Thursday, March 28, 2013

જીવનની સાર્થકતા – વિરેન શાહ

માણસમાં સમજણ જેમ જેમ આવતી જાય તેમ તેમ પુખ્તતા આવતી જાય છે. જેમ કે નાની ઉંમરે વ્યક્તિની સમજ, હિંમત અને પુખ્તતા એની ઉંમર જેટલી મર્યાદિત હોય છે. એ પછી જ્યારે ઉંમર વધે ત્યારે સમજ વિકસતી જાય છે. એ સમજ વ્યક્તિને પોતાનો સમય કઈ રીતે પસાર કરવો એનું જ્ઞાન આપે છે. મારી દષ્ટિએ મોટાભાગના લોકો પુખ્તતા અથવા સમજણને ભણવાનું પૂરું થાય એ પછી તાળું મારી દેતા હોય છે ! એ પછી એમનામાં ખાસ વધારો જણાતો નથી. આ રીતનું જીવન જાણે સુખ-સગવડોની કેદમાં બંધાઈ જાય છે. સમજ વિકસિત ન થાય તેથી જાગૃતતા પણ વિકસતી નથી. જીવનનો વિકાસ અટકી જાય છે. છેવટે એક જ રૂઢિમાં સવારથી સાંજ, સાંજથી રાત એમ દિવસો, અઠવાડિયાઓ અને વર્ષો ચાલ્યા જાય છે.
એક ફિલ્મમાં કોઈક જુવાન વ્યક્તિને ગાડી લઈને ઘરે આવતો બતાવવામાં આવે છે. લગભગ દોઢ-બે મિનિટ પછી એ જ વ્યક્તિને ફરીથી ગાડી લઈને ઘરે આવતો બતાવવામાં આવે છે, પરંતુ આ બીજીવારના દ્રશ્યમાં ફરક એ છે કે તે વ્યક્તિના વાળ સફેદ થઈ ગયેલા છે, ઘર વીસ વર્ષ જૂનું થઈ ગયું છે અને બાળકો યુવાન અથવા પરિણીત થઈ ગયા છે. આ દ્રશ્યનો અર્થ એ છે કે વચ્ચેના વીસ વર્ષોમાં માણસ રોજિંદી ઘટમાળમાં એવો તો ઘેરાઈ ગયેલો છે કે ફિલ્મમાં વચ્ચેના એ વીસ વર્ષોમાં શું થયું એ બતાવવાની જરૂર જ નથી રહેતી ! આ વાત અહીં કરવાનો ઉદ્દેશ એ છે કે ભણવાનું પૂરું થાય અને વ્યક્તિ નોકરીએ લાગી જાય પછી જીવનમાં જાણે કશું નવું બનતું જ નથી. રૂઢિગત જીવન ચાલ્યા કરે છે. લોકો નોકરી-બાળકો અને સામાજિક જવાબદારીઓની ઘરેડમાં એવા તો જકડાઈ જાય છે કે ચક્કરની જેમ બસ ગોળગોળ ફર્યા કરે છે ! એ બધાની વચ્ચે માણસનો વ્યક્તિગત વિકાસ સાવ શૂન્ય થઈ જાય છે.
આમાં વ્યક્તિનો વાંક ઓછો છે કારણ કે માણસ સંજોગોનો શિકાર બનતો હોય છે. પણ તેમ છતાં, અમુક ટકા લોકો એવા છે જે કોઈ પણ સંજોગોમાં પોતાનો વ્યક્તિગત વિકાસ જાળવી રાખે છે. શાળાના દિવસો દરમ્યાન થતી શીખવાની ઈચ્છા, કૂતુહલ કે ઉત્સુકતાને તેઓ આજીવન સાચવી શકે છે. જે લોકો આ જાળવી શકે છે તેઓ બીજા સામાન્ય લોકોથી જુદા પડે છે. આ પ્રકારના લોકોને એક વસ્તુ ખબર હોય છે કે એમને શું જોઈએ છે – અને તેથી એ લોકો સતત નવું શીખવાનું અને જાણવાનું ચાલુ જ રાખે છે. દર વર્ષે કે દર મહિને એ લોકો પોતાની જાતને ‘અપગ્રેડ’ કરતા રહે છે અને તેમને એમ કરવાનો આનંદ આવે છે. જીવનમાં કશુંક નવું જાણતા રહેવાની આ પ્રક્રિયા એમને ઘણા ફાયદાઓ કરી આપે છે. જેમ કે, આ પ્રકારના લોકો માનસિક રીતે વધુ તંદુરસ્ત અને વિકટ પરિસ્થિતિઓમાં પણ પોતાનું માનસિક સંતુલન જાળવી શકે તેવા બની રહે છે. તેઓને શારીરિક તંદુરસ્તીનો લાભ પણ મળતો રહે છે કારણ કે સંપૂર્ણ માનસિક શાંતિ એમના શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ લોકો જીવનના પ્રશ્નોથી ઝટ ગભરાઈ ઊઠતા નથી. તેઓ જીવનમાં પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી જ ન થાય એ પ્રકારનું આગોતરું આયોજન કરનારા હોય છે.
આ સાથે ઉત્સાહથી જીવન જીવનારને બીજો ફાયદો એ થાય છે કે એના વિચારોની સ્થિરતા એને સારો એવો આર્થિક ફાયદો પણ કરી આપે છે. તેઓ જીવનના અંત સમયે પણ પૈસે-ટકે સ્થિર રહી શકે છે. વિશ્વ-પ્રવાસની પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે છે. વિશ્વની સંસ્કૃતિઓની અનુભૂતિ માણી શકે છે. એમનું નિવૃત્ત જીવન એવી રીતે પસાર થાય છે જેવું અગણિત લોકો પોતાના સપનામાં આદર્શ રૂપે જોતા હોય છે ! જીવનના અંતે એમને પોતાની અંદરથી એક હાશકારો મહેસૂસ થાય છે કે જીવન ખૂબ સફળતાપૂર્વક પસાર થયું અને કોઈ કામ ખોટું થયાનો એમને રંજ રહેતો નથી.
શું આ પ્રકારનું વહેતી નદી જેવું જીવન દરેક જણ રાખી શકે ખરું ? જો કુદરતી રીતે વિચારવાની આ પ્રકારની પદ્ધતિ વિકસી ન હોય તો પણ યોગ્ય દિશા વિશે જાણ્યા પછી સતત પ્રયત્નો કરીને જાગૃતતા કેળવી શકાય છે. એક વાર મન જાગૃત થઈ જાય પછી એ પોતે જ આપોઆપ ઓછી અગ્રતાવાળા કામોને ઘટાડીને વધુ ને વધુ વિકાસને લગતાં કામો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે. બર્થ-ડે પાર્ટી, ગેટ-ટુ-ગેધર, ઘરના સરસામાનની ખરીદી, ગાડીનું સમારકામ વગેરે જેવા અસંખ્ય ટાળી ન શકાયે એવા કામોની વચ્ચે પણ સમય ચોરીને જરૂરી કામો પ્રથમ થાય અને વિકાસને લગતાં કામો સૌથી પહેલાં થાય એવું મન ગોઠવી આપે છે. મનની આ જ તો ખૂબી છે ! પણ તકલીફ એ છે કે મનનો માલિક જ્યાં સુધી આ ખૂબીને વાપરે નહિ ત્યાં સુધી તે વણવપરાયેલી પડી રહે છે. જેમ કે, તમારી ગાડીના ચાર ગિયરમાંથી ચોથા ગિયરમાં વાહનને સૌથી વધારે ઝડપે હંકારવાની શક્તિ રહેલી છે. પરંતુ, જ્યાં સુધી એ ગિયર પાડો નહિ, ત્યાં સુધી ગાડી એ સ્પીડ પર જઈ શકે નહિ. આ પ્રકારની જાગૃત અવસ્થા જેટલી વહેલી આવે, એટલી પુખ્તતા વહેલી આવે અને એટલો જ જીવનનો વિકાસ ઝડપી થાય. જાગૃત અવસ્થામાં મનનો વિકાસ ‘લોગેરિથમિક સ્કેલ’ પ્રમાણે થાય છે; એટલે કે વિકાસ જ્યારે દસગણો થાય ત્યારે એને ડબલ થયો કહેવાય અને સો ગણો થાય ત્યારે ત્રણગણો ! ટૂંકમાં, વિકાસ જેટલો ઝડપી થાય એમ માણસ વધુ ઝડપથી આપોઆપ વધુને વધુ સારી રીતે વિકસ્યા કરે.
આ પ્રકારનું જીવન જીવવાથી વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ ઊભો થાય છે. કોઈ એક સમયે તે ભયમુક્ત બનીને જીવન જીવતો થઈ જાય છે. આ ભયમુક્ત જીવન માણસના મનને એવી અવસ્થામાં લઈ જાય છે જેના પર પ્રબુદ્ધ લોકો પહોંચ્યા હોય છે. જ્યારે મનની સંતુલિત અવસ્થા હોય ત્યારે વ્યક્તિ અંદરથી મજબૂત બને છે. એના અવાજમાં ગજબની શાંતિ અનુભવાય છે. સામાન્ય વ્યક્તિઓની જેમ હાંફળા-ફાંફળા થઈને, ચિંતિત બનીને ઊંચા જીવે દોડાદોડ કર્યા કરવાની એની અવસ્થા બદલાઈ જાય છે. ચિંતાને સ્થાને નૂતન દષ્ટિકોણ, આળસના બદલે પ્રવૃત્તિ અને દોડાદોડની જગ્યાએ શિસ્તબદ્ધ આયોજન શરૂ થાય છે. પરિણામની ચિંતાને બદલે સર્જનનો આનંદ મનમાં વ્યાપી જાય છે. આત્મા જેમ સત્ત, ચિત્ત અને આનંદ સિવાય બીજા કશા તરફ ગતિ કરતો નથી એ રીતે મન સૃષ્ટિના સ્પંદનો સાથે તાદાત્મય સાધી લે છે, જેથી મન એના પ્રાકૃતિક મૂળ સ્વરૂપમાં પાછું ફરે છે. આને વગર ધ્યાને સમાધિ કહી શકીએ ! આ સ્થિતિમાં પડકારો તકમાં ફેરવાઈ જાય છે અને જીવનનો અનુભવ દરેક ક્ષણે સાર્થક થતો જાય છે. ડરના સ્થાને હિંમત અને ઉચાટના સ્થાને વિસ્મયનો ભાવ ઊભો થાય છે. જેમ ભગવાન બુદ્ધ માટે આગાહી હતી કે તેઓ ચક્રવર્તી સમ્રાટ અથવા પ્રબુદ્ધ સંન્યાસી થશે.. એવી રીતે જો વિકાસનો સાચો પંથ મળી જાય તો માનસિક અવસ્થા સંસારમાં રહેવા છતાં ધ્યાન કરનારા યોગી જેવી થઈ રહે છે.
તમને જીવનમાં કંઈક વિશેષ કરવાની ઈચ્છા હોય તો પ્રગતિ કરવાની તક શોધી કાઢો અને એ લક્ષ્ય તરફ સતત આગળ વધો તો આવી પરિસ્થિતિ અને ઉત્તમ અવસ્થાઓ પર પહોંચવાની શક્યતાઓ વધી જશે.
સૌજન્ય : રીડગુજરાતી 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.