Thursday, August 15, 2013

એક યાદગાર પ્રેરક પ્રસંગ – વૈશાલી માહેશ્વરી


હું ‘સ્ટૂડન્ટ વિઝા’ પર અમેરિકા ભણવા આવી તે વર્ષ 2006ની આ વાત છે. વાપી જેવા નાના શહેરમાંથી હું મોટી થઈ છું. શાળા અને કૉલેજ બધું પરિવાર જોડે રહીને વાપીમાં જ પૂરું કર્યું. પરિવારને છોડવાનો અને બીજા દેશમાં જવાનો આ મારો પહેલો અનુભવ હતો. મારા પિતાજીના એક પિત્રાઈ ભાઈ, રાજેન અને એમના પત્ની રીના મને ન્યૂયોર્ક એરપોર્ટ પર લેવા આવ્યાં. એમનો અને મારો જરાક પણ સંપર્ક નહોતો, પણ બીજું અમારું નજીકનું કોઈ ન્યૂયોર્ક પાસે રહેતું નહોતું. તે કારણે મારા પપ્પાએ તેમને ભલામણ કરી કે તેઓ મને અરપોર્ટ પર લેવા આવે.
એ લોકો ન્યુજર્સી રહેતા હતાં અને મારી કૉલેજ ન્યુયોર્કમાં હતી. તેઓ મને એરપોર્ટથી ઘરે લઈ ગયા. એ દિવસે શનિવાર હતો અને મારે મંગળવારે કૉલેજમાં હાજરી આપવાની હતી એટલે રાજેનભાઈ અને રીનાભાભીએ મને ન્યુયોર્કમાં રહેવા માટે ઘર મળી રહે એ હેતુથી ન્યુયોર્ક જઈને મારા રહેઠાણની વ્યવસ્થા શોધવાનું નક્કી કર્યું. રવિવારે અમે ત્રણેય જણા ઘર શોધવા માટે રવાના થયાં. રાજેનભાઈ જોબ કરતા હતાં એટલે તેઓ મને સોમવારે કોલેજ મુકવા આવી શકે તેમ નહોતાં. તેથી એમણે મને ટ્રેન અને બસમાં કઈ રીતે જવાનું એ રસ્તો બતાવવાનો નિર્ણય કર્યો. મને એમને જાણ કરી કે ‘તને ન્યુયોર્કમાં રહેવાનું ન મળે તો તારે કૉલેજ મંગળવારે એકલા જવું પડશે….’ મને મનમાં ગભરામણ થતી હતી પરંતુ મારી પાસે ‘હા’ કહેવા સિવાય બીજો કોઈ ઉપાય નહતો. પરંતુ એ દિવસે સદનસીબે (એટલે કે મારા સદનસીબે !) અમે ટ્રેન ચુકી ગયા એટલે ન છુટકે એમની કારમાં જવું પડ્યું.

છેવટે મને ન્યુયોર્કમાં ઘર મળી ગયું. બધું નક્કી થયું અને સાથે બીજી એક ગુજરાતી રૂમમેટ મિરિતા પણ મળી ગઈ. તે પણ મારી જેમ શનિવારે જ અમેરિકા આવી હતી. અમે બંનેએ એક જ કોલેજમાં એડમિશન લીધું હતું. અમારે બંનેએ એક પંજાબી પરિવારના ઘરમાં ભોંયરામાં રહેવાનું હતું. મને મારા જેવી જ ભારતની એક રૂમમેટ મળી ગઈ એટલે હું બહુ ખુશ થઈ ગઈ. મને એ જ દિવસે રાજેનભાઈ અને રીનાભાભી મારા સામાન સાથે ન્યુયોર્ક મૂકી ગયા. હું મનમાં નવી જિંદગી શરૂ કરવા માટે ઉત્સાહિત હતી અને સાથે સાથે થોડી ગભરાયેલી પણ હતી.
મારે અને મિરિતાએ બીજે દિવસે કૉલેજ જવાનું હતું. અમે લોકો આ દેશ માટે નવા હતા, તેથી પંજાબી આન્ટી અમને બસ સ્ટોપ પર મુકવા આવ્યા અને અમને સલાહ આપી કે અહીં અમુક નંબરની બસ આવશે એમાં તમે ચઢી જજો. ૨૦-૨૫ મીનીટમાં તમારી કોલેજ આવી જશે. અમે એમની સુચના મુજબ બસ આવી એટલે ચઢી ગયા. બસમાં ચડતાં જ ડ્રાયવર અને પેસેન્જર સહિત બધા જ સફેદ અમેરિકનને જોઈને અમને થોડું અજુગતું લાગ્યું. નવા ચહેરાઓ અને નવી ભાષા…. અમે બંને થોડા ગભરાયેલા હતા, એટલે બંને જઈને એકબીજાની બાજુની સીટ પર બેસી ગયા.
20-25 મિનીટ સુધી બસમાં હું અને મિરિતા એકબીજા જોડે એમ જ વાતો કરતાં હતાં. જોત જોતામાં ઘણો સમય વીતી ગયો. અમને એમ કે બસ થોડી મોડી પહોંચશે એટલે અમે શાંતિથી બેઠાં રહ્યાં. પરંતુ ૪૫ મિનીટ થઇ ગઈ અને અમારી કોલેજ ના આવી, એટલે અમને ચિંતા થવા લાગી. અમે વિચાર્યું કે બસ ડ્રાયવરને પૂછીએ અથવા બીજા કોઈ પસેન્જરને પૂછીએ. પરંતુ એ લોકોની બોલવાની છટા એકદમ જ જુદી લાગી, એટલે હિંમત ના થઈ. છેલ્લે અમે હિંમત ભેગી કરીને બસ ડ્રાયવરને પૂછ્યું કે ‘અમારી આ કોલેજ છે અને એ ક્યારે આવશે ?’ બસ ડ્રાયવર તો એક્દમ વિસ્મયથી અમારી સામે જોવા લાગ્યો અને અમને કહ્યું કે ‘આ બસ તો એ કોલેજ તરફ જતી જ નથી અને આ બસ તો આખા અલગ જ રૂટ પર જાય છે….’ આ સાંભળી હું અને મિરિતા એક્દમ ગભરાઈ ગયા કે હવે શું કરવું ? બસ ડ્રાયવરની સલાહ મુજબ અમે બીજા સ્ટોપ પર ઉતારવાનું નક્કી કર્યું અને પછી ત્યાંથી કોઈ બસ જતી હોય એમાં જવાનો વિચાર કર્યો.
અમે બસમાંથી ઉતરીને આજુબાજુ જોયું તો કાંઈ જ ખબર ના પડે. એક પણ માણસ ના દેખાય. એકદમ સન્નાટો. બસ, ગાડીઓ આવ-જા કરતી હતી. અમે એમને એમ ચાલતાં ગયાં. થોડીવારે એક સ્ટોરમાં દાખલ થયા તો એક બ્લેક આફ્રિકન ભાઈ હતાં. અમને બહુ ભય થવા લાગ્યો. અને એ કદાચ બ્રૂક્લીન વિસ્તાર હતો, જે વિશે અમે સાંભળ્યું હતું કે ત્યાં ગંભીર ગુના ઘણા થાય છે. બીજું કે મારા અને મિરિતાના બેગમાં કૉલેજ ફી ભરવાના ઘણા ડૉલર હતા તેથી અમને બહુ ચિંતા થતી હતી કે અમને કોઈ હેરાન કરશે તો ? અમે એક આફ્રિકનને સ્ટોરમાં જઈને પૂછ્યું કે આ કોલેજ જવા માટે બસ ક્યાંથી મળશે તો એણે કીધું કે અહીંથી બસ નહિ મળે. અમે એકદમ જ નિરાશ થઇ ગયા. ક્યાંક કોઈ ફોનબુથ પણ ન દેખાય.
છેલ્લે અમે ચાલતા ચાલતા એક સ્ટોર નજીક પહોચ્યાં. સ્ટોરની બહાર એક ગણેશજીની મૂર્તિ જોઈ. થોડું નજીક ગયા તો કૃષ્ણ ભગવાનનું ચિત્ર અને બીજી બહુ બધી ભારતીય હસ્તકલાની વસ્તુઓ જોઈ. અમને તો જાણે ભગવાન સાક્ષાત મળી ગયા હોય એવું લાગ્યું. અમે એ સ્ટોરમાં અંદર ગયા. ત્યાં એક ભારતીય અંકલ હતાં. એમને અમે પૂછ્યું કે અમે આ કોલેજ કેવી રીતે પહોંચી શકીએ. એમણે અમને ગભરાયેલા જોઇને પૂછ્યું કે ‘શું તમે નવા છો ?’ અમે હા પડી અને એમણે અમને કહ્યું કે તેઓ ગુજરાતી છે અને અમદાવાદના છે. એમણે કહ્યું કે ‘બસ વિશે મને બહુ ખબર નથી, કારણકે હું તો ગાડીમાં જ આવ-જા કરું છું. પણ એક-બે મારા ઓળખીતાને પૂછી જોઉં કે અહીંથી જો કોઈ બસ હોય તો….’ પછી અમને ખબર પડી કે બસ તો હતી જ નહિ એ રૂટ પરથી. એટલે એમણે અમને કહ્યું કે હું તમને મૂકી જાઉં મારી ગાડીમાં ? એમ તો અમને બંનેને થોડો આનંદ થયો પણ થોડું અજુગતું લાગ્યું કે અજાણ્યા દેશમાં, અજાણી વ્યક્તિ જોડે અમે આ રીતે ગાડીમાં કેવી રીતે જઈએ ? અમારા એ ભાવ મોઢા પર દેખાઈ ગયા. અંકલ સમજુ હતા. એમને ખબર પડી ગઈ કે અમે બંને હજુ પણ ગભરાઈએ છીએ એટલે એમણે કહ્યું કે ‘ચિંતા ના કરશો. મારા વાઈફ અંદર જ છે – સ્ટોરમાં… હું એને પણ જોડે લઈ લઉં છું….’ પછી એમણે એમના સ્ટોરની આગળ ‘વિલ બી બેક ઈન એન અવર…’ નું બોર્ડ મારી દીધું અને સ્ટોર બંધ કરીને અમને કોલેજ મુકવા આવ્યાં.
ગાડીમાં જતી વખતે એમણે અમારા ફેમિલી વિશે જાણ્યું અને અમને આ નવા દેશમાં રહેવા માટે બહુ હિંમત આપી. એમણે એમનું બિઝનેસ કાર્ડ પણ અમને આપ્યું અને કહ્યું કે ‘તમને ક્યારેય પણ જરૂર પડે તો વિના સંકોચે અમને ફોન કરજો. અમે તમારા જેવા વિદ્યાર્થીઓની મદદ કરવા હંમેશા ઉત્સુક છીએ.’
એ દંપતી તો અમારી માટે બહુ જ મોટી પ્રેરણારૂપ હતું. અમારા જેવા સાવ આજાણ્યા લોકો માટે, પોતાનો સ્ટોર બંધ કરી, અમને છેક કોલેજ સુધી પોતે મુકવા આવ્યાં. તેઓ અમને ટેક્ષીમાં પણ મોકલી શકતાં હતાં, પણ એમને ખબર પડી ગઈ કે અમે હજુ અહીં ગઈ કાલે જ આવ્યા છીએ, એક્દમ ગભરાઈ ગયા છીએ અને એ વિસ્તાર પણ યોગ્ય ન હતો. તેથી આટલું બધું વિચાર્યા બાદ એમણે જાતે જ અમને મુકવા આવવાનો વિચાર કર્યો અને તે પણ કોઈ પણ જાતના સ્વાર્થ વગર ! અમે એ દિવસે નિશ્ચય કર્યો કે ભવિષ્યમાં અમે પણ આગળ પહોંચી જઈશું ત્યારે અમારાથી બને તેટલી લોકોને આ રીતે મદદ કરીશું.
(સત્યઘટના )
સૌજન્ય : રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.