Thursday, August 30, 2012

એક સાદી કસોટી-ડૉ. આઈ. કે. વિજળીવાળા


તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું. તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.

1. 1984ની સાલના દુનિયાના 3 સૌથી ધનવાન માણસોના નામ આપો.
2. 1977નું નોબલ પ્રાઈઝ મળ્યું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
3. 1980ની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર ત્રણ એથ્લેટ્સનાં નામ આપો.
4. હિમાલયન કાર રેલીના 3 વિજેતાઓનાં નામ આપો.
5. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર પાંચ જણનાં નામ આપો.

કાં ? કેમ લાગ્યું ?

જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ ! પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે આ બધી. સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ ! છતાં આપણને એ લોકો આટલાં થોડાં વર્ષો બાદ યાદ પણ નથી રહેતાં. તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઈનામો, ઍવૉર્ડઝ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો.

હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ. નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ :

1. એવા ત્રણ શિક્ષકોના નામ આપો જેણે તમને નિશાળ કે કૉલેજકાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય.
2. એવા ત્રણ મિત્રોના નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય.
3. તમારા સાચા રાહબર બન્યા હોય તેવા ત્રણ વડીલોનાં નામ આપો.
4. પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી ત્રણ વ્યક્તિઓનાં નામ આપો.
5. જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હો તેવી ત્રણ વ્યક્તિઓનાં નામ આપો !

કાં ? હવે કેવું લાગ્યું ? અત્યંત સહેલું ને ?

કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા એવોર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહીં પરંતુ આપણું હૃદય તો જીવનપર્યંત એમને યાદ રાખે છે !!

(મૂળ શીર્ષક : A little perpective )

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.