Saturday, November 24, 2012

સારો સ્વભાવ સારો સાથીદાર– ભૂપત વડોદરિયા

એક યુવાને વાતવાતમાં પ્રશ્ન કર્યો : ઘણી વાર આપણે કહીએ છીએ કે ‘મેં ખૂબ વિચારીને આ નિર્ણય કર્યો છે’, પણ ખરેખર આપણે ખૂબ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય કરીએ છીએ કે પછી આપણે કોઈ પણ નિર્ણય કરી નાખીએ છીએ અને પછી એ નિર્ણયને વાજબી ગણાવવા માટેનાં કારણ આગળ કરીએ છીએ ? પૂરતાં કારણોના આધારે અમુક નિર્ણય કરીએ છીએ કે અમુક નિર્ણય પહેલાં કરીને પછી તેના માટેનાં પૂરતાં કારણો શોધી કાઢીએ છીએ ?

એક યુવતીનાં માતા-પિતા પોતાની પુત્રી માટે યોગ્ય મુરતિયાની શોધમાં હતાં. યુવતીના પિતા એક પ્રતિષ્ઠિત અને શ્રીમંત વેપારી હતા અને તેની માતા એક આગળ પડતી મહિલા સંસ્થાનાં ટ્રસ્ટી હતાં. પોતાની પુત્રી માટે તેઓ કોઈક લાયક અને આશાસ્પદ યુવાનની શોધમાં હતાં. તેમની પુત્રીને જ પહેલાં પ્રશ્ન કર્યો : ‘દીકરી, તને કેવો જીવનસાથી ગમે ? તું તારા જીવનસાથીના દેખાવ – બાહ્ય વ્યક્તિત્વને વિશેષ મહત્વ આપશે કે તેના બુદ્ધિકૌશલ અને ઊજળા ભવિષ્ય માટેની ગુંજાશને વધુ મહત્વ આપશે ?’

યુવતીએ કહ્યું : ‘આ બાબતમાં મેં કશું વિચાર્યું તો નથી, પણ આ ક્ષણે હું એટલું કહી શકું કે જે યુવાન તેને જોતાંવેંત મારી આંખમાં વસી જાય તેને હું વિશેષ મહત્વ આપું !’


માતા-પિતા પુત્રી સાથે દલીલમાં ના ઊતર્યાં. પછી એક અત્યંત સ્વરૂપવાન યુવક તેને જોવા આવ્યો. યુવતીને યુવક પ્રથમ દષ્ટિએ જ ગમી ગયો. તેણે યુવાનને પ્રશ્ન કર્યો : ‘તમે મને ખૂબ ગમો છો. હું તમને ગમું છું કે નહીં તે નિખાલસપણે કહો !

યુવાને કહ્યું : ‘તમે મને ગમો છો, પણ હું તમારો વિચાર મારી જીવનસંગિની તરીકે કરી શકતો નથી, કેમ કે હું તમને ગમું છું માત્ર મારા રૂપને કારણે, પણ મારું આ રૂપ તો મારી શારીરિક અવસ્થાનું છે. આવતી કાલે કોઈક અકસ્માતમાં મારું રૂપ નાશ પણ પામી શકે ! એવું બની શકે કે કોઈક અસાધ્ય રોગનો ભોગ બનું અને મારી પાસે આજના મારા રૂપમાંથી કશું બચે જ નહીં !’ યુવતીને એક ધક્કો વાગ્યો. તેણે પ્રશ્ન કર્યો :
‘તમે તમારી જીવનસંગિની પાસેથી શેની અપેક્ષા રાખો છો ?’


યુવાને પૂરી ગંભીરતાથી જવાબ આપ્યો : ‘હું તેના આર્થિક-સામાજિક સુગમ સંજોગો કરતાં તેના મૂળભૂત સ્વભાવને વધુ મહત્વ આપું ! જેનો સ્વભાવ સારો હશે તે સુખમાં કે દુઃખમાં મારી સારી સાથીદાર બની રહેશે ! જેનો સ્વભાવ બહુ સારો નહીં હોય તે સુખની સ્થિતિમાં કાંઈ ને કાંઈ ખોટ જોશે અને દુઃખની સ્થિતિમાં તો એ પોતાની છાતી મારું નામ લઈને જ કૂટશે ! એવું ના માનશો કે હું તમને નાપસંદ કરું છું. હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે મેં જે કાંઈ કહ્યું છે તે અંગે તમે સ્વતંત્ર રીતે, શાંતિથી વિચારજો અને તમારા સ્વભાવનું થોડુંક પૃથક્કરણ કરજો !’


એની વાતમાં કાંઈક તથ્ય છે – આપણે સમજી શકીએ છીએ કે રૂપ અને ધનની સ્થિતિમાં સમયની સાથે પરિવર્તન આવી શકે છે પણ મૂળભૂત રીતે સારો, પ્રેમાળ, ઉદાર સ્વભાવ ગમે તેવા આંચકા વેઠી શકે છે – પચાવી શકે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારતની દ્રૌપદી છે. આજના યુગમાં કોઈ યુવતીને પાંચ પુરુષોની પત્ની બનવું ના પડે પણ એક વ્યક્તિમાં જ પાંચ વ્યક્તિઓના ગુણો કે અવગુણોનો મુકાબલો કરવો પડે તેવું બની શકે. દાંપત્યજીવનમાં પુરુષ કે સ્ત્રીમાંથી કોઈ એક જીતે તો બંનેની જીત બને છે અને કોઈ એક હારે તો બંને હારી જાય છે, પણ બંનેના સ્વભાવમાં સુમેળ હોય તો હારની બાજીને પણ જિંદગીના જુગારમાં જીતની બાજી બનાવી શકે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.