Thursday, June 20, 2013

પ્લાસ્ટિકની ખતરનાક આડઅસરો

સરકાર વારેવારે પોલીથીન બેગ પર નિયંત્રણ મૂકે છે. પણ લોકો પોતાની થોડી સગવડ માટે તેના માટે જોઇએ તેવો સહકાર ના આપતી હોવાને કારણે તેનો ઉપયોગ બંધ નથી થતો. બેચાર દિવસ નિયંત્રણ રહે ફરી બધું જ યથાવત. પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં નુકશાન માટે ઘણું લખવામાં આવે છે. ચાલો થોડું વધારે જાણીએ.
રોજબરોજની જીંદગીમાં પ્લાસ્ટિક્ને આપણે મહત્વની જરૂરિયાત માનીએ છીએ પણ શું આપણે જાણીએ છીએ પ્લાસ્ટિકની ખતરનાક આડઅસરો વિશે? પ્લાસ્ટિકના કપમાં ચા અને બહારથી પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને લાવેલું ભોજન નુકશાનકારક છે. ખાસ કરીને લોકો પ્લાસ્ટિકના કપમાં ગરમાગરમ ચાની ચૂસકીઓ લેતા જોવા મળે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે પ્લાસ્ટિકના કપમાં ગરમ ચા પીવાથી ચાની સાથે ઝેરી કેમીકલ પીગળી ચા સાથે પેટમાં જાય છે અને લાંબે ગાળે શરીરના હોર્મેન્સને અસર કરે છે.
પ્લાસ્ટિક પર્યાવરણ માટે તો નુકશાનકારક છે સાથે  મનુષ્ય માટે પણ ખતરનાક છે.  લાંબેગાળે હોર્મોન્સની સિસ્ટમ ખોરવી નાખે છે. ખાદ્ય ચીજો અને પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. પ્લાસ્ટિકમાં અતિ ગરમ કે અતિ ઠંડી ચીજો લેવાથી ઝેરી રસાયણ ઓગળી શરીરમાં જાય છે. પુરુષોના શુક્રાણુઓને અને મહિલાઓના પ્રજનન તંત્રને અસર કરે છે. બાળકોના માનસિક વિકાસને રૂધે છે. હ્રદય-લીવર-કિડની અને પાચનતંત્ર માટે પ્લાસ્ટિક હાનિકારક છે. હોર્મોન્સ-શુક્રાણુઓને થતી અસર પ્રુરુષોના સેક્સપાવરને ઘટાડી નાંખે  છે એવું નિષ્ણાતોનું કહેવું છે.
સસ્તા અને સરળતાથી મળતા પાણીના પાઉચ સ્વાસ્થ્યના દુશ્મન છે. પાઉચને મોંઢેથી તોડીને અને ચૂસીને પીવાથી ઝેરી તત્વો સીધા શરીરમાં જાય છે. પ્લાસ્ટિકમાં રહેલું પાણી સ્વાદ બદલી નાંખે છે. પ્લાસ્ટિક ખાદ્યચીજો અને પ્રવાહીનો સ્વાદ બદલી નાખે છે પાણીના પાઉચ ઠંડા હોય ત્યારે પીવાથી ખબર નથી પડતી પરંતુ થોડીવાર મૂકી રાખવામાં આવે તો પાણી સાથે પ્લાસ્ટિક્નો સ્વાદ અનુભવી શકાય છે.નાનાં બાળકોને પ્લાસ્ટિક બોટલમાં ક્યારેય દૂધ ના આપવું. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. સોફ્ટ પ્લાસ્ટિક કરતાં હાર્ડ પ્લાસ્ટિક ઓછું નુકશાનકારક છે. મેઇડ ઇન ચાઇના રમકડાં પણ હાનિકારક છે. તેનાથી બાળકોને દૂર જ રાખજો.
ભારતમાં મોટાભાગનું પ્લાસ્ટિક રિસાઇકલ હોય છે અને પ્લાસ્ટિક બનાવવા માટે બિસ્ફેનોલ-એ કેમિક્લનો ઉપયોગ થાય છે.પ્લાસ્ટિક બનાવવા માટે વપરાતું બિસ્ફેનોલ-એ કેમીકલ વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદિત થતું પેટ્રોલિયમ બેઇઝડ કેમીકલ છે. સંશોધન મુજબ જો આ કેમીકલનું પ્રમાણ વધી જાય તો સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોંચે છે. વર્તમાન સમયમાં સંપૂર્ણ અવગણના પ્લાસ્ટિકની ના કરી શકીએ તો શક્ય હોય ત્યાં સુધી ખાદ્ય ચીજો તથા પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું ટાળવું જોઇએ. પ્લાસ્ટિકના વાસણોના વધુ ઉપયોગથી પાચનતંત્રની સાથે ચેતાતંત્રને પણ અસર થાય છે. બાળકો સંપુર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતાં. આપણે ત્યાં ફ્રિજમાં રાખવામાં આવતી પાણીની બોટલોમાંથી આપણે અનેક વખત પાણી પીએ છીએ.
પ્લાસ્ટિક ઘણા પ્રકારના હોય છે. પરંતુ આપણે ત્યાં જે પ્લાસ્ટિક વપરાય છે તે ૧૦૦ ટકા સુરક્ષિત માનવામાં નથી આવતું. પ્લાસ્ટિકમાંનું ખતરનાક રસાયણ ટિનએજ યુવતીઓને સમયથી પહેલાં પુખ્ત બનાવી દે છે. પુરુષોમાં વધતા પ્રોસ્ટેટ કેન્સર માટે પણ પ્લાસ્ટિકને જવાબદાર ગણી શકાય.
ડિસ્પોઝેબલ વાસણોને આપણે સગવડતા માનીએ છીએ પરંતુ આ સગવડતા ખૂબ નુક્શાનકારક છે.
દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના ડૉ. બિર સિંઘ જણાવે છે કે પ્લાસ્ટિકના કપ કે અન્ય કોઇ ડિસ્પોઝેબલ વાસણોમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવું હાનિકારક છે પ્લાસ્ટિકમાં રહેલું બિસ્ફેનોલ-એ ઝેરી રસાયણ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પ્લાસ્ટિકના વાસણોના વધુ પડતા ઉપયોગથી ગર્ભપાત પણ થઇ શકે છે
વારણસી ખાતે વૈજ્ઞાનિકોએ ચાર વર્ષ સુધી ઉંદરો પર પ્રયોગ કરીને તારણ આપ્યું છે કે પ્લાસ્ટિકમાં અતિગરમ કે અતિઠંડી ચીજો સ્વાસ્થ્યને અતિ ગંભીર  નુક્શાન પહોંચાડે છે આ ઉપરાંત અમેરિકી કેમીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી બાવન પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.
પ્લાસ્ટિક એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટયૂટ-લખનૌના ડાયરેક્ટર ડૉ. વિજયકુમાર જણાવે છે કે પ્લાસ્ટિક બેગમાં વપરાતા કલર અને પોલીથીન મનુષ્યનાં મોટાં દુશ્મન છે.
કાચ, સિરેમિક કે સ્ટેઇનલેસ સ્ટીલનાં વાસણોનો ઉપયોગ જ સુરક્ષિત છે અને પીવાનાં પાણી માટે ત્રાંબાના વાસણનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. એલ્યુમિનિયમ વાસણોમાં બનાવાતી રસોઇ પણ લાંબેગાળે નુકશાનકારક છે. સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં પણ ખટાશવાળી વસ્તુનો થતો સંગ્રહ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. જેમ કે અથાણાં કે વિટામીન સી હોય તેવાં જ્યુસ સ્ટેઇનલેસ સ્ટીલમાં રાખવાં કે લેવા હિતાવહ નથી.  સિરામિક કે કાચના વાસણોનો જ ઉપયોગ  હિતાવહ રહે છે.
એકવાર આફ્રિકામાં માણસોમાં અચાનક ગાંડપણના કિસ્સા ખૂબ પ્રમાણમાં વધી ગયાં. તેના વિશે શોધ કરવામાં આવી કે શું કારણથી અચાનક લોકોમાં ગાંડપણનું પ્રમાણ વધી રહ્યું છે? અંતે તેનું કારણ જાણવા મળેલ કે લોકો ખાટાં પદાર્થો કે અથાંણાં સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં રાખતા તેથી લોકોમાં ગાંડપણ કે માનસિક અસ્થિરતા આવતી. આ કિસ્સો મારા દીકરાના સાયન્સ અને મેથ્સના ટીચરે જણાવેલ.
સૌજન્ય : મીતાનું મનોમંથન

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.