Sunday, June 30, 2013

પરિસ્થિતિ અને મનઃસ્થિતિ – નવનીત શાહ


કોઈ દુઃખદ પ્રસંગ બની ગયો હોય, તો તે પ્રસંગને, તે પરિસ્થિતિને આપણે સહેલાઈથી બદલી શકતા નથી, પણ એ પ્રસંગ કે પરિસ્થિતિ અંગે આપણી મનઃસ્થિતિ બદલવાનું આપણા હાથમાં જ છે. કોઈ દુઃખદ પ્રસંગ જીવનમાં બની ગયો હોય, ત્યારે કેટલાક માણસો મનથી ભાંગી જાય છે. જ્યારે આવી પરિસ્થિતિમાં કેટલાક માણસોનાં મન મજબૂત અને લીલાં રહે છે. તેઓ દુઃખને જીરવી લે છે. દા.ત. યુવાન પત્નીનું અવસાન થાય, બે નાનાં બાળકો હોય, ત્યારે મજબૂત મનની વ્યક્તિ વિચારે છે કે, આ વિષમ અને દુઃખદ પરિસ્થિતિ બદલી શકાય તેમ નથી. પણ તે અંગે વિચારવાની મનઃસ્થિતિ તો ખસૂસ બદલી શકાય છે. તેને આ વિષમ પરિસ્થિતિથી દુઃખ તો થાય જ છે, પણ તે સમજી શકે છે કે, જે થયું તે ન થનાર થશે નહિ. તો આ વિષમ પરિસ્થિતિનો સામનો કરવા માટે મનને શા માટે ન બદલવું જોઈએ ? આજના જમાનામાં શહેરમાં માણસ એવો દોડતો જ સતત રહે છે કે, એને સહેજ ઊભા રહીને પોતાના વ્યક્તિગત દુઃખનો અહેસાસ કરવાની પણ ફુરસદ મળતી નથી. લોકો જ્યારે એને આશ્વાસન આપવા માટે આવે છે, ત્યારે તેને પોતાનું દુઃખ યાદ આવે છે અને ઘડી ભરને માટે તે દુઃખી થઈ જાય છે. પણ પછી જીવનની ઘટમાળમાં એ એવો લપેટાઈ જાય છે કે, તેને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે, તે પોતાનું વ્યક્તિગત દુઃખ આટલું જલદી કેવી રીતે ભૂલી ગયો ? દુઃખના શરૂઆતના દિવસો બહુ કપરા હોય છે. એ દિવસોમાં જેને માથે દુઃખ તૂટી પડ્યું હોય છે તે નિરાશ જ નહિ, અપિતુ હતાશ પણ થઈ જાય છે.
એક પ્રસંગ યાદ આવે છે. એક માણસનો એકનો એક દીકરો ડૂબીને મરી ગયો. પિતા બહાર ગયા હતા. પિતા દીકરાને ખૂબ જ ચાહતા હતા. માને દીકરાના ડૂબી જવાના સમાચાર મળ્યા. તેને ખૂબ જ દુઃખ થયું. દીકરાનું શબ ઘેર લાવવામાં આવ્યું. માને થયું, પિતા તો દીકરાને મરેલો જાણી તદ્દન ભાંગી પડશે. તેણે એક વિચાર ઘડી કાઢ્યો. તે બહાર બેઠી અને પતિની રાહ જોવા લાગી. દૂરથી પતિને આવતો જોયો. તે મોટેથી રડવા લાગી. પતિ નજીક આવ્યો અને પૂછ્યું, ‘તું કેમ રડે છે ?’ પત્નીએ કહ્યું, ‘પડોશમાં રહેતી પેલી સ્ત્રીએ મને બે કડાં આપ્યાં હતાં. તે કડાં મને ખૂબ જ ગમતાં હતાં. આજે તેણે એ બે કડાં મારી પાસેથી માગી લીધાં. એટલે હું રડું છું.’ પતિને કહ્યું, ‘એ કડાં તારાં તો હતાં જ નહિ. જેનાં હતાં તે એ કડાં લઈ ગયું. એમાં રડવાનું શું ?’ પત્નીએ કહ્યું, ‘પણ એ કડાં મને ખૂબ જ ગમતાં હતાં.’ પારકાનાં હતાં અને હવે એ કડાં પારકાં થઈ ગયાં, જેનાં એ કડાં હતાં, એની પાસે એ કડાં ગયાં. એમાં ખોટું શું થયું ?’ પતિએ કહ્યું. પત્નીને સહેજ શાન્તિ વળી. તે પતિને ઘરમાં લઈ ગઈ. પ્રિય પુત્રનું શબ દેખાડીને પત્નીએ પતિને કહ્યું, ‘આ દીકરો ઈશ્વરે આપણને આપ્યો હતો. ઈશ્વર આજે એને લઈ ગયો છે. જેનો હતો એની પાસે આજે એ ગયો. એમાં ખોટું શું થયું ?’ તે પતિએ, એક પિતાએ, દુઃખ તરફથી પોતાનું મન વાળી દીધું. જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, એ પરિસ્થિતિ લાખો ઉપાયો થકી પણ બદલાવવાની નથી. પણ મનને આપણે વાળી શકીશું યા બદલી શકીશું. માણસ જો સમજે કે થયું તે થનાર નથી થવાનું તો માણસ કદી નિરાશ કે હતાશ થશે નહિ. આપણે અનુભવીએ છીએ કે કેટલાં દુઃખો ભૂલી જવાં કપરાં છે. માણસ જ્યારે દુઃખથી ભાંગી પડે છે, ત્યારે તેણે સમજવું જોઈએ કે, આવી પડેલી પરિસ્થિતિ બદલાશે નહિ, પણ મનઃસ્થિતિ બદલી શકાય છે. બસ, આટલું સમજપૂર્વક જાણી લઈએ તો દુઃખ હળવું થઈ જાય. બીજાંઓને બતાવવા માટે જો દુઃખ પ્રકટ કરવાનું હોય, તો તેમાં નરી બનાવટ કરવા કરતાં દુઃખને ભૂલી જઈને હળવા ફૂલ જેવા થઈ જવું સારું.
આપણને ખ્યાલ છે કે, બધાં દુઃખો અંતઃકરણમાંથી પ્રકટ થતાં નથી. દુઃખ પ્રકટ કરવામાં પણ કેટલીક વાર ઔપચારિકતા આવી જાય છે. એના કરતાં તો મનઃસ્થિતિને બદલીને દુઃખને હળવું કરવાનો પ્રયત્ન કરવો રહ્યો.
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.