Monday, March 4, 2013

સાચી સમાજ સેવા –ફકીરચંદ જે. દલાલ


શ્રી હરીને બદલે ‘સત્યનો પ્રચાર કરે તે સાચી સમાજ સેવા’ કહેવાય. ધર્મ એટલે કે ફરજ. સમાજ અને માણસોને સીધો સમ્બન્ધ છે. મુર્તી એ પથ્થરની બનેલી આકૃતી છે. મન્દીરમાં મુકવાથી અને મન્ત્રોચ્ચારણ કરવાથી તે ભગવાન કે ઈશ્વર બની શકે નહીં. ભગવાન તો દરેકનાં અંતરમાં રહેલો જ છે. તો વળી તેને શોધવા બહાર શા માટે જવાનું ? મુર્તી કંઈ સાંભળવાની નથી. ગમે તેટલાં ઢોલ–વાજાં વગાડો, એ તેમને પહોંચવાનાં નથી. તેમની સામે ગમે તેટલું ધરો; તે લેવાના, ખાવાના કે સ્વીકારવાના નથી.
આજના સમાજમાં જે બદી ફેલાઈ ગઈ છે તેનું નીવારણ કરવાની આપણી ફરજ અને ધર્મ બન્ને છે. જેમ કે ચોરી, લુચ્ચાઈ, જુઠ્ઠું, હીંસા, બદ–ચારીત્ર્ય વગેરેને સમાજમાંથી આપણે દુર કરવાનાં છે. દા.ત. ભારતમાં પ્રસરેલી લાંચરુશ્વત. આનો પ્રજાએ ભેગા મળીને વીરોધ કરીને લોકશાહી પદ્ધતી પ્રમાણે ફેરફાર કરવાનો છે. આમાં તમે જ કહો ભગવાન શું કરી શકે ? ગુરુઓ અને ધાર્મીક સંસ્થાઓના નેતાઓએ આગેવાની લઈને સમાજની આ ગેરનીતી–રીતી દુર કરવાની હીમ્મત બતાવવી જોઈએ. દેહાન્ત સજા ફરમાવીને સમાજમાં પ્રસરેલી દહેજ પ્રથા દુર કરીને નવવધુઓને મારી નાંખવાનો ક્રુર રીવાજ તત્કાળ બંધ કરવો જોઈએ. કાયદા ઘડનારી ધારાસભાઓ પર ધરણા લઈ જઈને તેમની ફરજનું તેમને ભાન કરાવવાનું છે. ટેક્સ ન ભરનારાઓને કોર્ટમાં ઘસડી જઈ જેલ ભેગા કરવાના છે. ધર્મના નામે ખુનામરકી કરનારાઓને જાહેરમાં ફાંસી ઉપર ચઢાવવાના છે.
આ બધામાં ગરીબ પ્રજાજનો કંઈ બહુ ન કરી શકે. મધ્યમ વર્ગના ભણેલા લોકોની આ ફરજ છે, ધર્મગુરુઓ પ્રજાનું ખાઈને કંઈ કરે નહીં, તો તેમને ખાવાનું કે આદરમાન આપવાનું બન્ધ કરવું જોઈએ. તેમને બીજા લોકોની માફક કામ કરીને ખાવાનું કે પેટ ભરવાનું સમજાવી દેવું જોઈએ. સરકાર બધું કરી શકવાની નથી ને કરવાની પણ નથી. મહાત્મા ગાંધીએ શું કર્યું તે ભુલી ગયા ? અસહકારની ચળવળ મારફતે આ સુકલકડી મોહનદાસે ભારે તાકાતવાન બ્રીટીશ સરકારને ભારતમાંથી ભગાડવાનું કરી દેખાડ્યું છે. શું 120 કરોડ ઉપરની ભારતની પ્રજા નમાલી થઈ ગઈ છે ? માત્ર પૈસા ભેગા કરવાનું જ સમજે છે ? ધર્મ અને સંસ્કૃતીનો દાવો કરવાવાળી આ પ્રજા દંભી ન કહેવાય તો બીજું શું ? દેશની રક્ષા અને સેવા કરવાનું કામ ‘ભજન અને ભોજન’ કરતાં ઘણું ઉચ્ચ છે. ધર્મને નામે ઢોંગ કરીને કરોડો રુપીયાનું ગોપીચન્દન કરનારાઓને ફગાવી દેવાની જરુરીયાત અત્યંત ગમ્ભીર છે. જ્યાં સુધી ધર્મના ભગવાં વાઘાં દુર ન થાય ત્યાં સુધી ભારતમાં ક્રાન્તી થવાની નથી… ચાલો ત્યારે અહીંસક ક્રાન્તીને માર્ગે ઢોંગી નેતાઓ અને ધર્મગુરુઓને ઉઠાડી મુકવાનાં કામમાં લાગી જઈએ.
‘જય ભારત’ અને ‘જય અહીંસા’

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.