Wednesday, March 6, 2013

શું ઈશ્વર: જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે ?

આજકાલ ઈશ્વરના અસ્તીત્વ વીશે ચર્ચા ચાલે છે; પરન્તુ ધારો કે ઈશ્વર હોય તો વીશ્વના સંચાલનમાં ઉચીત–અનુચીત બાબતે સામાન્ય બુદ્ધીથી વીરુદ્ધ તો વ્યવહાર ન જ કરે ને ? દરેકને ઉચીત વીકાસની વાજબી તક તે આપે જ. ઘણા આસ્તીકો એમ માને છે કે માનવીના વીકાસમાં, વાસ્તુશાસ્ત્ર મુજબ તેનું ઘર વાઘમુખું છે કે ગૌમુખું તેના પર, તેના દરવાજાથી માંડી અસંખ્ય વસ્તુઓ કઈ દીશામાં છે તેના પર છે. એ જ રીતે, જ્યોતીષ મુજબ તેના ઘરના બાંધકામની શરુઆત કયા સમયે કરી, તેમ જ તે ત્યાં રહેવા જે સમયે ગયા હોય તેના ચોઘડીયા પર તેનાં સુખશાન્તી આધારીત છે. એ રીતે કર્મકાંડ મુજબ ચોક્ક્સ જ્ઞાતીના માણસ પાસે ચોક્ક્સ વીધી કરાવી હોય તેના પર, શરીરનાં અંગો પર મંત્રેલી કે પવીત્ર ગણાતી વસ્તુઓ ધારણ કરી હોય તેના પર તેની પ્રગતી આધાર રાખે છે. આવું જ્યારે આસ્તીકો જાહેર કરે છે, ત્યારે એમ થાય કે ઈશ્વર આપણી સાથે જુગાર રમે છે કે શું ? આને ન્યાયી વ્યવહાર કહેવાય ખરો ?

નીયતીમાં જરા પણ ફેરફાર થઈ શકે નહીં, વીધીના લેખ મીથ્યા થાય નહીં, એવી માન્યતા છે; છતાં મતલબી આસ્તીક એમ પણ કહેશે કે નીયતી જાણી પણ શકાય, એમાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર પણ કરી શકાય. એ માટે ચોક્કસ માણસ પાસે ચોક્કસ વીધી કરાવવાથી ધારેલું પરીણામ મેળવી શકાય. જો એમ હોય તો, આને દૈવીશક્તીનું જુગારીમાનસ કહેવાય ને ? નહીં કહેવાય કે ?

કેટલાક માણસો અસંખ્ય ખોટાં અને અમાનવીય કામો કરી, પાપમુક્તી માટે ભક્તીનું રુપાળું નામ આપી, દૈવીશક્તીની ખુશામતનો રસ્તો અપનાવી, દાનરુપે લાંચ પણ આપે છે અને એ રીતે ખોટાં કામ કરવાની જાણે ‘પરમીટ’–પરવાનો મેળવે છે ! ઈશ્વર ખુશામતથી ખુશ થઈ કંઈ પણ વધારે આપે, એટલે કે અન્યાયી વલણ અપનાવે એ વાત શું વાજબી લાગે છે ખરી ? ઈશ્વર મીથ્યાભીમાની હોય ? તે ખુશામતથી ખુશ થાય ? ઈશ્વર ખુશામતખોર અહંભાવી, રુશ્વતખોર કે ફુલણજી છે કે ?

આસ્તીકોએ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે ઈશ્વર જુગાર ન રમે, ખુશામત પસંદ ન કરે, મીથ્યાભીમાની પણ ન હોય, લાંચ સ્વીકારે એવો લાંચીયો પણ ન હોય અને જો એ એવો હોય તો તે ઈશ્વર નહીં, શેતાન જ કહેવાય.

ધર્મના આવા વીરોધાભાસો નહીં સમજાવી શકવાને કારણે, ‘આ બધું ગુઢ છે, માનવબુદ્ધીથી પર છે, અનુભુતીનો વીષય છે, બ્રહ્મલીલા છે’ – એવુંતેવું સમજાવી ભ્રમો ફેલાવવાનું હવે આપણે બંધ કરવું–કરાવવું જ રહ્યું.

માનવે પોતાના વીકાસ માટે પોતાના પર જ આધાર રાખવો પડે છે એ દેખીતું છે અને સીદ્ધ છે. માટે આવી અબૌદ્ધીક વાતો ત્યાગી, માનવકલ્યાણ પર ભાર મુકી, વૈજ્ઞાનીક અભીગમ જાળવીને પ્રયત્નો કરવાની જરુર છે.

– ‘નીરાંત’

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.