Sunday, March 10, 2013

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહીં !’–શરદ ભી. દેસાઈ

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહી !’ આ કહેવત સદીઓથી ભારતીય જાનપદી અનુભવોને કારણે લોકજીભે રમતી બની છે. આ કહેવતનું આગલું ચરણ કદાચીત સન્દીગ્ધ હોઈ શકે; કેમ કે વૈદ્યોની સારવાર પામેલાં તો માંદગીમાંથી વખતે બેઠાંયે થઈ શકે છે; કીન્તુ જ્યોતીષીએ જેમનાં જોષ ભાખીને, ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ કહીને વરાવી હોય તેવી, કુટુમ્બની એકાધીક કન્યાઓના વૈધવ્યપ્રાપ્તીના કેટલાય દાખલાઓ સમાજમાં અત્ર–તત્ર–સર્વત્ર– જોવા મળે છે. જ્યોતીષશાસ્ત્ર કદાપી સચોટ ન હોઈ શકે – નથી જ – એ હકીકત ઉક્ત કહેવત સ્પટપણે સુચવે છે.

પીતાજીએ કહેલી એક સત્ય ધટના યાદ આવે છે; જે પોણો સોએક વર્ષ અગાઉ બની હતી. હીન્દમાં ત્યારે રજવાડાં હતાં. મુંબઈમાં ‘રાજજ્યોતીષ’ તરીકે પોતાને ઓળખાવતા એક સમૃદ્ધ ભુદેવ રહેતા હતા. ‘સમૃદ્ધ’ એટલા માટે કે દેશના કેટલાંય નગરોમાંથી પ્રગટતાં વીવીધ ભાષાનાં છાપાંઓમાં, મોટા મોટા દાવા કરતી તેમની જાહેરખબરો અવારનવાર આવતી રહેતી હોઈ તેમનો ધન્ધો રજવાડામાં સારી પેઠે વીકસ્યો હતો. એવા જ એક રજવાડામાંથી રાજવીનું તેડું આવતાં, પોતાનાં ટીપણાં તથા અન્ય જ્યોતીષગ્રંથો લઈને શુભમુહર્ત જોઈને મુંબઈ સેન્ટ્રલથી તેઓ બી.બી. એન્ડ સી.આઈ. રેલવેના ફર્સ્ટ ક્લાસમાં બેઠા. પેલા રજવાડાને ટેલીગ્રામ કરી દીધેલો કે પોતે ચોક્કસ સમયે રાજના અમુક સ્ટેશને ઉતરશે, તો શાહી આવભગતનો પ્રબન્ધ કરવો. તે મુજબ યથાસમયે તેઓ જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે રાજ્યના સૈનીકોની ટુકડી સાથે બગી સ્ટેશન પર હાજર હતી. તેમાં તેમને બેસાડી તેમને રાજમહેલ પર નહીં; પરંતુ સીધા તુરંગ પર લઈ જવામાં આવ્યા, અને પુરી દીધા સળીયા પાછળ અન્ધારી કોટડીમાં ! જેલ અધીકારીને તેમણે રાજાને મળવા દેવા ઘણી આજીજી કરી પણ વ્યર્થ. એક દીવસ, બે દીવસ, ત્રણ દીવસ – એમ સપ્તાહ વીત્યું. પછી તો એક–બે–ત્રણ એમ ચાર સપ્તાહ વીત્યાં અને એમ ને એમ મહીનાઓ વીતી ગયા. ચોથે મહીને એક દી’ અચાનક તેમને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યા ત્યારે તેઓના ખરા હાલ થઈ ગયા હતા. હાથ જોડી વીનમ્રભાવે પુછયું કે તુરત રાજાજીએ કહ્યું, ‘અરે વાહ, રાજજ્યોતીષીજી ! તમે મુંબઈથી શુભમુહુર્ત જોઈ અહીં આવવા નીકળ્યા ત્યારે શું તમને એ વાતની ખબર નહોતી કે ભવીષ્યમાં તમારે માટે અહીં શી પરીસ્થીતી નીર્માણ થવા સર્જીત હતી ? જો તમને તમારા જ ભાવીની ખબર નહોતી તો પછી તમે અન્યનું ભાવી કેવુંક ભાખવાના ? તમે અહીંથી જીવતા સ્વગૃહે જઈ શકશો કે કેમ એની ખબર છે ખરી !’ રાજાની વાણી સાંભળી જ્યોતીષ ડઘાઈ ગયા. મુંગામંતર ! કાપો તો લોહીયે ન નીકળે !

મુદ્દો એ છે કે, ભારતવર્ષના ઋષીઓએ, તારા ગ્રહો વગેરે ખગોળીય પીંડોની ગતીના સુક્ષ્મ નીરીક્ષણોને આધારે કરેલા સાચા ગણીતને આધાર તરીકે રાખી, ફલકથન જ્યોતીષનેય ‘વીજ્ઞાન’ તરીકે ઓળખાવી, ફેંકછાપ શૈલીની એક આગવી કલા વીકસાવી, લોકોની છેતરપીંડી કરી, ગજવા ભરનારાઓનો મોટો વર્ગ અસ્તીત્વમાં આવ્યો છે. સ્વાભાવીક જ, હાલના પરીવેશમાં ધર્માવલમ્બી રાજ્યો તરફથી પોતપોતાના નીહીત સ્વાર્થોના હીતાર્થે આવી પ્રવૃત્તીને પ્રોત્સાહન જ મળે,  કેમ કે અંગ્રેજ અમલવેળાના પેલા રજવાડાના રૅશનાલીસ્ટ શાસક જેવો એક પણ રાજ્યકર્તા આજના સ્વતન્ત્ર લોકશાહી ભારતમાં જોવા મળતો નથી, ત્યારે પ્રજાએ જ આવા ‘જ્યોતીષ પરીષદ’ અહીં ભરનારાઓને નીરુત્સાહ કરવા ચળવળ પ્રારમ્ભવી પડશે. તેમ થાઓ.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.