Monday, February 18, 2013

દુનિયાનું સૌથી વધુ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે – રમેશ ઠક્કર…[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના પુસ્તકોમાંથી સાભાર]

માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે. પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે. મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. એમાં વડીલો પાર્જિત વારસાઈના દાવપેચ નથી હોતા.
હમણાં એક મિત્ર દંપતિ પાસે બેઠો હતો. વાત ચાલતી હતી એમની ઉંમરલાયક દીકરી અંગેની. કોલેજમાં ભણતી એમની દીકરી હમણાંથી કોઈપણ કારણવગર બસ ગુમસુમ રહેતી હતી. તેની આ સ્થિતિ અંગે કોઈ કશું જાણી શકતું ન હતું. શહેરના શ્રેષ્ઠ સાયકોલોજિસ્ટ પણ એમાં નિષ્ફળ રહ્યા હતા. આખરે તેઓએ તેની ખાસ બહેનપણીને આ કામ સોંપ્યું અને આશ્ચર્યજનક રીતે થોડીક જ મિનિટોમાં તેની ઉદાસીનું કારણ જાણવા મળી ગયું. પ્રશ્નનું સુખદ નિરાકરણ થઈ ગયું. આ કિસ્સામાં એવી કોઈ અસામાન્ય ઘટના નથી. આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે. આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે. અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. અંગ્રેજીમાં કહેવાયું છે કે : ‘Friend in need is friend indeed.’ સંસ્કૃતમાં એક સુભાષિત છે કે માણસના દુઃખના સમયમાં એનો શ્રેષ્ઠ મિત્ર કોણ હોઈ શકે ? જવાબમાં કહેવાયું છે કે ‘ઘરનો ખૂણો.’ મિત્રનું લેબલ લાગે એટલે ઘરનો નિર્જીવ લાગતો ખૂણો પણ જિવંત બની જાય છે. અને એમાંથી આશ્વાસન મળે છે.

દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે. ‘મરીઝ’ એવું કહે છે કે હું દુનિયામાં ઘણા બધાનો કરજદાર છું. મારે બધાયનું ઋણ ચૂકવવું છે પરંતુ એ ઉપકારો એટલા બધા છે કે જો અલ્લાહ એટલે કે ભગવાન ઉધાર આપે તો જ બધાનું ઋણ ઉતારી શકાય. આ બાબત મિત્રોના કિસ્સામાં લાગુ પડતી નથી. એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે. એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી નથી. મિત્રતાની બુલંદ ઈમારતનો પાયો સ્વાર્થરહિત સ્પંદનો ઉપર રચાયેલો હોય છે. સુદામાના તાંદુલ માટે કૃષ્ણનો તલસાટ હોય કે દુર્યોધન માટેનો કર્ણનો આદર – એ બંને ભલે સામસામા છેડાના મનોભાવ હોય પરંતુ એમાંથી જે મહેંક મળે છે એ મિત્રતાની હોય છે. મિત્રતા એક એવો આવિષ્કાર છે જેનો તમે અનુભવ કરી શકો છો. કોઈ શબ્દ કે માધ્યમ થકી એનું આલેખન કે નિરૂપણ કરવું એ પાણીમાં ડિઝાઈન દોરવા જેવું હોય છે. મિત્રતાનું કોઈ નામ નથી. કોઈ સરનામું નથી. પેલાં હિંદી ફિલ્મી ગીતને થોડા શબ્દફેર સાથે કહીએ તો….
‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહસે મહેસુસ કરો
દોસ્તી કો દોસ્તી રહને દો કોઈ નામ ન દો….’

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.