Sunday, June 16, 2013

આપણા ઘડવૈયા આપણે- નવનીત શાહ

[ ચિંતનાત્મક નિબંધોના પુસ્તક ‘મનોમંથનની વાટે’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે.]

માણસ ઘડાય છે, ઘણાંથી, પણ સાચી રીતે તો તે પોતે જ પોતાની જાતને ઘડે છે. તેના જીવન ઘડતરમાં આસપાસના વાતાવરણની ચોક્કસ અસર પડે છે. પણ જો તે પોતાની જાતને ઘડવા માટે તત્પર કે તૈયાર ન હોય તો તે બધું જ વ્યર્થ છે. મહાપુરુષોનાં જીવનનું આપણે જો બારીકાઈથી નિરીક્ષણ કરીશું તો જણાશે કે, તેઓએ પ્રતિકૂળ સંજોગોમાં જ પોતાની જાતને પોતાની મેળે જ ઘડી છે. તેઓએ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી પોતાની ઈચ્છા મુજબ પોતાને ઘડી છે. બે બાળકોને એક સરખી સુવિધાઓ અને એક સરખાં સાધનો આપીશું, તો આપણે જોઈશું કે, આગળ જતાં એક બાળક પોતાની જાતને ઉન્નત કરે છે, જ્યારે બીજું બાળક અવનતિની ખીણમાં ગબડી પડે છે. આમ કેમ ? આ છે આપણા ઘડવૈયા બાંધવ આપણે, માણસ પોતે જેટલો પોતાની જાતને ઘડે છે, તેટલું તેને કોઈ ઘડી શકતું નથી.
જીવન ઘડતરમાં આસપાસના વાતાવરણની અને જમાનાની અસર અચૂક પડે છે. પણ માણસે જો ઘડાવું હોય, તો તે પોતે જ પોતાની જાતને મદદ ન કરી શકે, તો બીજાની મદદ નકામી. ‘આપ સમાન બળ નહિ.’ એ જે કહેવાયું છે તે તદ્દન સાચું જ છે. ‘કૂવામાં હોય, તો હવાડામાં આવે.’ એ ન્યાયે માણસ પોતે પોતાની જાતને ઘડે છે. એમાં એનો જાત-અનુભવ ઘણો જ ખપમાં લાગે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચીશું તો જણાશે કે, તેઓ સામાન્ય કક્ષાના હોવા છતાં ક્રમે ક્રમે પોતાની જાતને ઘડીને આગળ ગયા છે.’ પૂ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે : ‘સામાન્ય માણસ પણ અસામાન્ય માણસ બની શકે છે.’ આમાં ઘણું તથ્ય રહેલું છે.

અંગ્રેજીમાં કહ્યું છે કે, ‘A carpenter fights wilt his tools.’ સુથાર પાસે જોઈતી બધી જ સાધન સામગ્રી હોય, પણ જો તેનામાં કાર્ય કુશળતા ન હોય, તો એ સાધન સામગ્રીનો કશો જ અર્થ નથી. એ તો પોતાનો વાંક જોશે જ નહિ, પણ સાધન સામગ્રીની જ ખોડખાંપણ કાઢશે. અંતરથી અને સમજથી જે મહેનત કરીને કાર્યમાં જોડાય છે, તે કાર્યમાં સિધ્ધિ મેળવે છે. માણસે જાતે જ નિશ્ચિત વસ્તુઓ શીખી લેવી જોઈએ અને પછી બધી વસ્તુઓ જાતે જ કરવી જોઈએ. આમાં ભૂલો થાય તો કશો જ વાંધો નહિ. પણ તેણે ભૂલથી શીખવું જોઈએ અને પુનઃ ભૂલ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. માણસે પરાવલંબી જીવન જીવવું ન જોઈએ. બીજા પર સતત આધાર રાખવાથી જીવનમાં કશી જ પ્રગતિ થતી નથી. તેનાથી માણસ જ્યાં હોય ત્યાં જ રહે છે. પ્રયત્ન કરવામાં પોતાનું જે બળ હોય છે, તે વધારે ખપમાં લાગે છે. એક જ ધૂન પર જીવનાર માણસ એકાગ્રતા સાધી શકે છે અને ત્યારે જ તે આગળ ધપી શકે છે. આવો માણસ પોતાને ઘડી શકે છે. મહેનત વગર મેળવેલું નાનું મોટું ફળ આગળ જતાં એળે જાય છે. આજે લાગવગથી તેમજ ભ્રષ્ટાચારથી માણસ ઊંચી પાયરીએ ચડી જાય છે, પણ તેને જાતથી સંતોષ થતો નથી. લોકો પણ તેની સામે આંગળી ચીંધી તેની ટીકા કરે છે. એના કરતાં Slowly and steadily wins the game ન્યારે માણસે ધીમે ધીમે સ્વબળથી આગળ વધવું જોઈએ. પોતાની જાતથી જે પોતાને ઘડીને આગળ વધે છે, તેને તેની સફળતાનું ગૌરવ રહે છે. સ્વબળ એ મોટું બળ છે, પરબળ એ ખરેખર બળ જ નથી.
સારનો સાર એ છે કે, માણસ જાતે જ પોતાની જાતને ઘડે છે. આપણે જાણીએ છીએ કે, માણસના જીવન ઘડતરમાં બીજાં ઘણાં પ્રેરક બળો સાથ આપે છે. છતાંય પોતાની જાત જેવું પ્રેરક બળ એકેય નથી.
સૌજન્ય : રીડ ગુજરાતી
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.