Wednesday, July 24, 2013

નવા વિચારોનું આગમન – આરતી જે. ભાડેશીયા


માનવી તેનું જીવન તેના માનસિક વિચારો બદલીને જ બદલી શકે છે. તમે જેવું વિચારશો, જેવું માનશો, તેવું તમારા જીવનમાં બનશે અને તેવું વાતાવરણ તમારી આસપાસ સર્જાશે. મનને માત્ર સારા જ નહીં, નવા વિચારોથી ભરો. આ ગતિવિધિ થી જ તમને નવુંજીવન, ધાર્યું જીવન અને બની શકે તો ધારી સફળતા પણ મળી શકે છે. જો સંશોધકોએ કંઈ જ નવું ના વિચાર્યું હોત તો આજનો યુગ ટેકનિકલ ન બન્યો હોત અને આપણે આટલી ભૌતિકતા ન ભોગવી શક્યા હોત.
ઉદાહરણ તરીકે, આજની દરેક વ્યક્તિ માટે જીવનમાં સૌથી ઉપયોગી સાધન હોય તો તે છે મોબાઈલ. ‘Martin Cooper’ નામના વૈજ્ઞાનિકે કશું વિચાર્યું ન હોત તો આજે દુનિયાના ગમે તે છેડે રહેતા વ્યક્તિનો સંપર્ક આપણે સાધી શક્યા હોત ? ‘Philo T. Farnsworth’ જેને ટેલિવિઝનના પિતા કહેવાય છે, તેમણે જો નવા વિચારો દ્વારા આ કામ ન કર્યું હોત તો આપણે આટલું મનોરંજન અને દુનિયાની ખૂણે-ખૂણાની માહિતી મેળવી શક્યા હોત ? આજે દરેક વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું સાધન એટલે કોમ્પ્યુટર. જો ‘Charles Babbage’ નામના વૈજ્ઞાનિકે આ કશું વિચાર્યું ન હોત તો આજના ધંધાકીય હિસાબ-કિતાબ તથા લાખો-કરોડોના વ્યવહારો સહેલા બની શક્યા હોત ? જો કોમ્પ્યુટર ના હોત તો આજે આટલી રોજગારીની તકો ઊભી થઈ શકી હોત ? આજે દુનિયાના કોઈપણ છેડે રહેલા વ્યક્તિ સાથે વ્યવસાય કરવો હોય અથવા અજાણી વ્યક્તિની માહિતી એકત્ર કરવી હોય તો આજના યુવાનો અને બાળકોનું પ્રિય તથા દુનિયાની માહિતી ને જ્ઞાન આપતું ‘ઈન્ટરનેટ’ આપણને ઉપયોગી થાય છે. આ ઈન્ટરનેટની શોધ ‘Vintone Cerf’ નામના વૈજ્ઞાનિકે કરી હતી. જો તેમણે આ વિશે કંઈ વિચાર્યું ના હોત તો આજે બાળકો આટલી નાની ઉંમરમાં આ બધું જ્ઞાન મેળવી શક્યા હોત ? દુનિયામાં હજી ઘણા ઉદાહરણ એવા છે જેમાં લોકોએ ઘણું જ નવું વિચાર્યું છે અને હજી વિચારશે. આજના ઝડપી અને હરીફાઈના જમાનામાં દરેક વ્યક્તિએ નવું વિચારવું જ પડે છે. આજે હજી પણ ઘણા લોકો એવા છે જે જૂના, થાકેલા અને ઘસાઈ ગયેલા વિચારો સાથે જીવે છે.
સમાજને જાગૃત કરવા તેમજ પોતાનું વ્યક્તિત્વ બદલવા માટે માણસે માત્ર ત્રણ જ વાક્યો યાદ રાખવાની જરૂર છે : [1] ઈશ્વર જ મારામાં જીવનની શક્તિ છે. તેને લીધે જ મારામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. [2] માનવીનું જીવન તેના વિચારો પ્રમાણે જ ઘડાય છે. [3] માનવી એવો બને છે જેવો તે પોતાના વિશે આખો દિવસ વિચાર્યા કરે છે. વિચાર એવી શક્તિ છે જેનો માનવી પર બહુ જ મોટો પ્રભાવ પડે છે. કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વિચાર જ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તમે તમારા વિચારોથી માંદા પણ પડી શકો છો અને તંદુરસ્ત પણ રહી શકો છો. પરિસ્થિતિ કરતા વિચારધારા વધુ બળવાન હોય છે. જો તમે સર્જનાત્મક વિચાર કરશો તો વાતાવરણ પણ સર્જનાત્મક બની રહેશે. પણ જો તમે નકારાત્મક વિચારો કરશો તો વાતાવરણ પણ નકારાત્મક બની રહેશે, જે તમને સફળ થવા જ નહિ દે. આથી સર્જનાત્મક વિચારો માટેના ત્રણ જ ઉપાય છે : પરિકલ્પના, પ્રાર્થના અને સાકારત્વની ભાવના. તમે તમારા શરીર/દેહને પોષણ આપો છો, તે જ રીતે તમારા મન ને પણ પોષણ આપો. તમારા મનને તંદુરસ્ત રાખવા માટે સૌપ્રથમ તમારા શરીર/દેહને તંદુરસ્ત રાખો. જેમ શરીર/દેહને તંદુરસ્ત રાખવા માટે સંપૂર્ણ અને શુદ્ધ આહારની આવશ્યકતા છે, તેવી જ રીતે મનને પણ શુદ્ધ અને રચનાત્મક વિચારોની આવશ્યકતા છે. આથી મન ને પણ સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારોથી ભરી દો અને સાથે જૂના ઘસાઈ ગયેલા વિચારોને મુક્તિ આપો. આથી સારા અને સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારો લાવવા માટે નિયમિત પ્રાર્થના કરો. ઈશ્વરને બને તેટલો સમય આપો. દરેક પ્રાર્થના સાથે ઈશ્વરનો આભાર માનો કે મનુષ્ય અવતાર આપીને એક અદ્દભુત ભેટ આપી છે અને ઈશ્વર પરની અડગ શ્રદ્ધાથી વધુ ઈશ્વરના કોઈ આશીર્વાદ હોઈ શકે નહીં. વધુ સફળ તથા સારું જીવન માટેની ગુરુચાવી એ જ છે કે તમારે તમારા જૂના ને ‘રોગીષ્ઠ’ વિચારોને ફગાવી દેવા અને તેના સ્થાને નવા ‘નિરોગી’ અને ‘તંદુરસ્ત’ વિચારો ને આંતરમનમાં રાખી દેવા.
કોઈપણ વ્યક્તિ ચાહે ભલે મોટી પદવી પ્રાપ્ત કરેલ હોય કે સામાન્ય હોય, દરેકે પોતાના વ્યવસાય અંગે, તંદુરસ્તી અંગે, ભવિષ્ય વિશે, સ્વજનો વિશે પણ આશાવાદી બની રહેવું જોઈએ. આ વિચારધારા કરવી મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. દરેક વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો એ ઘણો સમય દુર્વ્યય કર્યો છે. તેને દૂર કરવા મુશ્કેલ જરૂર છે, પણ શક્ય નથી. માનવ સ્વભાવમાં ઊંડે સુધી આરોપિત થયેલું વલણ તે છે કે તમે તમોને જેવા માનો છો તેવા જ બનીને રહો છો. આથી જ લોકો અને સમાજને પણ સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારોનું મૂલ્ય સમજાવવું તે પણ ઘણી મોટી સમાજ સેવા ગણાશે.

સૌજન્ય :રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.