Tuesday, February 12, 2013

મિસકૉલ મારવાની મજા– ગુણવંત શાહ


ભારતની બધી ભાષાઓના બધા શબ્દકોશમાં ન જડે એવો એક શબ્દ હવે લોકજીભે ચડી ચૂક્યો છે. બૉસ અને એના ડ્રાઈવરને જોડતો એ શબ્દ છે : ‘મિસકૉલ.’ મોબાઈલ ફોન વાપરનારા લોકોમાં ગરીબ લોકોનું પ્રમાણ ઓછું નથી. ઝૂંપડપટ્ટીમાં મોબાઈલ ફોન ધરાવનારા લોકોની સંખ્યા ઓછી નથી હોતી. ઘરની કામવાળી પણ પોતાના પતિને મિસકૉલ મારતી હોય છે. મિસકૉલની દુનિયા અનોખી છે.
ઈલેક્ટ્રોનિક સ્વર્ગના સ્વપ્નદ્રષ્ટા માર્શલ મેકલુહાને એક સૂત્ર વહેતું મૂકેલું : ‘મિડિયમ ઈઝ મૅસેજ.’ આ સૂત્રમાં મૅસેજ શબ્દ ખૂબ મહત્વનો છે. મૅસેજ એટલે સંદેશો. સંદેશો મોકલવાની અનેક રીત છે. જ્યાં જ્યાં પ્રત્યાયન કે કૉમ્પ્યુનિકેશન થાય ત્યાં સંદેશો એક નાકેથી બીજા નાકે પહોંચે છે. લેખક લખીને સંદેશા મોકલે છે. ચિત્રકાર ચિત્રકામ કરીને સંદેશા મોકલે છે. શિક્ષક વર્ગમાં ભણાવે ત્યારે સંદેશા મોકલતો હોય છે. વક્તા લાંબું પ્રવચન કરે, પણ કોઈ સમજે નહીં ત્યારે શું બને છે ? મૅસેજ રિસીવ થયો, પણ રજિસ્ટર ન થયો. આવું બને ત્યારે શ્રોતાઓ બગાસાં ખાય છે તોય વિદ્વાન વક્તા માઈક છોડતા નથી. સભામાં બગાસું ખાવું એ શ્રોતાનો સૌથી નિખાલસ અભિપ્રાય ગણાય. અભિનેતાનો અભિનય એ પણ કમ્યુનિકેશન છે. પત્ની ક્યારેક આંસુ દ્વારા પતિને સંદેશો પાઠવે છે. ચુંબન પણ કમ્યુનિકેશન છે. નૃત્ય પણ કમ્યુનિકેશન છે. લાલ આંખ કરવી એ પણ સંદેશો મોકલવાની જ એક રીત છે. બૉડી લૅંગ્વેજ પણ કમ્યુનિકેશન છે. આખી દુનિયા આવા અસંખ્ય કમ્યુનિકેશન પર નભેલી છે. અરે ! સંગીત પણ કમ્યુનિકેશનનો જ એક પ્રકાર છે.
મોબાઈલ ફોન શબ્દો પહોંચાડે છે. એ શબ્દ બોલવાથી-સાંભળવાથી પહોંચે છે અને વળી એસએમએસ દ્વારા પણ પહોંચે છે. માનવીનો ઉદય થયો ત્યારથી એ સ્વજનોને અને શત્રુઓને સંદેશો (મૅસેજ) પહોંચાડતો રહ્યો છે. સદીઓ સુધી એણે ઉદ્દગાર દ્વારા કામ ચલાવ્યું. ધીમે ધીમે ઉદ્દગારમાંથી બોલીનો જન્મ થયો. બોલીમાંથી ભાષા પેદા થઈ. ભાષા જન્મી પછી સદીઓ વીતી ગઈ ત્યારે વ્યાકરણનો જન્મ થયો. માણસ ન બોલીને પણ સામા માણસને સંદેશો પહોંચાડી શકે છે. પત્ની ક્યારેક રિસાઈ જઈને એવો સંદેશ પહોંચાડે છે, જે એની વાણી પણ ન પહોંચાડી શકે. સંસ્કૃતમાં ઉક્તિ છે : ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનમ શિષ્યસ્તુ છિન્નસંશય: | ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે, જે શિષ્યના સંશયને દૂર કરે છે. માંદા બાળકના શરીરે માતા હાથ ફેરવે ત્યારે એ બોલ્યા વિના ઘણુંબધું કહી દેતી હોય છે.

આફ્રિકાના દેશોમાં ચોરી થાય એમાં મોબાઈલ ફોનની ચોરી મોખરે છે. આફ્રિકાના જંગલમાં મોબાઈલ ફોનને કારણે આવેલી કમ્યુનિકેશન-ક્રાંતિ અદ્દભુત છે. ચોરેલા મોબાઈલ પરથી જંગલમાં રહેતો આદિવાસી અન્ય આદિવાસી મિત્રે ચોરેલા મોબાઈલ પર વાત કરે તે એક રોમાન્ટિક અનુભવ ગણાય. માઈલોનું અંતર ખરી પડે છે. સમય થંભી જાય છે. ક્યારેક બે ‘મળેલા જીવ’ વચ્ચે મુગ્ધતાનું મેઘધનુષ રચાય છે. જૂની ફિલ્મનું ગીત યાદ છે ?
મેરે પિયા ગયે રંગૂન
વહાં સે કિયા હૈ ટેલિફૂન
તુમ્હારી યાદ સતાતી હૈ,
જિયામેં આગ લગાતી હૈ !
મિસકૉલની શોધ કોણે કરી ? ગરીબને પણ મોબાઈલ ફોન ગમી ગયો છે, પરંતુ વારંવાર ફોન કરવાનો વૈભવ એને પોસાય એમ નથી. પરિણામે એણે સામેવાળાને મિસકૉલ દ્વારા સંદેશો આપવાની એક એવી યુક્તિ શોધી કાઢી, જેને કારણે વગર ખર્ચે સંદેશ પહોંચાડી શકાય. બે મિત્ર એક જ કારમાં રોજ સવારે સ્વિમિંગ પુલ પર જાય છે. બહુમાળી મકાન પાસે પહોંચીને પંદરમે માળે રહેતા મિત્રને મિસકૉલ મારે ત્યારે ફોન પર ઘંટડી કે કૉલરટ્યૂન વાગે પછી બટન દબાવીને ફોન કટ કરવામાં આવે છે. એક પણ પૈસાના ખર્ચ વિના સંદેશ પહોંચી જાય છે : ‘હું નીચે તારી રાહ જોઈને ઊભો છું. તું આવી જા.’ આ ટૅકનિક કેટલા મોટા પ્રમાણમાં વપરાય છે એનો ખ્યાલ આવે એ માટે ગરીબ હોવું જરૂરી છે, ફરજિયાત નથી. માલદાર માણસ પાર્ટીમાં જાય છે. એનો ડ્રાઈવર જ્યાં જગ્યા મળે ત્યાં થોડે છેટે ગાડી પાર્ક કરે છે. પાર્ટી પૂરી થાય ત્યારે ડ્રાઈવરને મિસકૉલ દ્વારા ખબર આપવામાં આવે છે : ‘હું પ્રવેશદ્વાર પાસે ઊભો છું, તું ત્યાં આવી પહોંચ.’
આવી રીતે ફોનના બિલને સખણું રાખવામાં કોઈ અપ્રમાણિકતા નથી. મુંબઈથી વિમાનમાં દિલ્હી પહોંચીને કોઈ ધનપતિ પત્નીને મિસકૉલ દ્વારા એટલો સંદેશો પાઠવી દે છે કે પોતે દિલ્હી પહોંચી ગયો છે. મિસકૉલ મારવાની મજા માણનારા લોકોની બુદ્ધિ અત્યંત તીવ્ર હોય છે. હજૂરને અને મજૂરને, શેઠિયાને અને વેઠિયાને તથા ઠાકરને અને ચાકરને જોડતો સેતુ મિસકૉલ છે. મનુષ્ય પ્રાર્થના કરે તે પણ એક પ્રકારનો મિસકૉલ છે, કારણ કે ઈશ્વર ફોન રિસીવ ન કરે તોય મૅસેજ પહોંચી જાય છે. કવિ દલપતરામ ડાહ્યાભાઈ (ક.દ.ડા.)એ ભગવાનને મિસકૉલ માર્યો હતો તેમાં નીચેની પંક્તિઓ મોકલી હતી. પ્રાર્થનારૂપે લખાયેલી પંક્તિઓ તા. 27મી ફેબ્રુઆરી, 1872ને દિવસે જન્મી હતી. પંક્તિઓ સાંભળો :
ભક્તોનાં દુઃખ ભાંગવાં, તે છે તારી ટેવ
સહાયતા કરી આ સમે, દુઃખ હરનારા દેવ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.