Thursday, July 4, 2013

ઈશ્વરની ઈજ્જતની રક્ષા કરીએ–દીનેશ પાંચાલ

હમણાં એક સરકારી ઓફીસમાં દાખલો કઢાવવા જવાનું થયું. એવો ધક્કે ચઢાવ્યો કે સાવ નાખી દેવા જેવા કામમાં પુરા બે દીવસની રજા બગાડવી પડી. કર્મચારીઓની અંદરોઅંદરની વાતચીત પરથી એટલો ખ્યાલ આવ્યો કે દાખલો કાઢી આપવાનું કામ કરતા મી. ગાંધી નામના સજ્જન ચાલુ ઓફીસે સત્યનારાયણની કથા સાંભળવા ગયા હતા. એ ગાંધીભાઈ જલદી પાછા આવી જાય એવી મેં સત્યનારાયણને પ્રાર્થના કરી; પણ વ્યર્થ !
અમેરીકાથી પધારેલા એક મીત્ર મારી સાથે હતા. ચાલુ નોકરીએ સત્યનારાયણની કથા સાંભળવાની સરકારમાન્ય સુવીધા નીહાળી તેઓ ઈર્ષાના માર્યા બળીને ખાક થઈ ગયા અને હીજરાતાં હૈયે બોલ્યા, ‘અમારે ત્યાં તો ઓફીસે પાંચ મીનીટ મોડા પહોંચો તોય પગાર કાપી લેવામાં આવે છે !’
એક વાત સમજાય છે. માણસના રોજીન્દા કામોમાં રુકાવટ લાવે એવી ભક્તી માણસે મનસ્વીપણે ઉભી કરી છે. ધર્મ કદી ચાલુ ઓફીસે કથા સાંભળવાનું કહેતો નથી. ભગવાનને પણ માણસની એવી ભક્તી સામે ખાસ્સો વાંધો હશે; પણ એનું સાંભળે છે કોણ ? બેંકમાં એક માણસ ડ્રાફ્ટ કઢાવવા ગયો. ડ્રાફ્ટ લઈ એણે ગાડી પકડવાની હતી. બાજુના ક્લાર્કે કહ્યું– ‘વાર લાગશે, ડ્રાફ્ટ લખનાર ભાઈ નમાઝ પઢવા ગયા છે !’ પેલા બીરાદર નમાઝ પઢીને આવ્યા ત્યાં સુધી ગ્રાહકે તેની આતુરતાભરી પ્રતીક્ષા કરી; પણ ગાડી તો નીકળી ગઈ !
સમજો તો દીવા જેવી ચોખ્ખી વાત છે. પ્રત્યેક માણસ માટે કર્તવ્યથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી. ખુદાની બંદગી કે પ્રભુની પુજા એ શ્રદ્ધાનો વીષય છે. તેનો વાંધો ન હોઈ શકે; પરન્તુ તેનો સમય લોકોને અડચણરુપ થાય એવો ન હોવો જોઈએ. ચાલુ નોકરીએ કર્મચારી સત્યનારાયણની કથા સાંભળવા જાય કે નમાઝ પઢવા જાય એમાં ઈશ્વર કે અલ્લાહ રાજી રહેતા હશે કે કેમ તેની ખબર નથી; પણ ગ્રાહકો અચુક મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
જરા વીચારો, એક પારસી ડૉક્ટર ઓપરેશન અધુરું મુકી અગીયારીમાં લોબાન કે સુખડ ચઢાવવા જાય તો દરદીની શી હાલત થાય ? એક હીન્દુ પાયલોટ ચાલુ વીમાને રામની માળા જપવા બેસે તો એવી ભક્તીથી રામચન્દ્રજી રાજી થાય ખરા ? કોઈ જૈનબંધુ બસડ્રાઈવર હોય અને માર્ગમાં જ્યાં દેરાસર નજરે પડે ત્યાં બસ થોભાવીને દર્શને જાય તો પેસેંજરોને પરવડે ખરું ? વીકસીત દેશોની પ્રજા ધર્મ પાછળ સમય બગાડતી નથી. તેઓ કામને જ પુજા ગણે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અદાલતમાં કેસ લડતા હતા તે સમયે તેમની માતાના મૃત્યુના સમાચાર મળ્યા; પરન્તુ સહેજ પણ અસ્વસ્થ થયા વીના તેમણે છેવટ સુધી વકીલાત ચાલુ રાખી અને કેસ જીત્યા. દરેક માણસ સરદાર પટેલ જેવી કર્તવ્યનીષ્ઠા દાખવે તો જીવનમાં તેનાં સારાં પરીણામો પ્રાપ્ત થઈ શકે. પરન્તુ આપણી તો ભક્તીય ભંગાર અને બંદગીય બોગસ ! એવી તકલાદી ભક્તીના એક બે દાખલા જોઈએ.
એક ગામમાં ગણેશોત્સવવેળા એક ઘટના બની હતી. ગણેશમંડળના થોડાક જુવાનીયાઓ મુર્તી ખરીદવા ગયા. બન્યું એવું કે પૈસા પરત કરવામાં મુર્તીવાળાથી એક ભુલ થઈ. પૈસા પરત કર્યા તેમાં સો રુપીયા સમજીને પાંચસોની નોટ અપાઈ ગઈ. થોડે ગયા ત્યાં ખ્યાલ આવ્યો કે મુર્તીવાળાએ ભુલથી ચારસો રુપીયા વધારે આપી દીધા છે. જેવી એ વાતની ખબર થઈ કે બધા યુવાનો ગેલમાં આવી ગયા. એકાદનેય એવો વીચાર ના આવ્યો કે ગરીબ મુર્તીવાળાને ચારસો રુપીયા પરત કરી દઈએ. એક–બે તો હરખના માર્યા ચીલ્લાઈ ઉઠ્યા– ‘ગણપતીબાપા મોરીયા…!’ (અમારા બચુભાઈ હોત તો જવાબ આપ્યો હોત– ‘ને ચારસો રુપીયા ચોરીયા…!’)
ધરમકરમવાળા આ દેશમાં ભગવાનના સોદામાંય લોકો આવી લુચ્ચાઈ આદરે છે ત્યાં બૉફોર્સના તોપસોદાની શી વીસાત ? થોડા વખત પરની એક બીના. એક મુસ્લીમ મીકેનીકે એક માણસનું સ્કુટર રીપેર કરતી વેળા તેમાંથી નવી કોઈલ કાઢી લઈને જુની નાંખી આપી. સ્કુટર માલીકે ઝઘડો કર્યો અને પોતાની નવી કોઈલની માંગણી કરી. મીકેનીકે કહ્યું: ‘અમારા રોજા ચાલે છે. રોજામાં અમે થુંક પણ ગળતા નથી તો ધંધામાં જુઠું શુ કામ બોલીએ ? મેં તમારી કોઈલ બદલી જ નથી !’ પેલા સ્કુટર ચાલકે છેવટે ભારે મનદુ:ખ સાથે વીદાય લીધી.
ચારેક દીવસ બાદ બન્યું એવું કે એના ભાઈના સ્કુટરની કોઈલ ફેઈલ થઈ ગઈ અને યોગાનુયોગ એ જ મીકેનીક પાસે તે ગયો. પેલા મીકેનીકે પેલી ચોરી લીધેલી કોઈલ નાંખી પૈસા ઉપજાવી લીધા. (કોઈલ પર પેલા મુળ માલીકે રંગ વડે નીશાની કરી હતી એથી તુરત ઓળખી ગયા કે આ એમની જ કોઈલ છે.) આ દેશમાં ધર્મને ઓથે ઠગાઈ–ઉદ્યોગનો ખાસ્સો વીકાસ થયો છે. છળકપટ કોઈ કોમનો ઈજારો નથી. માનવીના પ્રપંચો સમ્પુર્ણ બીનસામ્પ્રદાયીક રહ્યાં છે. દગાબાજી, વીશ્વાસઘાત કે લુચ્ચાઈને હીન્દુત્વ કે મુસ્લીમત્વ સાથે કોઈ પક્ષપાત નથી હોતો.
હવે એક સ્ટવ રીપેર કરનાર હીન્દુ માણસનો દાખલો જોઈએ. સ્ટવનું ફક્ત વૉશર બદલવાનું હતું. સ્ટવમાં બીજી કોઈ ખરાબી હતી નહીં. ‘એક ઢાંકણીમાં થોડું તેલ લઈ આવો’ એવું કહી સ્ટવવાળાએ પત્નીને રસોડામાં મોકલી અને તે દરમીયાન પંપનો વાલ્વ બદલી તુટેલો વાલ્વ નાંખી દીધો. પછી કહ્યું ‘પંપમાં કેરોસીન આવે છે. વાલ્વ તુટેલો છે. બદલવો પડશે !’ મીત્રે જોયું કે સ્ટવવાળો લુચ્ચાઈ પર ઉતર્યો છે, એથી ધમકાવ્યો. પેલાએ કહ્યું ‘હું નાગદેવતાનો ભક્ત છું… હું ધંધામાં કદી જુઠું બોલતો નથી’ કહી એણે હાથ પર ચીતરેલો નાગ બતાવ્યો. મીત્રે એને મારવા લીધો અને પોલીસમાં પકડાવવાની ધમકી આપી. ત્યારે તેણે કરગરી પડતાં માફી માગી અને વાલ્વ બદલ્યો હોવાનું કબુલ્યું.
બચુભાઈ કહે છે, ‘માણસના ચારીત્ર્ય પર પડેલા બેઈમાનીના ડાઘ ધર્મના સાબુથી ધોઈ શકાતા ના હોય તો એવા ધર્મનો શો ફાયદો ? રોજામાં થુંક ગળાઈ જાય તો પાપ લાગે એમ માનતો મુસ્લીમ આખેઆખી કોઈલ ગળી જાય તોય તેના રોજા અખંડ રહે છે. એક હીન્દુ નાગદેવતાનો ભક્ત હોવાનો ગર્વ લે છે; પણ ધંધામાં નાગની જેમ ગ્રાહકને ડંખ મારે છે ત્યાં તેનો ધર્મ ભંગ થતો નથી. બધા જ હીન્દુ–મુસ્લીમો એવા હોતા નથી; પણ ઘણા લોકો સગવડીયો ધર્મ પાળે છે. તેઓ ધર્મ પણ પાળે છે અને તક મળતાં બેઈમાની પણ આચરી લે છે. ધર્મને એવા માણસોએ બદનામ કર્યો છે.
ધર્મ અને ભગવાનના માથા પર સૌથી વધુ હથોડા ધાર્મીકોએ માર્યા છે. માણસે ધર્મ અને ભગવાન બન્નેને રાતાં પાણીએ રડાવ્યા છે. એક વડીલે હીન્દુનો દાખલો આપતાં કહ્યું– ‘એક માણસ રોજ વહેલો ઉઠીને મંદીરે જાય. ભાવથી પ્રભુપુજા કરે. પણ પાછા આવતી વેળા એની કાકીના ઘર પર એક–બે પથ્થરો મારતો આવે. કાકી જોડે એને કોઈ મીલકત વીષયક મનદુ:ખ હતું. એ જે હોય તે પણ કોઈ પણ શાણો હીન્દુ પુજા અને પથ્થરના આ અધમ કક્ષાના કોમ્બીનેશનને આવકારી શકે ખરો ? કોઈ ચુસ્ત મુસ્લીમ ત્રણ વાર નમાઝ પઢતો હોય, રોજ કુરાનેશરીફ વાંચતો હોય; પણ ત્યારબાદ આંતકવાદીઓના શસ્ત્રગોડાઉનનું મેનેજીંગ કરતો હોય તો અલ્લાહ તો દુર; શાણા મુસ્લીમોય તેને ટેકો આપે ખરા ?
એટલું ખાસ યાદ રાખવા જેવું છે. શીક્ષણ મેળવ્યા પછી માણસ શું બની શકે છે તેમાં શીક્ષણની ઈજ્જત રહેલી છે. તે રીતે ધર્મનું પાલન કર્યા પછી માણસ કેવો વ્યવહાર કરે છે તેમાં તેના ભગવાનની ઈજ્જત રહેલી છે. ચાલો આપણે જીવનમાં ધર્મનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણા ભગવાનની ઈજ્જતની રક્ષા કરીએ !
-દીનેશ પાંચાલ
અક્ષરાંકન:ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.