ્યક્તી સામે મળે તો અપશુકન ગણાય. એવી આમજનતામાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધાએ ભારત સીવાયના અન્ય દેશોમાં પણ વ્યાપક સ્વરુપ પકડ્યું છે. જેમ કે બ્રીટનવાસીઓ 13ના આંકડાને શુભ માને છે; જ્યારે 87ના સ્કોરને તેઓ અશુભ ગણે છે. જાપાનમાં લોકો યાત્રા પર જતાં પહેલાં નખ નથી કાપતા. ક્યુબા નીવાસીઓ ચાંદનીને ખરાબ માને છે અને તેથી ચાંદની રાતોમાં ખુલ્લાં માથે નથી નીકળતા. એસ્કીમો હવાની દીશા બદલવા માટે ઢોલ વગાડે છે. પેરુમાં વરસાદ લાવવા માટે કાળા ઘેટાને મેદાનમાં ઉભું રાખી દેવાય છે અને જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ઘેટાને ખોરાક આપવામાં નથી આવતો… વગેરે વગેરે.

શુકન-અપશુકન માટે મુહુર્ત જોવામાં આવે છે. પુરોહીતો અપશુકન નીવારણ માટે વીધી કરવાના ઓઠા હેઠળ રોકડી કરી લે છે. શુકન-અપશુકનના ખ્યાલને લીધે વીધવા સ્ત્રીઓ, દલીતો વગેરેને સામાજીક તીરસ્કાર મળે છે. અંધશ્રદ્ધાળુઓ સારા શુકન માટે દીવસો સુધી તકના ભોગે રાહ જોઈ બેસી રહે છે. શુકન-મુહુર્ત કે અન્ય ધાર્મીક વીધીઓ માટે બેફામ ખર્ચાઓ કરવામાં આવે છે. જે ખર્ચાઓ દેશની વીકટ સમસ્યાઓ નીવારવાને બદલે તેમાં વધારો જ કરે છે. આમ આર્થીક, સામાજીક, શારીરીક શક્તીઓનો દુર્વ્યય થવાને કારણે છેવટે તો માનવ સમાજનો સર્વાંગી વીકાસ અવરોધાય છે.

જે વસ્તુ પ્રીય લાગે તે શુકન અને જે વસ્તુ અપ્રીય લાગે તેને અપશુકન કહેવું/માનવું એ માનસીક અસ્વસ્થતા છે, તેનો પ્રભાવ હાનીકારક છે. જો શુકન-અપશુકનના ખ્યાલને સત્યની એરણ પર ચડાવવામાં આવે તો સ્પષ્ટ થશે કે આવા ખ્યાલો ઉપજાવી કાઢેલા છે, વાહીયાત છે. માનવ સમાજમાં આ પ્રકારનો અંધવીશ્વાસ આદીકાળથી જ પ્રચલીત છે. જેને જડમુળથી ઉખેડી કાઢવા માટે અવીરત પ્રયત્નો કરવા જરુરી છે.

2) હેમંત પુણેકર 

ગોવિંદભાઈ,

એ ખોટુ, વાહિયાત વગેરે વગેરે છે, તોય કેમ ચાલે છે એનો વિચાર કરવો રહ્યો. તમે એને ખોટુ કહી દો એટલે લોકો છોડી દેશે એ શક્ય નથી.
માનવ મનનો, ખાસ તો અચેતનમનમાં પડેલી ગ્રંથીઓનો અભ્યાસ કરવો પડે.
મૃત્યુ એ જીવનનું સત્ય છે પણ એના આગમનનો સમય અનિશ્ચિત છે અને એના વિશે જાણકારી તો કંઈ જ નથી. તેથી માણસ મૃત્યુથી સૌથી વધારે ગભરાય છે. હવે કોઈ ચીજ જો અનિશ્ચિત હોય અથવા અજાણી હોય તો એમાં મૃત્યુનો ઓછાયો દેખાય છે. એટલા માટે જ માનવી બધુ સુનિશ્ચિત કરવા, અજ્ઞાતને જ્ઞાત કરવા મથતો હોય છે. તમે જેનો ઉલ્લેખ કર્યો એ જ નહીં, તમામ અંધશ્રદ્ધાઓની ગંગોત્રી મૃત્યુનો ભય છે.
ધારો કે હું કોઈ કામ કરવા નીકળુ જેના થવા અંગે અનિશ્ચિતતા છે, તો હું કોઈક રીતે એને નિશ્ચિત કરવા મથુ છું. પછી સામે ગાય દેખાય તો મને રાહત મળે છે કે ચાલો ગાય દેખાઈને, એટલે કામ થઈ જશે. અથવા બિલાડી આડી જાય તો, negative તો negative, એક નિશ્ચિતતા મળી જાય છે કે કામ નહીં થાય. આમ અનિશ્ચિત અને અજ્ઞાત ચીજોને નિશ્ચિત અને જ્ઞાત બનાવી શકાય છે, જેથી ભયને (જે ખરે તો મૃત્યુનો ઓછાયો જ છે) દૂર કરી શકાય.
હું પોતાની વાત કહીશ. આપણા સમાજે મારી અંદર શુકન-અપશુકન, નજર લાગવી વગેરેના બીજ એટલા ઊંડા વાવી દીધા છે કે સતત જાગરૂક રહીને એમની સાથે લડવું પડે છે. તર્કસંગત ન હોય એ તમામ વાતો થી દૂર રહેવા માટે મન પર સતત નજર રહે એ જરૂરી બની જાય છે. (by the way, આ રીતે મન પર સતત નજર રાખવી એને અધ્યાત્મમાં સાક્ષીભાવ કહેવાય છે)
ગમે તેટલી બૂમો પાડો, આ ચીજોની પાછળની માનસિકતા જ્યાં સુધી વ્યક્તિમાત્રને નહીં સમજાય અને એને બદલવા વ્યક્તિગત સ્તરે પ્રયાસ ન થાય, ત્યાં સુધી એમાં મોટા પાયા પર બદલાવ આવે એ શક્ય નથી.
3)અરવિંદ અડાલજા  : શુકન-અપશુકનની માન્યતા અને શ્રધ્ધા-અંધ્-શ્રધ્ધા બંને એક જ સિક્કાની બે બાજુ છે દરેક દેશમાં નબળા મનોબળ વાળા માનવીઓ હોય જે છે અને આવા નબળા મનોબળ વાળાઓ ભોળવી પોતાનો રોટલો પકાવવા વાળા કથિત સાધુ-બાવા-જ્યોતિષો-મુલ્લા- મહંતો-પાદરીઓ પણ હોય જ અને તે આવા શુકન-અપશુકન વગેરેનો ડર અને ભય ફેલાવતા રહેતા હોય છે જો સૌ કોઈ મજબુત મનોબળ વાળા બની રહે અને માત્ર નિયતિમાં જ વિશ્વાસ રાખતા થાય તો આવા તત્વોને ભૂખે મરવા વારો આવે. અને નવાઈની વાત તો એ છે કે આવા તત્વો આવા તૂત ઈશ્વરને નામે જ ચલાવતા રહી પોતાના શીકાર શોધી લેતા હોય છે. જ્યાં સુધી સામાન્ય જન સમુદાયની માનસિકતા મજબૂત મનોબળ વાળી ના બને ત્યાં સુધી આવા તૂત ચાલ્યા જ કરવાના ! ઈશ્વર પણ બચાવી નહિ શકે ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ

4) ભરત પંડ્યા :રાજા  અક્બરે એક્વાર ઉન્ઘમાથી ઉઠી બારી બહાર જોયું. ભંગડી આંગણુ વાળતી હતી. રાજા તો ગુસ્સે થઈ ગયો.સેનાપતી ને બોલાવ્યો કહે ” ભંગડીને ફાંસીની સજા કરૉ . મારો દીવસ બગાડ્યો” વાત બીરબલ પાસે પહોંચી.

બીરબલ રાજા ને કહે ” મહારાજશ્રી , વાંધો ન હોય તો એક વાત કહુ “. રાજા  કહે  “બોલો” તમે ભંગડીનુ મોઢું જોયું ને તમારો  દીવસ બગડ્યૉ પણ એણે તમારૂં મોઢું જોયું ને એની તો જિન્દગી બગડી– તમને અપશુકન થયું કે તેને ?”
5) નટવર મહેતા : શુકન-અપશુકન એ માનવમનની એક ઊપજ છે કે જેનો કોઈ જ આધાર નથી. કોઈ વૈજ્ઞાનિક ટેકો નથી. લોકો એમાં માને છે કારણ કે એમાં એક એસ્કેપિઝમ છે! જ્યારે પામર માનવનું ધારેલ કાર્ય ન થાય તો એ થાય એ માટે એક આધાર એ શોધે અને આવા એસ્કેપિઝમ ફૂટી નીકળે. પછી એ પહેલાં હોય કે પછી. બિલાડીને માણસના અપશુકન થતાં મેં તો જોયા છે. અને બિચારી બિલાડીને માર મારતા માણસો પશુઓ કરતાં પણ અબુધ હોય એવી માન્યતાઓને પોષ્યા કરે છે.

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.