Friday, June 28, 2013

પડકારોના સમાધાનમાં જ ઉજ્જવળ ભવિષ્ય

પ્રત્યેક ધર્મનાં પાંચ ઘટક છે.

૧ કર્મકાંડ ૨ આચાર વ્યવસ્થા  ૩ માન્યતાઓ ૪ માનવતા અને ૫ પારસ્પરિક સમાનતા અથવા અસમાનતા

હિંદુ ધર્મ સિવાય કોઇપણ ધર્મોમાં લાંબા લાંબા કર્મકાંડ નથી. પ્રથમ કર્મકાંડને સરળ-સહજ અને ખર્ચ વિનાનું સૌથી પાળી-પળાવી શકાય તેવું બનાવવું જોઈએ. કર્મકાંડના  અતિરેક્થી ધર્મોમાં જડતા આવે. વિધિ કરનાર કે કરાવનાર સમજી કે સમજાવી શક્તો નથી. માત્ર ગતાનુગતિક કર્યા કરવા કરતાં પ્રભુપ્રાર્થના ઉત્તમ.

બીજો પડકાર આચાર વ્યવસ્થાનો. પાપ-પુણ્ય મુખ્ય ઉચ્ચ મૂલ્યો વિના સમાજની રચના શક્ય ના બને. એટલે મૂલ્યો જરૂરી છે. ખરા અર્થમાં પાપ-પુણ્ય હોવાં જોઇએ. આપણે ત્યાં પાપ નથી તેને મહાપાપ સમજવામાં આવતું જેમ કે  અશ્પૃસ્યતા, પુનઃલગ્ન, વિધવાવિવાહ, ડુંગળી, લસણ, રિંગણા ના ખાવા, આંતરજ્ઞાતીય લગ્નો.

જેવું પાપનું તેવું જ પુણ્યનું. તીર્થસ્નાન, ઉપવાસ, યાત્રા યજ્ઞ મહાપુણ્ય. આ પુણ્યની ભ્રાંત વ્યાખ્યા છે. કોઇ પુણ્ય નહીં. સ્નાન કરવું આરોગ્ય સ્વચ્છતાનો વિષય છે પાપ ધોવા કે નવો ઉત્તમ જન્મ કે સ્વર્ગ માટે નહીં. ઉપવાસ-આરોગ્ય માનસિક સ્વસ્થતા માટે છે યાત્રા પ્રવાસ જ્ઞાન વૃદ્ધિ માટે છે. યજ્ઞો પશુબલિ કે અન્નબલિ માટે થાય તે પુણ્ય ના ગણાય. વ્યક્તિ, સમાજ રાષ્ટ્ર કે માનવતાના સુખ, હિત માટે પ્રયત્નો કરવાં તે પુણ્ય ગણાય. કોઇ જ કલ્યાણ ના  થાય તેવા કઠોર તપ વ્રત પુણ્ય નથી વેદના અને અંધકાર સિવાય તેનું કશું પરિણામ નથી.

મહતવનો પડકાર માન્યતાઓ છે દરેક ધર્મની અલગ માન્યતાઓ હોય. ઈશ્વર, આત્મા, પરલોક, પુનઃર્જન્મ, સ્વર્ગ-નરક, મોક્ષ, અવતાર, તીર્થકંર, પેગંબર, દૈવી પુસ્તક વગેરે પરસ્પર વિરોધી માન્યતાઓ દરેક ધર્મમાં-ગ્રંથોમાં આડકતરી રીતે જોડાયેલી હોવાથી માન્યતાઓ તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, પરમજ્ઞાન વગેરે  પરસ્પર અત્યંત વિરોધી હોવા છતાં આવી માન્યતાઓ સંપ્રદાયો સાથે જડબેસલાક સ્થિર થઇ ગયેલી હોય છે.

ધર્મના નામે ગમે તે માન્યતાઓ પ્રચલિત થતી-પ્રયોગશાળાના અભાવે શિક્ષણક્ષેત્ર પણ ધર્મક્ષેત્રની અંદર જ આવી જતું એટલે માન્યતાઓની પૃષ્ટિનું જ શિક્ષણ અપાતું પડકાર આપનાર ઉભો થાય તો તેને ધર્મની વ્યવસ્થા પ્રમાણે જીવતો બાળી મુકાતો યુરોપના ધર્મે સ્ર્વેટ્સ,બ્રુનો, વિકિલફ,ફ્રાંસિસ વાલ્ડો જેવા પડકરોને જીવતા સળગાવી મૂક્યા

સત્યની વ્યાખ્યા અને સ્થાપના કરવાનું મુખ્ય કર્તવ્ય એવા ધર્મે સત્યની વેદી બનાવીને આજ સુધી સત્યોપશાકોની આહુતિઓ લીધી છે. ધર્મ સત્યની વેદી બનાવીને ઉભો હોત અને અસત્યની આહુતિ અપાઇ હોત તો વિશ્વ સ્વર્ગથી ઉત્તમ બન્યું હોત પણ ઊલટું થયું વિશ્વ સ્વર્ગ નહીં પણ અસંખ્યવાર યાતનાઓનું કેન્દ્ર બની ગયું. યુરોપના પડકારોની આહુતિ એળે ના ગઇ અડધો યુરોપ(પૂર્વ યુરોપ) ધર્મ વિનાનો  થઇ ગયો અને બાકીનો મંદ ધર્મ બની ગયો.

જે યુરોપમાં થયું તે ભારતમાં ન થયું. અહિં પડકારો આપનારને બળાયાં નહીં. પરંતુ તેમાંના કેટલાકને ભગવાન અવતાર ઋષિ-મુનિ માની લેવાયાં તેનું સારું પરિણામ એ કે અહિં  ધર્મના નામે પ્રચુર હિંસા ના થઇ પણ કુ-પરિણામ એ આવ્યું કે  પ્રજા અસંખ્ય સંપ્રદાયો અને માન્યતાઓમાં વહેંચાઇ ગઈ  તેથી સંગઠન શક્તિ ઊભી ન થઈ શકી જે પ્રજા વૈચારિક સંઘર્ષ ન કરી શકે તે ઢીલી અને ઐતિહાસિક મહત્વ વિનાની થઇ જાય છે. આપણે બધાનું બધું સ્વીકારતા રહ્યા એટલે મક્કમ પ્રજા તરીકે કાઠું ન કાઢી શક્યા એટલે હવે અનેક પ્રકારની માન્યતાઓનો ભારો આપણે માથે છે તેના સામે પ્રજા સામે સૌથી મોટો પડકાર વિજ્ઞાનનો-પ્રયોગશાળાનો છે. આપણી પાસે બે માર્ગ છે એક ધર્મમાં વિજ્ઞાન પ્રવેશી ના જાય તેટલી ઊંચી વાડ ધર્મને ફરતે કરી લેવાનો અને બે વિજ્ઞાનનો સ્વીકાર કરી શકાય તેટલી ધાર્મિક માન્યતાઓને સુધારી લેવાનો. પ્રથમ માર્ગ થોડો સમય સફળ રહી શકે પણ વિજ્ઞાન સામેની ગમે તેટલી ઊંચી દિવાલો અંતે સંઘર્ષ દ્વારા ઢળી પડવાની અને પાયા સાથે ઉખળી જશે. તેના કરતાં વૈજ્ઞાનિક તથ્યોને સ્વીકારીએ અને ધાર્મિક માન્યતાઓને વધુ સંગત બનાવીએ. પૂર્વજન્મનાં કર્મફળ માની બેસી રહેવાની પ્રેરણાથી પ્રજા વધુને વધુ દુઃખી થયા કરશે. એના કરતાં વધુ હિતકારી છે કે આપણે વિજ્ઞાનને સ્વીકારીને ધર્મ સાથે તેનો સુમેળ બેસાડીને ધર્મ વિજ્ઞાનનો સરવાળો કરી શકીશું તો અંધશ્રદ્ધા અને જડવાદથી બચી શકીશું.

વિજ્ઞાન અને નાસ્તિકતા અલગ છે. વિજ્ઞાનનો પડકાર મોટાભાગે પ્રયોગશાળાનાં તથ્યોથી આધારિત છે. જ્યારે નાસ્તિકતાનો પડકાર મોટાભાગે તર્કો આધારિત હોય છે. પ્રબળ તર્કો અને પ્રબળ નિષ્ઠામા નિષ્ઠાનો  જ વિજય થતો હોય છે. જે ટક્યું છે તે નિષ્ઠાના બળે. વૈજ્ઞાનિકો નાસ્તિક નથી હોતાં, આપણીધાર્મિક માન્યતામાં ફીટ ન થનારને આપણે નાસ્તિક માનીએ તે અલગ વાત છે. પ્રાકૃતિક તત્વોની ગહનતા સુધી પહોંચનાર અણુની નિશ્ચિત નિયમબદ્ધતાને અવૈજ્ઞાનિક નથી સમજી શકતો .

વિજ્ઞાનને નાસ્તિકતા માનવી અને સંપ્રદાયોની દ્રઢ માન્યતાઓને ધર્મ માની લેવો એ મોટી ભૂલ છે. વિજ્ઞાન અને ધર્મનું લક્ષ્ય વિરોધી નથી સત્યતા સાક્ષાત્કારનું એક લક્ષ્ય છે.

ધર્મને  શતપ્રતિશત  તાર્કિક નથી કરી શકાતો તેમ વ્યક્તિને પણ શતપ્રતિશત તર્કિક નથી કરી શકાતો. લાગણીના ગણિતો તર્કથી પર છે.અને કોઇપણ વ્યક્તિને લાગણીહીન ન બનાવી શકાય.  લાગણીહીન  જીવન યંત્રમય બની જાય.

માનવતાનો ચોથો પડકાર આપણે ધર્મની મહત્તા, અનુયાયીઓની સંખ્યા, મંદિરો તથા ધર્મસ્થાનોની જાહોજલાલી, સોનાના કલશ, હીરા-માણેકના દાગીના માનીએ છીએ. આને કારણે ધર્મસ્થાનોમાં અઢળક  સંપત્તિ  ભેગી થતી રહી. એટલી બધી કે વિધર્મીઓને લૂંટવા માટે પ્રેરતી રહી. અને વારેવારે મન થતું રહ્યું. સતત મંદિરો લૂંટાતા રહ્યાં. ધનની સાથે મંદિરો, તેની કલાત્મકતાનું ખંડન, મૂર્તિઓ ખંડન અને પ્રજાનું ધર્માંતરણ બધું એક સાથે થતું રહ્યું. શાંતચિત્તે વિચારતાં જણાશે કે ધર્મસ્થાનોમાં ઢગલો થયેલી સંપત્તિએ  આપણાં ધર્મને, નિષ્ઠાને અને પ્રતિષ્ઠાને પારાવાર હાનિ પહોંચાડી છે. મંદિરો સોનાચાંદીથી ઉભરાંતા રહ્યાં ના હોત તો વિધર્મીઓનું  આક્રમણનું મુખ્ય કારણ સમાપ્ત થઇ જાત.

સોના ચાંદીથી ઉભરાંતા મંદિરોમાં મજબૂત લોખંડની જાળી ઉપર મોટું મજબૂત તાળું, ક્યારેક તો મોટાં બે-ત્રણ તાળાં હોય ત્યારે વિચાર થાય કે ભગવાનનાં નસીબ ફૂટીં ગયાં છે કે આનાડીઓનાં હાથમાં પડ્યાં. આટલાં મોટાં તાળાં તો ખૂનના કેદીઓને લગાવવામાં નથી આવતાં.

ધર્મસ્થાનોની સંપત્તિ ડેડ-કેપિટલને બદલે પ્રવાહી મૂડી બનાવીને તેને સમાજલક્ષી અને હેતુલક્ષી બનાવી હોત તો ધર્મસ્થાનોની સંપત્તિથી પ્રજાને સ્વર્ગની અનુભૂતિ કરાવી શકાત.

પાંચમો પડકાર ઉંચ-નીચ ભેદ વિશ્વમાં આર્થિક શૈક્ષણીક અને રાજકીય અસમાનતા તો રહેવાની જ પણ ધાર્મિકક્ષેત્રે માનવ માટે સમાનતાનું ક્ષેત્ર હોવું જોઇએ. ધર્મના ક્ષેત્રે લિંગભેદ અને વર્ણભેદ કરીને તેને સ્થાયી બનાવવા માટે રૂપાળું નામ ‘ધર્મમર્યાદા’ આપીને અન્યાયને પોષવાનું કામ આવી મર્યાદાઓને સોંપાયું. સ્ત્રીઓને પણ દાસીપણામાં જકડવામાં આવી.

આ પાંચ પડકારોના સમાધાનમાં પ્રજાનું ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે.

(સચ્ચિદાનંદના “ચાલો અભિગમ બદલીએ”પુસ્તકમાંથી)

સૌજન્ય : મીતાનું મનોમંથન

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.