Saturday, August 31, 2013

થોડાં ખાંખાંખોળાં બ્રાઉઝરમાં- હિમાંશુ કીકાણી

આજે વાત કરીએ ઇન્ટરનેટના પાયાની, એટલે કે બ્રાઉઝરની. ટેકનિકલી બ્રાઉઝરને ઇન્ટરનેટનો પાયો ન કહેવાય, કેમ કે ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દુનિયામાં જે નવી એપ્લિકેશન, સર્વિસ કે સાઇટ બને છે તે કેટલીય પ્રક્રિયાઓમાંથી પસાર થઈને છેવટે બ્રાઉઝર સુધી પહોંચે છે. એ રીતે જોઈએ તો બ્રાઉઝર ઇન્ટરનેટનો છેડો છે, પણ આપણા માટે તો એ પહેલું પગથિયું છે!
ઇન્ટરનેટ સર્ફિંગ કરવા માટે હવે આપણે સૌ મોટા ભાગે ફાયરફોક્સ કે ક્રોમનો ઉપયોગ કરીએ છીએ, પણ થાય છે એવું કે બ્રાઉઝર ઓપન કર્યા પછી આપણે સીધા ઇન્ટરનેટની વિરાટ દુનિયામાં ખાબકી જઈએ છીએ એટલે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોવા છતાં, તેનાં કેટલાંક ઉપયોગી પાસાં આપણા ધ્યાન બહાર રહી જાય છે. બ્રાઉઝરની આવી એક ખૂબી છે બુકમાર્ક્સ સિન્ક કરવાની.
બુકમાર્ક શબ્દ જેમના માટે અજાણ્યો છે એમના માટે ફટાફટ સમજણ - જેમ પુસ્તક વાંચતી વખતે આપણે કયા પાને અટક્યા એ યાદ રાખવા તેમાં જૂનું પોસ્ટકાર્ડ કે સરસ મજાનું બુકમાર્ક મૂકીએ છીએ એ જ રીતે ઇન્ટરનેટ પર અનેક સાઇટ જોતા હોઈએ તેમાંથી જે સાઇટ ઉપયોગી અને ભવિષ્યમાં ફરી જોવા જેવી લાગી હોય તેને આપણે બ્રાઉઝરની મદદથી બુકમાર્ક કરી શકીએ છીએ. ઇન્ટરનેટ બ્રાઉઝરમાં બુકમાર્ક માટે ફેવરિટ શબ્દ વપરાયો છે અને ફાયરફોક્સ કે ક્રોમમાં તેને માટે બુકમાર્ક શબ્દ જ વપરાયો છે. બુકમાર્ક જે તે સાઇટનું એડ્રેસ યાદ રાખવા માટે તો કામ લાગે જ છે, પણ જે તે સાઇટનાં વિવિધ વેબ પેજીસ તમે સર્ફ કરતા હો તો ઉપર એડ્રેસબારમાં જોતાં સમજાશે કે સાઇટની અંદરનાં વેબપેજનાં એડ્રેસ યાદ રાખવાં લગભગ અશક્ય હોય છે. આ સ્થિતિમાં કોઈ ચોક્કસ વેબપેજ યાદ રાખવા માટે બુકમાર્ક બહુ કામની સગવડ છે.
હવે મોટા ભાગે લોકો ક્રોમ વાપરતા થયા છે એટલે આપણે ક્રોમની વાત કરીએ. ક્રોમમાં કોઈ પણ સાઇટનું એડ્રેસ તમે ભાવિ ઉપયોગ માટે સાચવી લેવા માગતા હો તો સૌથી સહેલો રસ્તો એડ્રેસ બારમાં જમણા ખૂણે રહેલા સ્ટાર પર ક્લિક કરવાનો છે. સ્ટાર પર ક્લિક કરતાં જે વિન્ડો ખૂલે એમાં તમે જોશો તેમ વિવિધ બુકમાર્કને વિવિધ ફોલ્ડરમાં સાચવી શકો છો. કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં વિવિધ ફોલ્ડરમાં ફાઇલ સાચવીએ એ જ રીતે. આ કારણે એક જ વિષયના જુદા જુદા બુકમાર્ક સાચવવા સરળ બની જશે. આ બુકમાર્ક ફરી એક્સેસ કરવા હોય તો ક્રોમમાં છેક જમણે ક્લચટૂલની નિશાની પર ક્લિક કરી, બુકમાર્ક્સ પર ક્લિક કરીને, ‘શો બુકમાર્ક્સ બાર’ પસંદ કરી લેશો એટલે એડ્રેસ બારની નીચેની પટ્ટીમાં તમે બનાવેવા વિવિધ બુકમાર્કનાં ફોલ્ડર અને ફોલ્ડરની બહાર રહેલા બુકમાર્ક દેખાશે.
તમે ઇન્ટરનેટનો વારંવાર ઉપયોગ કરતા હો અને અમુક સાઇટ કે તેનાં પેજ વારંવાર જોતા હો તો ફક્ત એકવાર થોડો સમય ફાળવીને બુકમાર્ક્સ સેટ કરી લેશો તો વારંવાર એડ્રેસ ટાઇપ કરવાની ઝંઝટ ટળી જશે.
હવે આ તો એક કમ્પ્યૂટર પર બુકમાર્ક રાખવાની વાત થઈ. જે લોકો ઓફિસ અને ઘર બંને જગ્યાએ નેટ સર્ફિંગ કરતા હોય તે બંને જગ્યાનાં કમ્પ્યૂટર પર એક સરખા બુકમાર્ક ગોઠવી શકે છે (વાસ્તવમાં, માત્ર બુકમાર્ક નહીં, પણ બ્રાઉઝિંગનો સમગ્ર એક્સરપિરીયન્સ તમે સિન્ક કરી શકો છો).
આ માટે તમારું ગૂગલ એકાઉન્ટ તમારી મદદે આવશે (તમારું જીમેઇલનું એકાઉન્ટ અને ગૂગલ એકાઉન્ટ એક જ હોવા છતાં, થોડાં જુદાં પણ છે, ક્યારેક એની વિગતે વાત કરીશું). તમારા ગૂગલ એકાઉન્ટની મદદથી ક્રોમમાં સાઇન ઇન થાઓ (ફરી ક્લચટૂલ પર ક્લિક કરીને આગળ વધવું પડશે) અને તમારો ડેટા સિન્ક કરવાનો વિકલ્પ પસંદ કરો.
હવે તમે જ્યારે પણ, કોઈ પણ મશીનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો અને તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થશો એટલે તમારા તમામ બુકમાર્ક તમને ક્લિકવગા રહેશે. તમે ઓફિસના લેપટોપ પર કામ કરતા હો અને તેમાં કોઈ બુકમાર્ક ઉમેરો, પછી ઘેર જઈને પીસીમાં ક્રોમ ઓપન કરી સાઇન ઇન કરશો ત્યારે એ નવો બુકમાર્ક તમે અહીં પણ જોઈ શકશો! સગવડ નાનકડી છે, પમ ઉપયોગીતા બહુ મોટી છે.
ફાયરફોક્સમાં પણ તમે તમારો ડેટા સિન્ક કરી શકો છો, પણ એ માટે તમારે ફાયરફોક્સમાં અલગથી નવું એકાઉન્ટ ખોલાવવું પડશે.
સૌજન્ય : સાઈબરકાફે . કોમ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.