Monday, June 10, 2013

અપરીગ્રહની અવાસ્તવીકતા–મુરજી ગડા

.
જૈન ધર્મ એક એવો ધર્મ છે જેમાં અપરીગ્રહને ખુબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે એક સમુદાય તરીકે જૈનેતરની સરખામણીમાં જૈનો વધુ સાધનસમ્પન્ન (પરીગ્રહી) હોવાનું દેખાય છે. ઘણા જૈન વેપારી હોવાથી એમની વૃત્તી અને પ્રવૃત્તી સ્વાભાવીકપણે વધુ સમ્પત્તી ભેગી કરવાની હોય છે. એને જ સફળતાનો માપદંડ માનવામાં આવતો હોવાથી સમાજમાં સમ્પત્તી પ્રમાણે વ્યક્તીનું સ્થાન નક્કી થાય છે. ધનસંચય સીવાયની અન્ય સીદ્ધીઓને એટલું મહત્ત્વ નથી અપાતું. (ડૉક્ટરની કાબેલીયત કરતાં તે કેટલા પૈસા કમાય છે એની ચર્ચા વધુ થાય છે.) જે કોઈ વ્યક્તી સન્તોષ માની કે પછી પ્રામાણીકતા જાળવવા પોતાની આર્થીક પ્રવૃત્તીઓ મર્યાદીત રાખે તો તેને નીચી નજરે જોવામાં આવે છે.
અફસોસ એ વાતનો છે કે આ સર્વવ્યાપી વાસ્તવીકતાને અવગણી, અપરીગ્રહના આદર્શને આગવું સ્થાન આપી એની ફક્ત વાતો જ કર્યા કરવાનો દમ્ભ આપણે છોડતા નથી. આટલી સરળ વાતમાં પણ આપણે પ્રામાણીક નથી બની શક્યા.
ભારતીયો પશ્વીમી સંસ્કૃતીને ભોગવાદી ગણે છે. ભૌતીકતાને સંસ્કૃતી કરતાં મનોભાવના સાથે વધુ સમ્બન્ધ છે. હકીકતમાં આપણે પણ એટલા જ ભોગવાદી છીએ. આપણી પાસે ભૌતીક સગવડનાં સાધનો ઓછાં હતાં; કારણ કે તે અહીં મળતાં નહોતાં. હવે જ્યારે મળવા લાગ્યાં છે ત્યારે જેને પણ પોષાય છે એમની પાસે ભરપુર પ્રમાણમાં છે. એટલું જ નહીં; આપણી સમુદ્ધીનું પ્રદર્શન કરવામાં આપણે જરાયે પાછળ પડતા નથી. લગ્ન પ્રસંગો, ધાર્મીક તેમ જ અન્ય ઉજવણીઓના આના દાખલા છે. ખુદ ભગવાનની મુર્તી પર અલંકારો ચઢાવી એમને પરાણે પરીગ્રહી બનાવાય છે.
ભૌતીકતાની સાચી વ્યાખ્યા કોઈની પાસે કેટલી વસ્તુઓ કે સમ્પત્તી છે તે નહીં; પણ એમના માટે એનો લગાવ કેટલો છે તે છે. આપણને જરુર ન હોય; છતાં બીજા પાસે છે, માટે ભેગી કરવી; વસ્તુઓ ન હોવાનો અફસોસ કરવો વગેરે ભૌતીકવાદી માનસીકતાની નીશાની છે. આપણા આધ્યાત્મીકપણાના દાવામાં તથ્ય કરતાં દમ્ભ વધારે છે.
આપણી રોજબરોજની પ્રવૃત્તીને આસાન બનાવતાં સગવડનાં સાધનો વાપરવામાં કંઈ ખોટું નથી. એના લીધે બીજાં અગત્યનાં કામ માટે વધુ સમય ફાળવી શકાય છે. સગવડ વીરોધી વાતો અને વર્તન કરવાથી આધ્યાત્મવાદી નહીં; પણ અગવડવાદી થઈ જવાય છે. બધી બાબતોની જેમ અહીં પણ બન્ને બાજુનો અતીરેક નુકસાનકારક જ છે.
અપરીગ્રહની પ્રચલીત વ્યાખ્યા ભૌતીક સમ્પત્તી ભેગી ન કરવાની છે. ગૃહસ્થી માટે એ વ્યવહારુ નથી. આર્થીક રીતે સ્વતંત્ર (સધ્ધર) ન હોય એવી વ્યક્તીને ઘણી બાંધછોડ કરવી પડે છે. એમને વ્યક્તીગત સ્વતંત્રતાના મુળભુત હક્ક જાળવવા અઘરા પડે છે. કોઈના મતે અપરીગ્રહ એ સાંસારીક જવાબદારીમાંથી છટકી જવાનો એક પ્રકારનો પલાયનવાદ છે.
આપણે આવકનાં જે પણ સાધન વીકસાવ્યાં હોય એને આગળ વધારવામાં કંઈ ખોટું નથી. બીજા જે પણ આપણી પ્રવૃત્તી સાથે સંકળાયેલા હોય એ બધાના હીત માટે પણ એ જરુરી છે. એકમાત્ર શરત આપણા ધન્ધા–વ્યવસાયમાં સમ્પુર્ણ પ્રામાણીકતા જાળવવાની છે.
દેશમાં જેટલી સમ્પત્તી વધી રહી છે તે તો વધવાની જ છે. આપણે નહીં તો બીજા કોઈ, એ ભેગી કરી એનો દુરુપયોગ કરી શકે છે. સારા માણસોના હાથમાં પ્રામાણીકપણે આવેલી સમ્પત્તીનો કેટલો સદુપયોગ થઈ શકે એ વાત આગળ આવે છે.
કોઈ આ ભાગદોડથી દુર રહેવા માંગતા હોય તો એમાં કંઈ ખોટું નથી. એનાથી શાન્તી, સન્તોષ અને તનાવમુક્તી મળે છે. છતાં જે સાંસારીક જવાબદારીઓ સ્વીકારી છે તેને પુરી કરવાની ફરજ તો રહે જ છે.
અપરીગ્રહ ઉપદેશતા સમાજમાં (ધર્મમાં) સામાજીક અને ધાર્મીક પ્રસંગોએ ધનવાનોને (પરીગ્રહીને) આગવું મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે એમનાં જ દાનને લીધે બધી ધાર્મીક અને સામાજીક સંસ્થાઓ અને પ્રવૃત્તીઓ ચાલતી હોય છે. આમાં પણ કંઈ ખોટું નથી. તટસ્થ રીતે જોઈએ તો દાનની વાસ્તવીકતાએ અપરીગ્રહના આદર્શને પરાજીત કરેલ છે.
આટલી લાંબી રજુઆતનો આશય અપરીગ્રહને સદન્તર ભુલી જવાનો નથી. વાસ્તવમાં આપણે અપરીગ્રહ (સમ્પુર્ણ ત્યાગ) કરતાં દાનનો (આંશીક ત્યાગ) અમલ કરીએ છીએ. આ દાન અને અપરીગ્રહ ઉપરાંત ત્રીજો વીકલ્પ પણ છે. એમાં સમ્પત્તી ભેગી કરવાનો બાધ નથી; છતાં એ ભાવનાગત રીતે પરીગ્રહ નથી થતો.
આ વીકલ્પ છે ભેગી કરેલી સમ્પત્તીના માલીક નહીં; પણ ટ્રસ્ટી બની રહેવાનું. અહીં ટ્રસ્ટીપણાનો અર્થ થોડો જુદો છે. આપણી સમ્પત્તીનો બધો વહીવટ આપણા હાથમાં હોવા છતાં; તે ફક્ત આપણા અંગત ઉપભોગ (Wants) માટે નહીં; પણ બીજા ઘણાના ઉપયોગ (Needs) માટે પણ વપરાય. આ નવું નથી. અપરીગ્રહની ભાવનાને જાળવી રાખી એના અવ્યવહારુપણાનો આ શ્રેષ્ઠ વીકલ્પ છે. અઢળક સમ્પત્તી કમાયા પછી પણ એના માલીક મટી, ટ્રસ્ટી બનીને શું કરી શકાય તે આ વ્યક્તીઓની કરણીમાં જોઈ શકાય છે.
અપરીગ્રહનો પ્રચલીત અર્થ કશું ભેગું ન કરવાનો થાય છે. ત્યાગનો અર્થ ભેગું કરેલું બધું છોડી દેવાનો કે આપી દેવાનો થાય છે. આમના કીસ્સાઓમાં સમ્પત્તીનો ત્યાગ છે; પણ જવાબદારી જાળવી રાખેલ છે. આના માટે વધુ યોગ્ય શબ્દ ન મળે ત્યાં સુધી આપણે એને પરીગ્રહ–વીચ્છેદ કહીશું.  આવો પરીગ્રહ–વીચ્છેદ એ પાછલી ઉંમરે કરેલ આંધળો નહીં; પણ જાગૃત ત્યાગ છે.
આંધળા ત્યાગમાં પાછળ શું થાય છે એની દરકાર નથી હોતી. જાગૃત ત્યાગમાં સમ્પત્તી યોગ્ય માર્ગે વપરાય એ જવાબદારી જાળવી રાખવામાં આવે છે. સત્તાની જેમ સમ્પત્તી પણ જ્યારે અયોગ્ય હાથમાં જાય છે ત્યારે ઘણું નુકસાન કરી શકે છે.
સમ્પત્તી પોતે ગુણ કે દોષ વગરની છે. એ વ્યક્તીના મુળભુત સ્વભાવમાં રહેલી સારી અને ખરાબ બન્ને ખાસીયતો બહાર લાવે છે. એ થોડા લોકોને નમ્ર અને ઉદાર બનાવે છે; જ્યારે મોટાભાગના કીસ્સામાં એ વ્યક્તીને ઘમંડી બનાવે છે. એટલે જ કદાચ જૈન વીચારધારામાં અપરીગ્રહને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું હશે. કમનસીબે એ વ્યવહારુ સાબીત નથી થયું.
ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓમાં, ગરીબના નાનકડા દાનને ધનવાનના મોટા દાન કરતાં વધારે મહત્ત્વનું ગણવામાં આવે છે. કારણ, ગરીબને દાન કરવા માટે પોતાની જરુરીયાતો પર કાપ મુકવો પડે છે. શ્રીમંતોની જીન્દગીમાં મોટા દાનથી પણ જરાય ફરક પડતો નથી.
ભુખ્યાને ખવડાવવું એ ની:શંક સત્કાર્ય છે. જ્યારે કોઈને પગભર કરવો એ વધારે મોટું સત્કાર્ય છે. એનાથી એના આખા કુટુમ્બને લાંબા સમય સુધી લાભ મળે છે. આ દૃષ્ટીએ જોઈએ તો સદાવ્રત કરતાં શીક્ષણ અને આરોગ્ય સંસ્થાઓ વધારે સારી ગણાય. આવી ધંધાદારી કે બીનધંધાદારી સંસ્થાઓનું અન્તીમ લક્ષ્ય એક હોવા છતાં એમની ભાવનામાં ઘણો ફરક હોય છે. ધંધાદારી સંસ્થા સંચાલકો માટે પરીગ્રહલક્ષી છે જ્યારે બીજી પરીગ્રહ–વીચ્છેદ લક્ષી છે.
ધાર્મીક સ્થળોએ કે પ્રસંગોએ થતા દાન વીશે કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે જેટલું આપીએ છીએ એનાથી ઘણું વધારે મળવાનું છે. આવી ભાવના દાનને એક સોદા કે રોકાણમાં બદલી નાંખે છે. એમાં પરીગ્રહ વધારવાની ભાવના ઉપરાન્ત પોતાના ઈશ્વરને છેતરવાપણું વધારે લાગે છે. દુ:ખની વાત એ છે કે સૌથી વધુ દાન આ ક્ષેત્રે થાય છે; પણ જરુરીયાતવાળા સુધી એમાંનું સાવ ઓછું પહોંચે છે. આ બાબતમાં દેખાદેખી છોડી પોતાની વીવેકબુદ્ધી પ્રમાણેનું વર્તન બધાના હીતમાં રહેશે.
પરીગ્રહ–વીચ્છેદ એ અપરીગ્રહ નથી. એ નીષ્ક્રીય અને આંધળો ત્યાગ પણ નથી. કરેલા પરીગ્રહથી વીમુખ થવાની એ પ્રક્રીયા છે. કુદરત અને માનવ સમુદાય પાસેથી મેળવેલું પાછું આપવાની આપણને તક પુરી પાડે છે. મુખ્યત્વે પાછલી ઉમ્મરે કૌટુમ્બીક જવાબદારીઓ પુરી થયા પછી શરુ થતી આ પ્રક્રીયા છે. એ Abandonment નથી;  Detachment છે.
આ પરીગ્રહ–વીચ્છેદ સમ્પત્તી ઉપરાન્ત પ્રવૃત્તી અને સમ્બન્ધોને પણ લાગુ પડે છે. આનો અર્થ પ્રવૃત્તી કે સમ્બન્ધોને છોડી દેવાનો નથી; પણ એમને નવો વળાંક આપવાનો છે. માલીકીભાવ અને અનુરાગ છોડી કર્તવ્યભાવ અપનાવવાનો છે, અનાસક્તી કેળવવાની છે. એમાં મોટાં થયેલાં સંતાનોને સમ્પુર્ણ સ્વતંત્રતા આપવાની વાત છે. કૌટુમ્બીક તેમ જ અન્યો પરના અંકુશો અને બન્ધનો ઢીલાં કરવાનાં છે. એમાં નીષ્ક્રીયતા નહીં; પણ પ્રવૃત્તીઓ પાછળની ભાવનાને ઉમદા કરવાની વાત છે. પક્ષપાત છોડી નેકી (Fairness) અપનાવવાની વાત છે.
વૈદીક સંસ્કૃતીની વર્ણવ્યવસ્થાએ ઘણા અનર્થો સર્જ્યા છે. જ્યારે એની આશ્રમવ્યવસ્થામાં ઘણું વજુદ રહેલું છે. ગૃહસ્થાશ્રમ પછી વર્ણવાયેલ વાનપ્રસ્થાશ્રમ આ પરીગ્રહ–વીચ્છેદની ભાવનાને મળતો આવે છે. એ સમ્પત્તી, સમ્બન્ધો, સત્તા, પ્રવૃત્તી વગેરે બધાને નવી દૃષ્ટીએ જોઈ અલીપ્તતા કેળવવાનું કહે છે.
પુનર્જન્મમાં માનતા લોકો ભવના ફેરામાંથી છુટકારો મેળવવા કંઈ કેટલીયે ધાર્મીક પ્રવૃત્તીઓ કરતા હોય છે. પણ આ જનમમાં કેળવેલા અને મેળવેલા અંકુશો તેમ જ પરીગ્રહો છોડી શકતા નથી. આપણી ચારેકોર દેખાતી આ એક મોટી કરુણતા છે.
અપરીગ્રહ બાબતે આપણી પાસે ત્રણ વીકલ્પો છે: (1) પરમ્પરાથી ચાલ્યો આવતો અપરીગ્રહનો આદર્શ રાખી, કથની અને કરણીના વીરોધાભાસનો દમ્ભ ચલાવે રાખવાનો; (2) સ્વીકારી લીધેલા આદર્શનું પાલન ન થવાથી  જાત પ્રત્યે અપરાધભાવ અનુભવવાનો; કે પછી (3) વાસ્તવીકતાને સ્વીકારી, અપરીગ્રહને નવું નામ આપી નવી નજરે જોવાનું. જે આદર્શ કોઈ પાળતું નથી કે પાળવાની ઈચ્છા પણ રાખતું નથી એની વાતો કર્યા કરવાથી બીજા એક આદર્શ ‘સત્ય’નો ભંગ થાય છે.
સામાજીક સ્તરે આવી વીચારસરણી વીકસાવવા માટે સમાજના આગેવાનોની ઈચ્છા અને ઈચ્છાશક્તી જરુરી છે. સમાજના સાચા આગેવાન કથાકાર–સાધુ–સન્તગણ છે. જનમાનસ પર સૌથી વધારે પ્રભાવ એમના કહેવાનો થાય છે. એમણે પોતાના વીચાર/પ્રચારને નવી દીશા આપવાની જરુર છે.
(મૂળ લેખને ટૂંકાવીને )
અક્ષરાંકન: ગોવિંદ મારૂ                                              
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.