Saturday, October 19, 2013

પ્રાર્થના : અમૃતવલ્લી – રમેશ સંઘવી


[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]
જીવન શું છે ? શાના માટે છે ? કેવી રીતે જીવવું જોઈએ ? આ બધા સાચા દિલના અને સનાતન પ્રશ્નો છે. આપણા એક મંત્રમાં સરસ વાત કરી છે કે જીવનની યાત્રા અસતથી સત તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી અમૃત તરફની છે. પણ આ યાત્રા કરવી કેવી રીતે ? સૌને જીવનમાં શાંતિ, સ્વસ્થતા, સહજતા જોઈએ છે. સહુને સુખ જોઈએ છે. પણ આ મેળવવાં કેમ ? વ્યક્તિ સુખની શોધમાં જીવનભર ભટકતો રહે છે અને સુખ તો પેલા નટખટ પતંગિયાની જેમ પકડાતું જ નથી. આપણા એક સંત કવિએ કહ્યું : મૃગકી નાભિ માંહિ કસ્તુરી, ઢુંઢત ફિરત બન માંહિ. આપણી પણ એવી જ સ્થિતિ નથી શું ?
જીવનની પીડા, વેદનાનું કારણ છે સર્વત્ર વિલસી રહેલા પરમ તત્વ સાથે આપણો સંબંધ વિચ્છેદ થયો છે. જે તત્વ સર્વદેશી, સર્વકાલિન, સાર્વજનિન છે તે સર્વ વ્યાપક તત્વને આપણે વિસ્મરી ગયા છીએ. તેની સાથેની જીવન નાળ કપાઈ ગઈ છે અને આપણા પરિતાપ-સંતાપનું મૂળ છે. પ્રાર્થના આ સંબંધ જોડી આપે છે. પ્રાર્થનામાં એક ઉત્કટ શ્રદ્ધા રહેલી છે. આ શ્રદ્ધા આપણને એક ખુમારી, વિશ્વાસ આપે છે. એ વિશ્વાસની શક્તિ નિરાળા સુખના પ્રદેશમાં પ્રસન્નતાના આલોકમાં આપણને લઈ જાય છે. સમગ્ર ચૈતન્ય સાથે આપણે એકરુપ, એકલય બનીએ છીએ. જાણે વૈશ્વિક રાસલીલામાં આપણે પણ જોડાઈ ગયા છીએ. આ એક અદ્દભુત અનુભવ છે. આમ વ્યક્તિ કેવળ દેહી ન રહે, દેહમાં હોવા છતાં વિદેહી બને તે કળા પ્રાર્થના શીખવે છે. પ્રાર્થના વેળા આપણે જાણે સ્વમાં હોવા છતાં સર્વ સાથે તદ્રુપ બનીએ છીએ. જે ચૈતન્યનો ઉન્મેષ સર્વત્ર છે તેની સાથે આપણે એકાકાર બનીએ છીએ. એટલે જ પ્રાર્થનામાં ચેતોવિસ્તારનો અનુભવ થાય છે. વ્યક્તિ ‘અલ્પ’માંથી નીકળી ‘ભૂમા’માં પ્રવેશે છે.

પ્રાર્થના એટલે સમતા, જાગરુકતા, સહજતા. સમતા એટલે જ પ્રસન્નતા. આપણી ખોજ ચિર પ્રસન્નતાની છે. આવી પ્રસન્નતા, શાંતિ અને સ્વસ્થતા જાગૃતિપૂર્વકની પ્રાર્થનાથી અવશ્ય સધાય છે. આવી પ્રાર્થના પરમ ચૈતન્ય સાથે એવો તો નાતો જોડી આપે છે કે પછી બીજા બધા સ્વાદ ફિક્કા લાગે છે અને જાણે આપણે નિરંતર સુખમાં વિલસીએ છીએ. પ્રાર્થના છે ચિત્ત શુદ્ધિની સાધના. પ્રાર્થના નિરંતર અવધાનપૂર્વક થાય તો મનનો મેલ, મનના કષાયો ધોવાતા જાય છે અને તેથી જીવતરમાં હળવાશ, શાંતિ આવે છે. ચિત્ત જ્યારે શુદ્ધ થાય છે, રાગ-દ્વેષ વિહિન બને છે ત્યારે તે હળવું ફૂલ બની જ જાય અને આ અવસ્થામાં સદા આનંદ, પ્રસન્નતા સહજ બને. જગતમાં પછી વિરોધ, અવ્યવસ્થા, વેદના અનુભવાતાં નથી. એક તાજગી, સ્ફૂર્તિ, ખુમારીની પ્રતીતિ થાય છે. જાગૃતિપૂર્વકની પ્રાર્થના એ ચિત્તવિશોધિની બની રહે છે. અને પ્રાર્થનામાં થાય છે સ્વસંવાદ, આપણી જાત સાથેની મુલાકાત, વાત. આપણે આપણી જાત સાથે ભાગ્યે જ રહીએ છીએ, ઊલટું જાતથી, એકાંતથી ભાગીએ છીએ. એકાંત મળે તો આપણે તેને તુચ્છ-શુષ્ક પ્રવૃત્તિઓથી ભરી દઈએ છીએ. એકાંતમાં સભરતા, જાત સાથે ગોઠડીનો આહલાદ લેવા જેવો છે. જે પ્રાર્થના દ્વારા આપણને મળે. જો આપણી સાથેની આ મુલાકાત જાગૃતિપૂર્વક થાય તો જીવનશુદ્ધિ થાય અને મન-અંતરમાં શીળો લેપ થતો અનુભવાય.
આપણી તો શ્રદ્ધા છે કે ઈશાવાસ્યમ ઈદમ સર્વમ. એક પરમ ચૈતન્ય તત્વ વિલસી રહે છે. આગળ કહ્યું તેમ, પ્રાર્થના આ તત્વની સાથે આપણને જોડી આપે છે. આ જગતની પાછળ, તેના સંચાલન-વ્યવસ્થા પાછળ કોઈ નિયમ-કાનૂન પ્રવર્તતો લાગે છે. આ નિયમ તે ઋત અને આ ઋત તે જ પરમાત્મા. અને આ ઋતની, પરમાત્માની ઉપાસના-આરાધના તે જ પ્રાર્થના. સૃષ્ટિ જે નિયમને વશવર્તીને ચાલે છે તેમાં અડચણ-અવરોધ પેદા ન કરવા, ઊલટું આ સૃષ્ટિની સેવા કરવી તે પણ પ્રાર્થના. આ સૃષ્ટિને ઓછામાં ઓછું નુકશાન થાય, તેની વ્યવસ્થામાં ઓછામાં ઓછું વ્યવધાન આવે તે રીતે જીવીએ. કેવળ પોતાના માટે ન જીવતાં અન્ય માટે પણ જીવીએ આ પણ પ્રાર્થના. આ પ્રાર્થના કોઈ જડ ક્રિયાકાંડ નથી. કેવળ મુખપાઠ નથી. ખરેખર તો પ્રાર્થના કરવી ન પડે અને છતાં થઈ જાય તે પ્રાર્થના. આ સભર સભર પ્રકૃતિ, આ ખૂલ્લું આકાશ અને તેની ભવ્યતા, આ વૃક્ષ-વલ્લરીઓ, પશુ-પંખી, પુષ્પો-કુદરતની આ વિધવિધ લીલાઓ અને તેની સાથે રહેવું તે પણ પ્રાર્થના. કુદરત સાથે જીવીએ એટલે સહજ પ્રાર્થનામય જીવાય. વ્યક્તિ સ્થૂળ સ્વચેતનામાંથી બહાર નીકળી સહજતામાં વ્યાપકતામાં પ્રવેશે. કુદરત સાથે રહીએ એટલે આપણે પણ કુદરત જેવા સહજ, સ્વાભાવિક, વહેતા રહીએ અને જીવનના નિતનવા આયામ ખૂલે.
વિનોબાજી પ્રાર્થનાને સ્નાન, નિદ્રા અને ભોજન સાથે સરખાવે છે. સ્નાનની જેમ તાજગી-સ્ફૂર્તિ, નિદ્રાની જેમ આરામ અને ભોજનની જેમ પુષ્ટિ મળે છે. તે સઘળું પ્રાર્થનાથી સધાય છે. નિરંતર પ્રાર્થના કરનાર અનુભવે છે કે તે એક સમજણ પૂર્વકની શ્રદ્ધાના પ્રદેશમાં ગતિ કરી રહે છે. એ શ્રદ્ધા જ શક્તિ બની સતત મદદ કરે છે. જીવનમાં શ્રદ્ધા કેટલી ઉપયોગી છે ! શ્રદ્ધા તો છે એક તારક બળ. આ શ્રદ્ધાનો દીપક આંતર બાહ્ય આલોક ફેલાવે, અને દુઃખ-દૌર્બલ્યથી મુક્તિ આપે. આપણે સહુ અહમહમિકામાં, સ્વાર્થોમાં, સ્પર્ધા અને તુલનામાં દુન્યવી ક્ષુલ્લક વ્યવહારોમાં આપણી જાતને ખતમા કરીએ છીએ. પ્રાર્થના રૂપી ધ્રુવતારક આપણને સતત પ્રકાશ અને માર્ગદર્શન આપી તેમાંથી ઉગારે છે. તેને નજર સામે રાખીને આપણી હોડી ચલાવીએ તો ભૂલા પડવાની કે ભટકવાની સંભાવના નથી.
પ્રાર્થનામાં સુંદર લય, તાલ, શબ્દો એ બધું ઉપયોગી છે પણ મુખ્ય જરૂર છે ભાવની. હૃદયના ઉત્કટ ભાવથી સાદા શબ્દો પણ અંતરના પરમોચ્ચ ઉદ્રેક સાથે પ્રગટ થાય તો અમોઘ બની રહે છે. અંદરની તડપન, વ્યાકુળતા એ જ મહત્વના છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ મા કાલીને કેવા તો વ્યાકુળ થઈને પ્રાર્થતા ! પોતાની જાતનું પણ ભાન ન રહેતું. આવી તન્મયતા સધાય તો બેડો પાર. પછી તો આઠે પહોર આનંદ. પ્રાર્થના છે એક ઊંડી પ્રતીતિ. મહાત્મા ગાંધી કહેતા : ખોરાક અને પાણી વિના હું કેટલાય દિવસ ચલાવી શકું પણ પ્રાર્થના વિના એક દિવસ કાઢવો પણ અશક્ય છે. તેઓ કહેતા : ‘મારી પ્રાર્થનાનો ઈશ્વરે જવાબ ન આપ્યો હોય તેવું કદી બન્યું નથી.’ પ્રાર્થના દ્વારા અંતરાત્માનો અવાજ જરૂર સંભળાય છે. આપણી પાસે તે સાંભળવા કાન હોવા જોઈએ.
જીવન અમૂલ્ય છે. જીવન જીવવા જેવું છે. તે સાધન છે. તેના દ્વારા સાધ્ય પ્રાપ્ત કરવાનું છે. પ્રાર્થના તે સાધ્ય તરફનું માધ્યમ છે અને સહજ નિરંતર પ્રાર્થનામય જીવન તે સાધ્ય પણ છે. પૂરી તન્મયતાથી, સમજણથી, જાગૃતિથી નિરંતર પ્રાર્થના વ્યક્તિને સુખથી સભર બનાવશે. આપણે પ્રાર્થના ક્યારેય ન ભૂલીએ. પરમ તત્વને ન ભૂલીએ. તેની સાથેનો સંવાદ, સ્વ સાથેનો સંવાદ પણ ન ભૂલીએ અને ચિત્તશુદ્ધિની સાધના સતત કરતા રહીએ. પ્રાર્થના, હૃદયની ભાવભરી પ્રાર્થના- આરત આપણને તે માટે મદદ કરશે. અને પ્રાર્થનાનું સાકાર સ્વરૂપ છે નિઃસ્પૃહભાવે કરેલી જગતની સેવા. જગતની સેવા જગતનિયંતા સાથે જોડી આપશે.
સૌજન્ય રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.