Wednesday, February 20, 2013

ભાર વિનાનું ભણતર….– મુકેશ મોદીઆધુનિક યુગમાં ‘ભાર વિનાના ભણતર’ની વાતો તો ટનબંધ થઈ રહી છે; પણ શું ખરેખર ભણતર ભાર વિનાનું છે ? કે પછી ‘ભાર વિનાના ભણતર’ની વાતો કરવી પણ એક મૉડર્ન ગણાવવા માટેની આવશ્યક ફૅશન જ છે ?….. ખલીલ જિબ્રાન તો કહી ગયો છે કે, ‘તમારાં બાળકો તમારાં નથી, એ તો જીવનનાં, પ્રકૃતિનાં, સૃષ્ટિનાં સંતાનો છે.’ પણ આપણે રેસમાં દોડીએ છીએ અને રેસમાં દોડતી વખતે લક્ષ્ય દેખાય, દોડવાના તોરતરીકા તરફ દુર્લક્ષ્ય જ સેવાય. આવા સુંદર વિચારો વાંચીએ ન વાંચીએ ત્યાં તો તમારા ચિરા-ગે-રોશનની શાળાથી ફોન આવે છે : ‘તમારા બાબાને સમજાવો કે તોફાન ન કરે… બિલકુલ લખતો નથી… કંઈક કહેવા જઈએ તો સામે દલીલો કરે છે.’ હવે ખલીલ જિબ્રાન જાય છે કચરાપેટીમાં અને શરૂ થાય છે તમારા દેવના દીધેલને સીધો કરવાના અખતરા-પેંતરા. હૉસ્ટેલમાં મૂકી દેવાની ધમકી, જેટલી વાર બૉર્નવિટા પીવરાવો છો એના કરતાં વધારે વાર તો તમે આપી જ ચૂક્યા છો અને એક દિવસ ટેણિયું સંભળાવી દે : મૂકી દે હૉસ્ટેલમાં, તારી કચકચથી તો છુટકારો મળશે !
વરસોવરસથી બાળઉછેરનાં પુસ્તકો ધાર્મિક પુસ્તકોની જેમ લખાય છે. વંચાય છે. ઉપરથી બાળઉછેરનાં પુસ્તકો વાંચ્યા પછી બાળકોનું તો આવી જ બન્યું છે. એક બાળક રડતું હતું એટલે બીજાએ કારણ પૂછ્યું તો કહે, ‘આજે મારી મમ્મી બાળઉછેરનું નવું પુસ્તક લાવી છે અને મને વિશ્વાસ છે કે અખતરા મારી ઉપર જ થવાના છે.’ મિત્રો, તમને નથી લાગતું કે બાળઉછેરનાં પુસ્તકોનું સાચું ટાઈટલ તો ‘માતાપિતા ઉછેરનાં પુસ્તકો’ એવું હોવું જોઈએ ? જે કરવાનું છે તે સભાનપણે આપણે કરવાનું છે, આપણી અજાણપણે થઈ ગયેલી ભૂલોનાં પરિણામો એ નહીં ! એક તો મા-બાપ બનવા માટે કોઈ ખાસ આવડત/લાયકાતની જરૂર નથી. કલેક્ટર ઑફિસના કલાર્ક બનવું હોય તો સ્ટેનો, ટાઈપ, કમ્પ્યૂટર અને બીજું ઘણું બધું આવડવું જોઈએ, પણ મા-બાપ તો કોઈ પણ એરોગેરો નથ્થુરામ બની શકે છે ! વાત વિચારવા જેવી તો ખરી જ કે આખરે બાળકોને શા માટે ભણાવીએ છીએ ? કિંતુ આ પ્રશ્ન પહેલા પણ એક પ્રશ્ન ઉદ્દભવવો જોઈએ : આખરે આપણે બાળકોને પેદા શા માટે કરીએ છીએ ? લગ્ન કર્યાને ઠરીઠામ થયા ન થયા હોઈએ, પ્રોબેશન પિરિયડ માંડ માંડ પતવા આવ્યો હોય ત્યાં તો શાંતાબહેનો અને કાંતાબહેનો કોરસરૂપે ગણગણવાનું શરૂ કરી દેશે : હવે ઘોડિયું ક્યારે બાંધો છો મારા લાલ ?
પ્રથમ પ્રશ્ને જ આંખ મીંચી દીધી છે એટલે બીજો સવાલ – ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?’ ઉત્પન્ન થવાનો સવાલ જ નથી. હજુ કુંવરે માંડ માંડ ગડથોલિયાં ખાવાનું બંધ કર્યું ન કર્યું હોય ત્યાં તો એને પ્લે ગ્રૂપનાં ગડથોલિયાં ખવરાવવાનું શરૂ કરી દઈએ છીએ. હજુ તો માંડ માતૃભાષાનું ધાવણ હોઠે ચડ્યું ન ચડ્યું ત્યાં તો પરદેશી ભાષાનાં ઈન્જેકશન મારવાનું શરૂ ! શાળાઓ એક કામમાં માહેર છે : સપનાઓનો વેપલો કરવામાં ! તમારી ગુડિયાને જૅક ઍન્ડ જિલ ગોખાવી ગોખાવી ગવડાવે છે, કારણ કે તમારી ગુડિયા એમના માટે એક પ્રોડક્ટ છે. ચાર જણા વચ્ચે જો એનું ટિવંકલ ટિવંકલ ઝાંખું પડી જશે તો તમારી આબરૂના લીરેલીરા ઊડશે જ પણ તરત પ્રશ્ન પુછાશે કે કઈ શાળામાં ભણે છે ? તમારું બાળક સ્કૂલની જાહેરખબરનું માધ્યમ છે, અને એ પણ એમની જાહેરાત કરવાના પૈસા, તગડી ફી રૂપે, તમે ચૂકવો છો. અરે, બાળકની નૈસર્ગિક શક્તિની વાતો કરનારાઓ તમને ખબર છે ખરી કે શક્તિ શું ચીજ છે ? શાળાઓ માટે તમારો નંદકિશોર એક રોલ નંબર છે, જેને એક રૂમ નંબરમાં બેસાડવામાં આવે છે, અને કવચિત જેમ કેદીને ટ્રાન્સફર વૉરન્ટ ઉપર એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવામાં આવે છે તેમ એને એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જવાય છે.
જો વાત ખરેખરી કુદરતી શક્તિઓની જ હોય તો, તમે જ કહો દામિનીબહેન, એવું તો કેવી રીતે બને કે દરેકને આર્ટ એન્ડ ક્રાફટમાં રસ પડવો જ જોઈએ ? એવું શક્ય છે કે તમને ચાઈનીઝ બનાવવાની મજા આવતી હોય તો યામિનીબહેનને પણ ચાઈનીઝ બનાવવાની મજા આવે જ આવે ? એક અદ્દ્ભુત નિયમોની દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં આપણા ગમા-અણગમાને આપણા વ્યક્તિત્વનો હિસ્સો માની લઈએ છીએ, અને બાળકના ગમા-અણગમાને એના વ્યક્તિત્વવિકાસમાં આડખીલી રૂપ બાબત ! શું આ છે આપણું ભાર વિનાનું ભણતર ? અને હમણાં હમણાં નાક લૂછવા માટે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરતા શીખેલી મમ્મીઓને તાલિબાની ઝનૂન છે એમના બાળકો માટે. ‘ઑબ્સેશન’ એટલે શું ? એ ડિક્ષનરીમાં નહીં કોઈ પણ તાજી બનેલી મમ્મીને જોઈએ એટલે વગર ભાષાએ સમજાઈ જાય. બધાને બધું આવડવું જ જોઈએ એ માનસિકતાને ક્યું નામ આપીશું ? જે મા-બાપો માને છે કે તેમના ટેણિયાને બધું જ આવડવું જોઈએ એ બધા બુધ્ધુઓને એક લાઈનમાં ઊભા રાખી, તમંચાને ધડાકે દોડાવવા જોઈએ. અને એ પણ સ્પષ્ટ સૂચના સાથે કે રેસમાં બધા પહેલા નંબરે આવવા જોઈએ ! જો જો, શું હાલત થાય છે….. ‘ફાંદ રબ્બરના દડાની જેમ ઊછળતી હશે પ્રવીણભાઈ તમારી, અને મણીબહેન તમે પંદર ડગલાં દોડીને સંન્યાસ લઈ લેશો સંન્યાસ….’
‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?’ – જો આ ધ્રુવ પ્રશ્ન વિશે દરરોજ સવાર, બપોર અને રાત્રે એક ચમચી પણ ચિંતન કરવામાં આવે તો એ તમારા દ્વારા તમારા બાળકને આપવામાં આવતી સુંદરતમ સોગાદ હશે. ડૉ. રઈશ મનીઆરના સાલસ શબ્દોમાં કહીએ તો, ‘પ્રશ્ન ઉદ્દભવશે તો ઉત્તર આપોઆપ મળશે.’ ભાર વિનાના ભણતરની વાતો આજના સમયમાં ફૅશનેબલ બની ગઈ હોય એવું નથી લાગતું ?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.