Wednesday, July 10, 2013

બાળ દીક્ષા–ગોવીન્દ મારુ


કુમળી વયના નીર્દોષ બાળકો દીક્ષા ગ્રહણ કરે તેવી બીના કાને પડે કે તરત જ અંતરમન દ્રવી ઉઠે છે. સામાન્ય રીતે આ બનાવ  કોઈ વ્યક્તીગત નથી. પરંતુ સમાજ જીવન અને સામાજીક મુલ્યોને સ્પર્શતો પ્રશ્ન છે. માનવજાતના કાયદાનો ઈતીહાસ એમ તારણ કાઢે છે કે, સગીર વયના માણસે (!) કરેલો નીર્ણય તો તેના મા-બાપ જ કરતાં હોય છે. દીક્ષા લેવા માટે કુમળા બાળકના મનને એક વ્યવસાયી રીતે વ્યવસ્થીત તૈયાર કરવામાં આવે છે. આવા કુમળા મનના બાળકોને દીક્ષા અને તેના આધારીત ચમત્કારો તરફ સંમોહન ફેલાવવું તે એક વ્યવસ્થીત મનોવૈજ્ઞાનીક શીક્ષણ બની ગયું છે. દીક્ષા પ્રાપ્ત કરવા મનને તૈયાર કરવું તે એક વ્યવસ્થીત ષડયંત્રનો ભાગ બની ગયો છે. એક વખત દીક્ષા લીધા પછી તેને ટકાવી રાખવી, તે જ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે; એ માટેના પણ વ્યવસ્થીત પગથીયા ગોઠવવામાં આવ્યા છે. આ બધી પ્રક્રીયાઓને તટસ્થ અને માનવીય ગૌરવનું મુલ્યની દૅષ્ટીએ મુલ્યાંકન કરીએ તો આપણે ચોક્કસ અનુભવાય કે બાળ દીક્ષા એ બાળકની જીન્દગી ઉપરનો અમાનુષી ત્રાસ છે. જો બાળક પોતાની જાતે યોગ્ય નીર્ણય ક્યારે ય કરી શકે તેમ ન હોય, તો પછી તેની દીક્ષાનો નીર્ણય કેટલો વાજબી કહેવાય ?
કાયદાએ સ્પષ્ટ અમલી બનાવી દીધું છે, કે સગીર વયની વ્યક્તીને મતાધીકારથી માંડીને પોતાની જાતને રજુ કરવા કોઈ કાયદાકીય અધીકાર નથી. ત્યારે મા-બાપ સમાજમાં પોતાનો મોભ્ભો જાળવવા અને બાળ દીક્ષાના ઓઠા હેઠળ પુણ્ય પ્રાપ્ત કરવા બાળદીક્ષા જેવી પ્રવૃત્તી સગીર દ્વારા કરાવવામાં આવતી હોય તો તેને કાયદાએ ગુનો ગણી વહેલામાં વહેલી તકે અટકાવવી જોઈએ. ભારતમાં સામાજીક સુધારણાના ક્ષેત્રે કાયદો પ્રગતીશીલ બની આગેકદમ બઢાવે તે અનીવાર્ય છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.