Saturday, October 5, 2013

નવરાત્રી: તહેવારોને તોડો નહીં, મરોડો -દીનેશ પાંચાલ

નવરાત્રીનો ઉત્સવ ચાલે છે. ગુજરાતની ગલીગલીમાં ગરબો હેલે ચડ્યો છે. (‘વાંચે ગુજરાત’ને બદલે ‘નાચે ગુજરાત’નો માહોલ પ્રવર્તે છે) હીરોહોન્ડા પર મોડી રાત સુધી યુવાની આંટાફેરા કરે છે. નવરાત્રી ‘ભવાની’નો ઓછો અને ‘યુવાની’નો ઉત્સવ વધારે બની ગયો છે. યુવાપેઢીએ નવરાત્રીની ધાર્મીકતાને મનોરંજક મોડ આપ્યો છે. અસલનો તાળી ગરબો ગયો અને ડીસ્કો આવ્યો ! પ્રેમી પંખીડાંઓ માટે તો નવરાત્રી એટલે પ્રેમની વસંત ઋતુ… ! મોટા શહેરોમાં મોડી રાત સુધી ‘માઈકો’ વાગતા રહે છે… અને ‘બાઈકો’ ઘુમતા રહે છે. બાઈકની પાછલી સીટ પર બાર વાગ્યે કો’કના ઘરની કુંવારી દીકરી બેઠી હોય ત્યારે કોઈને ખબર ન પડે તે રીતે પેલા ગરબાની કડી સાચું પડું પડું થઈ જાય છે. ‘માડી, દીકરી દીધી તેં ડાહી; પણ રાખજે લાજ તું મારી… દલડાના શા થાય ભરોસા ! એ કયાં જઈ નંદવાય માડી !’ ઉમ્મરલાયક દીકરીનાં માબાપની ચીન્તા જીભ કરતાં આખો દ્વારા વધુ વ્યક્ત થાય છે. ‘બેટા, રાત્રે બહુ મોડુ ના કરીશ. તારી સહેલીઓથી છુટી ના પડીશ. તું હવે મોટી થઈ છે. બધું મારે કહેવાનું ના હોય !’ અને બાકીની શીખામણ માના હોઠને પેલે પાર અટકી જાય. પ્રત્યેક નવરાત્રીમાં યુવાન દીકરીનાં માવતરનાં દીલમાં ઝીણા તાવ જેવી એક ચીન્તા રહે છે. તે ચીન્તાનો એક તરજુમો કંઈક આવો જ હોય– ‘દલડાના શા થાય ભરોસા ! એ કયાં જઈ નંદવાય માડી !’

અમારા બચુભાઈની દીકરીના દીલમાં પ્રેમનો અંકુર નવરાત્રીમાં જ ખીલેલો. બચુભાઈને એ ન ગમેલું. પણ દીકરીની જીદ આગળ એ લાચાર હતા. ત્યારથી એઓ માને છે કે દીકરી પર ભરોસો કરજો; પણ દીકરીની જુવાની પર નહીં ! ડૉકટરો તેમના અનુભવના આધારે કહે છે કે નવરાત્રી પછી અમારી પાસે અપરણીત છોકરીઓના ગર્ભપાતના કેસો વધુ આવે છે. સમાજને અંદેશો આવી ગયો છે કે યુવાન દીકરી ગરબા ગાવા જાય; પછી તે કયાં જાય તે કોણ જોવા જાય ? દીકરી ગરબાનો હૉલ છોડી હૉટલમાં જાય ત્યાંથી માબાપની કમબખ્તી શરુ થાય. છોકરા–છોકરીનું અજવાળામાં થયેલું ‘નયનમીલન’ અંધારામાં ‘દેહમીલન’ સુધી પહોંચી જાય છે, અને નવ રાતની મજા, નવ મહીનામાં ફેરવાઈ જાય છે. પુરુષપ્રધાન સમાજમાં છોકરાઓને ખાસ કશું નુકસાન થતું નથી; પણ છોકરીના કપાળે એકવાર કલંકનું ટીકું લાગી ગયું, તો એ છુંદણું બનીને તેના જીવનમાં હમ્મેશને માટે કોતરાઈ જાય છે. જો કે સમાજની બધી જ દીકરીઓ ‘એવી’ હોતી નથી. હીરોહોન્ડાને બ્રેક હોય છે; તેનાથીય વધુ પાવરફુલ બ્રેક દીકરીના દીમાગમાં હોય છે. એવી દીકરીઓ સ્વહસ્તે પોતાની જાતને એક લક્ષ્મણરેખા દોરી આપે છે. (હીરોહોન્ડાની બ્રેક ફેઈલ થઈ શકે; પણ તેના દીલની બ્રેક ફેઈલ થતી નથી) દીકરીઓની સંયમની બ્રેકને કારણે જ માવતરો ઉજળે મોઢે જીવી શકે છે.

ઉત્સવોની વાત કરીએ. આપણે ત્યાં ઉત્સવોની સુરુચીપુર્ણ કે  શીસ્તબદ્ધ ઉજવણી થતી નથી તેથી સમાજને આનંદ ઓછો અને અશાંતી વધુ મળે છે. મોડી રાત સુધી માઈકનો ઘોંઘાટ  કાયમી બની ગયો છે. ઉત્સવો કયારે સફળ થાય ? જેમ ઉતરાણ માત્ર પતંગથી સફળ થતી નથી; પવન પણ હોવો જોઈએ, તેમ તહેવાર હોય કે વ્યવહાર; સાધનશુદ્ધી અને વીવેકબુદ્ધી વીના ઉત્સવો સફળ થતા નથી. પ્રત્યેક તહેવારને સ્થુળતા તરફથી ઉપયોગીતા તરફ મોડ આપવાનો સમય પાકી ગયો છે. એ પણ યાદ રાખવાનું છે કે આધી, વ્યાધી અને ઉપાધીના આ યુગમાં તહેવારો જીવનનો પ્રાણવાયુ છે. દીનપ્રતીદીન માનવજીવન સંઘર્ષમય બનતું જાય છે. ધ્યાનથી જોશો તો દરેકના ઉપલકીયા હાસ્યની પાછળ વીષાદ છુપાયેલો જોઈ શકાશે. સ્મીત પાછળ થીજી ગયેલાં આંસુ દેખાશે. રડતાં રડતાં જીવી જવાની કળા માણસે શીખી લીધી છે. બે આંસુ વચ્ચે એણે એક સ્મીત ગોઠવી દીધું છે. બે ડુંસકાં વચ્ચે એક હાસ્ય ગોઠવી દીધું છે. એ સ્મીત અને હાસ્ય એટલે તહેવારો અને ઉત્સવો…! તહેવારો એટલે જીવનપથ પર આવતાં ઘટાદાર વૃક્ષો… જેની શીતળ છાયામાં જીન્દગીની મુસાફરીમાં થાકેલો માણસ ઘડીક વીસામો લઈ શકે છે ખરો; પરન્તુ પ્રત્યેક તહેવારો સાથે તેનાં અનીષ્ટો ભળેલાં છે. તે દુષણો બહુધા માનવપ્રેરીત હોય છે. વીવેકબુદ્ધીની ચાળણીથી તેને ગાળીચાળીને શુદ્ધ કરીશું તો ઉત્સવોની પુરી મધુરતા માણી શકાશે.

ઉત્સવોનાં અનીષ્ટોની થોડી વાત કરીએ. પ્રત્યેક દીવાળી ટાણે ધડાકીયા ફટાકડાનો તીવ્ર વીસ્ફોટ અસહ્ય બની જાય છે. બાળકો (અને મોટેરાંઓ પણ) એનાથી દાઝી ગયાની દુર્ઘટના બને છે. અહીં વીવેકબુદ્ધી એમ કહે છે કે ઝેરને અમૃત બનાવીને પીઓ. અર્થાત્ આખેઆખી આતશબાજી નાબુદ કરવાને બદલે એવા વીસ્ફોટક ફટાકડાઓ દુર કરી તેને સ્થાને ફુલઝરી, હવાઈ જેવી નીર્દોષ આતશબાજી ઉપલબ્ધ હોવી જોઈએ. લોકો સલામતપણે દીવાળી ઉજવે એમાં સરકારને પણ વાંધો ન હોય શકે. જો એમ થઈ શકે તો દીવાળીના સપરમા દીવસે દાઝી જવાની કોઈ દુર્ઘટના ના બને. હોળી આગનો  અને ધુળેટી રંગનો તહેવાર છે. આમ તો એ નીર્દોષ દેખાય છે; પરન્તુ હીસાબ ગણો તો સમજાશે કે સમગ્ર ગુજરાતમાં ટનબંધી લાકડું જલાવી દેવામાં આવે છે તેનું પર્યાવરણીય નુકસાન નાનુંસુનું નથી. ધુળેટી નીર્દોષ રંગોથી રમાય ત્યાં સુધી ક્ષમ્ય; પરન્તુ તેમાં કાદવ–કીચડ કે ઓઈલ પેઈન્ટસ્ (અથવા શરીરને નુકસાન કરે એવાં કેમીકલ્સ) ઈરાદાપુર્વક વાપરવામાં આવે છે તેવું ન થવું જોઈએ. વળી તહેવારના ઓઠા હેઠળ ક્યારેક અસામાજીક તત્ત્વો છેડતી કે મશ્કરીનો ચાળો પણ કરી લેતા હોય છે. આ બધાં દુષણો, તહેવારોને ‘અપડેટ’ કરવાની સામાજીક જરુરીયાતને સુચવે છે.

ઉત્તમ તો એ જ કે પ્રત્યેક કોમ અને ધર્મના લોકોએ, તહેવારોના રીતીરીવાજો કે નીતીનીયમોમાં કલ્યાણકારી સુધારાઓ કરવા જોઈએ. અસલના તાળી ગરબાને આપણે ડીસ્કોમાં તબદીલ કરી શકતા હોઈએ, તો આજના પ્રત્યેક તહેવારોમાં કોઈને કોઈ માનવ–ઉપયોગી વાત કેમ ન ઉમેરી દેવી જોઈએ ? ધનતેરસને દીવસે ધનની અને વાક્–બારસને દીવસે વાણીની સાચી ઉપયોગીતા અંગે વીદ્વાનોનાં પ્રવચનો દ્વારા સમજીએ, એ પણ એક કલ્યાણકારી ફેરફાર જ ગણાય. રક્ષાબન્ધનને દીને ભાઈ અને બહેન બન્ને સાથે રક્તદાન કરે તો એથી રુડું બીજું શું ? નાગપંચમીના દીને ચક્ષુદાન અને દીવાસાના દીને વસ્ત્રદાન કે વીદ્યાદાન કરવાની રસમ ચાલુ થવી જોઈએ. દીવાળીના દીને દેહદાન અને નુતનવર્ષના દીને અન્નદાન જેવા રીવાજો ઘડી કાઢવાનો સમય પાકી ગયો છે.

સંક્ષેપમાં તાત્પર્ય એટલું જ કે તમામ ઉત્સવો, રીવાજો કે તહેવારો માણસને સુખશાન્તી અને આનન્દ આપે એવા બની રહેવા જોઈએ. ગૃહીણીઓ ઘઉંમાંથી કાંકરા વીણીને ફેંકી દે છે તેમ, પ્રત્યેક ધર્મ અને કોમના ઉત્સવોમાં પ્રવેશી ગયેલાં દુષણો કે અબૌદ્ધીક આચરણો પર પ્રતીબન્ધ મુકી, તેના સ્વરુપને માનવતાભર્યો મોડ અપાવો જોઈએ.

ધુપછાંવ

સમાજમાં નેવું ટકાથીય અધીક સંખ્યામાં શ્રદ્ધાળુઓ વસે છે. તેમને નવરાત્રીમાં થતો ઘોંઘાટ અને ગીરદી પણ પવીત્ર લાગે છે. કેમ કે તે માતાને નામે થાય છે. ધાર્મીક સ્થળોની ગન્દકી પણ ગમી જાય છે. કેમ કે ત્યાં ભગવાન વસેલો છે. નાસ્તીક ઈમાનદાર હોય તોય નથી ખપતો; પરન્તુ ભગવાં વસ્ત્રોમાં છુપાયેલો ઠગ ગમી જાય છે. કેમ કે તેના મુખમાંથી ભગવાનનું નામ નીકળે છે. માત્ર ગુજરાતમાં જ નહીં મહારાષ્ટ્રમાં પણ ગણેશોત્સવ વેળા કરોડો રુપીયાની વીજચોરી કરીને રોશની કરવામાં આવે છે. કોઈ પગલાં લેવાતાં નથી કારણ કે વીજ–અધીકારીઓ પણ માને છે કે ભગવાનના કામમાં વપરાતી વીજળી ચોરી નહીં; ‘અર્ધ્ય’ ગણાય. પાપ નહીં; પુણ્ય ગણાય. આપણા તહેવારોની સાથે વાણી, વ્યવહાર અને વર્તનને પણ ‘અપડેટ’ કરવાની જરુર છે.

-દીનેશ પાંચાલ

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.