Thursday, August 29, 2013

કાગળ, પેન અને હું-યશવંત ઠક્કર

કમ્પ્યુટર અને કી બોર્ડની લાંબી  સંગત પછી હું જ્યારે કાગળ પર પેનથી લખવાનો પ્રયાસ કરું છું ત્યારે મને લાગે છે કે, જાણે હું વર્ષો પહેલાં મેં છોડેલા મારા નાનીધારી  ગામ તરફ  પાછો જઈ રહ્યો છું.
મારા લખાણની પંક્તિઓમાં મને મારા નાનીધારી ગામ તરફ જતા રસ્તાઓનાં દર્શન થાય છે.
મારા  અક્ષરોના વળાંકોમાં મને મારા ગામની દેદુમલ નદીના વળાંકો નજરે પડે છે.
મારા લખેલા શબ્દોની માત્રાઓ મને મારા ગામના આકાશમાં ઊડતાં કબૂતરો જેવી લાગે છે. અને, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ જાણે કે, કાંટાળી વાડમાંથી સાવ અચાનક બહાર નીકળીને ફરરર કરતાં ઊડી ગયેલાં તેતરો. 
આ કાનાઓ ક્યારે ખાંભીઓ થઈને ખોડાઈ ગયા એની તો મને ખબર જ ના રહી.  આજે એને જોઉં છું તો મને મારા ગામની ધાર પરની ખાંભીઓ નજરે તરે છે. 
આ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જાણે કે મારા ગામના ચોમાસામાં કાગડો થઈને ઊડી ગયેલી છત્રીઓ. 
આથમતા સૂર્ય જેવા આ અનુસ્વરોનો ફરીથી ઉદય થશે ખરો? 
પરંતુ …
મેં સાંભળ્યું છે કે,  મારું નાનીધારી ગામ પણ, કમ્પ્યુટરમાં બદલાયેલા વર્ઝનની જેમ  હવે  બદલાઈ  ગયું  છે. 
મારા ગામના કેડા હવે સડક બની ગયા છે. .
દેદુમલ નદીના વળાંકો હવે પાણી વગર ઉઘાડા થઈ ગયા છે.  
કબૂતરો અને તેતરો હવે મોબાઈલમાં Save  થઈ ગયાં છે. 
ગામની ખાંભીઓ પર કોઈએ અપશબ્દો લખવાની બેવકુફી કરી છે. 
રેનકોટ સામે હારેલી  છત્રીઓ હવે  કાયમી ખૂણો પાળે છે. 
છેલ્લે , મારે એ પણ ન ભૂલવું જોઈએ કે, સૂર્ય ન તો આથમે છે… ન તો ઊગે છે.
મારે જ  સૂર્યની સમક્ષ આવવું રહ્યું!
હું પ્રયાસ કરું છું.  
સૌજન્ય : યશવંત ઠક્કર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.