Monday, June 24, 2013

માનવતા એ જ દેશભક્તી–વલ્લભભાઈ ઈટાલીયા

માણસ પ્રદર્શનપ્રેમી પ્રાણી છે. માણસ જે છે એનાથી સારો દેખાવાનો સતત પ્રયાસ કરતો રહે છે; જે છે એનાથી સારો બનવાનો પ્રયાસ ભાગ્યે જ કરે છે. કાર્યવૃત્તી નહીં; પ્રદર્શનવૃત્તી માણસને વધારે પસંદ પડે છે. સદીઓથી આપણને ખોટા વીચારો, ખોટી માન્યતાઓ પીરસવામાં આવ્યાં છે. આપણે સાચી દીશામાં વીચારવાની શક્તી બહુ ઝડપથી ગુમાવી રહ્યા છીએ.

દેશપ્રેમ અને દેશદ્રોહ બંને અલગ અલગ છેડાના શબ્દો છે. બંને વચ્ચે બહુ મોટી ભેદરેખા છે; પરન્તુ આપણે ઘણીવાર એ ભેદને પારખવામાં માર ખાઈ જઈએ છીએ.

મજુરોને એમના પરસેવાનું વાજબી મહેનતાણું આપે એ માલીક દેશભક્ત છે અને મજુરોનું શોષણ કરનાર માલદાર દેશદ્રોહી છે. સન્તાનને  રેઢીયાળ  ઢોરની માફક રામભરોસે છોડી મુકનાર માવતર દેશદ્રોહી છે અને સન્તાનને સારી રીતે ઉછેરવામાં, ભણાવવામાં અને કેળવવામાં પુરતી કાળજી લેનાર મા-બાપ દેશભક્ત છે. મોટી મોટી સભાઓમાં નીરર્થક ભાષણો ઠોકીને પ્રજાનો કીંમતી સમય બરબાદ કરનારા નેતા દેશદ્રોહી છે અને સભામાં ખપ પુરતા સમાજોપયોગી વીચારો વહેંચનાર નેતા દેશભક્ત છે. ચાલુ પીરીયડે પોતાના નખ કાપવામાં અને વાળ હોળવામાં સમય વેડફતો શીક્ષક દેશદ્રોહી છે અને પીરીયડમાં એકે એક પળનો ઉપયોગ કરી વીદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન આપતો શીક્ષક દેશપ્રેમી છે. થોડીક મુશ્કેલી પડે અને પત્ની તથા બાળકોને નોધારાં છોડી આપઘાત કરી લેનાર માણસ દેશદ્રોહી છે અને ગમે તેવી વીકટ પરીસ્થીતીમાં પણ માર્ગ શોધીને કુટુમ્બને સંભાળી લેનાર માણસ દેશભક્ત છે. સન્તાનપ્રાપ્તી માટે કોઈ સ્ત્રીને દવા આપનાર ડૉક્ટર દેશભક્ત છે; પરન્તુ સન્તાનપ્રાપ્તી માટે કોઈ સ્ત્રીને મંત્રેલો દોરો આપનાર માણસ દેશદ્રોહી છે. મહેનત કરીને સમસ્યાનો ઉકેલ શોધનાર માણસ દેશભક્ત છે; પરન્તુ ‘મારા ગ્રહ સુધરશે ત્યારે આપો આપ મારો ઉદ્ધાર થઈ જશે’ એમ માનીને બેસી રહેનાર માણસ દેશદ્રોહી છે.

પાંચ પ્રકારના દેશદ્રોહીઓ ઝટ આપણી નજરે ચડતા નથી:

(1)   સત્તાને પોતાની જાગીર સમજતા સત્તાલાલસુ અને ભ્રષ્ટ   રાજકારણીઓ.

(2)   દેશના અર્થતંત્રને ખાડે લઈ જનારા કરચોરો અને આર્થીક ગુનેગારો.

(3)   ગરીબ, નીરાધાર અને લાચાર કામદારોનું શોષણ કરનારા માલેતુજારો.

(4)  ઉંચો પગાર ખાઈને પ્રજાનાં કામોને ટલ્લે ચડાવતા અધીકારીઓ અને કામચોરી કરતા પગારદારો.

(5)  ભોળી પ્રજાને હાથીના દાંત બતાવી, એમના અજ્ઞાનનો દુરુપયોગ કરતા કર્મકાંડીઓ, પાખંડીઓ અને સાધુબાવાઓ.

માંગીને પોતાનું પેટ ભરનાર અપંગ ભીખારી દેશભક્ત હોઈ શકે; પરન્તુ લાંચ ખાઈને રાષ્ટ્રના ઝંડાને સલામ મારનાર નેતા કદી દેશભક્ત ન હોઈ શકે. ભણવાની ઉંમરે તમાચો મારીને બાળકને નીશાળનાં પગથીયાં ચડાવનારા મા-બાપ દેશભક્ત હોઈ શકે; પરન્તુ ભણવાની ઉંમરે પ્રેમથી બાળકને મજુરીએ મોકલનાર મા-બાપ કદી દેશભક્ત ન હોઈ શકે. જરુર જણાય ત્યારે માવતરને ઠપકો આપતો પુત્ર દેશભક્ત હોઈ શકે; પરન્તુ માવતરને ઘરડાંઘરમાં ધકેલી દેનાર પુત્ર કદી દેશભક્ત ન હોઈ શકે. શાળામાં સમયસર આવનાર નબળો વીદ્યાર્થી દેશભક્ત હોઈ શકે; પરન્તુ શાળામાં મોડો આવનાર તેજસ્વી શીક્ષક કદી દેશભક્ત ન હોઈ શકે. આચાર્ય ઘંટડી વગાડે ને સમયસર ચા હાજર કરી દેનારો પટાવાળો દેશભક્ત હોઈ શકે; પરન્તુ સમયસર ચા ન મળે ને લડી-ઝઘડી પડતો આચાર્ય કદી દેશભક્ત ન હોઈ શકે. મુશ્કેલીના સમયમાં પોતાનું શરીર વેચીને સન્તાનોનું ભરણ–પોષણ કરનારી વેશ્યા દેશભક્ત હોઈ શકે; પરન્તુ મુશ્કેલીના સમયમાં સન્તાનોને નોધારાં છોડી આપઘાત કરનારી કે રઝળતાં મુકી બીજા જોડે ભાગી જનારી માતા કદી દેશભક્ત ન હોઈ શકે.રે, પોતાના પૈસાનો શોખથી શરાબ પીનારો સંસારી દેશભક્ત હોઈ શકે; પરન્તુ પારકા પૈસાના મેવા-મીઠાઈની ફરાળ કરીને ફાંદ વધારનારો સન્યાસી કદી દેશભક્ત ન હોઈ શકે.

મીત્રો, જ્યારે કોઈ બે દેશ લડે છે ત્યારે બન્ને દેશને પચાસ-પચાસ ટકા નુકસાન થવાનો સંભવ હોય છે; પરન્તુ જ્યારે કોઈ એક જ દેશની બે કોમ લડે છે ત્યારે સોએ સો ટકા નુકસાન એ જ દેશને થાય છે. પચીસ પચીસ સદીઓથી બુદ્ધ અને મહાવીર આપણને માણસ બનાવવા મથી રહ્યા છે, અને આપણે…..! હજુ કેટલી સદીઓ લાગશે માણસને માણસ બનતા ?

પ્રસાદ

માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે; માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે; પણ માણસમાં માણસાઈ ઘટે ત્યારે કોઈ બાટલા છે ?

(લેખકના મૂળ લેખના થોડા અંશો )

અક્ષરાંકનગોવીન્દ મારુ

 

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.