Sunday, February 24, 2013

કેવો જમાનો આવ્યો છે ? – ગુલાબદાસ બ્રોકર



મારું મિત્રમંડળ સારું એવું મોટું છે. ઘણું જ મોટું હતું, પણ હું એટલું બધું જીવ્યો કે એમાંથી ઘણાબધા, એક પછી એક આ જગત છોડીને ચાલ્યા ગયા. ને છતાંય હજી રહ્યા છે તે ઓછા નથી રહ્યા. તે મિત્રોમાં ભાઈઓ છે, લગભગ તેટલી જ બહેનો પણ છે. એ બધાં જ મિત્રો, ભાઈઓ અને બહેનો બધાં જ મારી જેમ સાહિત્ય વાંચવાનાં અને વાતો કરવાનાં શોખીન છે. તેમની સોબતમાં કલાકો ક્યાં ચાલ્યા જાય એની ખબર જ ન પડે. અને કેટલીક વાર તેમાં એવી વાતો નીકળે કે જીવનભર તે મારી સ્મૃતિની છીપમાં સચવાઈ રહે. એ બધી વાતો આનંદપ્રદ જ હોય એવું નહીં. વિષાદપ્રેરક પણ હોય, પણ જીવન ઉપર પ્રકાશ પાથરનારી તો હોય જ.
એવી એક વાત મને બહુ યાદ રહી ગઈ છે. હજી થોડા સમય પહેલાં જ એ વાત મને મારાં એક બહુ જ નજીકનાં મૈત્રિણીએ કરેલી. એ બહેન મારે ઘરે આવે ત્યારે મારા અને મારી પત્નીનાં મોં પર આનંદ પથરાઈ જાય. એમના મોં પર પથરાયેલો આનંદ પણ એ વાતની સાક્ષી પૂરે. પણ આ વખતે એ બહેને જે વાત કરી તે આનંદપ્રેરક નહોતી, પણ આપણા અત્યારના સમાજજીવનમાં કેવી આછકલાઈ, કેવી ક્ષુલ્લકતા જામી પડી છે તેની દ્યોતક હતી.
એ વાત આ પ્રમાણેની હતી :
એ બહેન પણ મારા જેવા વાતોનાં શોખીન. બહુશ્રુત અને વિદ્વાન પણ ખરાં. એટલે એમની પાસે અનેક બહેનો પોતાનાં સુખદુઃખની વાતો કરવા આવે. હમણાં થોડા સમય પહેલાં જ, એવી એક બહેન તેમને મળવા આવી. દુઃખી દુઃખી જેવી લાગતી હતી. હંમેશાં આનંદમાં રહેતી, અને આનંદ ફેલાવતી આ બહેનપણીને આવી વિષાદમય અને દુઃખી જેવી જોતાં એ બહેનને પણ દુઃખ થયું. તેમણે એને પૂછ્યું.
‘કેમ ? આજે તું આવી સોગિયણ ને દુખિયણ જેવી કેમ લાગે છે ? કંઈ થયું છે ?’
એ બાઈ રડવા જેવી થઈ ગઈ. માંડ માંડ બોલી : ‘મેં એક નિર્ણય કર્યો છે બહેન, તેથી એવી લાગું છું.’
‘એવો તે શો નિર્ણય કર્યો છે તે ?’ પેલાં બહેને આતુરતાથી પૂછ્યું.
‘એ નિર્ણય છે મારા પતિથી છૂટાછેડા લેવાનો.’ બોલતાં બોલતાં તેનો અવાજ જરા મક્કમ બની ગયો.
‘હેં ? હેં ? છૂટાછેડા ? પણ શા માટે ? તમે બંને કેવાં પ્રેમીપંખીડાં છો !’
‘એ જ દુઃખ છે ને ? પ્રેમી પંખીડાં હોય એ પ્રેમમાં જરા પણ વિધ્ન સહી શકે નહીં.’
‘પણ એવું તો શું થયું બહેન ? તું માંડીને વાત કર.’ કહેતાં તે તેની નજીક સર્યાં.
‘ગઈ કાલે રજા હતી, અને મેં નક્કી કર્યું હતું કે આજે સાંજે રસોઈબસોઈની માથાકૂટ નથી કરવી. સાંજે બહાર જઈ કોઈક સરસ હોટેલમાં જમીશું.’
‘સરસ.’ પહેલાં બહેન બોલ્યાં.
‘શું ધૂળ સરસ ? સામો માણસ સમજદાર હોય તો એ વાત સરસ બને ને ?’ તેનો અવાજ જરા મરડાયો.
‘કેમ ? એણે એવી નાસમજ કઈ બતાવી ?’
મેં કહ્યું : ‘આજે બહાર ખાઈશું.’ તો એ કહે : ‘આજે નહીં, બીજે કોઈ દહાડે જઈશું.’
‘કેમ ? આજે વળી શું છે તે આજે નહીં ?’ મેં પૂછ્યું.
તો કહે : ‘આજે મને તારા હાથનાં ભજિયાં ખાવાનું બહુ મન થયું છે. કેવાં સરસ ભજિયાં તું બનાવે છે !’
‘એવાં સરસ તો એ કાલે પણ બનશે.’ મેં કહ્યું : ‘પણ મારે તો આજે બહાર જ ખાવું છે.’
‘ના કાલે બહાર ખાઈશું. પણ આજે તો તું સરસ ભજિયાં બનાવ તારે હાથે.’
‘એમાંથી ચણભણ થઈ ગઈ. હું કહું કે મારે બહાર ખાવું છે, એ કહે મારે તારાં ભજિયાં ખાવાં છે. ગમેતેટલું મેં કહ્યું પણ એ પણ એ માન્યા જ નહીં. મને પરાણે ઘરમાં ગોંધી રાખી, ને મારા હાથનાં જેવાં બન્યાં એવાં ભજિયાં ખાઈને જ રહ્યો !’ બહેનપણી હસી પડી. ‘વાહ વાહ’ કરતી. પછી કહે : ‘પણ એમાં છૂટાછેડા લેવાની વાત જ ક્યાં આવી ?’
‘ત્યારે શું નહીં તો ?’ પેલી મોઢું ચડાવીને બોલી, ‘પોતાની પત્નીનું આટલું પણ મન ન રાખે, ને આવી બધી જબરજસ્તી કરે એવા માણસ સાથે કોણ રહે ? હું તો જેટલું બને તેટલું જલદી તેનાથી છૂટી થઈ જવા માગું છું. પછી ભલે એ બેઠો બેઠો એનાં ભજિયાં ખાધાં કરે.’
બહેનપણીને હસવું આવતું હતું. પછી તેણે જોયું કે હસીશ તો આ બાઈ વધારે બગડશે. એટલે તે હસી નહીં.
બોલી : ‘બસ આટલી વાતમાં છૂટાં થઈ જવાનું ?’
‘આજે આટલી થઈ તો કાલે વધારે મોટી ન થાય. એના કરતાં આપણે એકલાં સારાં. કોઈથી દબાવાનું તો નહીં !’ બહેનપણી સમજદાર હતી. તેણે તે સ્ત્રીને તેનો બળાપો કાઢવા દીધો. પછી તેની સાથે વાતો કરીને તેને સમજાવી કે આવી અમથી વાતમાં કંઈ આવા સારા લગ્નજીવનને ખતમ કરી દેવાય ?
પેલી રોઈ પડી : ‘પત્નીનું આટલું પણ માન ન રાખે એ ધણી શા કામનો ?’
બહેનપણીએ કહ્યું : ‘એને પણ એવું જ નહીં થતું હોય કે આજને બદલે કાલે બહાર ખવાય જ, તો પછી પતિનું આટલું એવું મન પણ ન રખાય ?’
‘તું તો એવી જ છે. બધાંને શિખામણ આપનારી.’ એ જુસ્સાથી બોલી ઊઠી.
‘શિખામણ નથી દેતી, બહેન, સાચી વાત કરું છું.’ અને કલાકોની ગંભીર વાતો પછી તે માંડ માંડ સમજી. બોલી : ‘આજે તારી વાત માનું છું. પણ મને એવું માઠું લાગેલું !’
‘આ જિંદગી જ એવી છે, બહેન. એમાં અનેક ઘૂંટડા પીવાના હોય. એમ કંઈ વાતવાતમાં આપણો સંસાર ભાંગી ન નખાય.’ અંતે પેલી બહેનપણી સ્વસ્થ થઈને ઘરે ગઈ, પણ આ બહેનને એ વાત એટલી અસર કરી ગઈ કે મારી પાસે એ વાત કરતાં એ ગળગળાં થઈ ગયાં. બોલ્યાં :
‘કેવો જમાનો આવ્યો છે, ભાઈ ?’
મેં કહ્યું : ‘સાચી વાત છે. કેવો જમાનો આવ્યો છે ?’
પછી એ બહેન તો ગયાં. પણ આવી આવી નાનકડી વાતોમાં પોતાનાં અને પારકાંનાં જીવનને છિન્નભિન્ન કરી નાખનારી મનોદશા મારી સ્મૃતિની છીપમાં એવી જડાઈ ગઈ છે કે એ ત્યાંથી કદાચ, કદીયે ઊખડશે નહીં

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.