Friday, November 30, 2012

સાચું શું અને ખોટું શું ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા ભાગ 2

અગાઉ  સાચું શું અને ખોટું શું ? ભાગ 1 માં થોડા વહેમો વિષે વાંચ્યું હવે વાતને આગળ વધારીએ થોડા વધુ વહેમો વિષે વાંચીએ 

[7] આપણે આપણાં મગજનો આઠથી દસ ટકા ભાગ જ વાપરીએ છીએ !
આવું હજું પણ સબકોન્શ્યસ મગજ વિશે ભણાવતા લોકોનાં ભાષણોમાં આવે જ છે. ઘણા મત-મતાંતર ધરાવતો આ વહેમ ખૂબ ઊંડા મૂળ ધરાવે છે. બાકી, હાલમાં જ બ્રિટીશ મેડિકલ જર્નલના આર્ટિકલમાં વિવિધ સંશોધનોથી સાબિત કરાયેલ એક તારણ આવ્યું હતું. જે મુજબ મગજનો એક પણ ભાગ સાવ સુષુપ્ત હોય તેવું જણાયું નથી. અને મગજના કોઈપણ ભાગને થયેલું નુકશાન કંઈક તો ખોડ છોડતું જ જાય છે. (જે તે ભાગનો કાર્યવિક્ષેપ દેખાય જ છે.)

[8] ઝાંખા પ્રકાશમાં વાંચવાથી આંખને નુકશાન થાય છે !
આ પણ એક વહેમ જ છે. ઝાંખા પ્રકાશમાં બેસીને વાંચવાથી આંખને થોડોક પરિશ્રમ કદાચ વધારે પડે. પરંતુ કોઈપણ જાતનું નુકશાન તો નથી જ થતું. એટલે જ તો સદીઓ સુધી આપણાં માણસો રાત્રિના ઝાંખા પ્રકાશમાં ખેતરના કામ કરી શકતા. યોગ્ય પ્રકાશમાં બેસીને વાંચવાથી અક્ષરો ઊકેલવાની માથાકૂટ ન રહે અને ઝડપથી વાંચી શકાય, પરંતુ ઝાંખા પ્રકાશમાં જો ફરજિયાતપણે વાંચવાનો વારો આવે તો મૂંઝાવાની જરૂર નથી, એનાથી કોઈ જ નુકશાન થતું નથી ! (બ્રિટીશ મેડિકલ જર્નલના એક આર્ટિકલ પરથી)

[9] છીંક ખાતી વખતે ‘ભગવાન ભલું કરે’ એમ બોલવું જોઈએ !
દુનિયામાં લગભગ દરેકે દરેક ભાગમાં છીંક ખાતી વ્યક્તિએ અથવા એની બાજુમાં ઊભેલા વ્યક્તિએ આવા મતલબના વાક્યો બોલવા જોઈએ એવો વહેમ છે. આવું આખી દુનિયામાં કેમ હશે ? કારણ ખૂબ જ રસપ્રદ છે. શરીરનાં દરેક સામાન્ય કાર્યમાં એક છીંક જ એવી છે જે ખાતી વખતે એકાદ ક્ષણ માટે હૃદય પણ ધબકતું અટકી જાય છે. એનો અર્થ એવો જ કે જો એ પાછું શરૂ ન થયું તો ? અને એવું ન થાય માટે છીંક ખાતી વ્યક્તિને આશીર્વાદ આપવાની પ્રથા લગભગ દરેક પ્રજામાં પ્રચલિત બની હશે.

[10] માસિક દરમિયાન દીકરી કે સ્ત્રી જો અથાણાંની બરણીને અડકે તો અથાણું બગડી જાય !
આ વહેમ આજે પણ ગામડાઓમાં જેમનો તેમ જ હયાત છે. ભલા શરદીવાળી વ્યક્તિ અડકે તો અથાણું ન બગડે ને માસિકવાળી દીકરી અડકે તો બગડી જાય ! કોઈએ ક્યારેય લોજિક વાપર્યું જ નહીં હોય ? પણ, ઓછાયો એક એવો વિચિત્ર અને બિહામણો (છતાં અસ્પષ્ટ) શબ્દ છે કે એને કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે કે તરત જ લોકો ડરવા માંડે છે. આ કિસ્સામાં પણ આવું જ બન્યું હશે. હવે તો શહેરોમાં વિભક્ત કુટુંબોમાં એક જ સ્ત્રી માતા, પત્ની, ઘરની માલકણ બધું જ હોય ત્યાં બીજું કોણ અથાણાં વગેરે ફેરવવાનું કામ કરી આપે ? તો પણ અથાણાં નથી જ બગડતા ! જે અથાણાની બરણીને કોઈ સ્ત્રી ક્યારેય ન અડકી હોય એ પણ બરાબર ન સચવાય તો બગડી જઈ શકે છે ! માટે આવા વહેમોમાં ન માનવું.

[11] કંઈ પણ સારું વિચારીએ કે બોલીએ કે તરત જ લાકડાને અડકી લેવું જોઈએ (Touch wood !)
આ વહેમ પરદેશથી પધાર્યો હોય એવું લાગે છે. આપણા કૉલેજીયન યુવક-યુવતીઓમાં (અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં ભણેલાઓમાં) આ વહેમ વધારે પ્રચલિત છે. પહેલાના જમાનામાં યુરોપમાં એવું મનાતું કે લાકડામાં ખૂબ જ સારા આત્માઓનો વાસ હોય છે. એટલે જ્યારે આપણે કંઈ સારું બોલીએ કે વિચારીએ ત્યારે તરત જ લાકડાને ઠપકારવું જોઈએ, જેથી એમાં વસેલા સારા આત્માઓ આપણાં સારા વિચારોનું રક્ષણ કરે અને આપણને કમભાગ્યથી બચાવે ! આ વહેમ કોઈ જગ્યાએ નુકશાનકારક નથી લાગતો. પરંતુ આવા વહેમનું વળગણ આપણને ક્યારેક પાગલ જેવા બનાવી દે છે. એક કોલેજિયન યુવતીને આવી ટેવ હતી. એક વખત બસમાં એણે કંઈક સારી વાત કરી, પછી માંડી લાકડું શોધવા. ક્યાંય લાકડું દેખાયું નહોતું એટલે મૂંઝાઈ. બેચાર સ્ટેશન પસાર થયાં ત્યાં સુધીમાં તો એ રડવા માંડી. કારણ કે બસ બધી જગ્યાએ થોડીવાર માટે જ ઊભી રહેતી હતી. ગીર્દી પણ ખૂબ હતી. એટલે એ કોઈ સ્ટેશન પર નીચે ઉતરીને પણ લાકડાને અડકવા જઈ શકતી નહોતી. બધા એને છાની રાખવા પ્રયાસ કરવા લાગ્યા ! બસમાં વાત ફેલાઈ ગઈ એમ એ યુવતી હાસ્યાસ્પદ વ્યક્તિ બનતી ગઈ. છેવટે એક દાદા લાકડી લઈને ચડ્યા ત્યારે એની લાકડીને અડકીને એને શાંતિ થઈ ! (આ સત્યઘટના છે !) આવું ગાંડપણ આવા સામાન્ય દેખાતા વહેમનું લાગી શકે છે. એટલે આ બધાથી દૂર રહેવું જ સારું !

[12] પરદેશના કેટલાક વહેમો !!
વહેમો અને અંધશ્રદ્ધા એ માત્ર આપણો જ ઈજારો નથી ! આખી દુનિયા કોઈને કોઈ સ્વરૂપમાં એનો શિકાર રહી જ છે. યુરોપ તેમજ અમેરિકામાં ચાલી રહેલા ઢગલાબંધ આવા વહેમોમાંથી અહીં થોડાક વહેમોની વાતો કરીએ. આ વહેમો શું કામ બન્યા હશે તેનું આગળના પ્રકરણોની માફક વિશ્લેષણ નહીં કરીએ. (અને એ સંસ્કૃતિ વિશે અજાણ હોવાથી મારી હેસિયત પણ નથી !) એટલે સાચું શું અને ખોટું શું એ બાજુ પર રાખીને ફક્ત જાણવા માટે અને કંઈક અંશે હળવાશ માટે આપણે થોડાક વહેમો જોઈએ !
(ક) પાથરેલું ગાદલું રવિવારે ન વાળવું, નહીંતર ખરાબ સપનાં આવે.
(ખ) ભોજનના ટેબલ પર કોઈ ગીતો ગાય તો જીવનસાથી પાગલ મળે !
(ગ) ઘરમાં જે દ્વારથી અંદર જતા હો એમાંથી જ બહાર નીકળવાનો રસ્તો પણ હોવો જોઈએ. નહીંતર ઘરની સમૃદ્ધિ જતી રહે !
(ઘ) નવા વરસની રાત્રે જો બારીમાં સિક્કાઓ મૂકી દો તો આખું વરસ પૈસાની તંગી ન રહે !
(ચ) લગ્નની રાત્રે પતિ-પત્નીમાંથી જે વહેલું સૂઈ જાય તે બીજા કરતા વહેલા મૃત્યુ પામે !
(છ) કોઈ ઘર બદલે ત્યારે જો વરસાદ પડે તો નવી જગ્યાએ એ માણસને ખૂબ જ પૈસા મળે !
(જ) જમણા કાનમાં ખંજવાળ આવે તો કોઈ આપણા વિશે સારું બોલતું હોય અને ડાબામાં આવે તો કોઈ આપણી ટીકા કરતું હોય !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.