Friday, February 8, 2013

કમુરતાંને બાયપાસ કરી શકાય ?–વર્ષા પાઠક

દર વરસે લગભગ 14-15 ડીસેમ્બરથી શરુ થઈને મકરસક્રાન્તી સુધીનો સમયગાળો કમુરતાંનો ગણાય છે. એમાં સારાં કામ ન કરાય, લગ્ન તો નહીં જ નહીં, એવું મનાય છે.
આવતે વરસે ધામધુમથી લગ્ન કરવા માટે થનગની રહેલાં એક કપલને મેં સહજભાવે સજેશન કર્યું કે આ મહીનામાં મેરેજ હૉલથી માંડીને કેટરીંગ સર્વીસવાળાના ભાવ ઓછા હશે, તો અત્યારે પરણી જાવ ને, બધું સસ્તામાં પતી જશે. અપેક્ષા મુજબ સામેવાળા ભડક્યા. કમુરતાંમાં લગ્ન કરાય ?
ચાલો સોરી ભાઈ, કમુરતાંમાં લગ્ન ન કરાય; પણ પછી સમુરતાં (આવો કોઈ શબ્દ છે ?) એટલે કે સારા મુહુર્ત, બહુ મહેનતથી શોધ્યા બાદ પણ એ જ સમયે ખરેખર લગ્ન કરવાના છો ? લગ્નની કંકોતરીમાં લખ્યું હોય, હસ્તમેળાપનો શુભ સમય: બપોરે 2.35 કલાકે; પણ સાચું કહેજો : એવું કેટલી વાર બનતું જોયું છે કે બરાબર બે ને પાત્રીસના ટકોરે કન્યાનો હાથ કુમારના હાથમાં મુકાયો હોય ? અમે, અડધો ડઝન વડીલો – પંડીતોને ભેગા કરીને ઝીણવટભેર છોકરા–છોકરીની જન્મપત્રીકાઓ જોઈને લગ્નનું મુહુર્ત કઢાવ્યું હોય; પણ લગ્નનો દીવસ ઉગે કે આખુંય ટાઈમટેબલ તડકે મુકાઈ જાય. હસ્તમેળાપનો સમય સવારે દસ વાગ્યાનો હોય; પણ સાડા અગીયાર વાગે ત્યાં સુધી કન્યાને એના રુમમાં બ્યુટી પાર્લરવાળી બહેન મેકઅપ કરતી હોય, જાનૈયાઓ દુર દુર રસ્તા પર નાચી રહ્યા હોય અને ગોરમહારાજ નીરાન્તે ગલોફામાં પાન જમાવીને છાપું વાચતાં બેઠા હોય, એવાં અનેક લગ્નો મેં જોયાં છે, માણ્યાં છે (તમે પણ સાંભળ્યું – જોયું કે કર્યું હશે).
કહેવાનો અર્થ એ કે સમયની ઐસીતૈસી જ કરવી હોય તો શુભ–અશુભ મુહુર્ત જોવાની માથાકુટમાં પડવું જ શું કામ ? આની સામે એવું કહી શકાય કે ઘડીયાળ નહીં; પણ કેલેન્ડર સામે તો આપણે જોઈએ છીએ ! લગ્ન માટે સારો દીવસ હોય, એટલે પત્યું ! બેના ચાર વાગે તો વાંધો નહીં.
પરન્તુ આવું આશ્વાસન લેવું હોય તો પછી દીવસનાં ચોઘડીયાંને શુભ, લાભ, ચલ, સામાન્ય વગેરે વગેરે ગણાવતાં કેલેન્ડર અને પંચાંગને ફાડીને ફેંકી દેવાં જોઈએ. આપણી મરજી પડે એ મુહુર્ત ! અને આમેય સારું મુહુર્ત, એ સફળ લગ્નજીવનની ગેરન્ટી આપતું હોય તો આપણે ત્યાં બધાં પતી–પત્ની સુખી હોત અને છુટાછેડા જેવો શબ્દ જ આપણા શબ્દકોશમાંથી નીકળી ગયો હોત.
હવે આ કમુરતાં શબ્દ આવ્યો ક્યાંથી, એ કોઈને ખબર છે ?
આપણી જુની પરમ્પરાઓ પાછળનાં કારણો સમજાવતી એક પુસ્તીકામાં મેં હમણાં વાચ્યું કે ખેડુતો માટે આ સમય બહુ વ્યસ્તતાનો હોય છે. ખેતરમાં કાપણી થાય, એ બજારમાં વેચવા જાય, સ્ત્રીઓ અનાજની સાફસુફીમાં વ્યસ્ત હોય, એટલે આવા સમયે લોકોને લગ્ન જેવા મોટા, મહત્ત્વના પ્રસંગો ગોઠવવાનું પરવડે નહીં, એટલે પછી એને કમુરતાં ઠરાવી  દેવાયાં (મહેરબાની કરીને નોંધ લેવી કે આ સંશોધન મારું નથી. જાણકારે લખેલી વાત મેં માત્ર દોહરાવી છે.)
પરન્તુ માની લો કે આ વાત સાચી હોય તો કમુરતાં માત્ર ખેડુતોને અને અનાજના વેપાર સાથે સંકળાયેલા લોકોને લાગુ પડવાં જોઈએ. એરહોસ્ટેસ તરીકે કામ કરતી છોકરીને કે આઈટી કંપનીમાં નોકરી કરતા છોકરાને ખેતરમાં વાવણી–કાપણીના સમય સાથે શું લાગેવળગે ?
અલબત્ત, જ્યોતીષશાસ્ત્રના પંડીતો, આસ્થાળુઓ કમુરતાંના આ અર્થઘટનનો સખત વીરોધ કરીને આસમાનમાં ફરતા ગ્રહોની સારી–નરસી અસરની વાત કરશે. અહીં જોવાનું એ કે જે ખરેખર ગ્રહોનો અભ્યાસ કરે છે, એ ખગોળશાસ્ત્રીઓને કોઈ ગ્રહ કે તારા અશુભ કે બદમાશ નથી લાગતા. મુમ્બઈસ્થીત નહેરુ પ્લેનેટોરીયમના ભુતપુર્વ ડીરેક્ટર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવળે વર્ષો પહેલાં એમની સુપરકુલ સ્ટાઈલમાં મને કહેલું કે મંગળથી શું ડરવાનું ? એ ગ્રહ તો એટલો નીરુપદ્રવી છે કે પકડીને પાણીની બાલદીમાં નાખો તો શાંતીથી તર્યા કરે ! પરન્તુ આપણે ત્યાં મંગળને નામે કેટલાય છોકરા–છોકરીઓ હેરાન થાય છે અને ‘ગ્રહશાન્તી’ને નામે પૈસાના ધુમાડા થાય છે. જાણે કોઈ એસ.એસ.સી. નાપાસ ગોરમહારાજ, જે સંસ્કૃત શ્લોકોનું સરખું ઉચ્ચારણ પણ ન કરી શકતો હોય એ ધરતી પર બેઠાં બેઠાં આસમાનમાં ફરતા ગ્રહોને કાબુમાં લાવી શકતો હોય !
અમુકતમુક રીવાજો, કર્મકાંડની પાછળ પ્રાચીન વીજ્ઞાનના સીદ્ધાન્તો છે. આ વાક્ય મેં આજ સુધીમાં લાખેક વાર તો સાંભળ્યું હશે; પરન્તુ ખરેખર જેમને વીજ્ઞાનમાં શ્રદ્ધા છે કમસે કમ થોડી ઘણી જાણકારી છે એ તો જાણતા હશે કે છેલ્લાં પચાસ–સો વર્ષમાં કેટલા નવા ગ્રહોની શોધ થઈ છે ! તો પછી એમાંથી કોઈ આપણને નડતો નહીં હોય ? આપણને હેરાન કરવાનો ઈજારો, પેલા જુના ને જાણીતા નવ જ ગ્રહોએ લીધો છે ? નવા શોધાયેલા ગ્રહ સારા ને નીરુપદ્રવી હોય તો જુના કેમ વાતે વાતે અશાંત થઈ જતા હશે ? અને ઘણા લોકો હજીય પૃથ્વીને સપાટ જ માને છે, એમના પર ગ્રહોની અસર થોડા જુદા એંગલથી થતી હશે ? અને આસમાનમાં પણ પ્રદેશવાદ, કોમવાદ ચાલતો હશે ? જે ગ્રહ ભારતના હીન્દુને નડતો હોય અમેરીકાના ખ્રીસ્તીને કેમ છોડી દેતો હશે ?
અલબત્ત, આટલાં વર્ષોમાં એ પણ જોયું છે કે આપણી પ્રજા ભલે આ જ્યોતીષશાસ્ત્ર, શુભ–અશુભ ચોઘડીયામાં માનતી હોય; પણ બીજી તરફ બહુ પ્રેકટીકલ પણ છે. દાખલા તરીકે, કમુરતામાં નવાં ઘર, કાર, ઘરેણાંની ખરીદી ન કરાય; પણ આ સમયગાળામાં હેવી ડીસ્કાઉન્ટ મળતું હોય એ કેમ છોડાય ? એટલે વચલો રસ્તો નીકળે. વસ્તુ પસંદ કરીને, થોડી એડવાન્સ રકમ ચુકવીને બુકીંગ કરાવી લો. કમુરતાં પતી ગયા બાદ એની ફીઝીકલ ડીલીવરી લેવાની. એડવાન્સ બુકીંગ કે પાર્ટ પેમેન્ટ જેવાં કાર્યો શુભ નહીં ગણાતાં હોય. કમુરતામાં સોનું ભલે ન ખરીદાય; પણ શાકભાજી ને સાકર ખરીદવાની છુટ રખાઈ છે.
આ પ્રેકટીકલ એપ્રોચ લગ્નને લાગુ ન પાડી શકે ? હમણાં મેરેજ હૉલ સહેલાઈથી મળી જાય છે તો મહેંદી, મ્યુઝીક પ્રોગ્રામ, જમણવાર વગેરે બધી પ્રાથમીક વીધીઓ પતાવી નાખવી. આમેય ત્યાં ચોઘડીયાં નથી નડતાં. માત્ર અગ્ની ફરતે ચોથો (કે સાતમો) ફેરો બાકી રાખવો, જે કમુરતાં ઉતરી ગયા બાદ ઘરમેળે ફરી લેવાય. આ વાંચીને મને મુર્ખ કહેતાં પહેલાં દસ વાર વીચાર કરજો. ગ્રહદશામાંથી બચવા માટે તમે કોઈ વાર, ક્યાંય પણ નાની સરખીય ગોલમાલ નથી કરી ? એક જમાનામાં કહેવાતું કે બુધવારે ભાઈ–બહેન છુટાં પડે તો અપશુકન થાય; પણ બુધવારની ટ્રેન કે પ્લેનની ટીકીટ આવી ગઈ હોય તો શું કરવું ? એટલે પછી જેણે નીકળવાનું હોય એ ભાઈ કે બહેન મંગળવારે પોતાનું એકાદ શર્ટ કે સાડી, ઘરની બહાર (કે પાડોશમાં) મુકી આવે. ભાઈ–બહેન, મંગળ–બુધ ગ્રહ અને બધાંય સુખી(રાજીના રેડ) !
અને છેલ્લે એટલું કહો કે શુભ મુહુર્ત જોઈને શરુ કરેલાં તમારાં બધાં કામકાજ સફળ જ નીવડ્યાં છે ?

–વર્ષા પાઠક
અક્ષરાંકન: ગોવિંદ મારૂ  
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.