Thursday, July 18, 2013

એ ચાહ પર ચશ્માં પડ્યા… – જયરાવ જણસારી


‘અરે આને કોઈ લખતા શીખવો, ક્યારેય ચશ્માં ચાહ પર પડે ખરા !…. કેવા કેવા લોકો પોતાને લેખક માને છે ! બસ હાથમાં પેન પકડી અને શબ્દો ટપકાવ્યા એટલે લેખક થવાતું હશે, ગગા’… આ વાંચ્યા પછી આવું વિચારવું સ્વાભાવિક છે. પણ અહીં લખેલું ફક્ત વાંચવા કરતાં સમજવાની જરૂર છે. આ વાક્ય બે ઘડી ધ્યાન આપવા માટે જ લખાયું છે. આવું વાક્ય આપણે ક્યારે ઉચ્ચારીયે છીએ ? કઈ પરિસ્થિતિમાં બોલીએ છીએ ? એ જ કે જયારે આપણે કોઈ કામમાં મશગુલ હોઈએ અથવા પરોવાયેલા હોઈએ, કેમ કે જયારે અનાયાસે કોઈ ઘટના બને જેવી કે પાણી ઢોળાવવું…. ત્યારે એકદમ મોંમાંથી નીકળી જાય કે એ ગ્લાસ ઢળ્યો. પણ ખરેખર પાણી ઢળ્યું હોય છે.
આ વાક્ય ભલે રમૂજ ઉપજાવે પણ તેનો મર્મ જાણવો જરૂરી છે જે આપણા રોજીંદા જીવનને સીધો સ્પર્શે છે. મિત્રો આજના યુગમાં જેટલું બૂકનું મહત્વ નથી તેટલું ફેસબૂકનું વધારે છે. વળી પાછા ફોન બનાવતી કંપનીઓએ ટચ સ્ક્રીન અને ફેસબુકની સંયુક્ત સુવિધા આપી છે. એટલે કોઈ પણ વ્યક્તિ એકલપંથો હોઈને ફોનની અંદર જ પરોવાયેલો રહે છે. તેમને તેમની આસપાસ કોણ છે, કેમ છે, એના કરતાં આંગળીના વેઢાથી ટચસ્ક્રીન પર રચાતા સંબંધોમાં વધારે રસ છે. સ્નાન કરીને નીકળે તો પણ સ્ટેટ્સ અપડેટ કરે ! ગમે તે સ્થિતિમાં પણ સ્ટેટ્સ અપડેટ તો કરવાનું જ !
આ બધું શું છે ? આ બધામાં આપણે નજીકના સંબંધોને અવગણ્યા અને એટલા એકલા થઈ ગયા કે આપણા સિવાય બીજું કોઈ દેખાતું નથી. આજે મનને ઠાલવવું હોય તો લોકોને કોઈનો ખભો નહીં પણ કમ્પ્યુટરનો ખોળો જોઈએ છે ! આ બધી સુવીધા સારી છે પણ તેનો અતિરેક થઈ રહ્યો છે. આ સુવિધાઓની અવગણના ક્યારે કરવી તેનો ખ્યાલા જ નથી. આજનો યુવાવર્ગ સગવડીયો થયો છે. સહેજ પણ અગવડતાથી તે આકુળ વ્યાકુળ થઈ જાય છે. તેઓ એવું નથી સમજતા કે સુવિધા તેમના માટે છે, તે સુવિધા માટે નથી. કાંઈ હોય કે જેનાથી નવું જણાય તો ચોક્કસ તેમાં ચિત્ત પરોવું જોઈએ પણ એટલી હદે નહિ કે તેનાથી આપણે આપણા મિત્રો, માતાપિતા દરેકને અવગણીએ અને માત્ર આપણો અહમ, આપણા પુર્વગ્રહો ને જ આપણે સાચા માનીએ. આપણા ખોટા ખ્યાલો, અધીરા નિર્ણયો, કાગળ જેવા સંબંધો અને ધુમાડા જેવો વિશ્વાસ એ લક્ષણો છે આજની પેઢીના.
એ લોકો એવું સમજે છે કે તૂટેલા સંબંધો તૂટેલી રકાબી જેવા છે તેને જોડી દેવાથી તે ફરી તાજો થાય છે પણ તેઓ એ ભૂલી જાય છે કે તેમાં રહેલી તિરાડ તેની ચડી ખાય છે. આજના યુવાનની સંબંધ વિશેની માન્યતા તેને સમજણ સાથે ઉછેરવાની નહિ પણ તેનાથી ફાયદો કેવી રીતે મેળવવો તેની છે. તે સંબંધોની ઊંડાણને સમજતો નથી કે તેને તોડતા વિચારતો નથી. પછી નિસાસો નાખીને તે જ તિરાડ ભરેલા સંબંધોને દોષ આપે છે. આજે વ્યક્તિ સમજણમાં ઉણો ઉતરે છે. તેને લોકોની વાત મહેણાં વધારે લાગે છે. આજે તેણે વર્ચુઅલ દુનિયાનો વ્યાસ વધાર્યો છે અને તેની સાથે સાથે તેણે વાસ્તવિક દુનિયાની ત્રિજ્યામાં ઘટાડો કરવા માંડ્યો છે પણ તેણે ક્યારેક તો આ વાસ્તવિકતાની ત્રિજ્યાનો વ્યાસરૂપી છેડો તો ઓળંગવો જ પડશે પરંતુ ત્યારે એ છેડા પર તેને ટેકો આપવા માટે કોઈ હશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે….
માટે જ ઉપરનું વાક્ય જીવન, સંબંધ અને સમજણ – આ ત્રણ શબ્દોના એકાકાર માટે જ વાપરવામાં આવ્યું છે માટે તેને લખાણની ભૂલ નહિ પણ સમજણની નવી વૃત્તિ તરીકે જોવું રહ્યું. છેલ્લે જતાં જતાં એક રમૂજી વાક્ય યાદ આવે છે : ઓરેન્જ અને એપલમાં તફાવત શો ?…. સિમ્પલ છે….. ઓરેન્જનો કલર ઓરેન્જ હોય છે જયારે એપલનો એપલ નથી હોતો !!

સૌજન્ય : રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.