Tuesday, March 12, 2013

કર્મો પ્રત્યે મન્દ ઉત્સાહ

‘એની ઈચ્છા વીના પાંદડું પણ ફરકતું નથી’ એવું માનીને આપણે ઈશ્વરનું આધીપત્ય સ્વીકારી લઈએ છીએ. આપણે એવું પણ માની લઈએ છીએ કે આપણાં સુખદુ:ખ તો ‘એના’ ખેલ છે. કળીયુગ પ્રવર્તતો હોવાથી ભ્રષ્ટાચાર તો ચાલવાનો જ, જ્યારે સતયુગનો પ્રારમ્ભ થશે ત્યારે જ ભ્રષ્ટાચાર નાબુદ થશે. આવી આવી માન્યતાઓ પ્રજાને નીર્માલ્ય બનાવી દે છે. કેટલાક એવું માની બેસે છે કે આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ જો પ્રારબ્ધનો સાથ ન મળે તો સફળ થવાતું નથી. આવી માન્યતા ભ્રામક છે. પ્રારબ્ધના ભરોસે બેસી ન રહેવાય. કોઈ પણ કાર્ય જો યોગ્ય આયોજન કરીને હાથ ધરવામાં આવે તો વહેલું–મોડું તે સીદ્ધ થયા વગર ન રહે. પ્રજા દરીદ્ર રહે છે તેનું મુખ્ય કારણ જ આવી અન્ધશ્રદ્ધા છે.

જ્યોતીષની પરવા ન કરનાર અંગ્રજો તથા અન્ય લોકો સાહસ ખેડે છે, કર્મઠ બને છે અને બાહોશી દાખવી આળસુ તથા અન્ધશ્રદ્ધાળુ લોકો ઉપર રાજ કરે છે.

મંગળ ગ્રહ ભારતીય પ્રજાને જ નડે છે, અન્ય પ્રજાઓને તો એવા નડતરની ખબર સુધ્ધાં નથી. મુઢ પ્રજા ‘મંગળ’ના ત્રાસમાંથી મુક્ત ન થાય તો તેમાં જોશી લોકોનો શો દોષ ? બીલાડી આડી ઉતરે ત્યારે અશુભ થાય માટે ઘરે પાછા વળી જવું અને પછી ‘શુભ’ ચોઘડીયામાં કામ કરવા નીકળવું. આવી અન્ધશ્રદ્ધાથી પીડાતી આપણી પ્રજાને સુખી થવાનો અધીકાર નથી.

સામ્યવાદી પ્રજા મન્દીરો, મસ્જીદો, દેવળો નથી બાંધતી, પ્રાર્થનાઓ નથી કરતી અને તોય સુખપુર્વક જીવે છે. આપણે તો મંદીરો બાંધી બાંધીને ભ્રષ્ટ લોકોને પ્રોત્સાહીત કરીએ છીએ. મન્દીરોનો કારભાર કરનારા મહન્તો, શ્રેષ્ઠીઓ વગેરે મન્દીરના બહાના હેઠળ શાં શાં કાળાં–ધોળાં કરતા હોય છે તેની વાતો હજારો વાર અખબારોમાં છપાય છે.

તો પણ લોકો મન્દીરે જઈને એની મુર્તીઓમાં ભગવાન શોધે છે.

- ડૉ. મોહનભાઈ પટેલ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.