Saturday, February 2, 2013

સન્તો અને બુદ્ધીવાદ--દીનેશ પાંચાલ

દરેક માણસના મસ્તકમાં વીચારબૅંક આવેલી છે. દેહવીજ્ઞાનની ભાષામાં એને દીમાગ કહેવામાં આવે છે. બૅંકોમાં ઉજળાં નાણાં ભેગું કાળું નાણું પણ હોય તેમ માણસના દીમાગમાં સાચા ભેગી જુઠી વાતો પણ હોય. કહે છે કે એક કરોડ ઘુવડો ભેગા મળે તો છતાં સુરજે અંધારું થઈ જાય. અહીં એક વાત ધ્યાન બહાર ન રહી જવી જોઈએ. કરોડો ઘુવડો ખોટા છે એવું આપણે આપણી આંખની ક્ષમતાને કારણે કહી શકીએ છીએ. ઘણીવાર બે માણસનાં સત્ય વચ્ચે ઘુવડ અને માણસની આંખ જેટલું છેટું પડી જાય છે. ઘુવડો બોલી શકતા હોત તો માણસ સાથે તેનો જરુર વીવાદ થયો હોત. સમાજમાં અસત્ય વકરે ત્યારે વાદવીવાદનો કોલાહલ સર્જાય છે. અને સત્ય વકરે ત્યારે ‘સત્યશોધક સભા’ની સ્થાપના થાય છે. સત્ય અને અસત્યની દોરડાખેંચ નર્મદના જમાનાથી ચાલતી આવી છે. એ ગજગ્રાહમાંથી એક સત્યવાદ જન્મ્યો તે ‘વીવેકબુદ્ધીવાદ’. એને વીજ્ઞાનપ્રમાણીત ‘સત્યનો ધરમકાંટો’ કહી શકાય. સત્યનાં એ ત્રાજવાંમાં પણ ક્યારેક બે પલ્લાં વચ્ચે ધડાનો ફેર પડી જાય છે. એક જણ જુદું માને; બીજો જુદું માને !
ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા કથાકારોએ નાસ્તીકોના ફંક્શનમાં હાજરી ન આપવી જોઈએ એમ ઘણા માને છે. બીજી તરફ ઘણાનું કહેવું છે કે નાસ્તીકોએ તેમના ફંક્શનમાં કથાકારને બોલાવવા જ ન જોઈએ. (અમારા બચુભાઈ માને છે કે નાસ્તીકોના સંમેલનમાં કથાકારને મંચ પર બેસાડવામાં આવે તે એવી વીચીત્રતા છે માનો, કોઈ ભુવા પાસે વીજ્ઞાનમેળાનું ઉદ્ ઘાટન કરાવવામાં આવતું હોય !) વીવાદનો કોઈ અંત નથી. એક દોરડાને બે માણસો ખેંચે ત્યારે ત્રણ વાત બને છે. (1) જે મજબુત હોય તે પોતાના તરફ દોરડું ખેંચી જાય છે. (2) બન્ને સરખા મજબુત હોય તો દોરડું સ્થીર રહે છે અને (3) બન્ને બેહદ જોર લગાવે તો દોરડું તુટી જાય છે. સમાજમાં ઘણા વૈચારીક ગજગ્રાહોનાં દોરડાં તંગ રહેતાં આવ્યાં છે. મોટેભાગે આવા ગજગ્રાહોમાં સત્યની નહીં; બળની જીત થાય છે.
માણસ ચા બનાવે કે કોફી, બન્નેમાં તપેલીની જરુર પડે છે તેમ ચર્ચા શ્રદ્ધાની થાય કે અશ્રદ્ધાની એમાં વીચારશક્તી અનીવાર્ય હોય છે. પ્રયત્ન કરીએ તો પણ મુળ સત્યને કોઈથી મરોડી શકાતું નથી. જો કે હવે સત્યનો પણ ‘મેકઓવર’ થાય છે. કાગડા કાળા જ હોય. એને ધોળા રંગથી રંગવો એ સત્યનું રીનોવેશન કરેલું ગણાય. શાક માર્કેટમાં કેપ્સીકમ મરચાં પહેલાં લીલાં જ જોવા મળતાં. હવે લાલ અને પીળા રંગનાં પણ મળે છે. કાળક્રમે સત્યો પણ કેપ્સીકમની જેમ રંગ બદલે છે. ચર્ચા, દલીલ, તર્ક, વીતર્ક એ બધાંને ધારેલી દીશામાં મરોડી શકાય છે. આવું થાય ત્યારે મુળ ચર્ચા વંટોળીયાની જેમ સત્યના એપી સેન્ટરથી ધમરોળાઈને દુર નીકળી જાય છે. જીદ, મમત, હઠાગ્રહ કે હમસચ્ચાઈ એ ચાર બાબતો રૅશનાલીઝમ માટે ચાર ડાઘુ જેવી કામગીરી બજાવે છે. બધી સ્મશાનયાત્રાઓની નનામી રોડ પર નીકળતી નથી. બધા મૃત્યુની શોકસભા યોજાતી નથી.
સન્તોને નાસ્તીકોના ફંક્શનમાં બોલાવવા જોઈએ કે નહીં; એ મુદ્દો ઘણો ચર્ચાયો. એક વાત નીર્વીવાદ સ્વીકારવી પડશે. સત્યને જુથબંધી ન હોવી જોઈએ. આખા વીશ્વ માટે સત્યનું ભોજન તૈયાર થયું હોય તેમાં આસ્તીક–નાસ્તીકનો ભેદભાવ ન હોઈ શકે. ભુખ પેટની હોય કે દીમાગની, માણસ માત્ર માટે જ્ઞાનનો ખોરાક જરુરી છે. રૅશનાલીઝમમાં કોઈ ઉપયોગી બાબત હોય તો કોઈ પણ સંત તેમાં સુર પુરાવે તે આવકારદાયક લેખાય. સત્ય કોઈ એકની જાગીર નથી. યાદ રહે જે સત્ય નાસ્તીકોની દુકાને નથી ખપી શકતું તે રામકથાના દરબારમાં રમતાં રમતાં વેચાઈ શકે છે. રામના નામે પથરા તર્યા હશે કે ન હશે; પણ રામના નામે રૅશનાલીઝમ અવશ્ય તરી જશે. સંતો પાસે ધર્મનું શક્તીશાળી માધ્યમ છે. ધર્મના માઈક્રોફોનમાંથી નીકળતા ઉપદેશો સાંભળવા કરોડો કાન તત્પર હોય છે.  રૅશનાલીઝમ માટે તો રૅશનાલીસ્ટોને પણ શ્રદ્ધાળુઓ જેટલો ઉમળકો નથી ! એક સત્ય દીવાદાંડી બની ચારે દીશાનું અંધારુ દુર કરે એ સમાજોપયોગી બાબત છે. એમાં સાધુ–સંતો કે આસ્તીક–નાસ્તીકના ભેદભાવો ન હોવા જોઈએ.
બીજી નક્કર વાત સાંભળો. જો રૅશનાલીઝમમાં રોજબરોજ જીવાતા જીવનનાં નક્કર સત્યો હશે તો કોઈ સાધુ–સંતો કે ભગતો તેના મુળીયાં ઉખેડી શકશે નહીં. કોણ બોલે છે તેનું નહીં; તે શું બોલે છે તેનું મહત્ત્વ હોય છે. આપણી અંદરના ત્રાજવે તોળીને એ સમજવાનું છે કે મોરારજી દેસાઈ દારુ પીવાની ભલામણ કરે તેથી દારુની હાનીકારકતા નષ્ટ થઈ જવાની નથી. બીજી તરફ ઓસામા બીન લાદેન શાન્તીની હીમાયત કરે તો તેને એક આતંકવાદીની હીમાયત ગણીને ફગાવી દેવાની જરુર નથી. કેટલાંક સત્યો વીવેકબુદ્ધીના બેરોમીટરથી તપાસતાં પોકળ જણાય છે. પરન્તુ રૅશનાલીઝમ અને જીવન એ બેનો હમ્મેશાં મેળ ખાતો નથી. જીવનમાં જીવાતાં વ્યવહારુ સત્યો જુદાં હોય છે અને વાસ્તવમાં જે અસલ સત્યો છે તે જુદાં છે. આ બન્ને સત્યોનો સમન્વય કર્યા પછી જન્મતું ‘વ્યવહારુ–રેશનાલીઝમ’ સમાજનું કલ્યાણ કરી શકે છે.
એક બે દાખલા જોઈએ. લાખો શ્રદ્ધાળુઓ (શીક્ષીતો) પણ સવારે સુર્યવંદના કરે છે. એ અન્ધશ્રદ્ધા હોય તોય તેનાથી સમાજનું ધનોતપનોત નીકળી જતું નથી. યાદ રહે અન્ધશ્રદ્ધાનો આનંદ પણ મદીરાપાન જેવો છે. દારુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે છતાં;  નાસ્તીકો પણ તે પીએ છે. કેમ…? આનંદ મળે છે માટે ! (સંભવત: ‘બેફામ’ સાહેબે સાચું જ લખ્યું છે– ‘પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા… મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ…!) જીવનના પ્રત્યેક આનંદને ન્યાય, નીતી અને સત્યના ત્રાજવે તોલી શકાતો નથી. ચીનનો બ્રાહ્મણ સાપ, દેડકાં, ઉંદર વગેરે આરોગે છે. કહો જોઉં, એ સારુ છે કે ખરાબ તે કોણ અને શાના આધારે નક્કી કરશે?
બીજો મુદ્દો જોઈએ. માન્યું કે દીશાઓ માણસે શોધી છે. બ્રહ્માંડમાં દીશાઓ જેવું કશું છે જ નહીં. વાત સો ટકા સાચી. પણ શું દીશાઓ વીના માણસને ચાલશે ખરું ? (ડુંગરો કદી પગથીયાં વાળા હોતા જ નથી. પગથીયાં માણસ પોતે બનાવે છે. પણ પગથીયાં વીના ચાલે ખરું ?) દીશાઓ પણ ડુંગરના પગથીયાં જેવી છે. તે દરીયામાં, આકાશમાં, ધરતી પર કે રણમાં પ્રવાસ કરતી વેળા અનેક રીતે ઉપયોગી થાય છે. અમદાવાદ કઈ દીશામાં આવ્યું તે વાત કોઈને સમજાવવા માટે માણસે શોધી કાઢેલી તરકીબને દીશા કહી શકાય. તે અન્ધશ્રદ્ધા હોય તો પણ ઉપયોગી અને અનીવાર્ય અન્ધશ્રદ્ધા છે. ખરી વાત એટલી જ કે જીવનામાં સુખશાન્તીથી જીવી જવા માટે માણસ પોતાની રીતે જે વ્યવસ્થા ગોઠવે તેમાં ક્યાંક ખોટું પણ થતું હોય છે. પણ અસલી મુદ્દો એ છે કે જીવન કદી વ્યાખ્યાઓ અને વીજ્ઞાન વડે જીવી શકાતું જ નથી. સંજોગના પવન પ્રમાણે માણસે સુપડું ફેરવવું પડે છે. માણસ આસ્તીક હોય કે નાસ્તીક, વન વેમાં ટ્રીપલ સીટે સ્કુટર લઈને ઘુસી જાય પછી પોલીસ મેમો ફાડે તે પહેલાં પોલીસના ખીસ્સામાં સોની નોટ સરકાવી દે છે. આજપર્યંત એક પણ નાસ્તીક માણસે (રીપીટ એક પણ નાસ્તીકે…) પકડાયા પછી પોલીસ સામે એવી જીદ પકડી નથી કે મેં ગુનો કર્યો છે માટે કાયદા પ્રમાણે તેની સજા થવી જોઈએ.

ધુપછાંવ

માણસ સુરજને નમસ્કાર કરી લીધા પછી સુર્યપ્રકાશમાંથી વીજળી પેદા કરવાના સંશોધનમાં લાગી જતો હોય તો તેની અંગત શ્રદ્ધાનું સમાજને કોઈ નુકસાન નથી. માણસે તેમ કર્યું પણ છે. ઉંદરને ગણપતીનું વાહન માનતો માણસ પ્રયોગશાળામાં ઉંદરો પર પ્રયોગો કરીને અનેક દવાઓ શોધે છે. સવારે સુરજને વંદન કર્યા પછી તે સોલર–કુકર વડે તેની પાસે ખીચડી રંધાવી લે છે. નાગપાંચમને દીને નાગની પુજા કર્યા પછી તેના ઝેરમાંથી જ તે ઝેરમારણના ઈંજેક્શન બનાવે છે.

અક્ષરાંકન:ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.